30 May, 2026 08:26 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઈરાન-અમેરિકા વચ્ચે વચગાળાના રસ્તા તરીકે એક નવી ડીલ આકાર લઈ રહી હોવાના અહેવાલ છે. તદાનુસાર યુદ્ધવિરામ કે સીઝફાયરની મુદત વધુ બે માસ લંબાવવાની તેમ જ હોર્મુઝ ખાડીમાંથી જહાજોની અવર-જવર ચાલુ કરવાનો પ્રસ્તાવ એમાં સામેલ છે. નવી ડીલ ટ્રમ્પની મંજૂરીની રાહ જુએ છે એવી પણ માહિતી મળે છે. નવા ઘટનાક્રમને લઈ બ્રેન્ટ ક્રૂડ ૯૩ ડૉલર આસપાસ આવી ગયું છે. ચાઇનાની પોણા ટકાની પીછેહઠ બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારોનો શુક્રવાર સારો ગયો છે. ઑલટાઇમ હાઈનો સિલસિલો જાળવી રાખતાં જપાન ૨.૭ ટકા, સાઉથ કોરિયા સાડાત્રણેક ટકા, તાઇવાન અઢી ટકા નજીક તો થાઇલૅન્ડ સાધારણ વધીને બંધ થયાં છે. ઇન્ડોનેશિયા તથા સિંગાપોર એક-એક ટકા અને હૉન્ગકૉન્ગ પોણો ટકો અપ હતું. યુરોપ ખાતે રનિંગમાં સાધારણથી પોણા ટકા જેવો સુધારો દેખાયો છે. પાકિસ્તાની શૅરબજાર સુધારાની આગેકૂચમાં ૧,૭૪,૦૯૬ થઈ રનિંગમાં ૧૮૧૪ પૉઇન્ટ્સ વધી ૧,૭૩,૫૩૯ ચાલતું હતું. ડૉલર સામે રૂપિયો ૯૫.૭૦ના આગલા બંધ સામે ગઈ કાલે ૯૪.૯૫ થઈ ૭૦ પૈસા વધી રનિંગમાં ૯૫.૦૩ દેખાયો છે.
સેન્સેક્સ આગલા બંધથી ૧૨૦ પૉઇન્ટ્સ પ્લસ, ૭૫,૯૮૮ ખૂલી છેવટે ૧૦૯૨ પૉઇન્ટ્સ બગડી ૭૪,૭૭૬ તથા નિફ્ટી ૩૫૯ પૉઇન્ટ્સની ખરાબીમાં ૨૩,૫૪૮ ગઈ કાલે બંધ રહ્યાં છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ ઉપરમાં ૭૬,૨૨૦ થયેલો શૅર આંક બીજા સત્રમાં જોવાયેલી નરમાઈમાં ૧૬૩૧ પૉઇન્ટ્સ ગગડી નીચામાં ૭૪,૫૮૯ થયો હતો. કંગાળ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૧૪૫ શૅરની સામે ૨૧૭૧ શૅર ઘટ્યા છે. માર્કેટકૅપ ૫.૭૭ લાખ કરોડ ગગડી ૪૬૪.૯૮ લાખ કરોડ નોંધાયું છે. પાવર ઇન્ડેક્સ તથા કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક નવા બેસ્ટ લેવલે જઈ અનુક્રમે ૧.૩ ટકા તથા એક ટકો નરમ થયા છે. મેટલ બેન્ચમાર્ક ૨.૩ ટકા, ઑઇલ-ગૅસ ૨.૮ ટકા, યુટિલિટીઝ ૨.૩ ટકા, ફાઇનૅન્સ ૧.૪ ટકા, બૅન્ક નિફ્ટી ૧.૧ ટકા, પીસીયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો, નિફ્ટી ડિફેન્સ દોઢ ટકા માઇનસ હતો. આઇટી બેન્ચમાર્ક ૦.૪ ટકા વધ્યો છે. ટેલિકૉમ નવા શિખરે જઈ ૦.૪ ટકા પ્લસ હતો.
આગલા દિવસે સાત શૅરમાં નવી ટૉપ સાથે ડિમાન્ડમાં રહેલું અદાણી ગ્રુપ ગઈ કાલે થાકોડો ખાવાના મૂડમાં હતું. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૧.૧ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૮ ટકા, ACC ૨.૨ ટકા, અંબુજા સિમેન્ટ્સ અઢી ટકા, NDTV પાંચ ટકા, PSP પ્રોજેક્ટ્સ દોઢ ટકા, ઓરિયેન્ટ સિમેન્ટ્સ બે ટકા ઘટી છે, જ્યારે નવા બેસ્ટ લેવલે ગયા પછી અદાણી પાવર ૨.૧ ટકા, અદાણી એનર્જી ૧.૯ ટકા, અદાણી ટોટલ ૪.૪ ટકા નરમ હતી. અદાણી ગ્રીન ૧૫૩૨ની ટૉપ બતાવી એક ટકો ઘટી ૧૪૭૫ હતી. સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ૧૦૯૦ના શિખરે જઈ ૭.૪ ટકા ઊછળી ૧૦૬૬ થઈ છે. રિલાયન્સમાં ડિવિડન્ડની રેકૉર્ડ-ડેટ ૬ જૂન થતાં ૪૯મી AGMની તારીખ ૧૯ જૂન જાહેર થઈ છે, શૅર બે ટકા ઘટી ૧૩૨૩ બંધમાં બજારને ૧૫૨ પૉઇન્ટ્સ નડ્યો છે. ઇન્ફોસિસ નહીંવત, ટેક મહિન્દ્રા ૧.૯ ટકા, વિપ્રો સવા ટકો, HCL ટેક્નૉલૉજી ૧.૭ ટકા, લાર્સન ૧.૧ ટકા, એશિયન પેઇન્ય્સ ફ્લૅટ વધી હતી. LIC એક્સ બોનસમાં ઉપમરમાં ૪૨૮ વટાવી પોણો ટકો ઘટીને ૪૧૨ હતી. આઇશર ૩.૬ ટકા, પાવરગ્રીડ ૩.૫ ટકા, ઇન્ડીગો ૩.૩ ટકા, ONGC ૩.૨ ટકા ગગડી છે.
સોમવારે બે નવા SME IPO ખૂલવાના છે. હૈદરાબાદ ખાતેની મેરિટ્રોનિક્સ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૪૯ની અપર બૅન્ડમાં ૭૦ કરોડનો BSE SME IPO લાવશે. માર્કેટમેકર માટે ૪ કરોડના શૅર એમાં અનામત છે. કુલ ઇશ્યુમાં QIB પોર્શન ૪૯.૯ ટકા તથા રિટેલ પોર્શન ૩૬.૦૪ ટકા છે. ૧૯૮૮માં સ્થપાયેલી આ કંપની ડિફેન્સ, ઍરોસ્પેસ, ટેલિકૉમ તેમ જ ઇન્ડસ્ટ્રિયલ ઇલેક્ટ્રૉનિકસ સેક્ટર માટે ઇલેક્ટ્રૉનિક્સ સિસ્ટમ્સ ડિઝાઇનિંગ અને મૅન્યુફૅક્ચરિંગ કરે છે. કંપનીએ ગત વર્ષે ૩૭ ટકા વધારામાં ૧૫૬ કરોડ આવક ઉપર ૮૬ ટકા વૃદ્ધિદરથી ૧૬૧૦ લાખ નેટ નફો કર્યો છે. દેવું એક જ વર્ષમાં ૧૮૫૭ લાખથી તગડું વધી ૪૩૨૦ લાખ થયું છે. ઇશ્યુમાંથી ૧૨૭૨ લાખ દેવાની ચુકવણીમાં, ૨૧૯૫ લાખ વર્કિંગ કૅપિટલમાં તથા ૨૧૩૬ લાખ મશીનરી તેમ જ ઇક્વિપમેન્ટ્સ ખરીદવામાં વપરાશે. ગ્રે માર્કેટમાં ૪૫થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૯૩ થઈ અત્યારે ૯૦ ચાલે છે.
રાજકોટની લિઓટેક ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૩૨૧ના ભાવથી કુલ ૩૬ કરોડનો BSE SME ઇશ્યુ સોમવારે કરશે. એમાંથી સાત કરોડ પ્રમોટર્સના ઘરમાં જવાના છે. માર્કેટમેકર માટે બે કરોડના શૅર રખાયા છે. QIB નથી, રિટેલ પોર્શન ૫૦ ટકા છે. ૨૦૨૦માં સ્થપાયેલી આ કંપની હાર્ડવેર એસેસરીઝ તથા સ્ટ્રક્ચર્સ બનાવે છે. ઇશ્યુ જૂન ૨૦૨૬માં આવી રહ્યો છે, પણ કંપનીએ એની કામગીરી માર્ચ ૨૦૨૫ સુધીની જ આપી છે. એ મુજબ ૨૦૨૪-૨૫ના વર્ષે આવક ૪૬.૭ ટકા વધી ૪૦૬૯ લાખ તથા નફો ૪૨ ટકા વધી ૪૧૬ લાખ થયો છે. દેવું માર્ચ ૨૦૨૫ના અંતે ૪૨૨ લાખ હતું, પછીની ખબર નથી. ઇશ્યુમાંથી ૪૧૫ લાખ દેવાની ચુકવણીમાં, ૭ કરોડ વર્કિંગ કૅપિટલમાં તથા ૭૫૦ લાખ મશીનરી ખરીદવામાં વપરાશે. લીડ મૅનેજરનો કોઈ ટ્રૅક રેકૉર્ડ નથી. બારી-બારણાના હેન્ડલ, ડોર-સ્ટેપ્સ તથા હાર્ડવેર એસેસરીઝ બનાવતી કંપની ૩૦ના પી/ઈથી ઇશ્યુ લાવી રહી છે.
ટાયર કંપની ગુડયર ઇન્ડિયાએ સવાબે ટકા વધારામાં ૬૧૬ કરોડની આવક ઉપર ૯૯ ટકા વધારામાં ૯૭૦ લાખ નફો કરી શૅરદીઠ ૨૬.૫૦નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ઉપરમાં ૭૮૩ વટાવી ૦.૯ ટકા ઘટી ૭૪૦ બંધ હતો. પ્રૉક્ટર-ગૅમ્બલ હાઇજીન તરફથી માર્ચ ક્વૉર્ટરમાં પાંચ ટકા ઘટાડામાં ૯૪૧ કરોડની આવક ઉપર ૧૫ ટકા વધારામાં ૬૫ કરોડ નફો મેળવી શૅરદીઠ ૬૦નું આખરી ડિવિડન્ડ જાહેર થયું છે. ભાવ નીચામાં ૯૬૩૦ થઈ ૪.૨ ટકા કે ૪૧૯ રૂપિયા તૂટી ૯૬૮૪ બંધ થયો છે.
ડિફેન્સ કંપની ભારત ડાયનામિક્સની ત્રિમાસિક આવક ૭૩ ટકા ગગડી ૪૮૦ કરોડ તથા નેટ નફો ૫૮.૫ ટકા ઘટી ૧૧૩ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૧૧૭૫ થઈ ૬.૧ ટકા તૂટી ૧૨૦૫ હતો. મુંબઈના કાંદિવલી-ઈસ્ટ ખાતેની આર્કેડ ડેવલપર્સે ૪૯.૬ ટકા વધારામાં ૧૯૭ કરોડની આવક મેળવી છે, પણ કંપની ૩૩ કરોડના નેટ પ્રૉફિટમાંથી ૧૦૯ કરોડની ચોખ્ખી ખોટમાં સરી પડી છે. શૅર નીચામાં ૧૧૩ બતાવી સાડાછ ટકા તૂટી ૧૧૫ હતો. કંપની સપ્ટેમ્બર ૨૦૨૪માં ૧૦ના શૅરદીઠ ૧૨૮ના ભાવે ૪૧૦ કરોડનો ઇશ્યુ લાવી હતી.
વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે ૫૧ ટકા વધારામાં ૪૧૬ કરોડ આવક ઉપર અગાઉના બાવીસ કરોડ સામે પંચાવન કરોડનો તગડો નફો મેળવી શૅરદીઠ ૪૩નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ઉપરમાં ૫૨૦૦ થઈ ૮.૪ ટકા ઊછળી ૪૮૨૫ બંધ થયો છે. DCX સિસ્ટમ્સની આવક ૬૨ ટકા ગગડી ૨૦૭ કરોડ થતાં કંપની ૨૦૭૦ લાખના નફામાંથી ૩૦ લાખની નેટ લૉસમાં આવી છે. શૅર નીચામાં ૧૯૫ થઈ ૭.૭ ટકા તૂટી ૧૯૬ બંધ હતો. ગલ્ફ ઑઇલ લુબ્રિકન્ટે ૧૦.૮ ટકા વધારામાં ૧૦૫૫ કરોડ આવક તથા ૨.૮ ટકા ઘટાડામાં ૮૯ કરોડ નફો કરી શૅરદીઠ ૩૦નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ૪.૪ ટકા વધી ૯૭૦ બંધ થયો છે.
ફિઝિક્સવાલા લિમિટેડ માર્ચ ક્વૉર્ટરમાં ૫૦.૭ ટકા વધારામાં ૯૧૯ કરોડ આવક ઉપર અગાઉની ૨૯૩ કરોડની નેટ લૉસ સામે આ વખતે ૭૫ કરોડ જેવી ચોખ્ખી ખોટ કરી છે. શૅર ઉપરમાં ૧૧૭ વટાવી ૪.૭ ટકા ગગડી ૧૦૭ હતો. નોએડા ખાતેની આ કંપની ગત નવેમ્બરમાં એકના શૅરદીઠ ૧૦૯ના ભાવથી ૩૪૮૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. અશોક લેલૅન્ડની આવક સાડાસત્તર ટકા વધી ૧૭,૨૪૬ કરોડ થઈ છે. નેટ નફો સવાચૌદ ટકા વધી ૧૨૯૧ કરોડ નોંધાયો છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૬૭ બતાવી પાંચ ટકા તૂટી ૧૫૫ હતો. દીપક ફર્ટિલાઇઝર્સની આવક ૧૩ ટકા વધીને ૩૦૧૧ કરોડ વટાવી ગઈ છે, પણ નેટ પ્રૉફિટ ૪૯.૭ ટકા ગગડી ૧૩૯ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૧૪૬૦ થઈ અઢી ટકા ઘટી ૧૪૧૧ રહ્યો છે. બાટા ઇન્ડિયાએ પાંચ ટકા વધારામાં ૮૨૭ કરોડથી વધુની આવક ઉપર ૯૫.૨ ટકા ધોવાણમાં માંડ સવાબે કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. શૅર નીચામાં ૬૬૦ થઈ ૩.૩ ટકા ઘટી ૬૭૦ હતો. ભાવ વર્ષ પૂર્વે ૧૨૯૧ હતો.
પીસી જ્વેલર્સે ૩૨.૭ ટકા વધારામાં ૯૨૭ કરોડની આવક ઉપર ૬૧.૩ ટકા વૃદ્ધિદરમાં ૧૫૩ કરોડ જેવો નેટ નફો મેળવ્યો છે. શૅર ઉપર ૧૦.૫૦ થઈ સાડાચાર ટકા વધી ૯.૬૨ હતો. GMR ઍરપોર્ટ્સે ૩૭.૫ ટકા વધારામાં ૩૯૩૮ કરોડ આવક ઉપર ૨૩૭ કરોડની નેટ લૉસ સામે ૩૦૨ કરોડ નેટ નફો કર્યો છે. ભાવ ઉપર ૧૦૪ બતાવી ૨.૭ ટકા વધી ૧૦૦ થયો છે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટની આવક દસ ટકા ઘટી ૧૭૧૭ કરોડ નજીક રહેતાં નેટ નફો ૫૫.૩ ટકા ગગડી ૬૫ કરોડની અંદર આવી ગયો છે. ભાવ નીચામાં ૪૬૦ બતાવી સવા ટકો સુધરી ૪૮૨ થયો છે. ગેબ્રિઅલ ઇન્ડિયાએ પોણાતેર ટકા વધારામાં ૧૨૦૯ કરોડ આવક ઉપર સાડાત્રણ ટકા વધારામાં ૬૬૬૦ લાખ નફો દર્શાવ્યો છે. શૅર ઉપર ૧૧૪૮ થઈ ૨.૧ ટકા ઘટી ૧૧૦૫ હતો.
હાઇકલ લિમિટેડની આવક ફક્ત છ ટકા ઘટી ૫૧૯ કરોડ થઈ છે એમાં નેટ પ્રૉફિટ ૭૧.૩ ટકા ગગડી ૧૪૪૦ લાખે આવી ગઈ છે. શૅર નીચામાં ૧૯૩ બતાવી ૧૧ ટકા લથડી ૧૯૬ થયો છે. વેરોક એન્જિનિયરિંગે પોણાતેર ટકા વધારામાં ૨૩૬૮ કરોડની આવક ઉપર ૨૩૭ ટકાના વધારામાં ૬૯ કરોડ નેટ નફો બતાવ્યો છે. શૅર ઉપર ૫૯૬ થઈને પાંચેક ટકા તૂટી ૫૫૯ હતો. મહારાષ્ટ્રના વાલુજ ખાતેની આ કંપની જૂન-૨૦૧૮માં એકના શૅરદીઠ ૯૬૭ના ભાવે ૧૯૫૫ કરોડનો ઇશ્યુ લાવી હતી. ઍન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સે પોણાનવ ટકા વધારામાં ૪૨૭ કરોડની આવક ઉપર ૨૯ ટકાના ઘટાડે બાવન કરોડ નજીક નેટ નફો કર્યો છે. ભાવ નીચામાં ૧૮૯ થઈ આઠ ટકા ગગડી ૧૯૦ હતો. એચ.જી. ઇન્ફ્રા એન્જિનિયરિંગે પોણાપાંચ ટકા વધારામાં ૧૪૨૭ કરોડની આવક ઉપર ૪૨ ટકાના ગાબડામાં ૮૫ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. ભાવ નીચે ૫૭૬ થઈ સવાચાર ટકા ગગડી ૫૮૧ રહ્યો છે.
ગઈ કાલે મુંબઈના નરીમાન પૉઇન્ટ્સની ખોરીએટ ટ્રેડ ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવથી ૨૭ કરોડનો BSE SME ઇશ્યુ લાવી છે. ભરણું પ્રથમ દિવસે રિટેલમાં પચીસ ટકા સહિત કુલ ૧૫ ટકા ભરાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૩ છે. જયપુરની રાજનંદિની ફૅશનનો ૧૦ના શૅરદીઠ ૬૩ના ભાવનો ૧૮ કરોડનો BSE SME IPO આખરી દિવસે રિટેલમાં ૧૬૩ ગણા સહિત કુલ ૨૦૧ ગણો ભરાયો છે. જ્યારે અમદાવાદી SMR જ્વેલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૫ના ભાવનો ૬૭ કરોડનો BSE SME ઇશ્યુ રિટેલમાં ૨૬ ટકા સહિત કુલ ૩૯ ટકા જ ભરાતાં ફ્લૉપ ગયો છે. ઇશ્યુ રદ થશે કે પછી મુદત લંબાવશે. હાલ રાજનંદિની ફૅશનમાં પ્રીમિયમ ઘટીને સાત બોલાય છે. સુરતની હરિકાન્તા ઓવરસીઝનો શૅરદીઠ ૯૧ના ભાવનો ૨૪૩૦ લાખનો BSE SME ઇશ્યુ બુધવારે કુલ ૧.૧ ગણો ભરાઈ ગયો છે. બે ટકાનો QIB પોર્શન ૨૧ ગણો છલકાઈ કંપની વહારે ચડ્યો છે. અન્યથા રિટેલ પોર્શન ૬૬ ટકા તથા HNI પોર્શન ૭૦ ટકા જ ભરાયો છે.
ગઈ કાલે ૩ નવાં લિસ્ટિંગ થયાં છે. લખનઉની Q-લાઇન બાયોટેક ૧૦ના શૅરદીઠ ૩૪૩ના ભાવથી ૨૧૪ કરોડ પ્લસનો લાર્જેસ SME IPO લાવી હતી એ ગઈ કાલે NSEમાં ૪૫૨ ખૂલી ૪૭૪ બંધ રહેતાં એમાં ૩૮.૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ઇન્દોરની બાયોમેડીકા લૅબનો ૧૦ના શૅરદીઠ ૧૩૯ના ભાવનો બાવન કરોડનો SME ઇશ્યુ NSE ખાતે ૧૧૧ ખૂલી ૧૧૬ નીચે બંધ થતાં ૧૮ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. જ્યારે નવી દિલ્હીની ઑટો ફર્નિશનો ૧૦ના શૅરદીઠ ૪૧ના ભાવનો ૧૪૬૦ લાખનો BSE SME ઇશ્યુ ગઈ કાલે ૪૩ ખૂલી ૪૫ બંધ થતાં એમાં ૧૦ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આ ત્રણ SME ભરણાંમાંથી માત્ર Q-લાઇન બાયોટેકમાં ગ્રે માર્કેટ ખાતે છેલ્લે ૧૧૨ પ્રીમિયમ બોલાતું હતું. રેટ ઉપરમાં ૧૪૧ બોલાયો હતો. એમ.આર. મણીવેણી ફૂડ્સનું લિસ્ટિંગ સોમવારે થવાનું છે.