એસઍન્ડપીએ ભારતનો જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને સાત ટકા મૂક્યો

29 November, 2022 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ ૭.૩ ટકા મૂક્યો હતો : આગામી વર્ષે ગ્રોથ ઘટીને ૬ ટકા રહેશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સોમવારે એસઍન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ અનુમાનને ઘટાડીને ૭ ટકા કર્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે વૈશ્વિક મંદીથી સ્થાનિક માગ આગેવાનીવાળી અર્થવ્યવસ્થાને ઓછી અસર થશે.

એસઍન્ડપીએ સપ્ટેમ્બરમાં ભારતીય અર્થવ્યવસ્થા ૨૦૨૨-’૨૩માં ૭.૩ ટકા અને આગામી નાણાકીય વર્ષ (૨૦૨૩-’૨૪)માં ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. વૈશ્વિક મંદીની ભારત જેવી સ્થાનિક માગ આધારિત અર્થવ્યવસ્થા પર ઓછી અસર પડશે. ભારતનું ઉત્પાદન નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં ૭ ટકા અને આગામી નાણાકીય વર્ષમાં ૬ ટકા વધશે એમ એસઍન્ડપી ગ્લોબલ રેટિંગ્સ એશિયા-પેસિફિકના વડા અર્થશાસ્ત્રી લુઇસ કુઇજે જણાવ્યું હતું.

૨૦૨૧માં ભારતીય અર્થતંત્રનો વિકાસ ૮.૫ ટકા થયો હતો. એશિયા-પૅસિફિક માટેના એના ત્રિમાસિક આર્થિક અપડેટમાં, એસઍન્ડપીએ જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં કોરોનાથી સ્થાનિક માગ પુનઃ પ્રાપ્તિ હજી આગળ વધવાની છે અને એ ભારતમાં આવતા વર્ષે વૃદ્ધિને ટેકો આપવો જોઈએ.

તેણે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો સરેરાશ ૬.૮ ટકા અને આરબીઆઇનો બેન્ચમાર્ક વ્યાજદર માર્ચ ૨૦૨૩ સુધીમાં વધીને ૬.૨૫ ટકા થવાનો અંદાજ મૂક્યો હતો. ભાવવધારાને અંકુશમાં લેવા માટે આરબીઆઇએ પહેલેથી જ વ્યાજદરમાં ૧.૯ ટકાનો વધારો કરીને ત્રણ વર્ષની ટોચે ૫.૯ ટકા કરી દીધો છે.

ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા પછી સપ્લાય ચેઇન વિક્ષેપને કારણે વર્ષના મોટા ભાગમાં ફુગાવો ઊંચો રહ્યા પછી ઑક્ટોબરમાં ભારતનો જથ્થાબંધ અને છૂટક ફુગાવો ઘટ્યો હતો. છૂટક અથવા સીપીઆઇ ફુગાવો ઘટીને ૬.૭ ટકાના ત્રણ મહિનાની નીચી સપાટીએ છે, જ્યારે જથ્થાબંધ અથવા ડબલ્યુપીઆઇ ફુગાવો ગયા મહિને ૮.૩૯ ટકાના ૧૯ મહિનાના નીચા સ્તરે હતો.

business news indian economy gdp