આજની એક્સપાયરી અને બીજી એપ્રિલે ટ્રમ્પ દ્વારા ટૅરિફની ઘોષણા બજારની ચાલ નક્કી કરશે

28 March, 2025 06:56 AM IST  |  Mumbai | Kanu J Dave

સતત સાત દિવસના સુધારા પછી નિફ્ટી-સેન્સેક્સનું પીછે મુડ : ઝોમાટો-સ્વિગીનો ઘટાડો આગળ વધ્યો, રિઝર્વ બૅન્ક ઍક્શનમાં, HDFC બૅન્ક સામે ઍક્શન લીધી, મીડિયા ઇન્ડેક્સ અઢી ટકા તૂટ્યો, ફેવરેબલ ન્યુઝ આવતાં સિમેન્સમાં ઉછાળો આવ્યો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સતત સાત દિવસની તેજી પછી મંગળવારે ઍડ્વાન્સ-ડિક્લાઇન્સે કરેલા ઇશારાને અનુસરીને બુધવારે અબાઉટ ટર્ન લઈ સેન્સેક્સ 728 પૉઇન્ટ્સ, 0.93 ટકા ઘટીને 77,288 અને નિફ્ટી 181ના લૉસે, 0.77 ટકા ગુમાવી 23,486 બંધ હતા. બીજી એપ્રિલે યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફ જાહેરાતમાં કંઈ પણ આવી શકે એવી અનિશ્ચિતતાને કારણે બજારમાં સાવચેતીના માહોલ વચ્ચે  સેન્ટિમેન્ટ નબળું રહ્યું હતું. આજે ગુરુવારે એફઍન્ડઓમાં માર્ચ સેટલમેન્ટનો છેલ્લો દિવસ છે એથી થોડી વધારે વૉલેટિલિટી જોવા મળી શકે છે. વિવિધ ક્ષેત્રોના શૅરોમાં વેચવાલીનું દબાણ વધ્યું હોવાથી દિવસની શરૂઆતમાં જોવાયેલ સુધારો ધોવાઈ ગયો હતો. અન્ય ઇન્ડેક્સો પણ સેન્સેક્સ-નિફ્ટીના ટ્રેન્ડને ફૉલો કરતાં નિફ્ટી બૅન્ક 399 પૉઇન્ટ્સ, 0.77 ટકા ઘટીને 51,209 પર અને નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ એક ટકો તૂટી 24,829 તેમ જ નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 242 પૉઇન્ટ્સ, 0.39 ટકાના લૉસે 62,460ના લેવલે વિરમ્યા હતા.  મિડકૅપ સિલેક્ટ 0.63 ટકા ઘટી 11,502 પર આવી ગયો હતો. માર્કેટ બ્રેડ્થ ઘટાડાની તરફેણ કરતી હતી. 1:4 ઍડ્વાન્સ-ડિક્લાઇન રેશિયો હતો. મતલબ કે એક શૅર વધ્યો એની સામે ચાર શૅરો ઘટ્યા હતા. નિફ્ટીના 50માંથી 40, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના 50માંથી 34, નિફ્ટી બૅન્કના 12માંથી 10, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 19 અને નિફ્ટી મિડકૅપ સિલેક્ટના 25માંથી 19 શૅરો લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ પ્રતિનિધિ ઇન્ડસઇન્ડ બૅન્ક ત્રણ ટકા સુધરી 656 રૂપિયા, એચસીએલ ટેક્નૉલૉજીઝ અડધો ટકો વધી 1633 રૂપિયા, ભારતી ઍરટેલ 0.22 ટકાના ગેઇને 1737 રૂપિયા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર પા ટકો વધી 2742 રૂપિયા અને ટાઇટન 0.07 ટકાના નજીવા સુધારા સાથે ગેઇનર્સની યાદીમાં હતા. સામે પક્ષે એનટીપીસી સાડાત્રણ ટકા ડાઉન થઈ 354 રૂપિયા, ટેક મહિન્દ્ર 2.85 ટકાના નુકસાને 1415 રૂપિયા, બજાજ ફાઇનૅન્સ સવાબે ટકાના લૉસે 8864 રૂપિયા, ઇન્ફોસિસ બે ટકા તૂટી 1598 રૂપિયા, ઍક્સિસ બૅન્ક સવાબે ટકાના લૉસે 1095 રૂપિયા અને ઝોમાટો 3.10 ટકાના નુકસાને 203 રૂપિયા બંધ રહી ઘટવામાં ટૉપ પર હતા. સેક્ટર વાઇસ મીડિયા ઇન્ડેક્સમાં અઢી ટકાનો, કૅપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં પોણાબે ટકાનો, ઑઇલ ઍન્ડ ગૅસમાં 1.36 ટકાનો, નિફ્ટી પીએસઈમાં 1.34 ટકાનો અને નિફ્ટી રિયલ્ટીમાં સવા ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આઇટી હેવીવેઇટ ટેક મહિન્દ્ર અને ઇન્ફોસિસમાં પુરોગામી સત્રનો સુધારો ધોવાઈ ગયો હતો. પીએસયુ શૅરોએ નવેસરથી વેચવાલીનો સામનો કરવો પડ્યો હતો. પીએસયુ બૅન્ક ઇન્ડેક્સના બારેબાર શૅરો ઘટીને બંધ રહ્યા એમાં પંજાબ ઍન્ડ સિંધ બૅન્ક પોણાપાંચ ટકા તૂટી 44.50 રૂપિયા થઈ ગયો હતો. નિફ્ટીના સિપ્લા અઢી ટકાના ઘટાડે 1473 રૂપિયા અને બીપીસીએલ બે ટકાના લૉસે 273 રૂપિયા બંધ હતા. ઇન્ડસઇન્ડ બૅન્કે ડાઉનવર્ડ ટ્રેન્ડને ખાળીને 3.34 ટકા વધીને 658 રૂપિયા બંધ રહી ટોચના નિફ્ટી ગેઇનરનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અશોક લેલૅન્ડ એની બોર્ડ મીટિંગ પહેલાં 2 ટકા વધીને 214 રૂપિયા બંધ થયો હતો. બોફા સિક્યૉરિટીઝે ડાઉન ગ્રેડ કર્યા પછી ઝોમાટો અઢી ટકા વધુ ઘટી 204 રૂપિયા અને સ્વિગી વધુ ચાર ટકા તૂટી 324 રૂપિયા થઈ ગયા હતા. મિડકૅપ સેગમેન્ટમાં મેક્સ હેલ્થકૅર 4.16 ટકા 1124 રૂપિયા, આરઈસી 2.99 ટકા 426 રૂપિયા, હૂડકો 3.63 ટકા 196 રૂપિયા, કન્ટેઇનર કૉર્પોરેશન 3.74 ટકા 685 રૂપિયા અને અરબિંદો ફાર્મા 3.24 ટકા 1156 રૂપિયાનું પ્રદર્શન સૌથી ખરાબ હતું. કેન્દ્રીય રોડ મંત્રાલયના ઍડ્વાન્સ્ડ બ્રેકિંગ સિસ્ટમ્સ પરના નિર્દેશ પછી ઝેડએફ કમર્શિયલનો શૅર 5.77 ટકા ઊછળી 12,690 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. એનસીએલટી દ્વારા ઊર્જા વ્યવસાયના ડીમર્જર માટે મંજૂરી મળ્યાના પગલે સિમેન્સ 5.68 ટકા વધી 5409 રૂપિયા બંધ હતો. બીએસએનએલ તરફથી 10,800 કરોડ રૂપિયાનો ઑર્ડર મળતાં એનસીસી 1.65 ટકા વધી 208 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો. એનએસઈના 124માંથી બાકીના 102 ઇન્ડેક્સ ઘટ્યા હતા. એનએસઈ ખાતે 2985 ટ્રેડેડ શૅરોમાંથી 2303 ઘટીને બંધ રહ્યા હતા. એ જ રીતે બાવન સપ્તાહના નવા હાઈ 23ની તુલનાએ નવા લૉની સંખ્યા 187 અને ઉપલી સર્કિટે 62 શૅરોની સામે નીચલી સર્કિટે 180 શૅરો પહોંચ્યા હોવાથી બ્રૉડર માર્કેટ ખરાબ થયું હોવાની પ્રતીતિ થતી હતી. વર્તમાન ઘટાડા પાછળ સૌથી મોટું કારણ ઊંચા લેવલે પ્રૉફિટ બુકિંગનું દેખાય છે. એ પ્રૉફિટ બુકિંગ માટે ટ્રમ્પ ટૅરિફની બીજી એપ્રિલ સુધી માથે ઝળુંબતી અનિશ્ચિતતા વચ્ચે થયો એટલો નફો ગાંઠે બાંધવાની વૃત્તિ જવાબદાર છે. નિફ્ટી પ્રીવિયસ ક્લોઝ 23,668 સામે 23,700 ખૂલી વધીને 23,736 અને ઘટીને 23,451 થયા બાદ છેલ્લે માત્ર 181 પૉઇન્ટ્સ, 0.77 ટકા તૂટી 23,486ના સ્તરે બંધ હતો. આ ઇન્ડેક્સના બાવન સપ્તાહની ઊચી સપાટીથી 2 ટકા સુધીના ડિસ્ટન્સ પર બંધ રહેલા શૅરોમાં બજાજ ફિનસર્વ 1935 રૂપિયા, બજાજ ફાઇનૅન્સ 8870 રૂપિયા, ભારતી ઍરટેલ 1733 રૂપિયા, આઇશર મોટર્સ 5398 રૂપિયા, એચડીએફસી બૅન્ક 1803 રૂપિયા, ICICI બૅન્ક 1335 રૂપિયા, JSW સ્ટીલ 1053 રૂપિયા અને કોટક બૅન્ક 2148 રૂપિયાનો સમાવેશ થાય છે. સામે પક્ષે બજાર આટલું સુધર્યું હોવા છતાં બાવન સપ્તાહના બૉટમથી બે ટકાની રેન્જમાં હોય એવા નિફ્ટી શૅરોની યાદીમાં આઇટીસી 407.40 રૂપિયા અને ટાઇટન 3060 રૂપિયા આવે છે.

કેવાયસી ધોરણોના ભંગ બદલ રિઝર્વ બૅન્કે HDFC બૅન્કને દંડી

રિઝર્વ બૅન્કે HDFC બૅન્ક પર 75 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. બૅન્કે તમારા ગ્રાહકોને ઓળખો (KYC) માર્ગદર્શિકાનું પાલન ન કર્યું હોવાથી આ દંડ કરાયો છે. આરબીઆઇએ ગ્રાહક જોખમ વર્ગીકરણમાં ખામીઓ અને અનન્ય ગ્રાહક ઓળખ કોડ (UCIC)ને બદલે બહુવિધ ગ્રાહક ઓળખ કોડ (CIC) જારી કરવાની નોંધ લીધા પછી આ પગલું લીધું છે. RBIની કાર્યવાહી ૨૦૨૩ની ૩૧ માર્ચની HDFC બૅન્કની નાણાકીય સ્થિતિના આધારે હાથ ધરવામાં આવેલા સ્ટૅચ્યુટરી ઇન્સ્પેક્શન પછી કરવામાં આવી છે.

નિયમનકારે શોધી કાઢ્યું કે એચડીએફસી બૅન્ક ગ્રાહકોને નીચા, મધ્યમ અને ઉચ્ચ જોખમવાળા વિભાગોમાં વર્ગીકૃત કરવામાં નિષ્ફળ ગઈ છે જે KYC નિયમો હેઠળ એક મુખ્ય આવશ્યકતા છે. તદુપરાંત અન્ય  કાર્યવાહીમાં RBIએ KLM Axiva Finvest નામની એક નૉન-ડિપોઝિટ-ટેકિંગ મિડલ લેયર NBFCને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કંપનીએ NBFC સ્કૅલ-આધારિત નિયમન માળખાનું ઉલ્લંઘન કર્યું અને  છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષોમાં લઘુતમ વિવેકપૂર્ણ આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં પણ નિષ્ફળ રહેવા છતાં નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે એણે ડિવિડન્ડ જાહેર કર્યું હોવાના કારણે આરબીઆઇએ પગલાં લીધાં છે.

માર્કેટ કૅપિટલાઇઝેશનમાં 3 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 409.08 (412.35) લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 411.62 (414.95) લાખ કરોડ રૂપિયા થતાં બુધવારે રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.

FII લેવાલ, DII વેચવાલ
બુધવારે FIIની 2240 કરોડ રૂપિયાની નેટ લેવાલી સામે DIIની નેટ  696 કરોડ રૂપિયાની વેચવાલી રહેતાં કૅશ સેગમેન્ટમાં એકંદરે 1545 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી.

sensex nifty share market stock market bombay stock exchange national stock exchange icici bank business news