18 October, 2025 07:17 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
વિક્રમ સંવત ૨૦૮૧ના કામકાજનો અંતિમ દિવસ બજાર માટે ઊજળા ભાવિના આશાવાદને નવી હૂંફ આપનારો પુરવાર થયો છે. સેન્સેક્સ નિફ્ટી વર્ષની ટૉપ બનાવી સુધારાની હૅટ્રિકમાં બંધ થયો છે. શુક્રવારે સેન્સેક્સ આગલા બંધથી ૧૩૫ પૉઇન્ટની પીછેહઠમાં ૮૩૩૩૨ નીચે ખૂલી તરત ૮૩૨૦૬ થયો હતો. શરૂઆતની અલ્પ સમયની આ કમજોરી બાદ બજાર સીધું પૉઝિટિવ ઝોનમાં આવી દિવસભર મજબૂત રહ્યું હતું, જેમાં સેન્સેક્સ ઉપરમાં ૮૪૧૭૨ વટાવી છેવટે ૪૮૪ પૉઇન્ટની આગેકૂચમાં ૮૩૯૫૨ બંધ આવ્યો છે. નિફ્ટી ઉપરમાં ૨૫૭૮૧ વટાવી અંતે ૧૨૪ પૉઇન્ટ વધીને ૨૫૭૧૦ થયો છે. માર્કેટ બ્રેડ્થ નકારાત્મક બની છે. NSEમાં વધેલા ૧૦૨૦ શૅરની સામે ૧૭૮૮ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૩૦૦૦ કરોડ ઘટી ૪૬૬.૯૨ લાખ કરોડ થયું છે. બન્ને બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ સુધારામાં હતાં. સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકાના વધારા સામે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ દોઢ ટકો, FMCG ઇન્ડેક્સ સવા ટકો, ઑટો બેન્ચમાર્ક ૦.૬ ટકા મજબૂત બન્યા છે. સામે આઇટી ઇન્ડેક્સ ૧.૬ ટકા, મેટલ ઇન્ડેક્સ ૦.૯ ટકા, ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૦.૬ ટકા ઘટ્યા છે. બૅન્ક નિફ્ટી, ફાઇનૅન્સ ઇન્ડેક્સ તેમ જ નિફ્ટી ડિફેન્સ બેન્ચમાર્ક ઑલટાઇમ હાઈ થયા છે. ગઈ કાલે મિડકૅપ ૦.૪ ટકા અને સ્મૉલકૅપ ઇન્ડેકસ અડધો ટકા નરમ હતો. બ્રૉડર માર્કેટ નહીંવત્ સુધર્યો છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૧૪૫૧ વધ્યો છે. વીકલી ધોરણે સતત ત્રીજા સપ્તાહે બજાર પ્લસ થયું છે. વાર્ષિક ધોરણે હાલની તારીખે સેન્સેક્સ ૨૯૪૫ પૉઇન્ટ કે ૩.૬ ટકા જ્યારે નિફ્ટી ૯૬૦ પૉઇન્ટ કે ૩.૯ ટકા વધ્યો છે.
પ્રાઇમરી માર્કેટમાં કૅનેરા HSBC લાઇફ ઇન્શ્યૉરન્સ ૧૦ના શૅરદીઠ ૧૦૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૪થી શરૂ થઈ ઝીરો થયા બાદ છેલ્લે બોલાતા ત્રણ રૂપિયાના પ્રીમિયમ સામે ૧૦૬ ખૂલી ઉપરમાં ૧૧૩ નજીક જઈ ૧૧૨ બંધ થતાં ૫.૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટમાં સુરતની સિહોરા ઇન્ડસ્ટ્રીઝ શૅરદીઠ ૬૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ૭૦ ખૂલી પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૬૬.૫૦ થઈ ત્યાં જ બંધ થતાં એમાં ૫૦ પૈસાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે તો ભરૂચની શ્લોકા ડાઇઝ ૯૧ની ઇશ્યુ પ્રાઇસ સામે ૯૦ ખૂલી પાંચ ટકાની નીચલી સર્કિટ ૮૫.૫૦ બંધ થતાં એમાં ૬ ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. લુધિયાણાની એસ. કે. મિનરલ્સ ૧૨૭ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૪૫ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૫૨ ઉપર બંધ રહેતાં એમાં ૨૦ ટકા નજીકનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. દરમ્યાન LG ઇલેક્ટ્રૉનિક્સ નજીવા ઘટાડે ૧૬૬૭, તાતા કૅપિટલ સવા ટકો ઘટીને ૩૩૧ તથા વીવર્ક ઇન્ડિયા નામ પૂરતી નરમાળમાં ૬૪૩ બંધ હતી. કૅનેરા રોબેકો ઍસેટ મૅનેજમેન્ટ સવાબે ટકા વધીને ૩૦૭ થઈ છે. રુબીકૉન રિસર્ચ દોઢ ટકો ઘટી ૬૧૮ હતી. એ-ગ્રુપમાં શૅરઇન્ડિયા પોણાબાર ટકાની તેજીમાં ૨૦૦ બંધ આપી ઝળકી છે. MCX ૯૩૨૭ના લેવલે જૈસે-થે તો BSE લિમિટેડ એકાદ ટકો ઘટીને ૨૪૮૫ રહી છે.
બૅન્ક નિફ્ટી તેમ જ ફાઇનૅન્સ ઇન્ડેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ
બૅન્ક નિફ્ટી ૫૭૮૩૦ની ઑલટાઇમ હાઈ બનાવી અડધો ટકો કે ૨૯૧ પૉઇન્ટની આગેકૂચમાં ૫૭૭૧૩ બંધ રહ્યો છે. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૭ ટકા ડાઉન હતો. એના ૧૨માંથી ૨ શૅર પ્લસ હતા. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૧૩ શૅર ગઈ કાલે સુધર્યા છે. ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૭ ટકા વધી ૭૫૧ બંધમાં મોખરે હતી. એનાં પરિણામ ૧૮મીએ છે. સામે યસ બૅન્ક પોણાચાર ટકા, જનાસ્મૉલ બૅન્ક અઢી ટકા, RBL બૅન્ક ૨.૩ ટકા, આઇઓબી ૨.૪ ટકા, જેકે બૅન્ક ૨.૧ ટકા ઘટી છે. બૅન્કિં સાથે ફાઇનૅન્સ બેન્ચમાર્ક પણ ૧૩૦૩૪ની નવી વિક્રમી સપાટી બનાવી સાધારણ સુધારામાં ૧૨૯૯૯ હતો. એના ૧૮૧માંથી ૧૧૯ શૅર માઇનસ હતા, પણ GFL લિમિટેડ ૫.૭ ટકા, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ ૫.૮ ટકા કે ૨૯૬ રૂપિયા, પિલાની ઇન્વેસ્ટમેન્ટ ૪.૩ ટકા કે ૨૩૩ રૂપિયા, શૅરઇન્ડિયા ૧૧.૮ ટકા, નલવાસન્સ ૪.૭ ટકા કે ૩૭૪ રૂપિયા, ધુસેરી ઇન્વેસ્ટમેન્ટ ૪.૯ ટકા, TVS હોલ્ડિંગ્સ ૪.૯ ટકા કે ૬૭૦ રૂપિયા, વર્ધમાન હોલ્ડિંગ્સ ૨.૮ ટકા કે ૧૦૮ રૂપિયા, નિપ્પોન લાઇફ ત્રણ ટકાની મજબૂતી સાથે ઝળકી હતી. PNB ગિલ્ટ ૭.૬ ટકા, ક્રેડિટ ઍક્સેસ ગ્રામીણ ૭.૨ ટકા, ઇન્ડોથાઇ સિક્યૉરિટીઝ પોણો ટકો ગગડી છે.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ દોઢ ટકો કે ૮૯૧ પૉઇન્ટ ઊછળ્યો છે. વ્હર્લપૂલ ઇન્ડિયા તરફથી વ્હર્લપૂલ કૉર્પોરેશન સાથે લાઇસન્સિંગ ઍગ્રીમેન્ટ થયાની જાહેરાતે શૅર ૯૭ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૧૪૦૦ બતાવી બાર ટકાની તેજીમાં ૧૩૮૫ બંધ આપી અહીં મોખરે હતો. હેવી વેઇટ્સની સાથે સાઇડ શૅરમાંય નોંધપાત્ર નરમાઈ કામે લાગતાં આઇટી બેન્ચમાર્ક ૧.૬ ટકા ડૂલ થયા છે. એના ૭૭માંથી માત્ર ૧૦ શૅર પ્લસ હતા. ઇનોવા ૧.૩ ટકા, ASM ટેક્નૉલૉજીઝ બે ટકા, નેટવેલ ટેક્નો ૧.૯ ટકા વધી છે. સામે વિપ્રો ૫.૧ ટકા ખરડાઈ અત્રે વર્સ્ટ પર્ફોર્મર હતો. આ ઉપરાંત ક્વિકહીલ ૪.૨ ટકા, મૅક્લિયોડ કલાઉડ ૧૭ ટકા, સિલ્વર ટચ ટેક્નો ૩.૨ ટકા, માસ્ટેક ચાર ટકા, તાન્લા પ્લૅટફૉર્મ ૪.૩ ટકા, ડેટામૅટિક્સ ૪.૫ ટકા, ઓરિયેન્ટ ટેક્નો ચાર ટકા ડૂલ થઈ છે.
પરિણામ પૂર્વે રિલાયન્સ મજબૂત, એશિયન પેઇન્ટ્સ ટૉપ ગેઇનર
ક્રૂડની નરમાઈ ગણો કે પછી ફેસ્ટિવલ સીઝનની ડિમાન્ડ ગણો, કારણ જે હોય એ પરંતુ એશિયન પેઇન્ટ્સ હમણાંથી તેજીના રંગમાં છે. શૅર ગઈ કાલે ૬ ગણા કામકાજે ૨૫૪૩ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૪.૨ ટકા કે ૧૦૧ રૂપિયા વધી ૨૫૧૦ બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. અન્ય પેઇન્ટ્સ શૅરમાં કન્સાઇ નેરોલેક ૩.૨ ટકા, શાલીમાર પેઇન્ટ્સ ૦.૩ ટકા અને બર્ગર પેઇન્ટ્સ ૨.૨ ટકા પ્લસ હતા. ઇન્ડિગો પેઇન્ટ્સ અડધો ટકો ઘટી ૧૦૨૭ હતો. ભારતી ઍરટેલ ૨૦૪૫ની એની વિક્રમી સપાટી ભેદવાના મૂડમાં હોય એમ ઉપરમાં ૨૦૩૩ થઈ ૨.૪ ટકા રણકી ૨૦૧૪ બંધ આવ્યો છે એની સબસિડિયરી ભારતી હેક્સાકૉમ પણ ૩.૭ ટકા મજબૂત હતી. હૉસ્પિટલ્સ શૅરમાં મૅક્સ હેલ્થકૅર સવાબે ટકા વધીને ૧૨૦૨ તથા અપોલો હૉસ્પિટલ્સ ૮૦૩૨ની ઑલટાઇમ હાઈ બતાવી એક ટકો કે ૭૭ રૂપિયા ઊંચકાઈ ૭૯૦૬ રહ્યો છે. માથે પરિણામ વચ્ચે HDFC બૅન્ક પોણો ટકો વધીને ૧૦૦૨ બંધ થતાં બજારને ૧૦૬ પૉઇન્ટ તથા ICICI બૅન્ક ૧.૪ ટકા વધીને ૧૪૩૭ બંધ થતાં ૧૧૮ પૉઇન્ટ મળ્યા હતા. સ્ટેટ બૅન્ક ૮૯૪ના શિખરે જઈ નહીંવત્ સુધારે ૮૮૯ તથા ઍક્સિસ બૅન્ક સાધારણ વધી ૧૨૦૦ હતી.
રિલાયન્સ પરિણામ પૂર્વે નીચામાં ૧૩૯૯ અને ઉપરમાં ૧૪૨૩ બતાવી ૧.૪ ટકાની આગેકૂચમાં ૧૪૧૭ બંધ આવી બજારને ૧૦૮ પૉઇન્ટ ફળ્યો છે. જિયો ફાઇનૅન્શિયલ ઢીલા પરિણામ વચ્ચે બમણા વૉલ્યુમે ઉપરમાં ૩૧૫ થઈ એકાદ ટકો ઘટી ૩૦૯ હતી. અન્ય જાતોમાં મહિન્દ્ર અઢી ટકા, આઇટીસી ૧.૭ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર ૧.૭ ટકા, ભારત ઇલેક્ટ્રિક ૦.૩ ટકા, ટાઇટન પોણો ટકો, સનફાર્મા ૧.૩ ટકા, ટ્રેન્ટ અડધો ટકો, તાતા કન્ઝ્યુમર પોણાબે ટકા, આઇશર ૦.૬ ટકા પ્લસ હતી. નેસ્લે ૧૩૧૧ની નવી ટૉપ બનાવી એક ટકાની આગેકૂચમાં ૧૨૮૯ થઈ છે.
સાધારણ રિઝલ્ટના પગલે વિપ્રો ૫.૧ ટકા તૂટી ૨૪૧ના બંધમાં નિફ્ટી ખાતે સેકન્ડ વર્સ્ટ લૂઝર બની છે. જ્યારે ઇન્ફોસિસ ધારણાથી સારાં પરિણામ છતાં બમણા કામકાજે નીચામાં ૧૪૩૪ થઈ ૨.૧ ટકા બગડી ૧૪૪૧ના બંધમાં બજારને ૯૫ પૉઇન્ટ નડી છે. આવક ૧૮૩ ટકા વધવા છતાં નફામાં ૬૩ ટકા ગાબડાને પગલે એટર્નલ બે ગણા વૉલ્યુમે નીચામાં ૩૩૩ દેખાડીને ૧.૬ ટકા ખરડાઈ સેન્સેક્સમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. HCL ટેક્નો ૧.૮ ટકા, ટેક મહિન્દ્ર ૧.૧ ટકા ડાઉન હતી.
તાતા ઇન્વેસ્ટમેન્ટ સતત ત્રીજા દિવસે ઘટીને બંધ
નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૮૨૬૦ની ઑલટાઇમ હાઈ નોંધાવી નહીંવત્ સુધારામાં ૮૧૨૪ રહ્યો છે. ડેટા પૅટર્ન્સ અઢી ગણા વૉલ્યુમે ઉરપમાં ૨૮૮૯ વટાવી ૨.૭ ટકાની મજબૂતીમાં ૨૮૦૬ હતો. ઍસ્ટ્રામાઇક્રો ૨.૮ ટકા, ભારત ડાયનૅમિક્સ ૨.૪ ટકા, એમટાર ટેક્નૉલૉજીઝ ત્રણ ટકા, ઝેન ટેક્નૉલૉજીઝમાં ૧.૮ ટકા મજબૂત હતી. સામે અવાન્ટેલ ૩.૯ ટકા, તનેજા ઍરો સ્પેસ ૩.૩ ટકા, રસેલ ટેક્સિસ ૩.૪ ટકા ઘટી છે. સેઇલ, જિન્દલ સ્ટીલ, હિન્દુસ્તાન ઝિન્ક, NMDC, તાતા સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો, વેલકૉર્પ જેવી જાતોની એકથી બે ટકાની નબળાઈ પાછળ ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૨૯૮ પૉઇન્ટ કે ૦.૯ ટકા માઇનસ થયો છે. FMCG બેન્ચમાર્ક ૯૫માંથી ૫૫ શૅરની પીછેહઠ વચ્ચે સવા ટકો વધ્યો છે. અત્રે ITC, હિન્દુસ્તાન યુનિલીવર, નેસ્લે, તાતા કન્ઝ્યુમર, બ્રિટાનિયા, મારિકો, રેડિકો ખૈતાન, ગોદરેજ કન્ઝ્યુમર જેવી અગ્રણી જાતો વધીને બંધ થઈ છે. અત્રે બેક્ટર ફૂડ સ્પેશ્યલિટીઝ ૬ ટકા, બૉમ્બેબર્મા ૫.૭ ટકા કે ૧૦૮ રૂપિયા, ઝુઆરી ઇન્ડસ્ટ્રીઝ ૪.૪ ટકા, ચમનલાલ સેટિયા ૪.૩ ટકાની મજબૂતીમાં અત્રે ઝળકી હતી. જૅપનીઝ સુમિટોમો મિત્સુઇ બૅન્કિંગ કૉર્પોરેશન તરફથી યસ બૅન્કમાં ૨૪.૯૯ ટકાના હિસ્સાને વધારવાનો કોઈ ઇરાદો ન હોવાની સાથે બૅન્કમાં કોઈ પણ પ્રકારનો એક્ઝિક્યુટિવ રોલ લેવાની અનિચ્છા દર્શાવાઈ છે એની અસરમાં યસ બૅન્કનો ભાવ વૉલ્યુમ સાથે પોણાચાર ટકા ખરડાઈ ૨૨ થયો છે. એલઆઇસી દ્વારા ૬ નવેમ્બરે પરિણામ જાહેર કરવાની જાણ કરવામાં આવી છે. શૅર ઉપરમાં ૮૯૮ નજીક ગયા બાદ નીચામાં ૮૮૪ થઈ એક ટકો ઘટી ૮૮૫ રહ્યા છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ નરમાઈની હૅટટ્રિકમાં બે ટકા બગડી ૮૯૦ થયો છે. Paytm એક ટકો વધી ૧૨૮૫ હતી. પરિણામ ૪ નવેમ્બરે આવવાનાં છે. આગલા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટ મારનારી ઓલા ઇલેક્ટ્રિક વધુ એક તેજીની સર્કિટમાં ૫૮ નજીક જઈ છેવટે ૩.૭ ટકા વધીને ૫૭ ઉપર રહ્યા છે.
વિક્રમી સોલારનો નફો ૧૬૪૫ ટકા વધ્યો, શૅર બે ટકા ડાઉન
JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આવક ૨૬ ટકા વધી ૧૨૬૬ કરોડ થઈ છે પણ નફો પોણાત્રણ ટકા ઘટી ૩૬૧ કરોડ રહ્યો છે. શૅર પાંચેક ગણા વૉલ્યુમે નીચામાં ૨૯૫ થઈ ૩.૮ ટકા ઘટી ૨૯૭ બંધ હતો. સિએન્ટ લિમિટેડ આવકમાં પોણાપાર ટકા અને નેટ પ્રૉફિટમાં ૨૮.૮ ટકાની ખરાબીના પગલે નીચામાં ૧૧૧૦ થયા બાદ શાર્પ બાઉન્સબૅક દાખવી ૧૧૮૩ વટાવી ગઈ હતી. છેલ્લે ૦.૭ ટકા ઘટી ૧૧૭૨ રહી છે. વિક્રમ સોલારની આવક ૯૩.૭ ટકા વધીને ૧૧૧૦ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૧૬૪૫ ટકા ઊછળી ૧૨૮ કરોડ વટાવી ગયો છે. શૅર પ્રારંભિક સુધારામાં ૩૫૫ નજીક જઈ છેવટે ૨.૧ ટકા ગગડી ૩૩૫ બંધ થયો છે.
સનટેક રિયલ્ટીની આવક ૪૯ ટકા વધી ૨૫૨ કરોડ તથા નફો ૪૧ ટકા વધી ૪૯ કરોડ આવ્યો છે પણ શૅર ૨.૨ ટકાના ઘટાડે ૪૨૭ બંધ રહ્યો છે. PNB ગિલ્ટની આવક ૧૧.૫ ટકા ઘટી છે. કંપની ૧૧૫ કરોડ નજીકના નફામાંથી ૪૫ કરોડ કરતાં વધુની ચોખ્ખી ખોટમાં આવી છે. શૅર ૭.૬ ટકા તૂટી ૯૦ બંધ રહ્યો છે. પંજાબ સિંધ બૅન્કની NPA ઘટી છે, નફો ૨૩ ટકા જેવો વધીને ૨૯૪ કરોડને વટાવી ગયો છે. પરંતુ શૅર દોઢ ટકાના ઘટાડે ૩૦ બંધ આવ્યો છે. વારિ એનર્જીઝનો નેટ પ્રૉફિટ ૧૩૦ ટકાના વધારામાં ૮૭૧ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૩૭૨૦ થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં ૩૫૪૧ બતાવી અઢી ટકા ઘટી ૩૫૩૬ બંધ રહ્યો છે. લાર્સન ફાઇનૅન્સે અગાઉના ૧૬૪ કરોડ સામે આ વેળા ૨૯૪ કરોડ ત્રિમાસિક નેટ પ્રૉફિટ કર્યો છે. ભાવ ૨૭૨ નજીક જઈ છેવટે ૦.૯ ટકા ઘટીને ૨૬૬ હતો. રિલાયન્સની આલોક ઇન્ડસ્ટ્રીઝની ચોખ્ખી ખોટ ૨૬૨ કરોડથી ઘટી ૧૬૨ કરોડ રહી છે. શૅર જોકે સાડાત્રણ ટકાના ઘટાડે ૧૭ બંધ આવ્યો છે.