23 May, 2026 08:02 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકા વચ્ચે શાંતિ-પ્રસ્તાવને લઈને વાર્તા ચાલુ છે, વાર્તા શબ્દ અહીં મહત્ત્વનો છે. અમેરિકા તરફથી રજૂ કરવામાં આવેલા નવા પ્રસ્તાવને લઈને ઈરાને જણાવ્યું હતું કે અમે એની સમીક્ષા કરી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું છે, વાંધો નહીં, હું થોડી વધુ રાહ જોઈશ. દરમ્યાન બ્રેન્ટ ક્રૂડ પોણાત્રણ ટકા વધીને ૧૦૫ ડૉલર વટાવી ગયું છે. રિઝર્વ બૅન્કના નવા હસ્તક્ષેપને લઈને ડૉલર સામે સતત આઠ દિવસના ઘટાડામાં વિરામ લઈ ગુરુવારે ૯૬.૨૦ બંધ થયેલો રૂપિયો ગઈ કાલે વધુ મજબૂતીમાં ૯૫.૭૮ થયા બાદ રનિંગમાં દેખાયો છે. જોકે આ બહુ દહાડા ચાલવાનું નથી. ટૂંકમાં, ખરાબીનો નવો દોર શરૂ થશે એમ અમારું માનવું છે. તમામ અગ્રણી એશિયન બજાર શુક્રવારે સારાં રહ્યાં છે. જપાન અઢી ટકા, તાઇવાન ૨.૧ ટકા, ચાઇના અને હૉન્ગકૉન્ગ પોણા ટકાથી વધુ તથા અન્યત્ર સાધારણ સુધારો દેખાયો છે. સિંગાપોર ૫૦૭૩ની વિક્રમી સપાટી લગોલગ જઈ સાધારણ વધી ૫૦૬૮ બંધ હતું. યુરોપ પણ રનિંગમાં સામાન્યથી અડધા ટકા જેવું પ્લસ હતું. સેન્સેક્સ આગલા બંધથી ૭૭ પૉઇન્ટ ઉપર, ૭૫,૨૬૦ ખૂલી ૭૫,૨૩૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ૨૩૨ પૉઇન્ટ વધીને ૭૫,૪૭૪ તથા નિફ્ટી ૬૫ પૉઇન્ટના સુધારામાં ૨૩,૭૧૯ બંધ થયો છે. સેન્સેક્સ ઉપરમાં ૭૫,૮૧૧ થયો હતો. માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ હતી. NSEમાં વધેલા ૧૭૪૮ શૅરની સામે ૧૫૨૨ કાઉન્ટર ઘટ્યાં છે. ડૉલર સામે રૂપિયાને સપોર્ટ કરવાના પગલાના ભાગરૂપે રિઝર્વ બૅન્ક હવે પછી વ્યાજદરમાં વધારાનું વલણ અપનાવશે એવા અહેવાલને રદિયો અપાયાના પગલે ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૨ શૅરના સથવારે ૧.૨ ટકા કે ૬૧૬ પૉઇન્ટ વધ્યો છે. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૧૦ શૅરના સુધારામાં દોઢ ટકો વધ્યો હતો. ઑલટાઇમ હાઈની હૅટટ્રિક બનાવ્યા પછી ગઈ કાલે હેલ્થકૅર બેન્ચમાર્ક સવા ટકો નરમ પડ્યો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૩૪૪૩ની ઐતિહાસિક ટોચે જઈ એક ટકો વધી ૩૪૩૦ હતો. બૅન્કિંગની હૂંફમાં ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૦.૯ ટકા પ્લસ થયો છે. ITમાં સાધારણ નરમાઈ હતી. મેટલ બેન્ચમાર્ક ૦.૭ ટકા વધ્યો છે.
બે શૅરદીઠ એક બોનસ માટે ૪ જૂનની રેકૉર્ડ ડેટ નજીક આવતાં ટ્રેન્ટ ત્રણ ટકા વધી ૪૨૯૬ બંધમાં બન્ને બજારમાં ઝળકી છે. નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ ૨.૯ ટકા, વિપ્રો પોણાબે ટકા, નેસ્લે ૧.૨ ટકા વધી હતી. ICICI બૅન્ક પોણાબે ટકા, HDFC એક ટકો તથા ઍક્સિસ બૅન્ક અઢી ટકા વધી બજારને કુલ ૩૦૪ પૉઇન્ટ ફળી છે. એશિયન પેઇન્ટ્સ દોઢ ટકા તો હિન્દુસ્તાન યુનિલીવર ૧.૧ ટકા વધી હતી. રિલાયન્સ પાંચ રૂપિયા સુધરીને ૧૩૫૪ રહી છે.
LICનો ત્રિમાસિક નફો ૨૩.૨ ટકા વધીને ૨૩,૪૨૦ કરોડ થયો છે. શૅરદીઠ ૧૦નું ડિવિડન્ડ જાહેર Fયું છે. ભાવ ૯ ગણા વૉલ્યુમે ઉપરમાં ૮૩૯ થઈ દોઢ ટકો વધી ૮૧૩ બંધ હતા. ઇકરા તરફથી આવકમાં ૨૯ ટકા વધારા સામે ૬ ટકા ઘટાડામાં ૫૨૫૦ લાખ નફો દર્શાવાયો છે. શૅરદીઠ ૧૦૫ રૂપિયા ડિવિડન્ડ જાહેર થયું છે. ભાવ ઉપરમાં ૫૬૩૪ બતાવી ૦.૯ ટકા ઘટીને ૫૪૦૦ રહ્યા છે.
ITC તરફથી સિગારેટ-ટૅક્સને કારણે માર્જિન પર પ્રેશરને લઈને પાંચેક ટકા વધારામાં ૫૧૧૩ કરોડ નફો દર્શાવાતાં શૅર ગઈ કાલે નીચામાં ૩૦૧ થઈ બે ટકા ઘટીને ૩૦૨ બંધ થયો છે. મૅક્સ હેલ્થકૅરની આવક સવાબાર ટકા વધી ૨૧૪૩ કરોડ તથા ચોખ્ખો નફો સવાસાત ટકા વધીને ૩૪૨ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૧૦૧૧ થઈ સવાછ ટકા ગગડી ૧૦૨૩ હતો. અપોલો હૉસ્પિટલ્સ પરિણામનો કરન્ટ જાળવી રાખતાં ૮૪૪૦ ઉપર નવું શિખર મેળવી ૦.૭ ટકાના સુધારે ૮૩૬૨ હતી. ગ્રાસિમ પણ રિઝલ્ટનું જોર અકબંધ રાખતાં ૩૧૮૭ની નવી ટૉપ દેખાડી નજીવી સુધરી ૩૧૫૫ રહી છે.
સરકારી કંપની ગેઇલની આવક અઢી ટકા ઘટીને ૭૪,૭૭૨ કરોડ થઈ છે ,પણ નફો ૩૮.૪ ટકા ગગડી ૧૨૬૨ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૧૫૨ની અંદર જઈ છેવટે ૩.૩ ટકા વધી ૧૬૧ હતો. અરબિંદો ફાર્માનો નફો બે ટકા વધી ૯૨૧ કરોડ તથા આવક સાડાપાંચ ટકા વધી ૮૮૫૩ કરોડ આવતાં શૅર નીચામાં ૧૪૪૫ બતાવી ૫.૩ ટકા ખરડાઈ ૧૪૬૪ બંધ થયો છે. વેલસ્પન કૉર્પની આવક દસેક ટકા વધી ૪૩૧૨ કરોડ વટાવી ગઈ છે, પણ નફો ૪૭ ટકા ગગડીને ૩૭૦ કરોડ નોંધાયો છે. શૅર નીચામાં ૧૨૫૨ થઈ સવાચાર ગગડી ૧૨૭૧ હતો.
GMM ફોડલર ૧૭ ટકા વધારામાં ૯૪૪ કરોડની આવક સાથે ૨૭ કરોડની નેટ લૉસમાંથી ૧૭૨૦ લાખના ચોખ્ખા નફામાં આવી છે. શૅર ઉપરમાં ૮૮૫ થયા બાદ ૫.૬ ટકાની ખરાબીમાં ૮૦૭ રહ્યા છે. બિકાજી ફૂડ્સની આવક ૧૮ ટકા વધીને ૭૨૧ કરોડ અને નફો ૨૬ ટકા વધારામાં ૫૬૪૦ લાખ થયો છે. ભાવ ઉપર ૬૭૫ વટાવી ૧.૮ ટકા ઘટી ૬૫૩ હતો. સનટીવીની આવક સવાછ ટકા ઘટતાં નફો ૩૭ ટકા ઘટી ૨૩૨ થયો છે. શૅર ૪૮૩ની બૉટમ બનાવી ૬.૧ ટકા તૂટી ૪૮૬ હતો.
વાટેક વાબેગની આવક સવાબાવીસ ટકા વધી ૧૪૧૪ કરોડ તથા નેટ નફો ૨૯ ટકા જેવા વધારામાં ૧૨૮ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૧૪૮૦ બતાવી દોઢ ટકો વધી ૧૪૩૧ હતો. ડેટામેટિક્સ ગ્લોબલે સાડાચાર ટકા વધારામાં ૫૧૯ કરોડની આવક પર ૨૪૬૦ લાખની વન-ટાઇમ એક્સેપ્શનલ લૉસને કારણે દોઢ ટકા ઘટાડામાં ૪૪૨૦ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર નીચામાં ૭૪૨ થયા બાદ ઉપરમાં ૮૦૮ બતાવી અઢી ટકા ઘટી ૭૮૬ થયો છે. જુનિયર હોટેલ્સે સાડાઆઠ ટકાના વધારામાં ૩૦૧ કરોડની આવક પર ૨૩૪૦ લાખની વનટાઇમ લૉસના લીધે સવાઆઠ ટકાના ઘટાડામાં ૫૦૪૦ લાખ ચોખ્ખો નફો બતાવ્યો છે. શૅર ઉપરમાં ૨૧૬ વટાવી ૧.૪ ટકા ઘટી ૧૯૭ હતો.
સરકારી ખાતર કંપની રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સે ૪૯.૬ ટકા વધારામાં ૫૫૮૦ કરોડ આવક પર ૧૫૮ ટકા જેવા વૃદ્ધિદરથી ૧૮૭ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર ૧૩૬ વટાવી ૪.૨ ટકા વધીને ૧૩૦ થયો છે. મામા અર્થ ફેમ હોનેસા કન્ઝ્યુમરની આવક ૨૩ ટકા વધીને ૬૫૭ કરોડ થઈ છે, પણ નેટ નફો ૧૭૭ ટકા ઊછળીને ૬૯૨૦ લાખ નોંધાયો છે. એમાં શૅર ૪૦૫ના શિખરે જઈ ૬.૮ ટકાના જમ્પમાં ૩૮૪ બંધ રહ્યા છે.
નાયકાવાળી FSN ઈ-કૉમર્સ વેન્ચર્સે ૨૮.૪ ટકા વધારામાં ૨૬૪૮ કરોડની આવક પર ૨૮૬ ટકાના વધારા સાથે ૭૮૪૦ કરોડ નફો કરતાં ભાવ ૨૮૫ની ત્રણ વર્ષની ટોચે જઈ પોણો ટકો સુધરી ૨૭૬ રહ્યો છે. LG ઇલેક્ટ્રૉનિક્સની આવક ૮.૧ ટકા વધી ૮૦૫૩ કરોડ થઈ છે, નફો ૮.૨ ટકા ૨.૭ ટકા ઘટી ૧૪૯૦ બંધ આવ્યો છે.
ચેન્નઈની MR મણિવેલી ફૂડ્સનો ૧૦ના શૅરદીઠ બાવનના ભાવનો ૨૭ કરોડનો BSE SME IPO ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૯૦ ટકા સહિત કુલ ૧.૧ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. ગુરુવારે જે ૩ SME ભરણાં એકસાથે ખૂલ્યાં હતાં એમાં બીજા દિવસના અંતે લખનઉની Q-લાઇન બાયોટેકનો ૧૦ના શૅરદીઠ ૩૪૩ની મારફાડ ઇશ્યુ પ્રાઇસ સાથે ૨૧૪ કરોડ પ્લસનો લાર્જેસ્ટ SME IPO કુલ ૯.૬ ગણો, ઇન્દોરની બાયોમેડિકા લૅબોરેટરીઝનો ૧૦ના શૅરદીઠ ૧૩૯ના ભાવનો બાવન કરોડનો ઇશ્યુ કુલ એક ગણો તથા નવી દિલ્હીની ઑટો ફર્નિશ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૪૧ના ભાવનો ૧૪૬૦ લાખનો SME ૧૦ના શૅરદીઠ ૪૧ના ભાવનો ૧૪૬૦ લાખનો SME ઇશ્યુ કુલ ૪૫ ટકા ભરાઈ ચૂક્યો છે. Q-બાયોટેકમાં પ્રીમિયમ સુધરીને ૧૨૦ બોલાય છે.
બે SME ભરણાં ગઈ કાલે પૂરાં થયાં છે જેમાંથી સુરતની હરિકાન્તા ઓવરસીઝનો ૧૦ના શૅરદીઠ ૯૬ના ભાવનો ૨૬ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૩૧ ટકા સહિત કુલ ૨૭ ટકા ભરાતાં લંબાવાયો છે. નવી દિલ્હીની વિગોરામાં પંજાબી અંજિઠીનો ૧૦ના શૅરદીઠ ૭૭ના ભાવનો ૩૮ કરોડનો BSE SME IPO રીટેલમાં ૨૮ ગણા સહિત કુલ ૩૫ ગણો ભરાયો છે. વિગોરામાં પંજાબીમાં ૬થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૧૫ થઈ હાલમાં ચાર રૂપિયે આવી ગયું છે. પાંચના શૅરદીઠ ૬૩ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૫૦ કરોડનો SME IPO કરનારી ટિમટેક ફૉર્મવર્ક સૉલ્યુશન્સ ૨૬મીએ લિસ્ટેડ થશે. એમાં પ્રીમિયમ બેથી સુધરી હાલમાં ત્રણ રૂપિયા થયું છે. ભરણું કુલ સાત ગણા પ્રતિસાદમાં પૂરું થયું હતું.
IPOમાં મેઇનબોર્ડ ઠપ છે. છેલ્લે ૩૦ એપ્રિલે ONEMI ટેક્નૉલૉજીઝનો ઇશ્યુ આવ્યો હતો. ત્યાર પછી કંઈ નથી. એની સામે ચાલુ મહિને SME સેગમેન્ટમાં ૧૩ ઇશ્યુ અત્યાર સુધી આવી ગયા છે, આગામી સપ્તાહે બીજાં ત્રણ ભરણાં નક્કી છે. એમાંથી સોમવારે જયપુરની યશ્વી જ્વેલર્સ ૧૦ના શૅરદીઠ ૮૩ના ભાવથી ૪૪ કરોડનો BSE SME ઇશ્યુ કરવાની છે. માર્કેટમેકર માટે એમાંથી બે કરોડના શૅર અનામત છે. QIB પોર્શન નથી, રીટેલમા પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૩માં સ્થપાયેલી આ કંપની ૯ કૅરૅટથી માંડીને ૨૨ કૅરૅટ સુધીનાં સોનાનાં ઘરેણાં બનાવવાનું અને વેચવાનું કામ કરે છે. ઇશ્યુમાંથી કંપની ૪૮૪ લાખ IPO પેટે ખર્ચ કરશે. ૨૧૫૦ લાખ વર્કિંગ કૅપિટલ માટે અને ૧૧ કરોડ દેવાની ચુકવણીમાં વપરાશે. ૨૦૨૪-’૨૫ના વર્ષે ૪૮ ટકા જેવા વધારામાં ૨૯૮ કરોડની આવક પર ૪૭૫ ટકાના વૃદ્ધિદરથી ૧૧૨૮ લાખનો નેટ નફો બતાવ્યા પછી કંપનીએ ગયા વર્ષે પણ ૫૧ ટકાના વધારામાં ૪૫૦ કરોડ જેવી આવક તેમ જ ૬૨ ટકાના વધારામાં ૧૮૨૮ લાખ ચોખ્ખો નફો દર્શાવ્યો છે. દેવું માર્ચ ૨૪ના અંતે ૧૬૨૫ લાખ હતું એ છેલ્લાં બે વર્ષમાં ઝડપથી વધતું રહી ૬૫૩૬ લાખ થયું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. લીડ મૅનેજર સ્માર્ટ હોરાઇઝોન કૅપિટલ ઍડ્વાઇઝર્સ છે.
દરમ્યાન નવી દિલ્હીની NEP સંપૂર્ણ ફૂડ્સનું લિસ્ટિંગ સોમવારે થવાનું છે. ગ્રેમાર્કેટમાં એક જ દિવસ માટે ૮નું પ્રીમિયમ બોલાયા પછી એમાં કોઈ કામકાજ થયું નથી. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ગોલ્ડલાઇન ફાર્મા ગઈ કાલે પાંચ ટકા તૂટી ૪૯ તથા RFBL ફ્લેક્સી પૅક ૬૪ નજીક નવી ટોચે જઈ પાંચ ટકા ઊછળી ત્યાં જ બંધ થઈ છે.