25 July, 2026 10:06 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
રિલાયન્સ સવા વર્ષના તળિયે જઈ નજીવા સુધારામાં બંધ ઃ SBI ફન્ડ્સ બિલો-પાર થઈ બાઉન્સ-બૅક થઈ, મિલવર્ક્સ ટેક્નૉલૉજીઝ ઉપલી સર્કિટ સાથે સતત નવા શિખરે ઃ અપાર ઇન્ડસ્ટ્રીઝ પરિણામના કરન્ટમાં વૉલ્યુમ સાથે ૪૪૭ રૂપિયા વધીને બંધ ઃ આવક-નફામાં ગાબડાંના પગલે ઇન્ડોસોલર મંદીની સર્કિટમાં ઃ ACCનો નફો ૬૧ ટકા ડાઉન, શૅર અડધો ટકો અપ ઃ પરિણામના પગલે લૌરસ લૅબ બેસ્ટ લેવલે
બ્રેન્ટ ક્રૂડ ૧૦૧ ડૉલર વટાવી ગયા પછી સવાબે ટકાની પીછેહઠમાં ૯૮ ડૉલર આસપાસ આવી ગયું છે. લેવલનો ખાસ મતલબ નથી. તમામ અગ્રણી એશિયન બજાર શુક્રવારે માઇનસ થયાં છે. સાઉથ કોરિયા ૬ ટકા, જપાન ૩ ટકા, તાઇવાન પોણાત્રણ ટકા, ચાઇના બે ટકા, હૉન્ગકૉન્ગ એક ટકો ડૂલ થયું છે. યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકો અપ હતું. ડૉલર સામે રૂપિયો ૯૬.૫૮ના આગલા બંધ સામે બગડી ૯૬.૬૮ થઈ રનિંગમાં ૯૬૫૬ ચાલતો હતો. બિટકૉઇન અડધો ટકો સુધરી ૬૫,૩૬૫ ડૉલર દેખાયો છે. ટ્રમ્પે ટૅરિફનો ગંજીફો ફરીથી ચિપવાનું શરૂ કર્યું છે. અેમાં પ્રથમ તબક્કે ટૅરિફ્સ રૂલ્સની ક્લમ ૩૦૧ હેઠળ ૬૦ દેશો ઉપર ૧૦થી ૧૨.૫ ટકાની નવી ટૅરિફ નાખી દીધી છે. ભારત ૧૦ ટકાની કૅટેગરીમાં છે. બાય ધ વે, પાકિસ્તાનને પણ ૧૦ ટકામાં જ રાખ્યું છે. ચાઇના ઉપર સાડાબાર ટકાની નવી ડ્યૂટી લાગશે.
ઘરઆંગણે ઘટાડાતરફી વલણ જાળવી રાખતાં સેન્સેક્સ આગલા બંધથી ૬૮૩ પૉઇન્ટ નરમ, ૭૫,૭૦૮ ખૂલી છેવટે ૩૩૨ પૉઇન્ટની નરમાઈમાં ૭૬,૦૬૦ તથા નિફ્ટી ૧૦૨ પૉઇન્ટ ઘટી ૨૩,૭૬૭ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૫,૪૭૪ થયા બાદ ઉપરમાં ૭૬,૨૧૧ દેખાયો હતો. સાધારણ પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૭૦૩ શૅરની સામે ૧૫૯૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૯૫,૦૦૦ કરોડ ઘટી ૪૭૫.૬૯ લાખ કરોડ થયું છે. બહુમતી સેક્ટોરલ છે. ઑટો, પાવર, રિયલ્ટી, ઑઇલ-ગૅસ, કૅપિટલ ગુડ્સ જેવા ઇન્ડેક્સ પોણાથી એક ટકો કટ થયા હતા. ટેલિકૉમ એક ટકા કપાયો છે, સામે નિફ્ટી મીડિયા ૧.૯ ટકા પ્લસ હતો. IT ૦.૭ ટકા સુધર્યો છે. બૅન્ક નિફ્ટી નજીવો વધ્યો છે.
HCL ટેક્નૉલૉજીઝ બે ટકા વધી ૧૨૭૧ બંધમાં બંને બજારમાં ઝળકી હતી. વિપ્રો ૧.૩ ટકા, સિપ્લા સવા ટકો, આઇટીસી ૦.૮ ટકા, HDFC લાઇફ પોણો ટકો વધી હતી. ઇન્ફોસિસ ધારણા કરતાં ઓછા નેટ પ્રૉફિટ સામે ગાઇડન્સીસના ડાઉન ગ્રેડીંગમાં પાંચ ગણા કામકાજે નીચામાં ૧૦૧૪ થઈ એક ટકો બગડી ૧૦૪૧ બંધ રહી છે. ટીસીએસ અડધો ટકો વધી ૨૨૫૪ હતી. ભારતી અૅરટેલનાં પરિણામ ૪ ઑગસ્ટે છે, પણ શૅર ગઈ કાલે નીચામાં ૧૮૭૮ બતાવી ૧.૭ ટકા ગગડી ૧૮૯૯ બંધમાં બજારને ૮૩ પૉઇન્ટ નડ્યો છે. બજાજ ફાઇનૅન્સ બે ટકા ખરડાઈ ૧૦૧૮ બંધમાં ઘટવામાં ૪૮ પૉઇન્ટ ભારે પડી છે. અન્યમાં એટર્નલ ૨.૩ ટકા, મહિન્દ્રા ૨.૧ ટકા, ઇન્ડીગો પોણો ટકો, શ્રીરામ ફાઇનૅન્શિયલ બે ટકા, ONGC દોઢ ટકા, હિન્દાલ્કો ૧.૩ ટકા, આઇશર સવા ટકો, બજાજ ઓટો ૧.૪ ટકા બગડી છે. ડૉ. રેડ્ડીઝ લૅબ સવા ટકા ઘટી ૧૧૫૨ હતી. રિલાયન્સ તાજેતરની નબળાઈ બાદ ગઈ કાલે ઉપરમાં ૧૨૮૩ દેખાડી ૧૨૫૦ના સવા વર્ષના તળિયે જઈ છેવટે નજીવા સુધારે ૧૨૭૮ થઈ છે. જીઓ ફાઇનૅન્શિયલ ૦.૭ ટકા સુધરી ૨૩૫ હતી. HDFC બૅન્ક નીચામાં ૭૩૭ બતાવી પોણા ટકાની નરમાઇમાં ૭૪૩ હતી. અૅક્સિસ બૅન્ક અડધો ટકો તો કોટક બૅન્ક અને સ્ટેટ બૅન્ક સામાન્ય સુધરી છે. ICICI બૅન્ક ૧૪૩૩ના લેવલે ફ્લૅટ રહી છે.
મોતીલાલ ઓસવાલ પરિણામ પાછળ ૭.૪ ટકા ખરડાઈ
અદાણી ગ્રુપની ACC લિમિટેડે પોણાઆઠ ટકાના ઘટાડામાં ૫૭૯૦ કરોડની આવક મેળવી છે, નેટ નફો ૬૧ ટકા જેવો તૂટી ૧૪૭ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૧૩૧૩ થઈ અડધા ટકા સુધારામાં ૧૩૪૧ બંધ રહ્યો છે. લૌરસ લૅબ દ્વારા ૨૯ ટકાના વધારામાં ૨૦૨૬ કરોડની આવક ઉપર અગાઉના ૧૬૩ કરોડ સામે બમણાથી વધુ, ૩૬૮ કરોડ ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર ૧૬૧૦ની ઑલટાઇમ હાઈ બનાવી અઢી ટકા વધી ૧૬૦૮ હતો. SBI લાઇફની નેટ પ્રીમિયમ ઇન્કમ ૧૭ ટકા વધી ૨૦,૦૭૮ કરોડ તથા ચોખ્ખો નફો ૨૨ ટકા વધી ૭૨૫ કરોડ નોંધાયો છે. ભાવ ઉપરમાં ૧૮૮૯ થઈ નેગેટિવ બાયસમાં ૧૮૫૧ ઉપર ફ્લૅટ બંધ હતો.
સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ દ્વારા ૮૭.૪ ટકા વધારામાં ૧૯૧૦ કરોડની આવક ઉપર અગાઉના ૧૦ કરોડ સામે આ વેળા ૧૯૭ કરોડનો તગડો નેટ નફો હાંસલ કરાયો છે. ભાવ અઢી ગણા કામકાજે ઉપરમાં ૫૭૪ થઈ સવાત્રણ ટકા વધી ૫૬૪ થયો છે. સી.જી. પાવરની આવક ૧૪ ટકા વધી ૩૨૮૧ કરોડ તથા નેટ નફો સવાસોળ ટકા વધી ૩૧૩ કરોડ આવ્યો છે. ભાવ ઉપરમાં ૮૯૪ નજીક જઈ બે ટકાના ઘટાડામાં ૮૬૬ થયો છે. અતુલ લિમિટેડની ત્રિમાસિક આવક ૨૫ ટકા વધી ૧૮૪૮ કરોડ થઈ છે, નેટ નફો ૯૨ ટકા ઊછળી ૨૪૫ કરોડ જોવાયો છે. શૅર ૬૫૨૦ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી સવાચાર ટકા કે ૨૬૨ વધી ૬૩૯૫ થયો છે. વેલસ્પન કૉર્પની આવક ૧૫ ટકા વધીને ૪૦૮૧ કરોડ થઈ છે, પરંતુ ૫૪૬ કરોડના વનટાઇમ ગેઇનની અસરમાં નેટ નફો ૩૫૦ કરોડથી ત્રેવડાઈ ૧૦૪૬ કરોડ આવ્યો છે. ભાવ ઉપરમાં ૧૬૨૫ થયા બાદ ૦.૯ ટકા ઘટી ૧૫૯૬ રહ્યો છે. મોતીલાલ ઓસવાલ ફાઇનૅન્શિયલ સર્વિસિસની આવક ૨૪ ટકા વધી ૩૪૨૬ કરોડ થઈ છે. નફો માત્ર ૧૦ ટકા વધી ૧૨૭૩ કરોડ થયો છે અેમાં શૅર ૧૩ ગણા વૉલ્યુમે નીચામાં ૮૪૦ થઈ ૭.૪ ટકા ખરડાઈ ૮૭૦ થયો છે.
હિન્દુસ્તાન ઝિન્કનો નફો ૧૪૫ ટકા વધ્યો, શૅર લગભગ ફ્લૅટ
ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિયેશન દ્વારા જૂન ક્વૉર્ટરમાં ૨૦ ટકા વધારામાં ૨૪,૫૮૪ કરોડની આવક ઉપર અગાઉના ૨૧૬૧ કરોડના ચોખ્ખા નફા સામે આ વખ્તે ૩૮૨ કરોડની નેટ લોસ દર્શાવાઈ છે. શૅર ગઈ કાલે નીચામાં ૪૮૮૭ થઈ પોણો ટકો ઘટી ૪૯૮૫ રહ્યા છે. મિશો લિમિટેડે ત્રિમાસિક ગાળામાં ૪૮ ટકાના વધારામાં ૩૭૧૩ કરોડની આવક ઉપર અગાઉના ૧૬૬ કરોડ સામે ૧૩૩ કરોડની નેટ લોસ બતાવી છે. શૅર ઉપર ૧૮૯ થઈ બે ટકા ઘટી ૧૮૫ હતો. હિન્દુસ્તાન ઝિન્ક દ્વારા ૭૭ ટકાના વધારામાં ૧૩,૭૪૭ કરોડની આવક ઉપર ૧૪૫ ટકા વધારામાં ૫૪૬૯ કરોડ નેટ પ્રૉફિટ સાથે ધારણા કરતાં સારો દેખાવ કરાયો છે. શૅર ૫૨૨ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૫૩૫ થઈ નજીવો સુધરી ૫૩૨ રહ્યો છે. સિયેન્ટ લિમિટેડમાં પરિણામ બાદ મોતીલાલ ઓસવાલે ૭૪૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની ભલામણ કરી છે. શૅર જોકે ઉપરમાં ૮૭૩ બતાવી સવા ટકો વધી ૮૪૦ બંધ થયો છે.
કોફોર્જ લિમિટેડને યુરોપિયન કલાયન્ટ તરફથી ૨૩ કરોડ ડૉલરનો ઑર્ડર મળતાં ભાવ પાંચ ગણા કામકાજે ત્રણ ટકા વધી ૧૪૮૫ થયો છે. અપાર ઇન્ડસ્ટ્રીઝે જૂન ક્વૉર્ટરમાં ૨૯.૨ ટકા વધારામાં ૬૬૨૬ કરોડની આવક ઉપર ૭૭.૮ ટકા વધારામાં ૪૬૭ કરોડ પ્લસનો ચોખ્ખો નફો કરતાં શૅર ૭ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૪,૬૪૨ થઈ ૩.૩ ટકા કે ૪૪૭ રૂપિયા વધી ૧૩,૮૫૫ થયો છે. ઇન્ડો સોલર લિમિટેડે ૬૫ ટકાના ગાબડામાં ૬૮૩૬ કરોડની આવક ઉપર ૬૮.૭ ટકા ધોવાણમાં ૩૬૬૨ લાખ નેટ નફા સાથે ખરાબ રિઝલ્ટ આપતાં શૅર પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૩૫૨ બંધ હતો.
કેલિબર માઇનિંગમાં અપેક્ષાથી સારો, ૧૦૪નો લિસ્ટિંગ ગેઇન
ગઈ કાલે મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતેની કેલિબર માઇનિંગ ૧૦ના શૅરદીઠ ૪૨૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૮૦થી શરૂ થઈ ઉપરમાં ૧૧૭ અને નીચામાં ૭૧ થયા બાદ છેલ્લે બોલાતા ૬૪ના પ્રીમિયમ સામે ૫૦૪ ખૂલી ૫૨૮ બંધ રહેતાં ૨૪.૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૪૫૦ કરોડનું આ ભરણું રીટેલમાં ૪૩ ગણા સહિત કુલ ૧૫૪.૭ ગણું છલકાયું હતું. આગલા દિવસે ૧૫ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૨૧૫ ઉપર બંધ થયેલી કલકત્તાની સોટફીન ભારત ગઈ કાલે ૨૧૬ની નવી ટૉપ બતાવી અડધો ટકો ઘટી ૨૧૪ બંધ થઈ છે. દરમ્યાન SBI ફન્ડ્સ ૫૭૨નું નવું બૉટમ બનાવી ૧.૭ ટકા વધી ૫૮૭, અલ્પાઇન ટેક્સ વર્લ્ડ ૮૫.૬૦ની વર્સ્ટ સપાટી દેખાડી પાંચ ટકા ગગડી ત્યાં જ તથા મિલવર્ક્સ ટેક્નૉલૉજીઝ ૭૬૪ના શિખરે જઈ પાંચ ટકા વધી ૭૬૪ બંધ આવી છે.
બીજા દિવસના અંતે મેઇન બોર્ડમાં ઇન્ડો-મીમ લિમિટેડનો એકના શૅરદીઠ ૪૮૫ના ભાવનો ૩૮૧૧ કરોડનો ઇશ્યુ કુલ ત્રણ ગણો, લોહિયા કૉર્પનો એકના શૅરદીઠ ૪૨૫ના ભાવનો ૧૧૦૧ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ ૩૭ ટકા તથા એસ્ટ્રાનેટ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ના ભાવનો ૧૬૭ કરોડનો ઇશ્યુ કુલ બે ગણો ભરાયો છે. હાલમાં ઇન્ડો-મીમમાં ૧૭૦ રૂપિયાનું, લોહિયા કૉર્પમાં ૧૧ રૂપિયાનું તથા એકસ્ટ્રાનેટમાં ૯ રૂપિયા પ્રીમિયમ બોલાય છે.
કાલિન્દ લિમિટેડ બે શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં ગઈ કાલે એક્સ બોનસ તથા એક્સસ્પ્લીટ થતાં ઉપર ૧૧.૨૯ થઈ પાંચ ટકા વધી ૧૧.૨૯ રહી છે. ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સસ્પ્લિટ થતાં પીએસ રાજ સ્ટીલ્સ ઉપરમાં ૮૬.૩૦ બતાવી પાંચ ટકા વધી ત્યાં જ તો જ્યુપિટર લાઇફ ૩૨૭ના શિખરે જઈ અઢી ટકા વધી ૩૨૩ બંધ આવી છે.
સોમવારે મુંબઈ-રાજકોટનાં બે SME ભરણાં મૂડીબજારમાં
સોમવારે બે SME ભરણાં નવાં ખૂલવાનાં છે. મુંબઈના માહિમ-વેસ્ટ ખાતેની પ્રોપશૉપ ઇવેન્ટ્સ અૅન્ડ એક્ઝિબિશન્સ ૧૦ના શૅરદીઠ ૬૯ની અપરબૅન્ડમાં ૬ કરોડની OFS સહિત કુલ ૨૯ કરોડનો NSE SME IPO કરવાની છે. ઇશ્યુમાં QIB પોર્શન ૩૦.૧ ટકા અને રીટેલ પોર્શન ૩૯.૨ ટકા જેવો છે. ૨૦૧૯માં સ્થપાયેલી આ કંપની દેશ-વિદેશમાં ઇવેન્ટ્સ, ટ્રેડ શો તથા એક્ઝિબિશનને લગતી સર્વિસિસ પૂરી પાડે છે. ઇશ્યુમાંથી ૧૬૬૨ લાખ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. કંપનીએ ૨૦૨૫-૨૬ના વર્ષના માત્ર ૧૧ માસના જ આંકડા આપ્યા છે જે મુજબ ૫૯૯૪ કરોડની આવક ઉપર ૬૪૬ લાખ નફો કર્યો છે. અગાઉના ૨૦૨૪-’૨૫ના વર્ષે ૬૮.૮ ટકા વધારામાં કંપનીએ ૫૧૫૯ લાખની આવક તથા ૧૮૮ ટકાના વૃદ્ધિદરથી ૬૩૨ લાખનો નેટ પ્રૉફિટ બતાવી દીધો હતો. દેવું હાલ કેટલું છે અે કંપનીએ જણાવ્યું નથી. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી.
બીજી કંપની રાજકોટની અૅડ્વાન્સ ટેકનોફોર્જ ૧૦ના શૅરદીઠ ૯૫ના ભાવે કુલ ૨૪ કરોડનો BSE SME ઇશ્યુ સોમવારે કરવાની છે. ઇશ્યુમાં QIB પોર્શન ઝીરો હોવાથી રીટેલ પોર્શન ૫૦ ટકાનો છે. ૨૦૧૩માં સ્થપાયેલી આ કંપની ફોજર્ડ તેમ જ પ્રીસિઝન મશીન્ડ પાર્ટ્સ બનાવે છે. કંપનીએ ગત વર્ષે એક ટકાના ઘટાડામાં ૫૦૭૩ લાખ આવક ઉપર ૫૧ ટકા વૃદ્ધિદરથી ૪૦૬ લાખ નફો કમાઈને બતાવ્યો છે. દેવું ૧૭૨૯ લાખ છે. ઇશ્યુમાંથી ૭૧૯ લાખ કૅપેકસ પેટે, ૭૨૫ લાખ વર્કિંગ કૅપિટલમાં તથા ૨૪૦ લાખ દેવાની ચુકવણીમાં વપરાશે. મઝાની વાત એ છે કે તાજેતરમાં જ આવી એક કંપની મેટાલિક ટેકનોફોર્જ ૧૦ના શૅરદીઠ ૭૭ના ભાવે ૫૦ કરોડનો NSE SME ઇશ્યુ લાવી હતી. ભરણું કુલ સાડાઆઠ ગણું ભરાયું હતું. બન્ને કંપનીના પ્રમોટર્સ જુદા છે, બાકી ધંધો અને કંપની એક જ જગાની છે. ગ્રેમાર્કેટમાં અૅડ્વાન્સ ટેકનોફોર્જમાં પ્રીમિયમ સાડાત્રણથી શરૂ થાય બાદ હાલમાં ૬ જેવું બોલાય છે. મેટાલિક ટેકનોફોર્જમાં પ્રીમિયમ છેક સુધી ઝીરો રહ્યા પછી ભરણું કુલ સાડાઆઠ ગણું ભરાઈ બંધ થયું ત્યાર પછી ૩ના પ્રીમિયમ શરૂ થયા હતા. હાલ ૬ રૂપિયા છે.