રોકાણકારોનું હકપત્ર પોતપોતાની વેબસાઇટ પર મૂકવા સ્ટૉક બ્રોકર્સને સેબીનો આદેશ

03 December, 2021 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેબીએ પરિપત્રમાં જણાવ્યા અનુસાર નવી માર્ગદર્શિકા આગામી પહેલી જાન્યુઆરીથી અમલી બનશે

પ્રતીકાત્મક તસવીર

સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીએ સ્ટૉક બ્રોકર્સને રોકાણકારોના હકપત્રની તથા એમને મળેલી ફરિયાદોના આંકડાની જાહેરાત પોતપોતાની વેબસાઇટ પર કરવાનો આદેશ આપ્યો છે. 
સેબીએ પરિપત્રમાં જણાવ્યા અનુસાર નવી માર્ગદર્શિકા આગામી પહેલી જાન્યુઆરીથી અમલી બનશે. 
નોંધનીય છે કે સેબીએ બજારના સહભાગીઓની સાથે ચર્ચાવિચારણા કરીને સ્ટૉક બ્રોકરોના રોકાણકારોનું હકપત્ર તૈયાર કર્યું છે. એમાં રોકાણકારોના અધિકારો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટૉક
બ્રોકરોએ કયું કાર્ય કેટલી સમયમર્યાદામાં કરી આપવું એની પણ નોંધ
લેવામાં આવી છે. આ ઉપરાંત રોકાણકારોએ શું કરવું અને શું નહીં એની વિગતો તથા એમની ફરિયાદોના નિવારણ માટે કરાયેલી વ્યવસ્થાના મુદ્દા સામેલ છે. 
સેબીએ પરિપત્રમાં કહ્યું છે કે સ્ટૉક એક્સચેન્જોએ નવા તથા વર્તમાન ક્લાયન્ટ્સને એમના માટેના હકપત્ર વિશે જાણકારી આપવાની સૂચના સ્ટૉક બ્રોકરોને આપવી. અકાઉન્ટ ખોલવામાં આવે ત્યારે આપવામાં આવતી કિટની સાથે આ હકપત્રની એક નકલ પણ આપવી તથા ઈ-મેઇલ કે પત્ર, વગેરે દ્વારા એની જાણ કરવી એમ પણ કહેવામાં આવ્યું છે.
દરેક મહિનામાં આવેલી ફરિયાદોના આંકડા બીજા મહિનાની સાતમી તારીખ સુધીમાં વેબસાઇટ પર મૂકવા એમ સેબીએ કહ્યું છે અને એ રજૂઆત માટેનું ફૉર્મેટ પણ દર્શાવ્યું છે. 
આની પહેલાં સેબીએ રોકાણકારોના હકપત્રની જાહેરાત પોતપોતાની વેબસાઇટ પર કરવા માટે ડિપોઝિટરીઝ, રજિસ્ટ્રાર ઍન્ડ ટ્રાન્સફર એજન્ટ્સ તથા મર્ચન્ટ બૅન્કર્સને કરી હતી. 

business news