રીડેવલપમેન્ટ : આમચી મુંબઈ માટે વરદાન

01 October, 2022 12:44 PM IST  |  Mumbai | Dhiren Doshi

જગ્યાની સતત માગ સાથે-સાથે ભારતની નાણાકીય રાજધાની તરીકે મુંબઈનું વધતું મહત્ત્વ અને વિશ્વનાં શ્રેષ્ઠ શહેરો સાથે સ્પર્ધામાં રહેવાના એના સતત પ્રયાસોથી મુંબઈ આધુનિકીકરણ તરફ આગળ વધ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ શહેરની તાસીર હંમેશાં બદલાતી રહે છે. હવે એક બાજુ દિવસે-દિવસે વધુ ને વધુ ઊંચી ઇમારતો તૈયાર થઈ રહી છે અને બીજી બાજુ ઘણી મોટી સંખ્યામાં ઇમારતો જૂની થઈ રહી છે. વળી, સારી નોકરીઓ, બહેતર વ્યવસાયની તકો અને વિશ્વના અન્ય કોઈ પણ મેટ્રો શહેર જેવા આધુનિક જીવનની શોધમાં સમગ્ર દેશમાંથી પરિવારોના સતત ધસારાને કારણે રહેણાક જગ્યાની માગ સતત વધતી જાય છે. મુંબઈમાં છેલ્લાં ૫૦ વર્ષોમાં વધુ રહેણાક અને વ્યાપારી બન્ને પ્રકારનાં મકાનોના બાંધકામની માગ વધતી ગઈ છે.

નવા બાંધકામ માટે વધુ જમીન બાકી નહીં હોવાથી અને છેલ્લા પાંચ દાયકામાં સતત જૂની થતી જવાને કારણે શહેરના મોટા ભાગોમાં જૂની ઇમારતો જર્જરિત થવા લાગી છે. આવામાં એ જૂનાં બાંધકામ તોડીને તેમને ફરીથી વિકસાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ હવે બચ્યો નથી. 

આથી મુંબઈમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. સમગ્ર મુંબઈમાં આ ચલણ છે, જેના માટે સતત સાનુકૂળ સંજોગો આકાર લઈ રહ્યા છે. 

જગ્યાની સતત માગ સાથે-સાથે ભારતની નાણાકીય રાજધાની તરીકે મુંબઈનું વધતું મહત્ત્વ અને વિશ્વનાં શ્રેષ્ઠ શહેરો સાથે સ્પર્ધામાં રહેવાના એના સતત પ્રયાસોથી મુંબઈ આધુનિકીકરણ તરફ આગળ વધ્યું છે.

સરકાર, બૅન્કો, સોસાયટીઓ અને બિલ્ડરો એ બધાએ રીડેવલપમેન્ટ માટે હાથ મિલાવ્યા છે. આજે આપણે મુંબઈના દરેક ઉપનગરની દરેક ગલીમાં એક નવો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જોઈ રહ્યા છીએ. 

વન વિન્ડો મારફતે ફાસ્ટ ટ્રૅક મંજૂરીઓ ઉપરાંત પ્રીમિયમમાં રાહતો, સરકાર તરફથી વધુ સવલતોને લીધે રીડેવલપમેન્ટ આગળ વધી રહ્યું છે. 

બૅન્કોના નીચા ધિરાણ દરે પણ આ પરિવર્તનમાં મદદ કરી છે. એ ઉપરાંત રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઍક્ટે (રેરા) ખૂબ જ જરૂરી ભરોસો આપ્યો છે, જેનો હંમેશાં બાંધકામ હેઠળના પ્રોજેક્ટ માટે અભાવ રહેતો હતો. 

‘નવું ભારત, આત્મનિર્ભર ભારત’ સૂત્રને સમર્થન આપવાની દરેક મુંબઈકરની લાગણીને વેગ મળ્યો છે અને આ રીતે રિયલ્ટી સેક્ટરમાં વેચાણમાં તેજી આવી છે. કોવિડ પછીના સમયમાં દરેક વ્યક્તિમાં નવી ઊર્જા જોવા મળી છે અને વેચાણ બમણું થઈ ગયું છે. ઘર, ઑફિસ અને વેરહાઉસની વિશાળ માગ ઊભી થઈ છે.

ડેવલપર્સ હવે રીડેવલપર્સ બન્યા છે, જૂનાં જર્જરિત બિલ્ડિંગોને નવો દેખાવ મળવા લાગ્યો છે અને સામાન્ય મુંબઈગરાને જીવનભરમાં એક વાર સ્લમને અલવિદા કહેવાની અને સ્લમ પુનર્વસન યોજના હેઠળ પોતાના સ્વપ્નના ફ્લૅટમાં રહેવાની તક મળી છે. મધ્યમ આવક ધરાવતા પરિવારોને હવે તેમના નાના ઘરની જગ્યાએ મોટું ઘર મળી શકે છે, જેથી પરિવારના તમામ સભ્યોને સારું જીવન મળે.

મુંબઈ હવે સ્કાયસ્ક્રેપરથી ભરેલું છે. પશ્ચિમ ઉપનગરોમાં રીડેવલપમેન્ટ તેજીમય છે. વિલે પાર્લે જેવાં ઉપનગરોમાં હંમેશાં સંભાવનાઓ હતી, પરંતુ ઍરપોર્ટ ઑથોરિટીનાં ઊંચાઈનાં નિયંત્રણોને કારણે વિલે પાર્લેમાં ઊંચી ઇમારતો નથી બનાવી શકાતી. આથી આ યોજના હેઠળ ૧૦૦થી વધુ નવા પ્રોજેક્ટ્સ સાથે બોરીવલીને રિડેવલપમેન્ટનું નવું કેન્દ્ર બનવાનો માર્ગ મળ્યો છે. ડેવલપરોની તમામ મોટી બ્રૅન્ડ્સે મલાડથી બોરીવલીના વિસ્તારમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. ખાસ કરીને, બોરીવલી મુંબઈનું નવું મૅનહટન બની શકે છે.

થોડાં વર્ષો પહેલાં આપણા બધાના મનમાં ઘણા પ્રશ્નો હતા, જેમ કે...
શું ઝૂંપડપટ્ટીનો ક્યારેય વિકાસ થશે?
શું જર્જરિત બાંધકામોને ક્યારેય નવીનીકરણ કરવાની તક મળશે?
શું સામાન્ય મુંબઈગરાને ક્યારેય આધુનિક સુવિધાઓ સાથે સારું જીવન મળશે?
શું મુંબઈ ક્યારેય શાંઘાઈ બનશે?

પરંતુ આજે આપણી પાસે આ બધા પ્રશ્નોના જવાબ મળી રહ્યા છે. જૂની ઇમારતોનું રીડેવલપમેન્ટ એ એક મોટી સફળતા છે. ખૂબ જ ટૂંકા સમયમાં ઝૂંપડપટ્ટીઓ અદૃશ્ય થઈ જશે, જૂનાં માળખાં આધુનિક ટાવરોમાં બદલાઈ જશે અને ગીચ ઑફિસ વિસ્તારો મોટાં ઑફિસ કૉમ્પ્લેક્સ બની જશે.

રીડેવલપમેન્ટ બધા માટે ફાયદાકારક છે. હવે ‘આમચી મુંબઈ’ રહેવા માટે એક અત્યાધુનિક વૈશ્વિક શહેર બની જશે.

business news