✕

નિફ્ટી એક્સપાયરીના જાણીતા ખેલમાં બજાર ૧૧૦૯ પૉઇન્ટ ઉપર ખેંચાયું

14 October, 2026 11:17 AM IST  |  Mumbai | Anil Patel

મજેદાર પરિણામ છતાં RBL બૅન્ક સાડાસાત ટકા ડૂલ, બંધન બૅન્કમાં અબુ ધાબીનો કરન્ટ

પ્રતીકાત્મક તસવીર

સેન્સેક્સ નિફ્ટીના દોઢ ટકા સામે IT ઇન્ડેક્સ પાંચેક ટકા ઊછળ્યો, ૬૩ મૂન્સ સાડાનવ ટકાની તેજીમાં મોખરે ઃ રિલાયન્સ અને હિન્દુસ્તાન યુનિલીવર નવી મલ્ટિયર બૉટમ બતાવી સુધારે બંધ, મારુતિ તથા મૅક્સ હેલ્થકૅર નવા તળિયે જઈને નરમ ઃ જિયો પ્લૅટફૉર્મમાં પ્રીમિયમ વધતું રહીને ૨૦૧ બોલાયુંઃ મુંબઈની એચ.ડી. ફાયરનો ૭૧૨ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ પ્રથમ દિવસે જ સાડાચાર ગણો છલકાઈ ગયો ઃ મજેદાર પરિણામ છતાં RBL બૅન્ક સાડાસાત ટકા ડૂલ, બંધન બૅન્કમાં અબુ ધાબીનો કરન્ટ

છેલ્લા બે મહિનાથી ભારતના GDP ગ્રોથને લઈ દેશી-વિદેશી સંસ્થાઓમાં અપગ્રેડેશનની હરીફાઈ જામી છે. એશિયન ડેવલપમેન્ટ બૅન્ક, વિશ્વ બૅન્ક, રિઝર્વ બૅન્ક, OECD, મૂડીઝ, સ્ટાન્ડર્ડ પુઅર્સ ગ્લોબલ, ફીચ રેટિંગ્સ પછી હવે IMF કે આંતરરાષ્ટ્રિય નાણાભંડોળ પણ આ રેસમાં સામેલ થયું છે. એણે ચાલુ વર્ષ માટે ૬.૪ ટકાના આર્થિક વિકાસદરના અંદાજને અપગ્રેડ કરીને હવે ૭ ટકાનો કર્યો છે અને સૌથી મોટી વિડંબના એ છે કે આર્થિક વિકાસના આવા ફુલગુલાબી માહોલનો જયઘોષ ચાલુ છે છતાં FII એકધારી વેચવાલ છે. ચાલુ વર્ષે અત્યાર સુધીના ગાળામાં જ FIIએ આશરે ૩.૭ લાખ કરોડની નેટ વેચવાલી બજારમાં કરી છે. ગત સમગ્ર વર્ષનો આંકડો ૧.૬૬ લાખ કરોડ હતો એનાથી આ ફીગર બમણા કરતાંય મોટો છે અને હજી વર્ષ પૂરું થયું નથી. અર્થતંત્રની હાલત ખરેખર કહેવાય છે એટલી સધ્ધર હોય તો પછી FII શા માટે આવી જંગી રોકડી કરી રહી છે? ઍની વે, ગઈ કાલે સેન્સેક્સ આગલા બંધથી ૨૭ પૉઇન્ટ જેવા પરચૂરણ સુધારામાં ૭૧,૯૫૨ ખૂલી છેવટે ૧૧૦૯ પૉઇન્ટના જમ્પમાં ૭૩,૦૩૪ તથા નિફ્ટી ૩૫૯ પૉઇન્ટ જેવો ઊછળી ૨૨,૭૨૨ નજીક બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ સેન્સેક્સ નીચામાં ૭૧,૭૦૩ થયો હતો અને ત્યાંથી સતત વધતો રહી ઉપરમાં ૭૩,૦૪૫ વટાવી ગયો હતો, કસીનો સેશનના આરંભ પૂર્વે સેન્સેક્સ ૭૨,૯૮૮ અને નિફ્ટી ૨૨,૭૦૨ હતો. વિશ્વ બજારમાં ક્રૂડ ૧૦૫ ડૉલર નજીક છે. એશિયા ખાતે મોટા ભાગનાં અગ્રણી બજાર ઘટ્યાં છે. સાઉથ કોરિયા પોણાછ ટકા, જપાન અને તાઇવાન બે-બે ટકા ડૂલ થયાં હતાં. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા જેવું પ્લસ હતું. ડૉલર સામે રૂપિયો રિઝર્વ બૅન્કના થર્ડ બૂસ્ટર ડોઝમાં બીજા દિવસે ૫૧ પૈસા વધી રનિંગમાં ૯૫.૨૮ હતો. આમાંથી કોઈ પણ પરિબળ એવું નથી કે જેથી કરીને બજાર આટલું વધે. હકીકતમાં નિફ્ટી વીકલી એક્સપાયરીનો ખેલ અહીં કામ કરી ગયો છે. બજાર ઘટવા માટે વધ્યું છે. સારી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૧૨૮ શૅર સામે ૧૪૧૮ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪.૫૮ લાખ કરોડ વધી ૪૭૦.૦૩ લાખ કરોડ થયું છે. 
સેન્સેક્સ નિફ્ટીની દોઢ ટકા પ્લસની મજબૂતી સામે ગઈ કાલે IT ઇન્ડેક્સ ૧૩૪૦ પૉઇન્ટ કે પાંચેક ટકા ઊછળ્યો છે. HCL ટેક્નૉલૉઝિસ સવાઆઠ ટકા, TCS સાડાછ ટકા, ટેક મહિન્દ્ર ૪.૯ ટકા અને ઇન્ફોસિસ સાડાચાર ટકા વધતાં બજારને કુલ ૩૮૩ પૉઇન્ટ લાભ થયો છે. હિન્દુસ્તાન યુનિલીવર ૧૮૧૫ના નવા મલ્ટિયર તળિયે જઈ ત્રણેક ટકા ઊંચકાઈને ૧૮૭૫ વટાવી ગઈ છે. રિલાયન્સ ૧૧૫૩ની નવી ઐતિહાસિક બૉટમ દેખાડી ૦.૭ ટકા સુધરી ૧૧૬૭ હતી. વિપ્રો સાડાચાર ટકા, શ્રીરામ ફાઇનૅન્સ સવાછ ટકા, બજાજ ઑટો પોણાત્રણ ટકા, બજાજ ફાઇનૅન્સ સવાછ ટકા, બજાજ ઑટો પોણાત્રણ ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૩ ટકા, ટ્રેન્ટ ૨.૬ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ અઢી ટકા, હિન્દાલ્કો સવાબે ટકા, બજાજ ફીનસર્વ ૨.૪ ટકા મજબૂત હતી. મારુતિ સુઝુકી ૧૧,૧૨૬ની નવી વર્ષની બૉટમ બનાવી અડધો ટકો ઘટી ૧૧,૨૫૫ થઈ છે મૅક્સ હેલ્થકૅર ૮૪૨નો નવો નીચો ભાવ બતાવી અડધો ટકો ઘટી ૮૬૧ હતી. BSE ખાતે પાવર ગ્રિડ ૨૪૫ની વર્ષની બૉટમ દેખાડી અડધો ટકો સુધરી ૨૫૦ હતી. NSE ખાતે નિફ્ટી IT સવાપાંચ ટકા વધ્યો છે. HDFC બૅન્ક ૧.૪ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૬ ટકા, ICICI બૅન્ક ૧.૧ ટકા અને ઍક્સિસ બૅન્ક એક ટકો વધી બજારને કુલ ૩૦૩ પૉઇન્ટ ફળી છે. જિયો ફાઇનૅન્શિયલ સવાબે ટકા વધીને ૨૧૮ નજીક ગઈ છે. 

ગાઇડન્સિસનો કરન્ટ જાળવી રાખતાં ૬૩ મૂન્સ સાડાનવ ટકા ઊંચકાઈ
આગલા દિવસે સવાસાત ટકા લિસ્ટિંગ લૉસમાં ૭૬ બંધ થયેલી આર.કે. ફૅશન ગઈ કાલે ૭૨ના નવા તળિયે જઈ પાંચ ટકા તૂટી ત્યાં જ બંધ થઈ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય શૅરમાં એકમે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ ૪.૪ ટકા ગગડી ૨૨૭, પેરામાઉન્ટ સિન્ટેક્સ ૯૯ નીચે વર્સ્ટ લેવલ દેખાડી પાંચ ટકા તૂટી ત્યાં જ, TNA સૉલ્યુશન્સ ૫૩.૫૫ના નવા તળિયે જઈ પાંચ ટકા ગગડી ત્યાં જ, વિશાલ નિર્મિતિ ૧૭૫નો નવો નીચો ભાવ બતાવી પાંચ ટકા બગડી ત્યાં જ, નિત્યાસ જેમ્સ ૭૨ના વર્સ્ટ લેવલે જઈ ૩.૬ ટકા વધી ૭૯, શ્રીત ઇન્ડિયા ૧૨૦ની નવી બૉટમ બનાવી પાંચ ટકા લથડી ૧૨૦, શાહ ઇન્વેસ્ટર્સ હોમ ૧૩૬નું નવું તળિયું બતાવી પાંચ ટકા ખરડાઈ ત્યાં જ, રુણવાલ એન્ટરપ્રાઇઝિસ પોણાબે ટકા ઘટી ૨૬૯, સ્નૅપડીલ વાળી એઇસવેક્ટોર ૪.૩ ટકા બગડી ૨૮ નજીક બંધ રહી છે. 
ઓલા ઇલેક્ટ્રિક ૨૫ શૅરદીઠ બે શૅરના પ્રમાણમાં શૅરદીઠ ૨૭ના ભાવે ૧૦૦૦ કરોડના રાઇટ ઇશ્યુમાં ગઈ કાલે એક્સ રાઇટ થતાં નીચામાં ૩૪ થઈ ૩૫ના લેવલે ફ્લેટ બંધ આવી છે. મુંબઈના ઘાટકોપર-વેસ્ટની વન ક્લીક લૉજિસ્ટિક્સ ૧૫મીએ બે શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થશે. શૅર ગઈ કાલે ઉપર ૪૭૧ થઈ અડધો ટકો સુધરી ૪૫૭ રહી છે. અગાઉ ઇન્ફીબીમ તરીકે ઓળખાતી ગુજરાતના ગાંધીનગરની અવેન્યુ AI લિમિટેડ રિવર્સ સ્પ્લિટમાં એકના શૅરના ૧૦ના શૅરમાં ફેરવાઈ છે. રિવર્સ સ્પ્લિટના પગલે ટ્રેડિંગ ગઈ કાલથી સસ્પેન્ડ કરાયું છે. શૅર એક્સ રિવર્સ સ્પ્લિટની પૂર્વસંધ્યાએ સોમવારે ૭.૪ ટકા ગગડી ૧૩.૮૧ બંધ રહ્યો હતો. અમદાવાદી સમોર રિયલ્ટી ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં ૧૫મીએ એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ૧૨૧ની ૨૫ માસની નવી ટૉપ બનાવી ૧૦ ટકા ઊછળી ત્યાં જ ગઈ કાલે બંધ થયો છે. 
પરિણામનો વસવસો જાળવી રાખતાં ડી-માર્ટ ફેમ અવેન્યુ સુપર માર્ટ્સ ગઈ કાલે ૩૩૪૮નું ૪૩ માસનું નવું બૉટમ બતાવી અડધો ટકો સુધરી ૩૩૮૦ થઈ છે. સબસિડિયરીના રેવન્યુ ગાઇડન્સિસમાં તગડા વધારાના પગલે આગલા દિવસે સાડાસાત ટકા ઊછળેલી ૬૩ મૂન્સ ટેક્નૉલૉઝિસ વળતા દિવસે ૯.૪ ટકા ઊંચકાઈ ૯૦૧ રહી છે. રિઝલ્ટના જોરમાં સોમવારે ૯૯ ગણા વૉલ્યુમ સાથે પોણાનવ ટકા કે ૩૦૨ રૂપિયાનો જમ્પ મારનારી સ્વરાજ એન્જિન્સ ગઈ કાલે નીચામાં ૩૬૨૧ થઈ અઢી ટકા ઘટી ૩૬૪૭ હતી. ત્રિમાસિક નફામાં ૪૦૬ ટકાના વધારા છતાં આગલા દિવસે અડધો ટકો ઘટી ૪૪૮ બંધ થયેલી પુનાવાલા ફીનકૉર્પ ગઈ કાલે નીચામાં ૪૩૪ દેખાડી બે ટકા ઘટી ૪૩૯ રહી છે. 

માથે પરિણામ વચ્ચે અમલ લિમિટેડ ૯ ગણા વૉલ્યુમે નવા શિખરે 

ખાનગી ક્ષેત્રની RBL બૅન્ક દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૭.૪ ટકા વધારામાં ૨૧૩૧ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૧૬૯ ટકા વૃદ્ધિદરથી ૪૮૨ કરોડ નજીકનો નેટ નફો દર્શાવાયો છે. આમ છતાં શૅર ૯ ગણા કામકાજે નીચામાં ૩૮૧ થઈ ૭.૬ ટકા તૂટી ૩૮૮ બંધ આવ્યો છે. કેન્દ્ર સરકારે વ્યાપક વિરોધને ધ્યાનમાં રાખી તહેવારોનું કારણ આગળ ધરી UPI ટ્રાન્ઝૅક્શન પર ચાર્જિસ વસૂલ કરવાના નિર્ણયનો અમલ પાછો ઠેલ્યો છે, હવે દિવાળી પછી અમલ કરવાની વાત છે. આના પગલે ગઈ કાલે Paytm ૩ ગણા કામકાજે નીચામાં ૧૫૭૦ થઈ ૧.૭ ટકા વધી ૧૭૧૪, પાઇન લૅબ્સ ૧૫૪ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી દોઢ ટકો વધી ૧૬૫, મનીપાલ પૅમેન્ટ નીચે ૩૪૧ થઈ ૧.૭ ટકા વધી ૩૬૧ તો વન મોબીક્વીક નીચામાં ૨૩૦ થયા બાદ દોઢ ટકો વધી ૨૪૪ બંધ થઈ છે. બંધન બૅન્કમાં અબુ ધાબીની IHC પ્રમોટર્સનો ૨૫થી ૩૨ ટકા સુધીનો હિસ્સો હસ્તગત કરવા રસ ધરાવી રહી હોવાના અહેવાલ છે. એના પગલે બંધન બૅન્કનો ભાવ સવાત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૧૭૩ થઈ સવાનવ ટકા ઊંચકાઈ ૧૭૨ થયો છે.

મુંબઈના દાદર-વેસ્ટ ખાતેની કેમિકલ કંપની અમલ લિમિટેડના પરિણામ ૧૬મીએ છે ત્યારે શૅર ગઈ કાલે આઠ ગણા વૉલ્યુમે ૧૦૮૩ નજીકના શિખરે જઈને ૧.૮ ટકા વધી ૯૩૪ બંધ આવી છે. ૪ દિવસમાં ૧૬ ટકા વધી ગયા પછી હેવી પ્રૉફિટ બુકિંગમાં પી.સી. જ્વેલર્સ નીચામાં ૧૪ની અંદર જઈ ૬ ટકા ઝંખવાઈ ૧૪ થયો છે. સામે TBZ લિમિટેડ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૫૭ વટાવી ત્યાં જ બંધ રહી છે. કલ્પતરુ પ્રોજેક્ટસને કુલ ૨૨૨૫ કરોડના બે નવા ઑર્ડર મળ્યા છે. શૅર ઉપરમાં ૧૪૪૩ થઈ નજીવો સુધરીને ૧૪૨૦ થયો છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કોલ્ટેપાટિલ ડેવલપર્સનું સેલ્સ બુકિંગ ૫૨ ટકા વધી ૧૦૧૯ કરોડ થયું છે. શૅર દોઢા કામકાજે ઉપરમાં ૪૪૫ બતાવી અડધો ટકો વધીને ૪૨૮ હતો. સ્વાન ડિફેન્સ દ્વારા અગાઉની ૫૫ લાખની નેટ લૉસ સામે આ વખતે ૫૬૬ કરોડનો નેટ નફો બનાવાયો છે. શૅર ૨૯૯૦ની ટોચે જઈ ત્રણ ટકા વધી ૨૯૬૦ થયો છે. 
ક્વીક-કૉમર્સ કંપનીઓ ઉપર નવા અંકુશ લાદી તેમને જવાબદેહ બનાવવા FASSAL સક્રિય બની છે. એની અસરમાં સ્વિગી ગઈ કાલે ૨૨૯ના ઑલટાઇમ તળિયે જઈ એક ટકો સુધરી ૨૩૩ બંધ થઈ છે. ઇન્ડિયા ગ્લાયકૉલ ઉપર ૩૬૪ થઈ ૧૧ ગણા કામકાજે ૧૦ ટકાની તેજીમાં ૩૫૨ બંધ આવી છે. PNC ઇન્ફ્રાટેક ૧૮ ગણા કામકાજે ૧૬૦ થયા બાદ ૯.૪ ટકાની મજબૂતીમાં ૧૫૧ હતી. 

business news nifty sensex share market stock market