20 February, 2026 07:41 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઇન્ડિયા AI સમિટ ટાંકણે ચડાવાની સ્ટાઇલમાં અદાણીના ૧૦૦ અબજ ડૉલર (૯ લાખ કરોડ) સામે અંબાણીના ૧૧૦ અબજ ડૉલર (૧૦ લાખ કરોડ)ના રોકાણની જાહેરાત : માર્ચ સિરીઝથી ડેરિવેટિવ્સમાં વોડાફોન, સેઇલ, DLF સહિત ૧૮ શૅરમાં ૧૫ ટકાના ઍડિશનલ માર્જિનની NSEની નોટિસ : ONGC ૩.૮ ટકા વધી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર, બોનસ નજીકમાં હોવાની હવા : સેન્સેક્સના ૩૦માંથી ૩૦ શૅર અને બન્ને બજારનાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં, માર્કેટકૅપમાં ૬.૬૬ લાખ કરોડ રૂપિયા સ્વાહા : ઓલા ઇલેક્ટ્રિકમાં નવો નીચો ભાવ : આઇટી ઇન્ડેક્સમાં ૭૭માં માત્ર ૧૪ શૅર સુધારામાં : પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૭૨૦૦ પૉઇન્ટ તૂટ્યું
ઇન્ડિયા AI ઇમ્પૅક્ટ સમિટની ભવ્ય ઇવેન્ટ ચાલુ છે. આવા ભવ્ય પ્રસંગમાં મહત્તા દેખાડવાની રસાકસી રહે એ સાહજિક છે. અદાણી તરફથી ૨૦૩૫ સુધીમાં AI ડેટા સેન્ટર્સ બિઝનેસમાં ૧૦૦ અબજ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. ચડાવો બોલવાની રેસ આગળ વધારતાં હવે મુકેશ અંબાણીએ પણ ૭ વર્ષમાં AI સેક્ટરમાં ૧૦ લાખ કરોડનું રોકાણ જાહેર કરી દીધું છે. અદાણીના ૧૦૦ અબજ ડૉલર એટલે કે આશરે ૯ લાખ કરોડ, તો અંબાણીના ૧૦ લાખ કરોડ, આવી જાઓ. બાય ધ વે, રિલાયન્સનો શૅર ગઈ કાલે નીચામાં ૧૪૦૧ થઈ ૨.૧ ટકા ઘટી ૧૪૧૧ બંધમાં બજારને ૧૭૪ પૉઇન્ટ નડ્યો છે. એની ૪૭ ટકા માલિકીની સબસિડિયરી જિયો ફાઇનૅન્શિયલ પણ બે ટકા ઘટીને ૨૫૯ રહી છે. મુકેશ અંબાણી ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૪.૫ ટકા, નેટવર્ક૧૮ સવાત્રણ ટકા, ડૅન નેટવર્ક દોઢ ટકો, સ્ટર્લિંગ વિલ્સન ૨.૭ ટકા, લોટસ ચૉકલેટ અઢી ટકા ડાઉન હતી. જસ્ટ ડાયલ ૬૧૮ની ૩૪ મહિનાની બૉટમ બનાવી પોણાબે ટકા ઘટી ૬૨૧ રહી છે.
દેશ અને દુનિયાના અવ્વલ દરજ્જાના ધનકુબેર તરફથી ૧૦ લાખ કરોડના જંગી રોકાણની જાહેરાત વચ્ચે પણ ગ્રુપના શૅરની સાથે-સાથે સમગ્ર શૅરબજાર પણ માઇનસ થયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૩૫ પૉઇન્ટ જેવો પ્લસ થઈ ૮૩,૯૭૦ નજીક ખૂલી છેવટે ૧૨૩૬ પૉઇન્ટ ગગડી ૮૨,૪૯૮, તો નિફ્ટી ૩૬૫ પૉઇન્ટ તૂટી ૨૫,૪૫૪ ગુરુવારે બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ માર્કેટ ઉપરમાં ૮૩,૯૭૯ વટાવી ગયા પછી લપસણીની ચાલમાં નીચામાં ૮૨,૨૬૪ થયું હતું. બોલે તો ઉપલા મળાથેથી ૧૭૧૫ પૉઇન્ટની ખરાબી થઇ ગઈ કાલના ઘટાડામાં બજારમાં સુધારાની હૅટ-ટ્રિકમાં જેકોઈ વધારો થયો હતો એ તમામ સાફ થઈ ગયો છે. માર્કેટ-બ્રેડ્થ પણ ખરડાઈ છે. NSEમાં વધેલા ૮૩૧ શૅર સામે ૨૩૦૮ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૬.૬૬ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૬૫.૨૨ લાખ કરોડ રહ્યું છે.
વિશ્વબજારોની વાત કરીએ તો ઘણી ખરી એશિયન માર્કેટ હજી રજામાં છે. સાઉથ કોરિયન કોસ્પિ ઇન્ડેક્સ ૫૬૮૨ની ઑલટાઇમ હાઈ દેખાડી ત્રણ ટકા વધીને ૫૬૭૭ બંધ થયો છે. ૨૦૨૬ના માંડ પોણાબે મહિના પૂરા થયા છે ત્યાં સુધીમાં આ બજાર પોણાબત્રીસ ટકા વધી ગયું છે. થાઇલૅન્ડ પણ પોણાબે ટકા વધીને ૧૪૯૧ના નવા શિખરે બંધ થયું છે. સિંગાપોર સવા ટકો તો જપાન પોણો ટકો પ્લસ હતું. ઇન્ડોનેશિયા અડધો ટકો ઘટ્યું છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધો ટકો નીચે ચાલતું હતું. પાકિસ્તાની શૅરબજાર ૧,૭૮,૮૫૩ના આગલા બંધ સામે જબ્બર આંચકામાં નીચામાં ૧,૭૧,૬૪૫ થઈ રનિંગમાં ૭૨૦૬ પૉઇન્ટ કે ચાર ટકાના ધબડકામાં ૧,૭૧,૬૪૭ દેખાયું છે. બિટકૉઇન પોણા ટકાના સુધારામાં ૬૬૯૫૨ ડૉલર દેખાયો છે. બ્રેન્ટ ક્રૂડ એક ટકો વધીને ૭૧ ડૉલર વટાવી ગયું છે. હાજર સોનું પોણો ટકો વધીને ૫૦૧૭ ડૉલર તો કૉમેક્સ ગોલ્ડ અડધો ટકો વધી ૫૦૩૩ ડૉલર ચાલતું હતું. કૉમેક્સ સિલ્વર બે ટકા વધી ૭૯ ડૉલર ઉપર જોવા મળી છે. ઇન્ડસ્ટ્રિયલ મેટલ વાયદામાં કૉપર અડધો ટકો નરમ તો ઍલ્યુમિનિયમ પોણાબે ટકા, ઝિન્ક બે ટકા અને લંડન ધાતુબજારમાં કૉપર સવાબે ટકા પ્લસ હતી.
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૩૦ તથા નિફ્ટીના ૫૦માંથી ૪૬ શૅર ગબડ્યા છે. ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન નીચામાં ૪૭૯૪ બતાવી ૩.૨ ટકા કે ૧૬૧ રૂપિયા ખરડાઈ ૪૮૧૮ બંધ આપી બન્ને બજારમાં ઘટાડામાં મોખરે હતી. તાતાની ટ્રેન્ટ ૨.૯ ટકા કે ૧૨૧ રૂપિયા, અલ્ટ્રાટ્રેક ૨.૯ ટકા કે ૩૭૮ રૂપિયા, મહિન્દ્ર ત્રણ ટકા, ભારત ઇલેક્ટ્રિક પોણાત્રણ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૨.૨ ટકા, અદાણી પોર્ટ્સ અઢી ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ અઢી ટકા, હિન્દુસ્તાન યુનિલીવર ૧.૯ ટકા, પાવરગ્રિડ ૧.૯ ટકા, ITC બે ટકા, એટર્નલ ૧.૯ ટકા, ભારતી ઍરટેલ દોઢ ટકો, મારુતિ સુઝુકી ૧.૭ ટકા કે ૨૬૩ રૂપિયા ડાઉન હતી. બજાજ ઑટો ૧૦,૦૫૯ની સવા વર્ષની નવી ટૉપ દેખાડી અઢી ટકા કે ૨૫૪ રૂપિયા ગગડી ૯૭૨૪ રહી છે. ગ્રાસિમ સવાબે ટકા, જિયો ફાઇનૅન્સ બે ટકા, નેસ્લે ૧.૯ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ સવાબે ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૧.૮ ટકા ડૂલ થઈ હતી. લાર્સન એક ટકો ઘટી ૪૨૭૯ રહી છે. સ્ટેટ બૅન્ક એક ટકાના ઘટાડામાં ૧૨૦૭ હતી.
PSU બૅન્ક નિફ્ટી ૯૬૭૬ની નવી વિક્રમી સપાટી બતાવી સવા ટકો ઘટી ૯૫૦૬ થયો છે. એના ૧૨માંથી ૧૨ શૅર નરમ હતા. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૪ શૅરની નરમાઈમાં ૮૧૧ પૉઇન્ટ કે ૧.૩ ટકા ડૂલ થયો છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૭ શૅરના ઘટાડામાં ૧.૭ ટકા માઇનસ હતો. રિયલ્ટી ઇન્ડેક્સ અઢી ટકા, ઑટો બેન્ચમાર્ક ૨.૧ ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૩ ટકા, યુટિલિટીઝ ૧.૯ ટકા, નિફ્ટી મીડિયા સવાબે ટકા, નિફ્ટી FMCG ૧.૮ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૧.૮ ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨.૨ ટકા કપાયો છે. HDFC બૅન્ક એકાદ ટકો ઘટીને બજારને ૧૧૧ પૉઇન્ટ તો ICICI બૅન્ક સવા ટકો બગડી ૧૦૮ પૉઇન્ટ નડી છે.
ન્યુજેન ૧૭ ટકા ઊછળી એ-ગ્રુપમાં ઝળકી છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ ૪૦ ગણા કામકાજે ઉપરમાં ૭૨૭ થઈ ૭.૯ ટકા ઊંચકાઈ ૬૯૪ હતી. લૉઇડ્સ મેટલ્સ સાત ટકા કે ૮૫ રૂપિયા તથા લૉઇડ્સ એન્ટરપ્રાઇઝિસ ૬ ટકા ગગડી એ-ગ્રુપમાં ઘટાડામાં મોખરે હતી. MCX પોણો ટકો વધી છે, પરંતુ BSE લિમિટેડ ત્રણ ટકા નરમ હતી.
આજે, શુક્રવારે બે કંપની મૂડીબજારમાં આવશે. મેઇનબોર્ડ ખાતે નવી દિલ્હીની ગોદિયમ IVF ઍન્ડ વુમન હેલ્થ પાંચના શૅરદીઠ ૭૯ની અપરબૅન્ડમાં ૭૫ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૬૫ કરોડનો ઇશ્યુ લાવશે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપની ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટ્રીટમેન્ટમાં પ્રવૃત્ત છે. એ ૭ સેન્ટર સહિત કુલ ૩૦ જગ્યાએ કામકાજ ચલાવે છે. કંપનીએ ગયા વર્ષે ૪૭ ટકા વધારામાં ૭૧ કરોડ નજીકની આવક પર ૮૫ ટકા વૃદ્ધિદરથી ૧૯૧૩ લાખનો નેટ નફો બતાવ્યા પછી ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૪૯૭૫ લાખની આવક ઉપર ૧૨૫૧ લાખ નેટ પ્રૉફિટ દેખાડ્યો છે. દેવું છેલ્લા દોઢ વર્ષમાં ૪૩ ટકા વધીને ૨૨૫૧ લાખ થયું છે. ઇશ્યુમાંથી ૨૦ કરોડ રૂપિયા દેવાની પરતચુકવણીમાં તથા ૫૦ કરોડ નવું IVF સેન્ટર ઊભું કરવામાં ખર્ચાશે. ઑફર ફૉર સેલપેટેના ૭૫ કરોડ રૂપિયા પ્રમોટર્સ અન્ના ફૅમિલીના ઘરમાં જશે. તેમની શૅરદીઠ સરેરાશ પડતર ૧૧થી ૧૬ પૈસાની છે. ઇશ્યુ બાદ ૩૦૭૦ લાખની ઇક્વિટી વધીને ૩૬૩૯ લાખ થશે. ગ્રેમાર્કેટમાં ૧૫થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટીને હાલ ૧૦ બોલાય છે.
SME સેગમેન્ટમાં પશ્ચિમ બંગાળની મનિલમ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૬૯ની અપરબૅન્ડમાં ૪૦ કરોડનો NSE SME IPO આજે કરવાની છે. એમાંથી ઑફર ફૉર સેલ ૮ કરોડની છે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપની ડેકોરેટિવ લેમિનેટર્સ તથા પ્લાયવુડના ધંધામાં છે. ગયા વર્ષે ત્રણ ટકા વધારામાં ૧૪૨ કરોડ પ્લસની આવક પર ૧૩૮ ટકા વૃદ્ધિદરથી ૭૩૮ લાખ ચોખ્ખો નફો બતાવ્યા પછી ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં કંપનીએ ૬૦૫૩ લાખની આવક પર ૩૧૬ લાખ નફો દર્શાવ્યો છે. દેવું ૫૮ કરોડનું છે. ઇશ્યુમાંથી સાડાત્રણ કરોડ દેવાની પરતચુકવણીમાં તથા ૧૬૬૫ લાખ વર્કિંગ કૅપિટલમાં ખર્ચાશે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૨૧૮૫ લાખ થશે.
SME કંપની મરુશિકા ટેક્નૉલૉજી ૧૦ના શૅરદીઠ ૧૧૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે બોલાતા બે રૂપિયાના પ્રીમિયમ સામે ગઈ કાલે NSEમાં ૧૨૦ ખૂલી ઉપરમાં ૧૨૩ અને નીચામાં ૧૧૪ બતાવી ૧૧૪ બંધ થતાં અઢી ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. મહારાષ્ટ્રના લાતુરની યશતેજ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૧૧૦ના ભાવનો ૮૯ કરોડનો BSE SME IPO ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ ૭૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૨૩ રૂપિયા ચાલે છે. અંધેરી-ઈસ્ટની ગાર્મેન્ટ્સ કંપની ફેક્ટલ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૨૧૬ના ભાવે બુધવારે કુલ સાડાપાંચ ગણા જેવા પ્રતિસાદમાં પૂરો થયેલો ૪૯ કરોડનો BSE SME ઇશ્યુ સોમવારે લિસ્ટિંગમાં જશે. પ્રીમિયમ ઝીરો છે.
રાજસ્થાનના ભિવાડી ખાતેની ટાઇટન બાયોટેક ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ નીચામાં ૧૨૩૦ થઈ અડધો ટકો વધી ૧૩૦૨ બંધ થયો છે. NSEના સત્તાવાળા તરફથી માર્ચ સિરીઝથી ડેરિવેટિવ્સમાં સામેલ વોડાફોન, અરબિંદો ફાર્મા, બંધન બૅન્ક, ગ્લેનમાર્ક ફાર્મા, NMDC, સેઇલ, મણપ્પુરમ ફાઇ, ડીએલએફ, આરબીએલ બૅન્ક, આદિત્ય બિરલા કૅપિટલ, કન્ટેનર કૉર્પોરેશન, ક્રૉમ્પ્ટન ગ્રીવ્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ, JSW એનર્જી, LIC હાઉસિંગ ફાઇનૅન્સ, પતંજલિ ફૂડ્સ, NBCC ઇન્ડિયા, સન્માન કૅપિટલ તથા ઇન્ડસ ટાવર જેવા ૧૮ શૅર ઉપર ૧૫ ટકાનું ઍડિશનલ માર્જિન લાગુ કરવામાં આવ્યું છે.
નવાં નીચાં તળિયાં બનાવતી ઓલા ઇલેક્ટ્રિક આગલા દિવસના સામાન્ય સુધારા બાદ ગઈ કાલે ઉપરમાં ૨૮.૪૬ થઈ ફરી પાછી બગડી ૨૭.૩૫ની વર્સ્ટ બૉટમ બનાવીને અઢી ટકા તૂટી ૨૭.૫૨ રહી છે. ક્વૉલિટી વૉલ્સ પણ આગલા દિવસની બેતરફી સર્કિટમાં છેલ્લે પાંચ ટકા વધીને બંધ થયા પછી ગઈ કાલે સવાબે ટકા ઘટી ૨૮.૭૪ રહી છે.
શૅરદીઠ સવાછ રૂપિયાના ઇન્ટરિમમાં એક્સ-ડિવિડન્ડ થતાં આગલા દિવસે સવાસાત રૂપિયા ઘટેલી ONGC ગઈ કાલે ઉપરમાં ૨૭૬ વટાવીને પોણાચાર ટકા કે દસ રૂપિયા બાઉન્સ થઈ ૨૭૫ નજીક બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બની છે. ખરાબ બજારમાં શૅરના ભાવમાં કરન્ટ માટે વિશ્વબજારમાં વધેલું ક્રૂડ ઉપરાંત બોનસ નજીકમાં હોવાની હવા કામ કરી ગઈ છે. ઑઇલ ઇન્ડિયા ૧૬ ગણા વૉલ્યુમે ઉપરમાં ૪૮૬ થઈ સવાપાંચ ટકા ઊંચકાઈ ૪૭૭ હતી. MRPL ૧૯૮ ઉપર વર્ષની ટૉપ બનાવી બે ટકા વધી ૧૯૪ થઈ છે. સામે હિન્દુસ્તાન પેટ્રો પાંચ ટકા, ભારત પેટ્રો ૩.૮ ટકા, ઇન્ડિયન ઑઇલ અઢી ટકા, ગાંધાર ઑઇલ બે ટકા ડાઉન હતી.
આઇટી બેન્ચમાર્ક ૭૭માંથી ૬૨ શૅરની નરમાઈ વચ્ચે ૨૬૨ પૉઇન્ટ કે પોણો ટકો ઘટીને બંધ થયો છે. હેવીવેઇટ્સમાં ટેક મહિન્દ્ર ૨.૧ ટકા, લાટિમ ૧.૮ ટકા, HCL ટેક્નો ૧.૧ ટકા માઇનસ હતી. ઇન્ફોસિસ ચાર રૂપિયાના પરચૂરણ ઘટાડે ૧૩૬૯ રહી છે. TCS અડધો ટકો નરમ હતી. વિપ્રો સાધારણ ઘટીને ૨૧૧ હતી. ન્યુજેન સૉફ્ટવેર એઆઇ ડ્રીવન માર્કેટ મોમેન્ટ્સ વચ્ચે યુએઈ તરફથી ઑર્ડર મળ્યાના અહેવાલે આઠ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૬૩૭ થઈ ૬૨૧ બંધ આવી છે. ડેટામેટિક્સ ૧૪.૩ ટકા, સિલ્વર ટચ ટેક્નૉલૉજીઝ ૪.૬ ટકા, નેટવેબ ટેક્નૉલૉજીઝ ૪.૭ ટકા કે ૧૫૭ રૂપિયા મજબૂત હતી. હેક્સાવેર વધુ ૫.૪ ટકા ગગડી ૫૪૧ થઈ છે. ઝગલમાં સાડાપાંચ ટકાની નબળાઈમાં ૨૪૨નું નવું તળિયું જોવા મળ્યું છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૪.૫ ટકા કે ૨૪૭ રૂપિયા બગડી ૫૨૭૧ રહી છે.
મેટલ ઇન્ડેક્સ ૧૩માંથી ૧૨ શૅરના ઘટાડામાં સવા ટકો માઇનસ હતો. હિન્દાલ્કો પોણો ટકો વધી ૯૦૫ હતી. તાતા સ્ટીલ ૨૧૧ ઉપર ઑલટાઇમ હાઈ થઈ ૧.૭ ટકા ઘટી ૨૦૫ રહી છે. લૉઇડ્સ મેટલ્સ સાત ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨.૩ ટકા, JSW સ્ટીલ બે ટકા, APL અપોલો ૧.૯ ટકા, જિન્દલ સ્ટેનલેસ દોઢ ટકા, સેઇલ બે ટકા ડાઉન હતી.