21 May, 2026 09:21 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
સતત આઠમા દિવસની નબળાઈમાં ડૉલર સામે રૂપિયો ૯૭ થવાના આરે : સેન્સેક્સમાં રિલાયન્સ, નિફ્ટીમાં હિન્દાલ્કો ટૉપ ગેઇનર : લેન્સકાર્ટમાં રિઝલ્ટ પાછળ નરમાઈ વરતાઈ, બોલાની આવક ૫૭ ટકા ગગડી ૨૬૫ કરોડ થઈ, ચોખ્ખી ખોટ ૫૦૦ કરોડની : વિગોરામાં પંજાબીનો SME IPO પ્રથમ દિવસે પાર થતાં ગ્રે માર્કેટમાં ૮નું પ્રીમિયમ : કર્ણાટક બૅન્ક ઊજળાં પરિણામો પાછળ સવાછ ટકા વધી
વરવા વિક્રમની વણજારમાં સતત ૭ દિવસની નરમાઈમાં ડૉલર સામે આગલા દિવસે ૯૬.૫૩ના વર્સ્ટ લેવલે બંધ રહેલો રૂપિયો ગઈ કાલે ૯૬.૯૬ના નવા ઑલટાઇમ તળિયે જઈ રનિંગમાં ૯૬.૮૨ આસપાસ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ૧૧૧ ડૉલર આસપાસ ટકેલું છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG ઇત્યાદિના સ્ટૉકની હાલત દિવસે-દિવસે ચિંતાજનક બનવા માંડી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૉર શરૂ થઈ ત્યારથી લગભગ પોણાત્રણેક મહિનાથી બંધ છે. સરવાળે સપ્લાયની સરવાણી સુકાઈ ગઈ છે. ભારત સરકાર હોર્મુઝ મારફત નવી સપ્લાય મેળવવા દેશનાં ટેન્કર્સ મોકલવા તૈયાર બેઠી છે, પરંતુ આ માટે અમેરિકા તથા ઈરાન બન્ને તરફથી લીલી ઝંડી મળે એની રાહ જોવાય છે. ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલમાં ઉપરાઉપરી બે વખત વધારો થઈ ચૂક્યો છે. હજી ઘણાબધા વધારા લાઇનમાં છે. બજાર માટે આ સ્થિતિ બેહદ ખરાબ છે. ગઈ કાલે થાઇલૅન્ડના પોણા ટકાના સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારો નરમ હતાં. યુરોપ બહુધા રનિંગમાં સુસ્ત હતું. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૩૯૫ પૉઇન્ટ નીચે ૭૪૮૦૬ ખૂલી છેવટે ૧૧૭ પૉઇન્ટ સુધરી ૭૫૩૧૮ તથા નિફ્ટી ૪૧ પૉઇન્ટ વધી ૨૩૩૫૯ બંધ થયો છે. દિવસ દરમ્યાન શૅરઆંક નીચામાં ૭૪૫૨૯ અને ઉપરમાં ૭૫૪૦૬ થયો હતો. માર્કેટકૅપ ૧.૪૦ લાખ કરોડ વધીને ૪૬૧.૦૫ લાખ કરોડ જોવાયું છે. પૉઝિટિવ માર્કેટબ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૭૨૨ શૅર સામે ૧૫૪૩ જાતો ઘટી હતી. હેલ્થકૅર ઇન્ડેક્સ ૪૭૮૩૫ના શિખરે જઈ ૧૧૦ પૉઇન્ટ વધી ૪૭૬૭૦ હતો. છેલ્લા બે દિવસના સુધારા બાદ IT બેન્ચમાર્ક ૬૮ પૉઇન્ટ ઘટ્યો છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧.૪ ટકા, એનર્જી દોઢ ટકા, કૅપિટલ ગુડ્સ દોઢ ટકા પ્લસ થયો છે.
રિલાયન્સ તાજેતરની નબળાઈ બાદ ગઈ કાલે નીચામાં ૧૩૧૩ થઈ ૨.૮ ટકા વધી ૧૩૬૦ બંધ આપીને બજારને ૨૧૪ પૉઇન્ટ ફળ્યો છે. જીઓ ફાઇ. અડધો ટકો સુધરી હતી. હિન્દાલ્કોનો શૅર ગઈ કાલે ઉપરમાં ૧૦૯૦ બતાવી ૩.૬ ટકા વધીને નિફ્ટી ખાતે ૧૦૮૫ બંધ થયો છે. બજાજ ઑટો અઢી ટકા વધી ૧૦૪૬૨ થઈ છે. ONGCનાં પરિણામો ૨૬મીએ છે. શૅર અડધો ટકો સુધરીને ૨૯૮ હતો. \
મહિન્દ્ર એક ટકો પ્લસ હતા. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની આવક ૩૨ ટકા વધી ૧૧,૭૭૪ કરોડ થઈ છે. શૅર સવા ટકો વધીને ૨૯૭૨ થયો છે. લેન્સકાર્ટ સૉલ્યુશન્સની ત્રિમાસિક આવક ૩૨ ટકા વધીને ૨૫૬૫ કરોડ નજીક પહોંચી છે. નેટ પ્રૉફિટ ૨૨૦ કરોડથી ઘટીને ૨૦૩ કરોડ થયો છે. શૅર નીચામાં ૪૮૧ થઈ સવા ટકો ઘટી ૪૮૬ રહ્યો છે. એરિસ લાઇફ સાયન્સિસે ૧૦૨ કરોડની સામે તગડા વધારામાં ૨૭૯ કરોડ નેટ પ્રૉફિટ કરતાં ભાવ ૧૪૯૪ થઈ ૧૧ ટકા કે ૧૪૭ રૂપિયા ઊછળી ૧૪૪૫ બંધ થયો છે. વૉલ્યુમ સાડાપાંચ ગણું હતું.
ઝાયડસ લાઇફ ૨૦ માસની ઊંચી સપાટી સાથે મજબૂત
PTC ઇન્ડિયાની આવક ૩૩ ટકા વધીને ૩૮૯૮ કરોડ થઈ છે, પરંતુ ત્રિમાસિક નેટ નફો ૬૯ ટકાના ગાબડામાં ૧૦૫ કરોડ આવ્યો છે. એમાં શૅર ત્રણગણા કામકાજે નીચામાં ૧૮૩ થઈ ૫.૩ ટકા ગગડી ૧૯૬ રહ્યો છે. પેસ્ટિસાઇડ્સ કંપની PI ઇન્ડસ્ટ્રીઝે નબળા રિઝલ્ટમાં ૧૨ ટકાના ઘટાડામાં ૧૫૬૫ કરોડની આવક તથા ૩૯.૪ ટકાના ઘટાડામાં ૨૦૦ કરોડ ચોખ્ખો નફો બતાવતાં શૅર સાતગણા વૉલ્યુમે નીચામાં ૨૮૬૩ થઈ ૭ ટકા કે ૨૨૧ રૂપિયા બગડીને ૨૯૦૩ બંધ થયો છે. ઝાયડસ લાઇફ સાયન્સિસે શૅરદીઠ ૧૧૫૦ના ભાવે બાયબૅક માટેની રેકૉર્ડડેટ ૨૯ મે ઠરાવી છે. એનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ પોણાનવ ટકા વધી ૧૨૭૨ કરોડ વટાવી ગયો છે. આવક સવા સોળ ટકા વધીને ૭૫૮૭ કરોડ આવી છે. શૅર ૧૦૯૪ની ૨૦ માસની ટૉપ બનાવી સવાબે ટકાની આગેકૂચમાં ૧૦૪૧ બંધ રહ્યો છે.
ગોદાવરી પાવર ઍન્ડ ઇસ્પાતની આવક ૧૦ ટકા વધી ૧૬૧૦ કરોડ તથા નફો ૨૬ ટકા વધી ૨૮૦ કરોડ થયો છે. શૅર બાવીસ ગણા કામકાજે ૩૨૦ની વિક્રમી સપાટીએ જઈ સાડાપાંચ ટકા વધી ૩૦૬ રહ્યો છે. કર્ણાટક બૅન્ક તરફથી ઊજળા દેખાવમાં ૬૨ ટકા વધારામાં ૪૦૮ કરોડ ત્રિમાસિક નેટ નફો કરી શૅરદીઠ પાંચનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. NPA ઘટી છે. શૅર ગઈ કાલે ૧૨ ગણા કામકાજમાં ઉપર ૨૭૧ બતાવી સવાછ ટકા વધી ૨૬૪ બંધ હતો.
મેનકાઇન્ડ ફાર્માની આવક પોણાબાર ટકા વધીને ૩૪૪૩ કરોડ અને નેટ નફો ૩૦.૪ ટકાના વૃદ્ધિદરમાં ૫૫૯ કરોડ આવતાં શૅર ઉપરમાં ૨૬૨૫ વટાવી ૩.૬ ટકા વધીને ૨૫૮૩ બંધ હતો. ભારત પેટ્રોલિયમે સવાછ ટકા વધારામાં ૧.૧૮ લાખ કરોડની આવક ઉપર ૨૮ ટકા વધારામાં ૫૬૨૫ કરોડ નેટ ત્રિમાસિક નફો કર્યો છે. ભાવ નીચામાં ૨૮૦ થઈ અઢી ટકા વધી ૨૯૪ રહ્યો છે.
બૉસ લિમિટેડનું શૅરદીઠ ૫૧૨નું ડિવિડન્ડ, ભાવ ૪૩૧ ડાઉન
ડિફેન્સ કંપની ભારત ઇલેક્ટ્રૉનિક્સે ૧૨ ટકા વધારામાં ૧૦,૧૭૭ કરોડની આવક ઉપર પાંચ ટકા વૃદ્ધિદરથી ૨૨૦૩ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ગઈ કાલે નીચામાં ૪૦૭ થઈ સવાબે ટકા ઘટી ૪૧૩ રહ્યો છે. ટ્રાઇડન્ટ લિમિટેડની ત્રિમાસિક આવક સાડાબાર ટકા ઘટીને ૧૬૩૩ કરોડ તથા નેટ નફો ૨૩.૬ ટકા ઘટીને ૧૦૨ કરોડ થયો છે. શૅર નીચામાં ૨૩ થઈ પોણો ટકો ઘટી ૨૪ ઉપર બંધ હતો. ઝી એન્ટરટેઇનમેન્ટની આવક સવાસાત ટકા ઘટીને ૨૦૨૫ કરોડ થઈ છે. એમાં કંપની ૧૮૮ કરોડના નફામાંથી ૧૦૨ કરોડની ખોટમાં આવી ગઈ છે. શૅર નીચે ૮૨ બતાવી ૫.૩ ટકા ગગડી ૮૩ થયો છે.
બૉસ લિમિટેડે સાડાત્રણ ટકા વધારામાં ૯૬૫ કરોડની આવક પર ૨૭ ટકાના ઘટાડામાં ૪૧ કરોડ જેવો ચોખ્ખો નફો કરી શૅરદીઠ ૫૧૨ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ગઈ કાલે ઉપર ૩૭,૩૮૦ થઈ સવા ટકો કે ૪૩૧ રૂપિયા ઘટી ૩૬,૬૭૦ રહ્યો છે. પ્રિન્સ પાઇપ્સની આવક ૧૮ ટકા વધી ૮૫૦ કરોડ અને ચોખ્ખો નફો ૧૩૨ ટકા ઊછળી ૫૬ કરોડને વટાવી ગયો છે. શૅર ઉપરમાં ૨૯૬ થઈ ૧.૪ ટકા ઘટી ૨૬૫ હતો. PNC ઇન્ફ્રાટેકની આવક પાંચ ટકા ઘટીને ૧૬૧૭ કરોડ થઈ છેઽ પણ નફો ૪૨.૯ ટકા વધીને ૧૦૮ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૨૧૮ બતાવી અઢી ટકા ઘટી ૨૦૮ હતો.
બ્લૅકબકની આવક ૫૨.૨ ટકા વધી ૧૮૫ કરોડ થઈ છે, નેટ નફો ૭૬.૬ ટકા ગગડી ૬૫૭૦ લાખ રહ્યો છે. શૅર ઉપરમાં ૫૫૯ થઈ નજીવો ઘટી ૫૩૧ હતો. બાસ્ફ લિમિટેડે આવકમાં ૯ ટકા વધારા સામે ૧૫૫ ટકા વધારામાં ૬૯ કરોડ નફો કરી શૅરદીઠ પચીસનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ૪.૬ ટકા ગગડી ૩૬૨૮ બંધ થયો છે.
Q લાઇન બાયોટેકનો લાર્જેસ્ટ SME ઇશ્યુ આજે ખૂલશે
આજે ગુરુવારે ૩ નવા SME IPO ખૂલવાના છે. એમાં લખનઉની Q લાઇન બાયોટેક ૧૦ના શૅરદીઠ ૩૪૩ની અપરબૅન્ડમાં કુલ ૨૧,૪૪૮ લાખ રૂપિયાનો અત્યાર સુધીનો લાર્જેસ્ટ SME IPO કરશે. ઇશ્યુમાં માર્કેટમેકર માટે ૧૧ કરોડના શૅર રખાયા છે. QIB પૉર્શન ૫૦ ટકા અને રીટેલ પૉર્શન ૩૫ ટકા છે. ૨૦૧૦માં સ્થપાયેલી આ કંપની વિવિધ પ્રકારનાં ડાયગ્નોસ્ટિક ઇક્વિપમેન્ટ્સનું ઉત્પાદન, ઇમ્પોર્ટ તેમ જ ડિસ્ટ્રિબ્યુશન કરે છે. કિટ્સ તેમ જ POC ડિવાઇસિસ સહિત વિવિધ રેન્જમાં ગીએજન્ટસ ડેવલપ કરવાના તેમ જ બનાવવા ઉપરાંત એના માર્કેટિંગમાં પ્રવૃત્ત છે. ઇશ્યુમાંથી કંપની ૯૦ કરોડ દેવાંની પરત ચુકવણીમાં તથા ૯૩૫૦ લાખ વર્કિંગ કૅપિટલમાં વાપરશે. ૨૦૨૪-’૨૫ના વર્ષે કંપનીએ ૫૬.૩ ટકા વધારામાં ૩૨,૨૫૮ લાખની આવક પર ૧૮.૩ ટકાના ઘટાડામાં ૨૮૧૩ લાખનો નફો કર્યો છે. ગયા વર્ષે પ્રથમ ૯ માસમાં ૨૩,૬૫૦ લાખની આવક ઉપર ૩૮૩૯ લાખ નફો બતાવી દીધો છે. કંપનીનું દેવું પોણાબે વર્ષ પૂર્વે ૯૭ કરોડ અંદર હતું એ હાલ ૨૪૪ કરોડ નજીક પહોંચી ગયું છે. કંપનીનો મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ ૪૫ ટકાની ક્ષમતા વપરાશ કરી રહ્યો છે. ગત વર્ષના ૯ માસની આવકમાં વન-થર્ડ પૉર્શન ટ્રેડિંગની આવકનો છે. લીડ મૅનેજર હેમ સિક્યૉરિટીઝ છે. એનો જાદુ કેવો ચાલે છે એ જોવું રહ્યું. ગ્રે માર્કેટમાં ૬૯થી શરૂ થયેલું પ્રીમિયમ વધીને ૧૦૦ થયા પછી હાલ ૧૧૧ ચાલે છે.
બીજી કંપની ઇન્દોરની બાયોમેડિકા લૅબોરેટરીઝ ૧૦ના શૅરદીઠ ૧૩૯ની અપરબૅન્ડમાં ૫૨૪૩ લાખનો NSE SME ઇશ્યુ આજે કરવાની છે. એમાંથી ઑફર ફૉર સેલના પાંચ કરોડ પ્રમોટર્સ લઈ જવાના છે. માર્કેટમેકર માટે ૩ કરોડના શૅર છે. QIB પૉર્શન માંડ એક ટકાનો છે. રીટેલ ૫૦ ટકાનો છે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપની પેરન્ટર્નલ ફૉર્મ્યુલેશન્સ સહિત વિવિધ જેનરિક ડ્રગ્સ બનાવે છે. ૨૦૨૪-’૨૫માં ૧૫૦ ટકા જેવા વધારામાં ૩૮૩૩ લાખની આવક ઉપર ૨૯૨ ટકાના વૃદ્ધિદરથી ૯૭૯ લાખનો નેટ પ્રૉફિટ બતાવ્યા પછી ગયા વર્ષે પ્રથમ ૮ માસમાં ૨૮૬૩ લાખની આવક તથા ૮૬૬ લાખ ચોખ્ખો નફો દર્શાવ્યો છે. દેવું ૮ માસમાં ૧૫ કરોડથી ઊછળીને ૩૮ કરોડને વટાવી ગયું છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર લગભગ ઝીરો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
ત્રીજી કંપની નવી દિલ્હીની ઑટો ફર્નિશ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૪૧ના ભાવે ૧૫ કરોડનો BSE SME ઇશ્યુ કરવાની છે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપની ઑટોમોટિવ ઍક્સેસરીઝનું ઉત્પાદન તેમ જ ટ્રેડિંગ કરે છે. ૨૦૨૪-’૨૫માં ૧૧૩ ટકા જેવા વધારામાં ૩૩૮૮ લાખની આવક ઉપર ૧૧૫ ટકાના વધારામાં ૩૫૦ લાખ નફો દર્શાવ્યા પછી કંપનીએ ગયા વર્ષે ૯ માસમાં ૨૮૩૨ લાખની આવક ઉપર ૨૮૩ લાખ ચોખ્ખો નફો બતાવ્યો છે. દેવું ૭૬૧ લાખનું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ નથી.
દરમ્યાન, સુરતની હરિકાન્તા ઓવરસીઝનો ૧૦ના શૅરદીઠ ૯૬ના ભાવનો ૨૫૬૩ લાખનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં પાંચ ટકા સહિત કુલ ૧૦ ટકા ભરાયો છે. વિગોરામાં પંજાબી અજીડીના ૧૦ના શૅરદીઠ ૭૭ના ભાવના ૩૮૩૮ લાખના NSE SME ઇશ્યુને રીટેલમાં દોઢગણા સહિત કુલ ૧.૪ ગણો પ્રથમ દિવસે રિસ્પૉન્સ મળ્યો છે. ટીમટેક ફોમવર્કનો પાંચના શૅરદીઠ ૬૩ના ભાવનો ૫૦૧૫ લાખનો ઇશ્યુ અત્યાર સુધીમાં કુલ ૬૩ ટકા ભરાયો છે. NEP સંપૂર્ણ ફૂડ્સનો શૅરદીઠ પંચાવનના ભાવનો ૨૪૫૩ લાખનો SME ઇશ્યુ કુલ ૧.૬ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. વિગોરામાં ૮નું પ્રીમિયમ બોલાવા માંડ્યું છે.
ભારતીય રૂપિયો બુધવારે અમેરિકાના ડૉલરના મુકાબલે રેકૉર્ડ નીચલા સ્તરે ૯૬.૮૬ પર ખૂલ્યો હતો અને એ પછી પણ વધુ નબળો પડીને ૯૬.૯૧ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. દેશની કરન્સી છેલ્લાં ૭ સેશનથી સતત નબળી પડી રહી છે અને ૬ ટ્રેડિંગ દિવસોમાં રૂપિયો ગઈ કાલે સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ગયા અઠવાડિયે ૧.૬ ટકા ગગડ્યા પછી આ અઠવાડિયે રૂપિયો વધુ ૦.૬ ટકા ગગડ્યો છે અને ઑલમોસ્ટ ૯૭ રૂપિયાને ટચ કરી જાય એમ છે.