બજારની નરમાઈમાં વધારો, ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૭૬,૦૦૦ની અંદર ઊતરી ગયો

08 September, 2026 07:50 AM IST  |  Mumbai | Anil Patel

NSEનો લાર્જેસ્ટ IPO આગામી સપ્તાહે ખૂલવાની ધારણા, ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઉપરમાં ૩૧૦ થયા બાદ ઘટીને ૨૫૯ આસપાસ

પ્રતીકાત્મક તસવીર

NSEનો લાર્જેસ્ટ IPO આગામી સપ્તાહે ખૂલવાની ધારણા, ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઉપરમાં ૩૧૦ થયા બાદ ઘટીને ૨૫૯ આસપાસ : તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૧૦૦૪ની દોઢેક વર્ષની બૉટમ બનાવી સુધારામાં બંધ: આશરે ૨૦૦ કરોડ રૂપિયાની રુશવતખોરીનો મામલો જાહેર થતાં PVR આઇનૉક્સ છ માસના મોટા કડાકા બાદ પોણાછ ટકા ખરડાઈ : નાશિકની ESDS સૉફ્ટવેર મારફાડ લિસ્ટિંગના વળતા દિવસે પણ ૨૦ ટકાની તેજી સાથે નવા શિખરે : પીસી જ્વેલર્સ ‘એ’ ગ્રુપમાં ઝળકી, મનોજ વૈભવ ઉપલી સર્કિટે નવી ટોચે 

મધ્ય-પૂર્વમાં વધેલી તંગદિલીના પગલે બ્રેન્ટ ક્રૂડ ૯૭ ડૉલર આસપાસ મજબૂત છે. અમેરિકન ફેડની પૉલિસી મીટિંગ ૧૫મીથી શરૂ થવાની છે, અેમાં ફેડ રેટ વધશે એવી આશંકા સેવાય છે. બહુમતી અગ્રણી એશિયાઈ બજારોએ નવા સપ્તાહની શરૂઆત સારા એવા સુધારાથી કરી છે. સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેક્સ સાડાચાર ટકાથી વધુ ઊંચકાઈને ૬૯૯૫ વટાવી ગયો છે. ગોલ્ડમૅન સાક્સવાળા અહીં ૧૨,૦૦૦ના ટાર્ગેટ સાથે મોટી તેજી જોઈ રહ્યા છે. જૅપનીઝ નિક્કી પોણાબે ટકા, તાઇવાન તથા થાઇલૅન્ડ દોઢેક ટકા તો ચાઇના નહીંવત પ્લસ થયું છે. સામે હૉન્ગકૉન્ગ એક ટકો તથા સિંગાપોર અને ઇન્ડોનેશિયા મામૂલી ઘટાડે બંધ રહ્યાં છે. બિટકૉઇન ૮૨,૦૦૦ ડૉલર વટાવી ગયા પછી ટેક્નિકલ કરેક્શનમાં હાલ ૭૯,૩૮૨ ડૉલરે આવી ગયો છે. 
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૬૯ પૉઇન્ટ નરમ ૭૬,૪૪૬ ખૂલી છેવટે ૩૮૨ પૉઇન્ટ ઘટી ૭૬,૧૩૩ નજીક તો નિફ્ટી ૧૧૮ પૉઇન્ટ બગડી ૨૩,૭૭૯ ગઈ કાલે બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૭૬,૪૭૭ તથા નીચામાં ૭૫,૯૭૦ થયો હતો. કસીનો સેશન શરૂ થયું ત્યારે સેન્સેક્સ ૭૬,૦૫૧ અને નિફ્ટી ૨૩,૭૪૭ના લેવલે હતાં. નબળી માર્કેટબ્રેડ્થમાં NSE ખાતે ૧૫૦૯ શૅર પ્લસ તો ૨૦૮૪ શૅર માઇનસ થયા છે. માર્કેટકૅપ ૧.૮૪ લાખ કરોડ ઘટીને ૪૮૬.૪૨ લાખ કરોડ થયું છે. સેન્સેક્સ નિફ્ટીની અડધા ટકાની નરમાઈની સામે IT ઇન્ડેક્સ ૨.૧ ટકા કે ૬૧૯ પૉઇન્ટ, રિયલ્ટી દોઢ ટકો, મેટલ બેન્ચમાર્ક ૧.૪ ટકા, નિફ્ટી મીડિયા ૨.૯ ટકા, PSU બૅન્ક નિફ્ટી એક ટકો ડૂલ થયો છે. સામે ટેલિકૉમ ઇન્ડેક્સ દોઢ ટકા રણક્યો છે. હેલ્થકૅર ફાર્મા બેન્ચમાર્ક પોણા ટકા નજીક સુધર્યો છે.
મુંબઈના ગોરેગામ-વેસ્ટની પ્રણવ કન્સ્ટ્રક્શન્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૪ની અપરબેન્ડમાં ૩૫૧ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં સાડાપાંચ ગણા સહિત કુલ ૫.૧ ગણો છલકાયો છે. પ્રીમિયમ ૪૩ જેવું છે. SME સેગમેન્ટમાં કલકત્તાની અપના લૉજિસ્ટિક્સનો ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવનો ૩૪ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૩૭ ટકા સહિત કુલ ૨૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ ત્રણથી ઊછળીને ૧૧ થઈ ગયું છે. મુંબઈની ક્વૉલિયન્સ ઇન્ટરનૅશનલનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ના ભાવનો ૪૫ કરોડનો ઇશ્યુ આજે બંધ થવાનો છે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૮૦ ગણું છલકાઈ ચૂક્યું છે. પ્રીમિયમ પંચાવનના લેવલે ચોંટેલું છે. 
PC જ્વેલર્સ પાંચેક ગણા કામકાજે ૧૪ વટાવી ૧૭.૧ ટકાના જમ્પમાં ૧૪ નજીક બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બની છે. મોટા ભાગના જ્વેલરી શૅર ગઈ કાલે ઝમકમાં હતા. મનોજ વૈભવ જેમ્સ ૨૦ ટકાની તેજીમાં નવા શિખરે બંધ થઈ છે. AET જ્વેલર્સ ૨૦ ટકા ઊછળી ૪૪ વટાવી ગઈ છે. ઉદય જ્વેલરી ૧૬.૫ ટકા, રાધિકા જ્વેલ્સ ૧૨.૧ ટકા, મનોજ જ્વેલર્સ સવાછ ટકા, સ્વર્ગણ સરિતા ૬ ટકા, યશ્વી જ્વેલર્સ સાડાપાંચ ટકા, શાંતિ ગોલ્ડ સવાપાંચ ટકા, AJC જ્વેલ્સ પાંચ ટકા, રેનેસા ગ્લોબલ અઢી ટકા, થંગમયિલ પોણાત્રણ ટકા વધી હતી. RBZ જ્વેલર્સ સવાછ ટકા, પ્રોયોરિટી જ્વેલ્સ સવાચાર ટકા, ગોલ્ડિયમ પોણાબે ટકા તથા કલ્યાણ જ્વેલર્સ ૧.૩ ટકા ઝંખવાઈ છે.

ITમાં નબળાઈ વચ્ચે ASM ટેકનો ૮૩૫ રૂપિયા ઊછળી

નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ્સ સવા ટકા વધીને ૮૭૬૦ના બંધમાં બેસ્ટ ગેઇનર હતી. સેન્સેક્સમાં લાર્સન અને ભારતી અૅરટેલ ૦.૬ ટકા તથા મારુતિ સુઝુકી અડધો ટકો વધી મોખરે હતી. નિફ્ટીમાં લાર્સન ૦.૯ ટકા, કોલ ઇન્ડિયા ૦.૮ ટકા, ભારતી અૅરટેલ તથા મેક્સ હેલ્થકૅર પોણો ટકો પ્લસ થઈ છે. ઇન્ફોસિસ ૩.૮ ટકા તૂટી ૧૦૮૭ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની સેન્સેક્સને ૧૨૭ પૉઇન્ટ નડી છે. અન્ય IT હેવી વેઇટ્સમાં ટેક મહિન્દ્ર બે ટકા, TCS ૧.૩ ટકા, HCL ટેક્નૉલૉજીઝ એકાદ ટકો, વિપ્રો ૨.૧ ટકા, લાર્સન માઇન્ડ ટ્રી ૨.૪ ટકા ખરડાઈ હતી. ITમાં ખરડાયેલા માનસ વચ્ચે ASM ટેક્નૉલૉજીઝ પાંચ ગણા વૉલ્યુમે ૬૨૭૫ની ઑલટાઇમ હાઈ નોંધાવી સાડાપંદર ટકા કે ૮૩૫ રૂપિયા જેવા ઉછાળામાં ૬૨૦૫ થઈ છે. ૧૬ માર્ચે આ શૅર ૨૦૯૯ના વર્ષના તળિયે હતો. બ્લૅક બૉક્સ સવાનવ ટકા, ક્વીક હીલ સાડાઆઠ ટકા, એક્સચેન્જિંગ પાંચ ટકા ઊંચકાઈ છે. 
રિલાયન્સ એક ટકો ઘટી ૧૩૦૯ના બંધમાં બજારને ૭૧ પૉઇન્ટ ભારે પડી છે. તાતા કન્ઝ્યુમર ૧૦૦૪ની દોઢ વર્ષની બૉટમ બનાવી સામાન્ય સુધારે ૧૦૧૬ થઈ છે. નિફ્ટી ખાતે SBI લાઇફ અને HDFC લાઇફ અઢી ટકા નજીક તો જિયો ફાઇનૅન્શિયલ બે ટકા ડાઉન હતી. ઘટેલા અન્ય શૅરમાં તાતા સ્ટીલ ૧.૯ ટકા, બજાજ ફીનસર્વ ૧.૬ ટકા, અલ્ટ્રાટેક ૧.૪ ટકા, JSW સ્ટીલ પોણાબે ટકા, તાતા મોટર પૅસેન્જર દોઢ ટકા, સ્ટેટ બૅન્ક એક ટકા મૂલ્ય ઘટ્યા હતા. BSE લિમિટેડ એક ટકો વધી ૩૪૪૬ તો MCX ૧.૭ ટકા વધી ૩૩૩૦ થઈ છે. LIC એક ટકો ઘટી ૪૧૧ હતી. 

પર્પલ સ્ટાઇલ ડિસ્કાઉન્ટમાં, શાંતિ ઇનઑર્ગેનિક્સનું તગડું લિસ્ટિંગ

ગઈ કાલે કુલ ૪ ભરણાં લિસ્ટેડ થયાં છે. મેઇન બોર્ડમાં મુંબઈના વિલે પાર્લે ઈસ્ટની સતત વધતા દરે ખોટ કરતી પર્પલ સ્ટાઇલ લૅબ્સ ૧૦ના શૅરદીઠ ૫૭૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૩૦થી શરૂ થઈ ઉપરમાં ૩૪ થયા બાદ છેલ્લે પાંચ રૂપિયાના ડિસ્કાઉન્ટમાં ફેરવાયા પછી ૧૦ રહેલા ડિસ્કાઉન્ટ સામે ૫૩૯ ખૂલી ૫૬૮ બંધ રહેતાં સવા ટકો લિસ્ટિંગ લૉસ મળી છે. કુલ ૬૮૦ કરોડનું આ ભરણું રીટેલમાં ૧.૭ ગણા નજીક સહિત ટોટલ ૧.૪ ગણું ભરાયું હતું. HNI પોર્શન ફક્ત ૮૯ ટકા ભરાયો હતો. SME સેગમેન્ટમાં જે ૩ ઇશ્યુ લિસ્ટેડ થયાં છે અેમાં નાશિકની ફીકેમ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૫૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ત્રણથી શરૂ થઈ એક રૂપિયે આવી ગયેલા પ્રીમિયમ સામે BSEમાં ૫૬ ખૂલી ૫૯ નજીક બંધ થતાં ૮.૯ ટકા લિસ્ટિંગ ગેઇન, અમદાવાદની શાંતિ ઇનઑર્ગેનિક્સ ૧૦ના શૅરદીઠ ૮૩ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ગ્રેમાર્કેટમાં ૨૫થી શરૂ થઈ છેલ્લે બોલાતા ૪૭ના પ્રીમિયમ સામે NSEમાં ૧૫૮ ખૂલી ૧૬૫ બંધ આવતાં ૯૯.૫ ટકા લિસ્ટિંગ ગેઇન અને અમદાવાદની અન્ય કંપની આશુતોષ ફાઇબર ૧૦ના શૅરદીઠ ૯૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૩થી શરૂ થઈ ઉપરમાં ૪૫ થયા બાદ ગગડી ૧૦ થયા પછી ઝડપી સુધારે વધી છેલ્લે ચાલતા ૪૭ના પ્રીમિયમ સામે NSE ખાતે ૧૪૦ ખૂલી ૧૪૭ બંધ થતાં ૫૯.૮ ટકા લિસ્ટિંગ ગેઇન અેમાં મળ્યો છે. 
આજે, મંગળવારે ચાર ભરણાં લિસ્ટિંગમાં જશે જેમાં દીપા જ્વેલર્સ, રેઝ ઑફ બિલિફ, ફાર્મ પીસ લિમિટેડ તથા ફ્લાય-હાઈ મૅરિટાઇમ સામેલ છે. હાલમાં ગ્રેમાર્કેટમાં દીપા જ્વેલર્સમાં ૨૩, રેઝ ઑફ બિલિફમાં ૨૦, ફાર્મ પીસમાં ૫૦ તો ફ્લાય-હાઈમાં એકનું પ્રીમિયમ બોલાય છે. દરમ્યાન આગલા દિવસે એટલે કે શુક્રવારે ૧૦૯ ટકાના મારફાડ લિસ્ટિંગ ગેઇનમાં ૮૯૫ બંધ રહેલી નાશિકની ESDS સૉફ્ટવેર ગઈ કાલે ૧૦૭૫ની નવી ટૉપ બનાવી ૨૦ ટકા ઊછળી ત્યાં જ, સવાઅઢાર ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૨૩૬ બંધ આવેલી મુંબઈના અંધેરી-વેસ્ટની પ્રાયોરિટી જ્વેલ્સ ૨૪૮ના શિખરે જઈ ૪.૨ ટકા ગગડી ૨૨૬ તો માંડ અઢી ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૪૯ પ્લસ બંધ રહેલી પલક ટેક્નૉલૉજીઝ ૫૦ નજીક નવી ટૉપ બનાવી સવાબે ટકા ઘટી ૪૮ બંધ આવી છે. જ્યારે મુંબઈના ચકલા ખાતેની ૮ ટકા પ્લસના લિસ્ટિંગ ગેઇનમાં ૧૪૬ નજીક બંધ આવેલી કમ્પ્લેટ સ્પોર્ટ્‍સ અૅન્ડ મૅનેજમેન્ટ ઇન્ડિયા ગઈ કાલે ૧૫૩ની બેસ્ટ સપાટી દેખાડી પાંચ ટકા વધી ત્યાં જ રહી છે. અન્ય નવા લિસ્ટેડ શૅરમાં લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝ ઉપર ૧૨૧ નોંધાવી નજીવો સુધરી ૧૧૫, ક્વીક ફૉરેન્સિક ૧૭૦ની નવી ટોચ બતાવી પાંચ ટકા તૂટી ૧૫૭, અન્નુ  પ્રોજેક્ટ્સ ૬૭ નીચે નવા તળિયે જઈ પાંચ ટકા ગગડી ત્યાં જ તથા સુમેક્સ એન્જિનિયર્સ ૧૦૧નું નવું બૉટમ બનાવી પાંચ ટકા વધીને ૧૧૨ નજીક બંધ આવી છે. 

ઉપલી સર્કિટ સાથે TBZ સતત પાંચમા દિવસે ઑલટાઇમ હાઈ

GRT જ્વેલર્સ દ્વારા કરાયેલી ટેકઓવરની જાહેરાતથી કંપનીને નવું સદ્ધર મૅનેજમેન્ટ મળવાના હરખમાં સતત ૪ દિવસ તગડા જમ્પ સાથે નવી ઑલટાઇમ હાઈ હાંસલ કરનાર TBZ લિમિટેડ ગઈ કાલે પાંચમા દિવસે ૫૨૦ નજીકનું શિખર બતાવી ૧૦ ટકા વધી ત્યાં જ બંધ આવી છે. NSEના મેગા ઇશ્યુનું ટૂંકમાં આગમન નક્કી છે. ઇશ્યુની સાઇઝ તથા પ્રાઇસ બેન્ડ ૧૧મીએ ચોક્કસ ખબર પડશે, પરંતુ ભરણું આશરે ૩૦,૦૦૦ કરોડનું કહેવાય છે. ઇશ્યુ પ્રાઇસ શૅરદીઠ ૧૮૦૦ આસપાસની મનાય છે. દેશના ઇતિહાસના સૌથી મોટા એવા આ IPOમાંથી NSEને કશું મળવાનું નથી. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે. ઇશ્યુનાં નાણાં સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, ન્યુ ઇન્ડિયા અૅશ્યૉરન્સ, IFCIની સબસિડિયરી સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશન, જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશનને ઑફર ફૉર સેલ મારફત રોકડી થશે. ગઈ કાલે સ્ટેટ બૅન્ક એક ટકો ઘટી ૧૦૦૬, બૅન્ક ઑફ બરોડા એક ટકો ઘટી ૨૩૬, IFCI ઉપરમાં ૨૪૩ની ટોચે એક ટકો વધી ૧૦૨, ન્યુ ઇન્ડિયા અૅશ્યૉરન્સ ઉપરમાં ૧૦૭ બતાવી અડધો ટકો સુધરી ૨૩૧ તો જનરલ ઇન્શ્યૉરન્સ ઉપરમાં ૩૬૧ થઈ ૨.૪ ટકા ઘટી ૩૫૦ બંધ થઈ છે. અનલિસ્ટેડ માર્કેટમાં NSEના શૅરનો ભાવ છેલ્લે ૨૦૫૦ હતો. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૨૮૫ શરૂ થયા બાદ ૩૧૦ થઈ હાલમાં ૨૫૯ બોલાય છે. 
PVR આઇનૉક્સના એક્સ એક્ઝિક્યુટિવ ૨૦૦ કરોડની લાંચ-રુશવતના મામલામાં સંડોવાયા હોવાના અહેવાલના પગલે શૅર દોઢા વૉલ્યુમે છ માસના મોટા કડાકામાં ૧૧૨૬ થઈ પોણાછ ટકા તૂટી ૧૧૫૭ બંધ થયો છે. ઝી એન્ટરટેઇનમેન્ટ સવાયા વૉલ્યુમે છ ટકા ગગડી ૮૬ નીચેના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર્સ બની છે. સેઇલ સારા કામકાજમાં પોણાપાંચ ટકા નજીકની ખરાબીમાં ૧૮૮ નજીક બંધ થઈ છે. ICICI-પ્રુ લાઇફ સાડાચાર ટકા બગડી ૪૭૨ હતી. 

આજે મેઇન બોર્ડમાં કુલ ૧૯૮૪ કરોડનાં ૩ ભરણાં મૂડીબજારમાં

આજે, મંગળવારે મેઇન બોર્ડમાં ૩ IPO ખૂલશે. ઉત્તર પ્રદેશના મેરઠ ખાતેની કનોહર ઇલેક્ટ્રિકલ્સ બેના શૅરદીઠ ૬૩૨ રૂપિયાની અપરબેન્ડમાં ૧૦૫૬ કરોડનું ભરણું કરવાની છે અેમાંથી ૭૫૬ કરોડ ઑફર ફૉર સેલ પેટે ઘરભેગા કરશે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૧૯૭૨માં સ્થપાયેલી આ કંપની પાવર, રેલવે તેમ જ રિન્યુએબલ એનર્જી જેવા ઉદ્યોગોમાં વપરાતાં ટ્રાન્સફૉર્મર્સ બનાવે છે. ગયા વર્ષે ૪૫ ટકા વધારામાં ૬૬૩ કરોડની આવક પર ૯૯ ટકા વૃદ્ધિદરથી ૧૩૦ કરોડ નેટ નફો અેણે બતાવ્યો છે. દેવું ૩૯ કરોડ છે. બે વર્ષ પૂર્વે આવક ૨૮૧ કરોડ અને નફો માત્ર ૧૭૭૬ લાખ હતો. ઇશ્યુમાંથી ૬૪ કરોડ વર્કિંગ કૅપિટલમાં અને ૧૫૫ કરોડ કૅપેક્સમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં ૨૦૦થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપર ૨૦૫ થઈ હાલ ૧૯૦ છે.
બીજી કંપની નવી મુંબઈની પ્રસોલ કેમિકલ્સ બેના શૅરદીઠ ૬૭૬ની અપરબેન્ડમાં ૫૦૦ કરોડનો ઇશ્યુ સોમવારે લાવશે. અેમાંથી ઑફર ફૉર સેલ ૪૨૦ કરોડની છે અેનો મોટો ભાગ આશરે ૩૯૭ કરોડ રૂપિયા પ્રમોટર્સ લઈ જશે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૧૯૯૨માં સ્થપાયેલી આ કંપની સ્પેશ્યાલિટી કેમિકલ્સ ઉદ્યોગમાં ૧૫૦થી વધુ કેમિકલ્સ બનાવે છે. ગયા વર્ષે બાવીસ ટકા વધારામાં ૧૨૩૮ કરોડ આવક ઉપર ૯૧ ટકા વધારામાં ૮૩૧૨ લાખ ચોખ્ખો નફો કર્યો છે. બે વર્ષ પૂર્વે આવક ૮૮૭ કરોડ અને નફો ૧૮૧૩ લાખ હતો. દેવું આ ગાળામાં ૮૨ કરોડથી વધી ૧૧૦ કરોડ થયું છે ઇશ્યુમાંથી ૬૦ કરોડ દેવાની ચુકવણીમાં જશે. પ્રીમિયમ ૧૪થી શરૂ થયા બાદ તગડા ઉછાળે ૧૬૫ થઈ હાલમાં તૂટી ૯૦ બોલાય છે. 
ત્રીજી કંપની ગ્લાસવૉલ સિસ્ટમ્સ ઇન્ડિયા પણ બે રૂપિયાના શૅરદીઠ ૧૮૨ની અપરબેન્ડમાં કુલ ૪૨૮ કરોડનો IPO સોમવારે કરવાની છે. અેમાં ઑફર ફૉર સેલ ૩૬૮ કરોડની હોવાથી કંપનીને માત્ર ૬૦ કરોડ મળવાના છે. આ ભંડોળ વર્કિંગ કૅપિટલમાં કંપની વાપરશે. ૨૦૧૦માં સ્થપાયેલી આ કંપની રિયલ એસ્ટેટ, હૉસ્પિટલ્સ તથા અૅરપોર્ટ્‍સ ઇત્યાદી ક્ષેત્રે ફેસેડ અને ફેનિસ્ટ્રેશન્સનું કામકાજ કરે છે. ગયા વર્ષે ૬૪ ટકા વધારામાં ૪૭૧ કરોડની આવક પર ૪૬ ટકા વૃદ્ધિદરથી ૮૪ કરોડ નજીકનો નેટ પ્રૉફિટ કર્યો છે. બે વર્ષ પૂર્વે આવક ૩૧૦ કરોડ અને નફો ૨૦૨૫ લાખ હતો. દેવું આ ગાળામાં ૨૫ કરોડથી ઘટીને ૬૬૮ લાખ રહ્યું છે. ગ્રેમાર્કેટમાં ૨૦થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૭૦ થઈ હાલમાં ૪૨ ચાલે છે.

business news sensex nifty bitcoin stock market share market national stock exchange bombay stock exchange ipo