19 June, 2026 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)એ શુક્રવારના રોજ કંપનીની ૪૯મી વાર્ષિક સામાન્ય સભા (Relianc AGM 2026)માં એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms)ના બોર્ડે તેના આઇપીઓ (IPO) માટેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP)ને મંજૂરી આપી દીધી છે. મુકેશ અંબાણીએ ઉમેર્યું હતું કે આ દસ્તાવેજ આજે જ બજાર નિયામક સેબી (SEBI) સમક્ષ ફાઇલ કરવામાં આવશે. તેમણે આ ઘટનાક્રમને પોતાના માટે એક અત્યંત ભાવનાત્મક સીમાચિહ્ન ગણાવ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ ૪૯મી AGM રોકાણકારો માટે ફરી એકવાર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે, કારણ કે ગ્રૂપના મુખ્ય વ્યવસાયોને લઈને મોટી જાહેરાતો (Jio Platforms IPO announced) થવાની અપેક્ષાઓ અગાઉથી જ ખૂબ વધારે હતી. બજારનું મુખ્ય ધ્યાન જિયો પ્લેટફોર્મ્સના જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવા IPO પર કેન્દ્રિત હતું, તેની સાથે જ શેરધારકો કંપનીની રિન્યુએબલ એનર્જી (ગ્રીન એનર્જી), ડેટા સેન્ટર્સ અને રિટેલ સેક્ટરને લગતી ભવિષ્યની યોજનાઓ વિશે જાણવા પણ એટલા જ આતુર છે.
રોકાણકારોનું માનવું છે કે આ વર્ષની AGM એવી ઘણી યોજનાઓ પર મહત્વની સ્પષ્ટતા લાવી શકે છે, જેના પર વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી પરંતુ તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા અત્યાર સુધી નક્કી થઈ શકી ન હતી.
જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms)એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ વિંગ છે, જે ગ્રૂપની ટેલિકોમ કામગીરી, ટેકનોલોજી સાહસો અને ડિજિટલ સેવાઓને એક છત્ર હેઠળ લાવે છે. કંપનીએ હજુ સુધી આ પબ્લિક ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ અથવા તેના કુલ કદનો ખુલાસો કર્યો નથી, કારણ કે નિયામક મંજૂરીઓ મળ્યા બાદ અને ઓફર પ્રાઇસ નક્કી થયા પછી જ આ બંને બાબતો સ્પષ્ટ થશે.
અહેવાલ અનુસાર, કંપની દ્વારા કરવામાં આવેલા ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું છે કે જિયો પ્લેટફોર્મ્સના આ IPO માં રુપિયા ૧૦ ની ફેસ વેલ્યુ ધરાવતા ૨૭ કરોડ સુધીના ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ (Fresh Issue) સામેલ હશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બીએસઈ (BSE) ફાઇલિંગમાં જણાવ્યું છે કે ઇશ્યૂની કિંમત બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે. વૈશ્વિક વ્યૂહાત્મક રોકાણકારો પાસેથી રુપિયા ૧.૫ લાખ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યાના લગભગ છ વર્ષ બાદ, પોતાના આ ડિજિટલ બિઝનેસને શેરબજારમાં લિસ્ટ કરાવવા તરફ રિલાયન્સનું આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. આ લિસ્ટિંગ પછી આ ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ કંપની ભારતની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપનીઓમાં સ્થાન મેળવે તેવી અપેક્ષા છે.
મુકેશ અંબાણીએ તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, ‘રિલાયન્સ તેના શેરધારકો સાથે જે સંબંધ ધરાવે છે તે ગૌરવ, વિશ્વાસ, આદર અને સહિયારી વૃદ્ધિ પર આધારિત એક ઊંડો અને પવિત્ર સંબંધ છે.’
રિલાયન્સે શરૂઆતમાં આ ઇશ્યૂને મોટાભાગે `ઓફર ફોર સેલ` (OFS) તરીકે લાવવાનું વિચાર્યું હતું, પરંતુ પાછળથી તેનું ધ્યાન `ફ્રેશ ઇશ્યૂ` (નવા શેર જાહેર કરવા) પર કેન્દ્રિત કરવામાં આવ્યું. અગાઉ આ ફાઇલિંગ માર્ચ મહિનામાં થવાની ધારણા હતી, પરંતુ પશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતા અને શેરબજારમાં વધેલી અસ્થિરતાને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું, જેથી કંપની લોન્ચિંગના યોગ્ય સમયનું પુનઃમૂલ્યાંકન કરી શકે. નવા ઇશ્યૂના માળખા હેઠળ, આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલું ભંડોળ અસ્તિત્વમાં રહેલા શેરધારકોને મળવાને બદલે સીધું કંપનીના ખાતામાં જાય છે.
આ સૂચિત પબ્લિક ઓફરિંગને વર્ષની સૌથી મહત્વપૂર્ણ વેલ્યુ-અનલોકિંગ પહેલ ગણાવતા મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘આ લિસ્ટિંગ રિલાયન્સના વર્તમાન શેરધારકો માટે મોટું મૂલ્ય ઊભું કરશે, જ્યારે નવા રોકાણકારોને જિયોની ભવિષ્યની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવાની તક આપશે.’
અંબાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘આ IPO પ્રક્રિયાની દેખરેખ તેમના સંતાનો – આકાશ, ઈશા અને અનંત અંબાણી રાખી રહ્યા છે, જેઓ જિયોને તેના વિસ્તરણ અને મૂલ્ય નિર્માણના આગામી તબક્કામાં આગળ લઈ જશે.’
મુકેશ અંબાણીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, ‘જિયોનું આ સૂચિત લિસ્ટિંગ સમગ્ર વિશ્વને બતાવી દેશે કે ભારત વૈશ્વિક સ્તર, વૈશ્વિક ક્ષમતા અને વૈશ્વિક મૂલ્ય ધરાવતી ટેકનોલોજી કંપનીઓ બનાવી શકે છે.’