News In Short: રશિયા-યુક્રેનનું યુદ્ધ ભારતીય ઇકૉનૉમી માટે પડકારજનક

25 June, 2022 10:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નરે ઇકૉનૉમી વિશે ચિંતા વ્યક્ત કરી

તસવીર સૌજન્ય: એએફપી

ભારતીય રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાએ જણાવ્યું હતું કે યુક્રેનમાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય વિકાસે ભારતની આર્થિક સંભાવનાઓને પડકારી છે, જેનાથી દેશનો દૃષ્ટિકોણ અંધકારમય બની ગયો છે અને એ અત્યંત અનિશ્ચિત છે.
પાત્રાએ શુક્રવારે નવી દિલ્હી ખાતે ‘જિયો-પૉલિટિકલ સ્પિલ-ઓવર્સ ઍન્ડ ઇન્ડિયન ઇકૉનૉમી’ નામના પીએચડી ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. ભારતીય ઇકૉનૉમી કોરોનાની અનેક લહેરો અને વાઇરસનાં અનેક સ્વરૂપમાંથી બહાર નીકળીને સુધારા તરફ આગળ વધી રહી હતી, એવા સમયે જ આ ભૌગોલિક રાજકીય તણાવથી આર્થિક પુનઃપ્રાપ્તિને અસર થઈ છે.
માત્ર બે મહિનાના ગાળામાં, આરબીઆઇએ વાસ્તવિક જીડીપી વૃદ્ધિનું અનુમાન ૭.૮ ટકાથી ઘટાડીને ૭.૨ ટકા કર્યું છે.

રૂપિયાની આંચકાજનક વધ-ઘટને નહીં ચલાવાય

રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર માઇકલ ડી પાત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે મધ્યસ્થ બૅન્ક રૂપિયાની ‘આંચકાજનક હિલચાલ’ને મંજૂરી આપશે નહીં. તાજેતરના સમયમાં ભારતીય ચલણમાં ઓછું અવમૂલ્યન જોવા મળ્યું છે. તેમણે રૂપિયાના ઓછા અવમૂલ્યન માટે ૬૦૦ અબજ ડૉલરના ઊંચા વિદેશી હૂંડિયામણ અનામતને આભારી ગણાવ્યું.

અન્ય દેશો કરતાં નાણાં નીતિ હળવી હોઈ શકે

આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નાણાકીય નીતિની ક્રિયાઓ બાકીના વિશ્વ કરતાં વધુ મધ્યમ-હળવી હશે, કારણ કે ચાલુ નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં ફુગાવો છ ટકાથી નીચે જવાની ધારણા છે.
રિઝર્વ બૅન્કે પહેલેથી જ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે ઊંચા ફુગાવાને કાબૂમાં લેવા માટે મે અને જૂનમાં મુખ્ય નીતિ દરમાં ૯૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને ૪.૯ ટકા કર્યો છે. પાત્રાએ કહ્યું કે એવા સંકેતો છે કે ફુગાવો ટોચ પર હોઈ શકે છે.

ખ્યાતનામ હસ્તીઓનો એનએફટી ક્ષેત્રે પ્રવેશ

આઇસી૧૫ ઇન્ડેક્સ ૭૦૦ પૉઇન્ટ વધ્યો

સ્ટૉક માર્કેટમાં આવી રહેલા સુધારાની અસરતળે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. પાછલા ૨૪ કલાકના ગાળામાં માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ૩.૭૧ ટકાનો વધારો થઈને આંકડો ૯૪૬ બિલ્યન ડૉલર પર પહોંચ્યો છે. આ સમયગાળામાં બીટકૉઇનમાં ૨.૬૭ ટકાનો વધારો થઈને ભાવ ૨૧,૨૧૫ ડૉલર થયો છે. ઇથેરિયમમાં ૮.૧૮ ટકાની વૃદ્ધિ સાથે ભાવ ૧૨૦૪.૬૬ ડૉલર થઈ ગયો છે. 
દરમ્યાન, નૉન-ફન્જિબલ ટોકન્સ (એનએફટી)ના ક્ષેત્રે અનેક ગતિવિધિઓ થવા લાગી છે. જાણીતા ફુટબૉલ સ્ટાર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ બિનાન્સ સાથે મળીને એનએફટીનું પ્રમોશન કરવા માટે ગુરુવારે કરાર કર્યા છે. આ જ રીતે જગવિખ્યાત ફૅશન બ્રૅન્ડ ગુચ્ચીએ એનએફટી માર્કેટપ્લેસ સુપરરેરમાં ડિજિટલ વૉલ્ટ આર્ટ સ્પેસ લૉન્ચ કરવા માટે ક્રિપ્ટો ટોકનની ખરીદી કરી છે. તેણે સુપરરેર ડીએઓ (ડિસેન્ટ્રલાઇઝ્ડ ઑટોનોમસ ઑર્ગેનાઇઝેશન)માં જોડાવા માટે ૨૫,૦૦૦ ડૉલર મૂલ્યના રેર ટોકન ખરીદ્યા છે. આ ઉપરાંત બેન્ટલી મોટર્સ લિમિટેડે ઇથેરિયમના પોલીગોન પ્લૅટફૉર્મ પર એનએફટી કલેક્શન લૉન્ચ કરવાની દિશામાં પગલું ભર્યું છે. 
અગાઉ, ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૩ ટકા (૭૦૦ પૉઇન્ટ) વધીને ૨૮,૦૦૩ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૨૭,૩૦૩ ખૂલીને ૨૮,૪૩૪ સુધીની ઉપલી અને ૨૬,૬૧૧ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. 

રશિયાથી કરાતી ક્રૂડ તેલની આયાતમાં ૫૦ ગણો વધારો

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે એપ્રિલથી અત્યાર સુધીમાં રશિયામાંથી ભારતની ક્રૂડ તેલની આયાતમાં ૫૦ ગણો વધારો થયો છે અને હવે એ વિદેશમાંથી ખરીદાયેલા તમામ ક્રૂડના ૧૦ ટકા જેટલો છે. યુક્રેન યુદ્ધ પહેલાં ભારત દ્વારા આયાત કરાયેલા તમામ ક્રૂડ તેલના માત્ર રશિયાનો હિસ્સો માત્ર ૦.૨ ટકા જ હતો. રશિયાનું તેલ હવે એપ્રિલમાં ભારતના ક્રૂડ તેલની આયાત બાસ્કેટમાં ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. એ હવે ટોચના ૧૦ સપ્લાયર્સમાં સામેલ છે, એમ અધિકારીએ અહીં જણાવ્યું હતું. ૪૦ ટકા જેટલું રશિયન તેલ ખાનગી રિફાઇનર્સ - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રોઝનેફ્ટ સમર્થિત નાયરા એનર્જી દ્વારા ખરીદવામાં આવ્યું છે. ગયા મહિને રશિયાએ સાઉદી અરેબિયાને પછાડીને ઇરાક પછી ભારતનું તેલનું બીજું સૌથી મોટું સપ્લાયર બન્યું, કારણ કે રિફાઇનર્સે યુક્રેનમાં યુદ્ધને પગલે મોટા ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ રશિયન ક્રૂડને ઝડપી લીધું હતું.

રૂપિયો ડૉલર સામે વધુ ૬ પૈસા ગગડીને ૭૮.૩૬ બંધ રહ્યો

ભારતીય રૂપિયો ડૉલર સામે સતત ગગડી રહ્યો છે. ક્રૂડ તેલના ભાવ નીચા હોવા છતાં અમેરિકન ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ હોવાથી રૂપિયો ઘટી રહ્યો છે. આગામી દિવસોમાં રૂપિયો હજી પણ નબળો રહે એવી સંભાવના છે.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૮.૨૨ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૭૮.૩૬ સુધી પહોંચીને દિવસના અંતે આ જ સપાટી પર બંધ રહ્યો હતો. આગલા દિવસે રૂપિયો ૭૮.૩૦ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ રૂપિયામાં ૩૬ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય રૂપિયામાં આગામી દિવસોમાં સરેરાસ મિશ્ર વલણની સંભાવનાં છે. વિશ્વમાં મંદીના ભણકારા અને અનેક દેશો દ્વારા હજી વ્યાજદરમાં વધારો કરવામાં આવે એવી સંભાવના હોવાથી કરન્સી બજારમાં રૂપિયો નબળો પડી રહ્યો છે. રૂપિયો આગામી સપ્તાહે ૭૮થી ૭૮.૫૦ની રેન્જમાં રહે એવી ધારણા છે.

business news russia ukraine indian economy