મુંબઈમાં નવરાત્રિના પ્રથમ સાત દિવસમાં ઘરનું રજિસ્ટ્રેશન વધ્યું

15 October, 2021 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રાન્કે કહ્યું હતું કે દરરોજ સરેરાશ ૩૫૬ યુનિટના હિસાબે એકંદરે ૨૪૯૪ યુનિટનું રજિસ્ટ્રેશન થયું હતું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં નવરાત્રિના પ્રથમ સાત દિવસમાં એટલે કે સાતમીથી તેરમી ઑક્ટોબર દરમિયાન રહેણાક પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન વધીને લગભગ ૨૫૦૦ યુનિટ થયું હતું.

પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રાન્કે કહ્યું હતું કે દરરોજ સરેરાશ ૩૫૬ યુનિટના હિસાબે એકંદરે ૨૪૯૪ યુનિટનું રજિસ્ટ્રેશન થયું હતું. આની પહેલાં ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં દરરોજ અનુક્રમે ૨૧૯ અને ૨૬૦ યુનિટનું રજિસ્ટ્રેશન થયું હતું.

નાઇટ ફ્રાન્કના ચૅરમૅન શિશિર બૈજલે કહ્યું હતું કે લગભગ એક દાયકા સુધી તહેવારોની મોસમમાં પણ માગ રહેતી ન હતી. આ વર્ષે નરમાશનું ચક્ર તૂટ્યું છે. સ્ટેમ્પ ડ્યુટીમાં કોઈ છૂટ નહીં હોવા છતાં ઘરનું રજિસ્ટ્રેશન વધ્યું છે. એના પરથી સ્પષ્ટ થાય છે કે ખરીદદારો વર્તમાન સંજોગોનો લાભ ઉઠાવવા માનસિક રીતે સજ્જ થયા છે. હાલ હોમ લોન પરનો વ્યાજદર દાયકામાં સૌથી નીચો છે.

business news