કાંદામાં તેજી રોકવા ભાવમર્યાદા વિશે રિઝર્વ બૅન્કે સરકારને પત્ર લખ્યો

15 October, 2021 03:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદામાં ભાવ ટૂંકા ગાળામાં જ બમણા થઈ જતાં સરકારની સાથે રિઝર્વ બૅન્કને પણ હવે મોંઘવારીની ચિંતા

પ્રતીકાત્મક તસવીર

કાંદામાં  તેજીને રોકવા માટે હવે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ દરમિયાનગીરી કરી છે અને કેન્દ્ર સરકારને પત્ર લખીને કાંદાના ભાવને રોકવા માટે એના પરના ભાવ મર્યાદિત કરવા માટે સરકારને પત્ર લખ્યો છે. એક રીતે કાંદાના ઊંચા ભાવ પર ભાવબાંધણું કરવાની રજૂઆત રિઝર્વ બૅન્કે સરકારને કરી છે.

રિઝર્વ બૅન્કે સરકારને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં આ વર્ષે કાંદાનો પાક ઓછો થયો છે, જેને પગલે એના ભાવ વધી રહ્યા છે. પરિણામે સરકારે સપ્લાય સાઇડ પર કોઈ પગલાં લેવાની સાથે ઉપરના ભાવ મર્યાદિત રહે એ પણ જોવાની જરૂર છે.

કાંદામાં તેજીને રોકવા માટે સરકારી એજન્સી નાફેડે મેથી જુલાઈ મહિના દરમિયાન બે લાખ ટન કાંદાની ખરીદી કરી હતી, જેને પણ હવે બજારમાં રિલીઝ કરી રહ્યા છે. કાંદાના ભાવ વધવાથી બીજાં શાકભાજીના ભાવ પણ વધે છે અને એને કારણે ફુગાવો વધી જાય છે. આવી સ્થિતિમાં સરકાર પહેલાં કાંદાના ભાવને નિયંત્રણ રાખવા માટે પ્રયાસ કરી રહી છે.

દેશમાં કાંદાના ભાવ છેલ્લા એક મહિનામાં બમણાથી પણ વધુ વધી ગયા છે. લાસણગાંવ મંડીમાં કાંદાના ભાવ ક્વિન્ટલના ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા હતા, જે હવે વધીને ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે.

business news