સેબીએ પ્રેફરન્શિયલ ફાળવણી સંબંધેના નિયમો હળવા બનાવ્યાઃ લૉક ઇન સમયગાળો ઘટાડ્યો

18 January, 2022 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉક ઇન સમયગાળા માટે સેબીએ કહ્યું છે કે ઇશ્યુ આવ્યા બાદના પેઇડ અપ કૅપિટલના ૨૦ ટકા સુધીની ફાળવણી માટે હોલ્ડિંગનો સમયગાળો હાલનાં ત્રણ વર્ષથી ઘટાડીને દોઢ વર્ષનો કરવામાં આવ્યો છે.

સેબી

મૂડીબજારની નિયામક સંસ્થા સેબીએ શૅરની પ્રેફરન્શિયલ ફાળવણી માટે નાણાં ઊભાં કરવાનું કંપનીઓ માટે વધુ સરળ બનાવ્યું છે. એણે ઇશ્યુના ભાવનું નિર્ધારણ કરવા માટેના નિયમો હળવા બનાવ્યા છે તથા લૉક ઇનની જરૂરિયાતો ઘટાડી દીધી છે. 
સેબીએ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પ્રમોટરોને પ્રેફરન્શિયલ ઇશ્યુમાં ફાળવવામાં આવેલા શૅર લૉક ઇન સમયગાળા દરમિયાન ગિરવે મૂકવાની પણ પરવાનગી આપી છે. 
નિયામકે કહ્યું છે કે જે પ્રેફરન્શિયલ ઇશ્યુને કારણે કંપનીના કન્ટ્રોલમાં ફેરફાર થાય અથવા પાંચ ટકા કરતાં વધુ હિસ્સાની ફાળવણી કરવામાં આવે તો રજિસ્ટર્ડ વૅલ્યુઅર પાસે વૅલ્યુએશન રિપોર્ટ લેવો જરૂરી છે. એટલું જ નહીં, નિયંત્રણમાં ફેરફાર થવાનો હોય એ સ્થિતિમાં ફાળવણી કરતી વખતે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સની સમિતિ પાસેથી વાજબી ભલામણ થયેલી હોવી જોઈએ. એની સાથે-સાથે એ ઇશ્યુના તમામ પાસા બાબતે કમિટીની ટિપ્પણીઓ પણ હોવી જોઈએ. આ ટિપ્પણીઓમાં ભાવનિર્ધારણને લગતી ટિપ્પણી પણ હોવી જોઈએ.
નોંધનીય છે કે પીએનબી હાઉસિંગ ફાઇનૅન્સે અમેરિકાના કાર્લાઇલ ગ્રુપ તથા અન્ય અમુક રોકાણકારોને પ્રેફરન્સ શૅરની ફાળવણી કરવા માટે મૂકેલો પ્રસ્તાવ અટકી ગયો એ પાર્શ્વભૂમાં સેબીએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. સેબીએ પીએનબી હાઉસિંગના એ કિસ્સામાં ઇશ્યુના ભાવના નિર્ધારણની પાછળના તર્કની સામે સવાલ ઉઠાવ્યો હતો. આખરે એ ઇશ્યુ રદ કરવો પડ્યો. એ ઘટનાને પગલે સેબીએ હવે ઇશ્યુ ઑફ કૅપિટલ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ રૂલ્સમાં ફેરફાર કર્યા છે. 
લૉક ઇન સમયગાળા માટે સેબીએ કહ્યું છે કે ઇશ્યુ આવ્યા બાદના પેઇડ અપ કૅપિટલના ૨૦ ટકા સુધીની ફાળવણી માટે હોલ્ડિંગનો સમયગાળો હાલનાં ત્રણ વર્ષથી ઘટાડીને દોઢ વર્ષનો કરવામાં આવ્યો છે. ૨૦ ટકા કરતાં વધુની ફાળવણી માટે હોલ્ડિંગનો સમયગાળો હાલના એક વર્ષથી ઘટાડીને ૬ મહિનાનો કરવામાં આવ્યો છે. 
પ્રમોટર સિવાયની એન્ટિટીઝ માટે લૉક ઇન સમયગાળો એક વર્ષથી ઘટાડીને ૬ મહિનાનો કરવામાં આવ્યો છે. જે એલોટી પ્રેફરન્શિયલ ઇશ્યુને કારણે પ્રમોટર બને છે તેમના માટેની લૉક ઇનની આવશ્યકતા પ્રમોટરોને તથા પ્રમોટર ગ્રુપને લાગુ પડતી જોગવાઈઓ અનુસારની રહેશે, એમ સેબીના ૧૪ જાન્યુઆરીના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે. 

business news