14 April, 2026 09:03 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બે સપ્તાહના કામચલાઉ સીઝફાયરને નક્કર તથા ટકાઉ યુદ્ધવિરામનો ઓપ આપવા ઇસ્લામાબાદ ખાતે યોજાયેલી ત્રિપક્ષી-મંત્રણા ૨૧ કલાકની મલ્લીનાથી કર્યા પછી ભાંગી પડી છે. ઈરાને ત્યાર પછી મંત્રણાના ટેબલ ઉપર ફરી મળવાનો સ્પષ્ટ અને સદંતર ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પ તરફથી વળતા જવાબમાં ઈરાન સામે દરિયાઇ નાકાબંધી લાગુ કરી દેવાઈ છે. નેવલ બ્લોકેડ નામના આ નવા પગલાને કારણે ઈરાનનો દુનિયા સાથે જળમાર્ગથી થતો તમામ વ્યવહાર કાપી નાખવાનો પ્રયાસ કરાયો છે. જોકે આ પગલું તદ્દન અવાસ્તવિક કે તઘલખી છે. એ જરાય કારગત નીવડવાનું નથી. ઈરાન ખાતે ચાઇનીઝ કાર્ગોની અવરજવર અમેરિકા કેવી રીતે રોકશે? દરમ્યાન ટ્રમ્પ નવેસરથી ઈરાન સાથે લશ્કરી પગલાં લેવા વિચારી રહ્યા હોવાના પણ અહેવાલ વહેતા થયા છે. મતલબ કે ફરી વાર યુદ્ધ જામશે. આ વૉર નિર્ણાયક હશે. ક્રૂડ બેશક ૧૫૦ ડૉલર વટાવી જશે.
હાલ ક્રૂડ ૧૦૪ ડૉલર નજીક જઈને પોણાઆઠ ટકાના ઉછાળે ૧૦૨ ડૉલર ઉપર આવી ગયું છે. હાજર સોનું અડધો ટકો ઘટીને ૪૭૨૫ ડૉલર, કૉમેક્સ ગોલ્ડ પોણો ટકો ઘટીને ૪૭૫૨ ડૉલર તથા ચાંદી અઢી ટકા ઘટીને ૭૫ ડૉલર નીચે ચાલી ગઈ છે. બિટકૉઇન ૭૦,૯૦૪ ડૉલરે ટકેલો હતો. વૈશ્વિક શૅરબજારો ઢીલાં પડ્યાં છે. એશિયા ખાતે ઇન્ડોનેશિયા અડધો ટકો પ્લસ હતું. ચાઇના તથા તાઇવાન નજીવા સુધર્યા છે. સાઉથ કોરિયા અને જપાન પોણા ટકા આસપાસ, હૉન્ગકૉન્ગ પોણા ટકા નજીક, સિંગાપોર સાધારણ નરમ હતું. યુરોપ રનિંગમાં પોણા ટકા આસપાસ નરમાઈ બતાવવું હતું. પાકિસ્તાની શૅરબજાર ૧,૬૭,૧૯૧ના આગલા બંધ સામે ગઈ કાલે નીચામાં ૧,૬૧,૬૩૮ થઈ ૩ ટકા કે ૫૧૧૦ પૉઇન્ટ તૂટી ૧,૬૨,૦૮૦ દેખાયું છે.
સેન્સેક્સ આગલા બંધથી ૧૬૧૩ પૉઇન્ટ નરમ, ૭૫,૯૩૭ ખૂલી છેવટે ૭૦૩ પૉઇન્ટ ઘટી ૭૬,૮૪૭ તથા નિફ્ટી ૨૦૮ પૉઇન્ટ ઘટી ૨૩,૮૪૩ ગઈ કાલે બંધ થયો છે. બજાર નીચામાં ૭૫,૮૬૮ અને ઉપરમાં ૭૭,૦૬૩ થયો હતો. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૩૦૬ શૅર સામે ૧૯૨૯ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૫૩ લાખ કરોડ ઘટીને ૪૪૯.૭૦ લાખ કરોડ થયું છે. આજે આંબેડકર જયંતી નિમિત્તે બજાર બંધ રહેવાનું છે. ડૉલર સામે રૂપિયો ૯૨.૭૪ના આગલા બંધ સામે નીચામાં ૯૩.૪૧ થઈને ૬૪ પૈસાની નબળાઈમાં ૯૩.૩૮ ચાલતો હતો.
IT ઇન્ડેક્સ ૮૦માંથી ૧૮ શૅર પ્લસમાં આપી સવા ટકો કે ૩૫૧ પૉઇન્ટ ઘટ્યો છે. હેવી વેઇટ્સમાં TCS વધુ બે ટકા બગડીને ૨૪૭૩, ઇન્ફોસિસ ૧.૨ ટકા ઘટીને ૧૨૭૭, HCL ટેક્નો દોઢ ટકા ઘટીને ૧૪૩૦ બંધ હતો. વિપ્રો એક ટકા નજીકની પીછેહઠમાં ૨૦૩ થયો છે. ઇન્ફોબીન્સ સર્વાધિક સવાછ ટકા તૂટી ૧૭૬ થઈ છે. બજાજ ફાઇનૅન્સ પોણાત્રણ ટકા, ઇન્ડિગો પોણાત્રણ ટકા, ITC તથા એટર્નલ પોણાબે ટકા ઘટી છે. સ્વિગીમાં સિનિયર લેવલે સંખ્યાબંધ રાજીનામાં પડતાં ભાવ સવા ત્રણ ટકા ઘટીને ૨૬૬ નજીક હતો.
રિલાયન્સ સરેરાશ કરતાં ૪૦ ટકાના કામકાજે નીચામાં ૧૩૧૦ થઈને અઢી ટકા બગડી ૧૩૧૪ બંધમાં બજારને ૨૦૪ પૉઇન્ટ નડી છે. જિયો ફાઇનૅન્શ્યલ ૨.૩ ટકા ઘટીને ૨૩૮ હતી. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સવા ટકા તથા એનર્જી બેન્ચમાર્ક ૧.૩ ટકા ડાઉન હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ સવાત્રણ ટકા, ભારત પેટ્રોલિયમ ૨.૩ ટકા, ઇન્ડિયન ઑઇલ ૧.૪ ટકા, ચેન્નઇ પેટ્રો ૨.૯ ટકા, MRPL ૨.૧ ટકા, પેટ્રોનેટ એલએનજી ૨.૩ ટકા, ગુજરાત ગૅસ ૨.૮ ટકા, GSPL દોઢ ટકા, અદાણી ટોટલ ૧.૪ ટકા નરમ હતી. ONGC સાધારણ સુધારે ૨૮૭ રહી છે. ઑઇલ ઇન્ડિયા ૧.૧ ટકો પ્લસ હતી. પ્રભા એનર્જી એક ટકો ઊંચકાઈ છે. હિન્દુસ્તાન ઑઇલ એકર પ્લોરેશન પોણાબે ટકા પ્લસ હતી.
પાવર ઇન્ડેક્સ ૦.૯ ટકા તો યુટિલિટીઝ ૧.૪ ટકા વધ્યો છે. અદાણી ગ્રુપની અદાણી પાવર ૧૮૪ ઉપર ઑલટાઇમ હાઈ બનાવી સવાત્રણ ટકા વધીને ૧૮૧ થઈ છે. અદાણી એનર્જી ૧૧૮૭ની ૩૮ માહિનાની નવી ટૉપ હાંસલ કરીને દોઢ ટકા પ્લસ તો અદાણી ગ્રીન ઉપરમાં ૧૦૯૬ થઈ ૧૦૮૫ના લેવલે ફ્લૅટ હતી. થર્મેક્સ ૬ ટકા કે ૨૧૫ રૂપિયા ઊછળી ૩૬૬૦ બંધ આવી છે. JSW એનર્જી સવાચાર ટકા, તાતા પાવર અઢી ટકા, રિલાયન્સ પાવર સાડાત્રણ ટકા, ભેલ સવા ટકો મજબૂત બની છે. એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ ઉપરમાં ૨૦૩ બતાવી ૧૨ ગણા કામકાજે ૧૫.૩ ટકાના જમ્પમાં ૨૦૦ રહી છે. NTPC ગ્રીન ૭ ટકા, એકમે સોલર ૫.૪ ટકા, ડેન્ટા વૉટર ૩.૭ ટકા ઊંચકાઈ છે. દરમ્યાન મૉર્ગન સ્ટૅનલી તરફથી ૩૨૭૦ની અપગ્રેડેડ ટાર્ગેટ પ્રાઇસ સાથે MCXમાં બુલિશ વ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. શૅર ૨૭૭૬ની નવી વિક્રમી સપાટી બનાવી ૩.૭ ટકા વધીને ૨૭૬૬ બંધ થયો છે. BSE પોણો ટકો વધીને ૩૩૦૪ના બેસ્ટ લેવલે બંધ આવી છે. ઇન્ટ્રા-ડેમાં અહીં ૩૩૪૧ની સર્વોચ્ચ સપાટી બની હતી.
નવી દિલ્હીની સરકારે ઇલેક્ટ્રૉનિક ટૂ-થ્રી વ્હીલર્સની વપરાશને વેગ આપવા નીતિવિષયક ખરડો જાહેર કર્યો છે. એના જાન્યુઆરી ૨૦૨૭થી CNG સંચાલિત થ્રી-વ્હીલર્સ તથા જાન્યુઆરી ૨૦૨૮થી પેટ્રોલ આધારિત ટૂ-વ્હીલર્સનું નવું રજિસ્ટ્રેશન બંધ કરવાની વિવાદાસ્પદ જોગવાઈ કરાઈ છે. દિલ્હી ગવર્નમેન્ટે ઉક્ત ડ્રાફ્ટ પૉલિસી અહીં જરૂરી અભિપ્રાય લાગતાવળગતાને ૩૦ દિવસમાં મોકલી આપવા જણાવ્યું છે. આ પૉલિસી ડ્રાફ્ટની આડઅસરમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ કંપની એથર એનર્જીનો શૅર ૯૪૮ના નવા શિખરે જઈને સવાપાંચ ટકાની આગેકૂચમાં ૯૦૮ બંધ થયો છે. વૉલ્યુમ નવગણું હતું. સુપર ટેક ઇવી ૬ ગણા કામકાજે પાંચ ટકા વધીને ૬૧ હતી. વર્ડવિઝાર્ડ ઇનોવેશન દોઢ ટકા વધી છે. જોકે ઓલા ઇલેક્ટ્રિક સારા વૉલ્યુમ સાથે નીચામાં ૩૭.૭૧ થઈને સાડાછ ટકા ગગડીને ૩૮ રહી છે.
ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે ૨.૧ ટકા કે ૧૨૩૧ પૉઇન્ટ ડાઉન હતો. સેન્સેક્સ ખાતે મારુતિ સુઝુકી ૬ ગણા વૉલ્યુમે નીચામાં ૧૨,૯૭૫ થઈને ૪.૬ ટકા કે ૬૩૨ રૂપિયા ગગડીને ૧૩,૦૭૮ બંધ થઈ છે. મહિન્દ્ર નીચામાં ૩૧૭૬ થઈને સવા ટકો ઘટીને ૩૨૨૦ હતી. આઇશર મોટર્સ ૭૦૯૦ની અંદર જઈને પાંચ ટકા કે ૩૭૪ રૂપિયા બગડી ૭૦૫૦ હતી તો તાતા મોટર્સ પૅસેન્જર પોણો ટકો વધી ૩૪૫ અને બજાજ ઑટો નજીવી ઘટીને ૯૭૯૫ હતી. અન્ય ઑટો શૅરમાં હીરો મોટોકૉર્પ ૪ ટકા કે ૨૨૨ રૂપિયા, અશોક લેલૅન્ડ ૩.૩ ટકા, TVS મોટર પોણાત્રણ ટકા, હ્યુન્દાઇ મોટર ૨.૮ ટકા ઘટી છે. અતુલ ઑટો ૭૨ ગણા જંગી કામકાજે ઉપરમાં ૫૨૩ બતાવી ૧૧.૩ ટકાની તેજીમાં ૪૮૫ થઈ છે. તાતા મોટર ૩.૪ ટકાની નરમાઈમાં ૪૨૯ તો એસ્કોર્ટ બે ટકા બગડીને ૩૧૨૮ હતી. ફોર્સ મોટર ૨.૪ ટકા કે ૫૫૩ રૂપિયા છે.
બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૧૪માંથી ૧૨ શૅરના બગાડમાં ૩૦૮ પૉઇન્ટ કે અડધો ટકો તથા પીએસયુ બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૨ શૅરની નબળાઈમાં પોણો ટકો નરમ થયો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૩૪ શૅર માઇનસ હતા. ચાલુ સપ્તાહમાં ૧૮ તારીખે HDFC બૅન્ક તથા ICICI બૅન્કનાં પરિણામ આવવાનાં છે. HDFC બૅન્ક ગઈ કાલે નૉર્મલ કામકાજે નીચામાં ૭૮૮ બતાવી બે ટકા ઘટીને ૭૯૪ બંધ થતાં બજારને ૨૧૦ પૉઇન્ટ નડી છે. ICICI બૅન્ક ૧૨૯૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ૨.૨ ટકા વધી ૧૩૫૦ બંધ થતાં ૧૭૨ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. સ્ટેટ બૅન્ક ૦.૩ ટકા ઘટી ૧૦૬૩ બંધ હતી. ઍક્સિસ બૅન્ક નીચામાં ૧૩૧૫ થઈને નહીંવત્ વધીને ૧૩૫૪ તથા કોટક મહિન્દ્ર બૅન્ક પોણો ટકો ઘટીને ૩૭૨ બંધ થઈ છે. યસ બૅન્કનાં પરિણામ પણ અઢારમીએ છે. શૅર એક ટકો ઘટીને ૧૯ નજીક બંધ રહ્યો છે. યુનિયન બૅન્ક ૨.૩ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૯ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અડધો ટકો, પીએનબી ૦.૯ ટકા, પંજાબ-સિંઘ બૅન્ક બે ટકા, ધનલક્ષ્મી બૅન્ક દોઢ ટકા, IDFC ફર્સ્ટ બૅન્ક બે ટકા, સિટી યુનિયન બૅન્ક ૩ ટકા DCB બૅન્ક ૧.૮ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૩ ટકા, ફિનો પેમેન્ટ બૅન્ક ૨.૩ ટકા, RBL બૅન્ક ૧.૭ ટકાની નરમાઈના ઘટાડામાં મોખરે હતી.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૯૦માંથી ૧૪૦ શૅરના ઘટાડામાં ૦.૬ ટકા ઘટ્યો છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ ૭.૨ ટકાની આગેકૂચમાં ૭૧૩ થયો છે. આ શૅર ચાલુ મહિને લગભગ સતત સુધારામાં રહ્યો છે. ૩૦ માર્ચે ભાવ ૫૩૯ની અંદર ૧૩ મહિનાના તળિયે ગયો હતો. મુથૂટ ફાઇનૅન્સે શૅરદીઠ ૩૦ રૂપિયા ઇન્ટરિમ જાહેર કર્યું છે. ભાવ નીચામાં ૩૪૩૫ થઈને અડધો ટકો ઘટીને ૩૫૫૭ હતો. શુક્રવારે ભારે વૉલ્યુમ સાથે ૨૦ ટકાની તેજી દાખવનાર ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ ટકાની મજબૂતીમાં ૧૭૧ બંધ આવી છે.
ગઈ કાલે બે SME IPO લિસ્ટેડ થયા છે. લખનઉની સેફટી કન્ટ્રોલ્સ ઍન્ડ ડિવાઇસિસ દસના શૅરદીઠ ૮૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પહેલેથી ઝીરો પ્રીમિયમ સામે BSE ખાતે ૮૩ ખૂલી ઉપરમાં ૮૪ અને નીચામાં ૭૯ અંદર બતાવી ૭૯ બંધ થતાં સવા ટકા જેવી લિસ્ટિંગ લૉસ મળી છે. જ્યારે જયપુરની એમિયાક ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૯૮ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં પહેલેથી ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે BSEમાં ૧૦૮ નજીક ખૂલી ઉપરમાં ૧૧૧ તથા નીચામાં ૧૦૮ થઈને ૧૦૮ બંધ રહેતાં ૧૦.૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મેઇન બોર્ડમાં અમદાવાદી ઓમ પાવર ટ્રાન્સમિશનનો ૧૦ના શૅરદીઠ ૧૭૫ના ભાવનો ૧૫૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં દોઢ ગણા સહિત કુલ ૩.૩ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. અગાઉનું સાડાત્રણવાળું પ્રીમિયમ ગઈ કાલે ૩ થયું છે. લિસ્ટિંગ શુક્રવારે થવાનું છે. દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલા શૅરમાં ગઈ કાલે નવી મુંબઈની વિવિડ ઇલેક્ટ્રોમેક ૬૫૮ના બેસ્ટ લેવલે જઈને નજીવી સુધરી ૬૩૬ થઈ છે. મુંબઈના નરીમાન પૉઇન્ટની પાવરિકા લિમિટેડ ઉપરમાં ૪૧૨ બતાવીને એક ટકો ઘટીને ૪૦૫, હૈદરાબાદી સાંઈ પેરેન્ટલ્સ ૪૩૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણો ટકો સુધરીને ૪૨૭ તથા નવી દિલ્હીની અમીરચંદ જગદીશકુમાર એક્સપોર્ટ્સ ૧૨૦ નીચે નવી સૌથી નીચી સપાટી નોંધાવી પાંચ ટકા ત્યાં જ રહી છે. મુંબઈના અંધેરી-ઈસ્ટની હાઇનેસ માઇક્રોઇલેક્ટ્રૉનિક્સ ઉપરમાં ૧૧૭ થયા બાદ ૨.૭ ટકા ઘટીને ૧૧૬ હતી. સેન્ટ્રલ માઇન પ્લાનિંગ ૧૭૩ના શિખરે જઈને અઢી ટકા વધીને ૧૭૦ રહી છે. સ્પેશ્યલિટી મેડિસિન્સ પણ ૧૬૩ની નવી ટૉપ બતાવીને પાંચ ટકા વધીને ત્યાં જ બંધ આવી છે.