ટ્રમ્પના ટૅરિફના નવા ઉધામાને લઈ દેશ-વિદેશનાં બજાર સાવચેતીના મૂડમાં

12 July, 2025 07:11 AM IST  |  Mumbai | Anil Patel

પરિણામની પૂર્વસંધ્યાએ TCSમાં નરમાઈ, રિલાયન્સ સવા ટકો ઘટી બજારને ૧૧૪ પૉઇન્ટ નડી : QIBની મહેરબાનીથી ટ્રાવેલ ફૂડનો ઇશ્યુ પાર પડ્યો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પરિણામની પૂર્વસંધ્યાએ TCSમાં નરમાઈ, રિલાયન્સ સવા ટકો ઘટી બજારને ૧૧૪ પૉઇન્ટ નડી : QIBની મહેરબાનીથી ટ્રાવેલ ફૂડનો ઇશ્યુ પાર પડ્યો, પ્રીમિયમ ગગડી પાંચ રૂપિયે : મેટ્રોપોલિસ દોઢા વૉલ્યુમે ૧૯૩ રૂપિયા ઊછળી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર : નેક્ટર લાઇફ વધુ ૧૧ ટકા તૂટી નવા વર્સ્ટ લેવલે : વિક્ટરી રિસર્ચના વિસ્ફોટક રિપોર્ટના પગલે વેદાન્ત વૉલ્યુમ સાથે ગગડ્યો : ફોર્સ મોટર્સમાં ૧૪૮૪ રૂપિયાની તેજી સાથે નવી ટૉપ 

ટૅરિફને લઈ ટ્રમ્પના ઉત્પાતના દોર શરૂ થયા છે એટલે બજારોમાં થોડોક વખત અસ્થિરતા, ચંચળતા અને નાના-મોટી ઊથલપાથલ અચૂક જોવાશે. હાલ તો થોભો અને રાહ જુઓની સ્થિતિ છે. એશિયા ખાતે ગઈ કાલે હૉન્ગકૉન્ગ એક ટકાથી વધુ અને થાઇલૅન્ડ અડધા ટકા નજીક નરમ તો ઇન્ડોનેશિયા, તાઇવાન અને સાઉથ કોરિયા અડધો-પોણો ટકો પ્લસ હતાં. યુરોપ ખાતે લંડન ફુત્સી રનિંગમાં ફ્લૅટ હતો. અન્ય બજાર અડધો-પોણો ટકો અપ હતાં. બ્રેન્ટ ક્રૂડ વધીને ૭૦ ડૉલર વટાવી ગયું છે. બિટકૉઇન રેન્જ બાઉન્ડ ટ્રેન્ડમાં ૧,૦૮,૬૬૩ ડૉલર ચાલતો હતો. કૉઇન DCXના

કો-ફાઉન્ડર સુમિત ગુપ્તા માને છે કે નવેમ્બર સુધીમાં બિટકૉઇન ૧.૪૦થી ૧.૪૫ લાખ ડૉલર થઈ જશે. પાકિસ્તાની શૅરબજાર મંગળવારે ૧,૩૪,૨૦૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૧,૩૩,૪૦૩ બંધ થયા પછી ગઈ કાલે રનિંગમાં ૭૬૪ પૉઇન્ટની પીછેહઠમાં ૧,૩૩,૬૩૯ દેખાયું છે.

સેન્સેક્સ આગલા બંધથી ૮૭ પૉઇન્ટના ઘટાડે ૮૩,૬૨૬ ખૂલી બુધવારે ૧૭૬ પૉઇન્ટ ઘટીને ૮૩,૫૩૬ તથા નિફ્ટી ૪૬ પૉઇન્ટની નરમાઈમાં ૨૫,૪૭૬ બંધ થયો છે. નેગેટિવ ઓપનિંગ બાદ શૅરઆંક ૮૩,૭૮૧ થયો હતો. છેલ્લો કલાક બજાર માટે લગભગ નોઝ-ડાઇવનો હતો જેમાં શૅર આંક નીચામાં ૮૩,૩૮૨ થઈ ગયો હતો. સેન્સેક્સ નિફ્ટીના નહીંવત્ ઘટાડાની સામે ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૪ ટકા, મેટલ બેન્ચમાર્ક ૧.૪ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૧.૪ ટકા, એનર્જી ઇન્ડેક્સ એક ટકા, નિફ્ટી આઇટી પોણો ટકો કટ થયો છે. FMCG બેન્ચમાર્ક પોણો ટકો સુધર્યો છે. રસાકસીની માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૪૭૭ શૅર સામે ૧૪૫૫ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૧૦૦૦ કરોડ વધીને ૪૬૧.૩૯ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.

સેન્સેક્સ ખાતે બજાજ ફાઇનૅન્સ ૧.૪ ટકા અને નિફ્ટીમાં શ્રીરામ ફાઇનૅન્સ ૧.૮ ટકા વધીને મોખરે હતી. હિન્દુસ્તાન યુનિલીવર સવા ટકો વધી ૨૪૨૩ રહી છે. હીરો મોટોકૉર્પ, અલ્ટ્રાટેક, મહિન્દ્ર, એશિયન પેઇન્ટ્સ, આઇટીસી, પાવરગ્રીડ, HDFC અડધાથી એકાદ ટકો પ્લસ હતી. તાતા સ્ટીલ અને HCL ટેક્નૉલૉજીઝ બે ટકા જેવા ઘટાડામાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. રિલાયન્સ છેલ્લા કલાકની ખરાબીમાં સવા ટકો ગગડી ૧૫૧૯ના બંધમાં બજારને ૧૧૪ પૉઇન્ટ નડી છે. જિયો ફાઇનૅન્સ ઉપરમાં ૩૩૫ થયા બાદ સાધારણ સુધારે ૩૩૦ રહી છે.

ટીસીએસ પરિણામની પૂર્વસંધ્યાએ ૦.૭ ટકો ઘટીને ૩૩૮૪ થઈ છે. ઇન્ફોસિસ સામાન્ય નરમ હતી. વિપ્રો સવા ટકો ઘટી ૨૬૬ હતી. હિન્દાલ્કો ૧.૯ ટકા, ટેક મહિન્દ્ર ૧.૪ ટકા, ભારત ઇલેક્ટ્રિક એક ટકો, ICICI બૅન્ક પોણો ટકો કટ થઈ છે.

મેટ્રોપોલિસ ૧૦.૪ ટકાના ઉછાળે ૨૦૫૮ બંધમાં ‘એ’ ગ્રુપમાં ઝળકી હતી. ફોર્સ મોટર્સ ૧૭,૦૪૯ની વિક્રમી સપાટી નોંધાવી ૯.૭ ટકા કે ૧૪૮૪ રૂપિયાની તેજીમાં ૧૬,૭૧૯ થઈ છે. રિલાયન્સની સ્ટર્લિંગ વિલ્સન પાવર ૮.૫ ટકા ઊછળી ૩૩૧ જોવાઈ છે. સમી હોટેલ્સ ૨૩૯ની નવી ટૉપ બતાવી ૭.૩ ટકાના જમ્પમાં ૨૩૭ હતી. સર્દા મોટર્સ બીજા દિવસની ખરાબીમાં ૪.૩ ટકા ખરડાઈ ૧૦૮૦ બંધ આવી છે.

વિસ્તરણ પાછળ સ્પર્મા SGS વૉલ્યુમ સાથે નવા બેસ્ટ લેવલે

મેઇન બિઝનેસને ૧૨૯૦ કરોડમાં વેચી મારવાની જાહેરાતમાં આગલા દિવસે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ઐતિહાસિક તળિયે બંધ રહેલી નેક્ટર લાઇફ સાયન્સ ગઈ કાલે નવ ગણા વૉલ્યુમે નીચામાં ૧૫.૬૧ બતાવી ૧૧.૪ ટકા લથડી ૧૬.૪૧ના નવા તળિયે બંધ રહી છે. ઑપ્શન એક્સપોઝરને કૅશ પોઝિશન સાથે લિન્ક કરવાની કોઈ યોજના નથી એવા સેબીના સ્પષ્ટીકરણના પગલે BSE લિમિટેડ ઉપરમાં ૨૫૫૦ બતાવી ૧.૯ ટકા વધી ૨૫૨૪ થઈ છે. નોમુરા તરફથી ફિનિક્સ મિલ્સમાં ૧૪૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ વ્યુ જારી થતાં શૅર નીચામાં ૧૫૦૫ બતાવી ૩.૨ ટકા ઘટી ૧૫૨૪ રહ્યો છે. જેફરીઝે ૧૩૧ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપતાં બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ ૧૧૭ ઉપર નવી ટૉપ બતાવી ૩.૨ ટકા વધી ૧૧૬ હતી. રેલીગેર એન્ટરપ્રાઇઝિસમાં પ્રેફરન્શિયલ રૂટ મારફત ભંડોળ ઊભું કરવાની યોજના વિશે વિચારણા કરવા ૧૧મીએ બોર્ડ મીટિંગ નક્કી થઈ છે. શૅર ૭ ગણા કામકાજે ઉપરમાં ૨૩૯ થઈ સવાછ ટકા વધી ૨૩૫ બંધ થયો છે.

સ્પર્મા SGS ટેક્નૉલૉજીઝ દ્વારા આંધ્ર પ્રદેશ ખાતે મલ્ટિ-લિયર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ તથા કૉપર ક્લેડ લેમિનેટેડ ફેસિલિટીઝ માટે દેશનું સૌથી મોટું એકમ સ્થાપવાની જાહેરાત થતાં શૅર નવ ગણા વૉલ્યુમે ૬૬૪ નજીક નવી ટૉપ બનાવી ૫.૬ ટકાની મજબૂતીમાં ૬૫૦ બંધ રહ્યો છે. કીસ્ટોન રિઅલ્ટર્સ તરફથી ચાલુ વર્ષ માટે નિયત ૪૦૦૦ કરોડની રેવન્યુના લક્ષ્યાંકમાંથી ચોથા ભાગનું લક્ષ્યાંક જૂન ક્વૉર્ટરમાં પાર પડી ગયાની જાણ કરાઈ છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૬૬૯ થઈ એક ટકો વધી ૬૫૭ બંધ આવ્યો છે. સિનર્જી ગ્રીન એનર્જીને અદાણી વિન્ડ તરફથી આશરે ૪૦ કરોડનો ઑર્ડર મળતાં શૅર ૪૦ ગણા કામકાજે ૫૭૭ની નજીક નવું શિખર દેખાડી ૪.૮ ટકાના જમ્પમાં ૫૪૫ બંધ થયો છે. ભાવ વર્ષ પૂર્વે ૩૧૪ હતો. જૂન ક્વૉર્ટરનો બિઝનેસ આઉટલુક જાહેર થતાં યુનિયન બૅન્ક ૩ ગણા વૉલ્યુમે નીચામાં ૧૪૨ની અંદર જઈ સાડાત્રણ ટકા ગગડી ૧૪૫ નજીક રહી છે.

અનલિસ્ટેડ માર્કેટમાં NSDLનો ભાવ ડાઉન, ભરણું ટૂંકમાં આવશે

બે વર્ષથી લટકી રહેલો NSDLનો IPO છેવટે ટૂંકમાં આવશે એમ લાગે છે. સેબીએ આપેલી એપ્રુઅલની મુદત ૩૧ જુલાઈએ પૂરી થાય એ પહેલાં ભરણું આવી જશે એવી વાત છે. જાણકારોના મતે જુલાઈના ત્રીજા સપ્તાહ દરમ્યાન ઇશ્યુ ખૂલશે. ઇશ્યુની સાઇઝ ૩૭૫૦થી ૪૦૦૦ કરોડ રૂપિયાની હશે. કેટલાંક સેન્ટર્સમાં તો ગ્રે માર્કેટ ખાતે ૩૦નું પ્રીમિયમ પણ બોલાવા માંડ્યું છે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે જેમાં બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા કુલ ૫૦૧ લાખ શૅર ઑફર થવાના છે. અનલિસ્ટેડ માર્કેટમાં શૅરનો ભાવ વધીને ૧૧ જૂને ૧૨૦૫ના શિખરે ગયો હતો એ ગગડી હાલ ૧૦૯૮ બોલાય છે. કંપનીમાં NSEનું હોલ્ડિંગ ૨૪ ટકા, HDFC બૅન્કનો હિસ્સો નવ ટકા નજીક તથા IDBI બૅન્કનો હિસ્સો ૨૬.૧ ટકાનો છે. બાય ધ વે, અનલિસ્ટેડ માર્કેટમાં NSEના શૅરનો ભાવ જે ૨૩૯૦ના બેસ્ટ લેવલે ગયો હતો એ ઘટીને હાલમાં ૨૨૫૦ બોલાય છે. તાતા કૅપિટલ ૧૦૭૫થી ગગડી ૮૯૫ થઈ ગઈ છે.

મેઇન બોર્ડમાં સ્માર્ટવર્ક્સ કોવર્કિંદ સ્પેસિસ ૧૦ના શૅરદીઠ ૪૦૭ની અપર બૅન્ડમાં કુલ ૫૮૨ કરોડ પ્લસનો આઇપીઓ આજે, ગુરુવારે કરવાની છે. ગ્રે માર્કેટમાં ૨૮થી પ્રીમિયમ શરૂ થયું છે. ટ્રાવેલ ફૂડ સર્વિસિસનો એકના શૅરદીઠ ૧૧૦૦ના મારફાડ ભાવનો ૨૦૦૦ કરોડ રૂપિયાનો પ્યૉર OFS ઇશ્યુ ગઈ કાલે કુલ ત્રણ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ઇશ્યુ રીટેલમાં ૭૦ ટકા અને HNIમાં ૧.૭ ગણો ભરાયો છે. આઠ ગણાથી વધુ પ્રતિસાદમાં QIB મહેરબાન રહી છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સતત તૂટતું રહીને હાલ પાંચ રૂપિયા થઈ ગયું છે. અહીં પ્રીમિયમની શરૂઆત ૯૨ રૂપિયાથી થઈ હતી.

SME સેગમેન્ટમાં સ્માર્ટન પાવરનો શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૫૦ કરોડનો ઇશ્યુ કુલ ૫.૫ ગણા અને કેમકાર્ટ ઇન્ડિયાનો શૅરદીઠ ૨૪૮ની અપર બૅન્ડ સાથે ૮૦ કરોડનો ઇશ્યુ કુલ છ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્લેન ઇન્ડસ્ટ્રીઝના શૅરદીઠ ૯૭ના ભાવના ૬૩ કરોડના ભરણાને બીજા દિવસના અંતે કુલ ૧૧.૭ ગણો પ્રતિસાદ મળ્યો છે. જ્યારે એસ્ટોન ફાર્માસ્યુટિકલ્સનો શૅરદીઠ ૧૨૩ના ભાવનો ૨૭૫૬ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ પોણાબે ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં હાલ એસ્ટોનમાં ૨૦ રૂપિયા અને ગ્લેન ઇન્ડસ્ટ્રીઝમાં ૩૦ રૂપિયા પ્રીમિયમ છે. કલકત્તાની ક્રીઝાક લિમિટેડ બેના શૅરદીઠ ૨૪૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૪૧ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૨૮૦ ખૂલી ઉપલી સર્કિટમાં ૩૦૮ નજીક બંધ થતાં એમાં ૨૫.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

ટ્રમ્પના ટૅરિફના ઉધામામાં મેટલ શૅર નરમ, ફાર્મા બેઅસર

ટ્રમ્પ તરફથી ટૅરિફના નામે ઉધામા અવિરત ચાલુ છે. બ્રિક્સમાં સામેલ હોય એ તમામ દેશ તથા તેમની સાથે ગાઢ વેપારી સંબંધ રાખનારા હરકોઈ રાષ્ટ્ર ઉપર ૧૦ ટકાની વધારાની ટૅરિફ નાખવાની ધમકી ફરી દોહરાવી છે. કૉપરની આયાત પર ૫૦ ટકાની ડ્યુટી ટૂંકમાં લાગુ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અમેરિકામાં કરાતી ફાર્માસ્યુટિકલ્સ કે દવાઓની આયાત પર ૨૦૦ ટકા ટૅરિફ લાદવાની નવી ધમકી આપી છે. આ બધી બબાલમાં મેટલ ઇન્ડેક્સ ગઈ કાલે નીચામાં ૩૦,૮૧૬ થઈ ૧.૪ ટકા ગગડી ૩૧,૨૦૧ બંધ થયો છે. એના ૧૩માંથી ૧૨ શૅર પીગળ્યા હતા. વેદાન્ત નીચામાં ૪૨૧ થઈ ૩.૪ ટકા ગગડી ૪૪૧ રહી છે. અન્યમાં હિન્દુસ્તાન કૉપર ૩.૩ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક અઢી ટકા, તાતા સ્ટીલ ૧.૮ ટકા, હિન્દાલ્કો ૧.૯ ટકા, સેઇલ અડધો ટકો, નાલ્કો ૧.૯ ટકા, જિંદલ સ્ટેનલેસ પોણો ટકો, જિંદલ સ્ટીલ અડધો ટકો ડાઉન હતી. NMDC ૦.૬ ટકા ઘટી ૬૮ રહી છે.

ફાર્મામાં ૨૦૦ ટકા ટૅરિફની ટ્રમ્પની ધમકી વચ્ચે હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૦૫માંથી ૫૫ શૅરના સુધારા સાથે નામપૂરતો નરમ રહ્યો છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૨૦માંથી ૯ શૅરના ઘટાડે નહીંવત્ પ્લસ હતો. ચલણી જાતોમાં મેનકાઇન્ડ ફાર્મા ચાર ટકા, નાટકો ફાર્મા ત્રણ ટકા, વૉકહાર્ટ ૩.૩ ટકા, ન્યુલૅન્ડ લૅબ અઢી ટકા, થાયરોકૅર ૨.૪ ટકા, બાયોકૉન સવા ટકો, લૌરસ લૅબ ૧.૭ ટકા, કોન્ફોર્ડ બાયો ૧.૮ ટકા, જીએસકે ફાર્મા ૧.૩ ટકા પ્લસ હતી. મેદાન્તા ફેમ ગ્લોબલ હેલ્થ ૧૩૨૯ના શિખરે જઈ પાંચેક ટકાની તેજીમાં ૧૨૭૯ થઈ છે. મેટ્રોપોલિસ ૧૦.૪ ટકા, બ્લુજેટ ૪.૨ ટકા, વિઝ્યા ડાયગ્નોસ્ટિક્સ બે ટકા મજબૂત હતી. મેક્સ હેલ્થકૅર ૩.૯ ટકા ગગડી છે. અપોલો હૉસ્પિટલ દોઢ ટકા નરમ હતી. ડૉ. રેડ્ડીઝ લૅબ, ગ્લેનમાર્ક ફાર્મા, ઝાયડ્સ લાઇફ, ઇપ્કા લૅબ, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા જેવી જાતો અડધાથી એકાદ ટકા જેવી નરમ હતી. લુપિન લૅબ ઉપરમાં ૧૯૬૬ થયા બાદ અડધો ટકો ઘટી ૧૯૧૨ રહી છે. અમેરિકન વિક્ટરી રિસર્ચ તરફથી વેદાન્તમાં પૉન્ઝી સ્કીમ જેવો કારભાર ચાલતો હોવાના આક્ષેપ સાથે વિસ્ફોટક રિપોર્ટ જારી થતાં શૅર નીચામાં ૪૨૧ થઈ ગયો હતો.

Tarrif share market stock market united states of america donald trump nifty sensex reliance icici bank bombay stock exchange national stock exchange bajaj finance news tata steel ipo business news