03 July, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડ સાથે મર્જર થશે
૧૨૨ કરોડ રુપિયાના કૌભાંડમાં ફસાયેલી ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (New India Co-operative Bank Ltd - NICBL)ના ખાતાધારકો છેલ્લા કેટલાક સમયથી ચિંતામાં હતા. પરંતુ, હવે તેમની મુશ્કેલીઓનો અંત આવશે. કારણકે સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (Saraswat Co-operative Bank Ltd - SCBL)એ મુશ્કેલીમાં મુકાયેલી ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકને હસ્તગત કરશે. NICBLમાં ૧૨૨ કરોડ રુપિયાના કૌભાંડ બાદ કેન્દ્રીય બેંક દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો પછી તેમના ભંડોળને સંપૂર્ણપણે ઍક્સેસ કરવામાં અસમર્થ રહેલા થાપણદારોને સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડ રાહત આપશે. SCBLએ ૧ જુલાઈના રોજ કટોકટીગ્રસ્ત ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકને પોતાની સાથે ભેળવી દેવાનો ઈરાદો જાહેર કર્યો છે, જલ્દી જ હસ્તગત કરશે તેમ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું છે.
સારસ્વત કો-ઓપરેટિવ બેંકે વિલય માટે કેન્દ્રીય બેંકનો સંપર્ક કર્યા પછી, ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)એ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, અને અંતિમ મંજૂરી બંને બેંકોના શેરધારકો પર નિર્ભર રહેશે. વિલીનીકરણ પછી, સારસ્વત બેંક ન્યુ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંકની બધી સંપત્તિઓ અને જવાબદારીઓ સંભાળશે અને થાપણદારોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે, એમ તેના ચેરમેન ગૌતમ ઇ. ઠાકુર (Gautam E. Thakur)એ મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
ઠાકુરે જણાવ્યું હતું કે, ‘બંને કંપનીઓનું વિલીનીકરણ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થવાની ધારણા છે અને છેતરપિંડીનો ભોગ બનેલી બેંક ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકને સુધારવામાં એક-બે વર્ષનો સમય લાગી શકે છે. મર્જર માટે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે અને એક ખાસ ઓડિટ હાથ ધરવામાં આવી રહ્યું છે.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘બેંક ન્યાયીતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આર્થિક ગુના શાખા (Economic Offences Wing - EOW) અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે કામ કરી રહી છે.’
ફેબ્રુઆરીમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ મુંબઈ સ્થિત ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના બોર્ડને નબળા શાસન ધોરણો અને ધિરાણ વ્યવસાયમાં અનિયમિતતાને કારણે રદ કરીને, ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાંથી થાપણદારોને ૨૫,૦૦૦ રુપિયા સુધી ઉપાડવાની મંજૂરી આપી હતી. બેંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર, હિતેશ પ્રવિણચંદ મહેતા (Hitesh Pravinchand Mehta) ધિરાણકર્તા પાસેથી ૧૨૨ કરોડ રુપિયાની ઉચાપતમાં સંડોવાયેલા હોવાનું કહેવાય છે. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે NICBL એ ૧૦૨.૭૪ કરોડ રુપિયાની નકારાત્મક નેટવર્થ નોંધાવી છે. તેણે કુલ ૩૫૬૦.૫૨ કરોડ રુપિયાનો વ્યવસાય નોંધાવ્યો છે, જેમાં ૨,૩૮૭.૮૫ કરોડ રુપિયાની ડિપોઝિટ અને ૧,૧૬૨.૬૭ કરોડ રુપિયાના એડવાન્સનો સમાવેશ થાય છે. NICBLમાં હાલમાં લગભગ ૨૦૦ કર્મચારીઓ છે અને કૌભાંડ પછી ૯૦ કર્મચારીઓએ રાજીનામું આપી દીધું છે.
સારસ્વત બેંકે ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં કુલ ૯૧,૮૧૪ કરોડ રુપિયાનો વ્યવસાય નોંધાવ્યો છે, જેમાં ૫૫,૪૮૧ કરોડ રુપિયાની ડિપોઝિટ અને ૩૬,૩૩૩ કરોડ રુપિયાના એડવાન્સનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં બેંકે ૫૧૮.૨૫ કરોડ રુપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. તેણે સતત ત્રીજા વર્ષે કુલ NPA ૨.૨૫% અને ચોખ્ખા NPA શૂન્ય પર જાળવી રાખ્યા છે. બેંકનો મૂડી અને જોખમ-ભારિત સંપત્તિ ગુણોત્તર (CRAR) ૧૭.૪૩% છે.
ભારતની સૌથી મોટી શહેરી સહકારી બેંક, સારસ્વત બેંકે છેલ્લા કેટલાક વર્ષોમાં સાતથી વધુ આર્થિક રીતે નબળી સહકારી બેંકો હસ્તગત કરી છે, જેનાથી ૮,૦૦,૦૦૦થી વધુ ડિપોઝિટરને બચાવી શકાયા છે. સારસ્વત બેંકે કોઈપણ પ્રકારના નુકસાન વિના મુશ્કેલીમાં મુકાયેલા ડિપોઝિટરને મદદ કરી છે, ડિપોઝિટરના હિતનું સંપૂર્ણ રક્ષણ સુનિશ્ચિત કર્યું છે.
સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના આ સંપાદન પછી, આ સાત નબળી બેંકોનો સંયુક્ત વ્યવસાય પાંચ વર્ષમાં ૧,૯૦૦ કરોડ રુપિયાથી વધીને ૯,૨૦૦ કરોડ રુપિયા થયો છે.