28 April, 2026 09:29 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ટ્રમ્પની ડાગળી રાબેતા મુજબ ચસકી જતાં વીક-એન્ડમાં ઇસ્લામાબાદ ખાતે મંત્રણા માટે નિયત બેઠક થઈ શકી નથી. અમેરિકન ડેલિગેશનને અડધે રસ્તેથી ટ્રમ્પે પાછું બોલાવી લીધું છે. શાંતિની વાતો સાથે આ રંગઢંગ જરાય મેળ ખાતા નથી. ઈરાન હોર્મુઝ ખાડી ઠપ કરીને બેસી ગયું છે. મધ્ય પૂર્વનું કોકડું ઊકલવાને બદલે વધુ ગૂંચવાતું જાય છે. બ્રેન્ટ ક્રૂડ ૧૦૮ ડૉલર વટાવી ચૂક્યું છે. મોટા ભાગનાં એશિયન શૅરબજાર સોમવારે સુધર્યાં છે. જૅપનીઝ નિક્કી ૬૦,૯૦૯ના શિખરે જઈ સવા ટકો વધીને ૬૦,૪૩૦, તાઇવાન ૪૦,૧૯૫ની વિક્રમી સપાટી નોંધાવીને પોણાબે ટકા ઊંચકાઈ ૩૯,૬૧૭, સાઉથ કોિરયા ૬૬૫૭ની ટૉપ હાંસલ કરી ૨.૨ ટકાની આગેકૂચમાં ૬૬૧૫ બંધ થયું છે. થાઇલૅન્ડ નહીંવતથી સાધારણ નરમ હતું. યુરોપ બહુધા અડધા ટકા આસપાસ રનિંગમાં ઉપર ચાલતું હતું. બિટકૉઇન એકાદ ટકો ઘટીને ૭૭૯૦૪ ડૉલર હતો.
ઘરઆંગણે સેન્સેક્સ ૧૯૨ પૉઇન્ટ ઉપર ૭૬,૮૫૬ ખૂલી ૬૩૯ પૉઇન્ટ સુધરીને ૭૭,૩૦૩ ઉપર તથા નિફ્ટી ૧૯૫ પૉઇન્ટ વધીને ૨૪,૦૯૩ નજીક બંધ થયો છે. શૅરઆંક નીચે ૭૬,૭૫૪ અને ઉપરમાં ૭૭,૪૨૦ થયો હતો. મજબૂત માર્કેટ-બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૫૫૦ શૅર સામે ૮૦૧ શૅર નરમ હતા. સેન્સેક્સ નિફ્ટીના પોણા ટકાના સુધારા સામે હેલ્થકૅર ઇન્ડેક્સ અઢી ટકા નજીક, આઇટી ઇન્ડેક્સ સવાબે ટકા નજીક, ઑટો દોઢ ટકો, યુટિલિટીઝ દોઢ ટકો, પાવર બે ટકા, ઑઇલ-ગૅસ દોઢ ટકા નજીક, ટેલિકૉમ ૧.૪ ટકા, એનર્જી ૧.૪ ટકા વધ્યા છે. મેટલ ઇન્ડેક્સ ૪૨,૭૧૪ બંધ થયો છે. નિફ્ટી મેટલ પણ લાઇફ ટાઇમ ટોચે ગયો છે.
સેન્સેક્સમાં ઍક્સિસ બૅન્ક ૩ ટકા તથા નિફ્ટીમાં શ્રીરામ ફાઇનૅન્સ સાડાત્રણ ટકા ગગડીને ટૉપ લૂઝર બની છે. ભારત ઇલેક્ટ્રિક બે ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૨ ટકા, ટ્રેન્ટ એક ટકા નજીક તો ICICI બૅન્ક પોણા ટકા જેવી માઇનસ હતી. સનફાર્મા બન્ને બજારમાં ૭ ટકા પ્લસની તેજીમાં ઝળકી છે. માર્જિનમાં નરમાઈ છતાં રિલાયન્સ રેવન્યુ ગ્રોથની થીમમાં ૨.૯ ટકા વધી બજારને સર્વાધિક ૨૧૯ પૉઇન્ટ ફળી છે. અદાણી પોર્ટ્સ ઑલટાઇમ હાઈ બનાવી પોણાત્રણ ટકા, મહિન્દ્ર સવાબે ટકા, NTPC ૨.૧ ટકા, તાતા સ્ટીલ પોણાબે ટકા નજીક, મારુતિ ૧.૪ ટકા, SBI લાઇફ અઢી ટકા, JSW સ્ટીલ નવા શિખર સાથે સવાબે ટકા નજીક, ગ્રાસિમ ૧.૪ ટકા પ્લસ હતી. ITમાં ટેક મહિન્દ્ર અઢી ટકા, HCL ટેક્નો ૨.૧ ટકા, TCS બે ટકા, ઇન્ફોસિસ ૧.૩ ટકા, વિપ્રો ૨.૯ ટકા ઊંચકાઈ છે. કોટક બૅન્ક દોઢ ટકો, સ્ટેટ બૅન્ક એક ટકો, HDFC બૅન્ક અડધા ટકા જેવી પ્લસ થઈ છે.
તાન્લા પ્લૅટફૉર્મ તથા કોહેન્સ લાઇફ સાયન્સ ૨૦-૨૦ ટકાના ઉછાળે બે-ગ્રુપમાં ટૉપ ગેઇનર બની છે. ઇપેક ડ્યુરેબલ્સ પોણાસોળ ટકા, બ્લુજેટ હેલ્થકૅર ૧૦ ટકા તથા સુપ્રિયા લાઇફ પોણાદસ ટકા વધી છે. MRPL નબળા રિઝલ્ટ સાથે ડિવિડન્ડ ટાળવામાં આવતાં સાડાસાત ટકા તૂટીને ૧૭૨ના બંધમાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. સુપ્રીમ પેટ્રો સાડાપાંચ ટકા ડૂલ થઈ છે.
સનફાર્મા તરફથી અમેરિકાથી ફાર્મા કંપની ઑર્ગોનનને ૧૧૭૫ કરોડ ડૉલરમાં ટેકઓવર કરવાના કરાર થઈ ગયા છે. ભારતીય કંપની તરફથી અત્યાર સુધીનું આ સૌથી મોટું વિદેશી ટેકઓવર છે. સમગ્ર ડીલ ૨૦૨૭ના આરંભમાં પરિપૂર્ણ થવા સંભવ છે. આ ડીલ અમલી બનતાં સનફાર્માની વાર્ષિક આવક ૧૨૪૦ કરોડ ડૉલર તથા ગ્રોસ નફો ૩૭૦ કરોડ ડૉલર થવાની ધારણા છે. ઑર્ગોનન બાયોસિમિલર્સ બિઝનેસમાં ઝડપથી નિકાસ કરી રહી છે. આ કંપની ૧૪૦ દેશોમાં ૫૦થી વધુ બ્રૅન્ડ્સ સાથે કૉન્ટ્રાસેપ્ટિવ તથા ફર્ટિલિટી સંબંધી દવાઓની બજારમાં અગ્રણી ખેલાડી ગણાય છે.
શૅર ગઈ કાલે સાત ગણા કામકાજે ૧૭૬૭ નજીક જઈ ૭ ટકા કે ૧૧૪ રૂપિયાની તેજીમાં ૧૭૩૪ બંધ આપી સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બની બજારને ૧૦૪ પૉઇન્ટ ફળી છે. ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ અઢી ટકા કે ૧૦૬૦ પૉઇન્ટ ઊછળ્યો હતો. એમાં સનફાર્માનો ફાળો ૩૯૧ પૉઇન્ટ હતો. અગાઉ સુવેન ફાર્મા તરીકે જાણીતી કોહેન્સ લાઇફ સાયન્સમાં સિપ્લાના એક્સ-CEO ઉમંગ વોહરાની ચૅરમૅન તથા CEO તરીકે નિમણૂક થયાના અહેવાલે શૅર ભળતી તેજીમાં ૨૦ ટકા ઊછળી ૪૩૩ થઈ ત્યાં જ રહ્યો છે. સિપ્લા દોઢ ટકો તથા ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૪ ટકા પ્લસ હતી. હેસ્ટર બાયો ૧૧.૫ ટકા ઍડ્વાન્સ્ડ એન્ઝીમ ૧૧ ટકા, સુપ્રિયા લાઇફ ૯.૭ ટકા, સ્પાર્ક ૪.૮ ટકા, સુવેન લાઇફ સાયન્સ પાંચ ટકા વધી હતી.
ગરમીનો પારો દેશમાં માઝા મૂકી રહ્યો છે. એની આડઅસરમાં પાવર તથા યુટિલિટીઝ તેમ જ AC કંપનીઓના શૅર ડિમાન્ડમાં હતા. સુઝલૉન ૫.૬ ટકા, JSW એનર્જી ૫.૩ ટકા, ટૉરન્ટ પાવર ૪.૩ ટકા, તાતા પાવર ચાર ટકા, થર્મેસ ચાર ટકા, રિલાયન્સ પાવર સાડાત્રણ ટકા, ભેલ ૩.૪ ટકા, NTPC ૭.૮ ટકા PTC ઇન્ડિયા સવાછ ટકા, CESC ૪.૬ ટકા મજબૂત હતી. AC કંપની વૉલ્ટાસ ૩.૬ ટકા, બ્લુસ્ટાર ૫.૬ ટકા, અંબર એન્ટરપ્રાઇઝિસ ૪.૬ ટકા, એલજી ઇલેક્ટ્રિક ૧.૮ ટકા, હેવેલ્સ ત્રણ ટકા, ડિક્સન ટેકનો ચાર ટકા ઊંચકાઈ છે.
DCB બૅન્ક તરફથી આઠ ટકા વધારામાં ૨૧૧૯ કરોડની કુલ આવક પર ૧૬ ટકા વધારામાં ૨૦૬ કરોટ નેટ નફો માર્ચ ક્વૉર્ટરમાં દર્શાવાયો છે. શૅર ૨૦૬ની ટૉપ બતાવીને ૧.૧ ટકા ઘટી ૧૯૦ હતો. ઍક્સિસ બૅન્કે પોણાપાંચ ટકાના વધારામાં ૧૪,૪૫૭ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પર અડધા ટકાના ઘટાડામાં ૭૦૭૧ કરોડ નેટ નફો કર્યો છે. ધારણા ૧૪,૭૨૭ કરોડની આવક તથા ૬૯૫૮ કરોડના નેટ પ્રૉફિટની હતી. શૅર નીચામાં ૧૩૦૧ થઈ ત્રણ ટકા ગગડીને ૧૩૨૪ રહ્યો છે. RBL બૅન્ક દ્વારા ૭ ટકાના વધારામાં ૧૬૭૧ કરોડ નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પર ૨૩૪ ટકા વૃદ્ધિદરથી ૨૭૦ કરોડનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ હાંસલ થયો છે. શૅર ગઈ કાલે નીચે ૩૦૬ થઈ ૨.૮ ટકા ઘટીને ૩૧૩ હતો. યુકો બૅન્કે ત્રણ ટકાના ઘટાડામાં ૨૬૧૪ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પર ૨૨.૮ ટકા વૃદ્ધિદરથી ૮૦૧ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપર ૨૭ થઈ ૦.૪ ટકા સુધરી ૨૬.૬૦ હતો. IDFC ફર્સ્ટ બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ માર્ચ ક્વૉર્ટરમાં પોણાસોળ ટકા વધીને ૫૬૭૭ કરોડ તથા નેટ નફો ૪.૯ ટકા વધી ૩૧૯ કરોડ થયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૭૦.૫૧ થઈ સાડાચાર ટકા ઊછળીને ૭૦ રહ્યા છે.
લાર્સન ફાઇનૅન્સે ૧૮.૬ ટકા વધારામાં ૪૭૭૧ કરોડ આવક પર ૨૭ ટકાના વધારામાં ૮૦૭ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપર ૩૦૧ થઈ પોણો ટકો ઘટી ૨૮૮ હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક દ્વારા ૬૨ ટકા વધારામાં માર્ચ ક્વૉર્ટરમાં ૬૦૮૫ કરોડની આવક તથા અગાઉની ૨૩૨૯ કરોડની નેટલૉસ સામે આ વેળા ૫૯૪ કરોડ નેટ નફો હાંસલ થયો છે. શૅર ઉપરમાં ૯૦૩ બતાવી ૬ ટકા વધી ૯૦૦ હતો. લોઢા ડેવલપર્સે માર્ચ ક્વૉર્ટરમાં ૯.૫ ટકા વધારામાં ૪૮૪૦ કરોડ આવક તથા સવાનવ ટકા વધારામાં ૧૦૦૮ કરોડ નફો કર્યો છે. શૅર ગઈ કાલે સાડાચાર ટકા વધી ૮૮૦ બંધ થયો છે.
રિઝર્વ બૅન્ક તરફથી નિયત ધારાધોરણના સતત ભંગ અને કામકાજમાં બેદરકારી બદલ પેટીએમ પેમેન્ટ બૅન્કનું લાઇસન્સ રદ થયું છે. આને પગલે હવે એનું વાઇન્ડિંગઅપ થશે. વન૯૭ કમ્યુનિકેશન તથા વિજય શર્મા તરફથી ૨૦૧૭માં સ્થાપવામાં આવેલી પેટીએમ પેમેન્ટ બૅન્ક છેલ્લાં કેટલાંક વર્ષોથી KYCમાં અનિયમિતતા, નાણાકીય ગેરરીતિ તેમ જ નિયમોના સતત ઉલ્લંઘન બદલ રિઝર્વ બૅન્કની કડકાઈનો શિકાર બનતી રહી છે. માર્ચ ૨૦૨૨માં રિઝર્વ બૅન્કે એને નવા ગ્રાહક બનાવવાની મનાઈ ફરમાવી હતી. ત્યાર પછી માર્ચ ૨૦૨૪માં નવી થાપણ મેળવવા નવાં ક્રેડિટ ટ્રાન્ઝૅક્શન કરવા, વૉલેટ, ફાસ્ટૅગ તથા NCMC કાર્ડ્સ ઇશ્યુ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે બૅન્કનું લાઇસન્સ જ રદ કરી દેવામાં આવ્યું છે. ૨૦૨૪-’૨૫ના વાર્ષિક અહેવાલ પ્રમાણે પેટીએમ પેમેન્ટ બૅન્ક ૧૦ કરોડથી વધુ ગ્રાહકો સાથે ૩ કરોડથી વધુ બૅન્ક-અકાઉન્ટ તથા ૩૦ કરોડ વૉલેટ યુઝર્સ ધરાવે છે. એણે અત્યાર સુધીમાં ૮૦ લાખ ફાસ્ટૅગ ઇશ્યુ કર્યા છે, જે ચલણમાં છે. રિઝર્વ બૅન્કના નવા પગલાની અસરમાં પેટીએમનો શૅર ગઈ કાલે ૧૭ ગણા વૉલ્યુમે નીચે ૧૦૫૧ થઈ દોઢ ટકા ઘટીને ૧૧૩૦ બંધ થયો છે.
સૂચિત કૉલ એક્સચેન્જમાં સેબી તરફથી MCX તથા NSEની ૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના સેબીએ મંજૂર કરી છે. BSE લિમિટેડ તરફથી કૉલ એક્સચેન્જમાં સામેલ થવાની કોઈ દરખાસ્ત સેબીને થઈ નથી. BSE તરફથી કૉલ એક્સચેન્જમાં રોકાણ કરવાને બદલે કૅશ માર્કેટ તથા ડેરિવેટિવ્સ કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી થયું છે. ગઈ કાલે BSE લિમિટેડ અઢી ટકા વધીને ૩૫૩૪ થઈ છે. MCX અઢી ટકા વધી ૨૮૩૦ થઈ છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ પણ અઢી ટકા વધીને ૧૨૬ હતી. CDSL પોણો ટકો પ્લસ તો NSDL ૮૮૬ના લેવલે ફ્લૅટ હતી.
માર્કેટ-લીડર રિલાયન્સે માર્ચ ક્વૉર્ટરમાં વિશ્વબજારમાં ક્રૂડના ભાવ વધારાના પગલે સ્ટ્રૉન્ગ રેવન્યુ ગ્રોથ દર્શાવ્યા છે. કોન્સોલિડેટેડ ધોરણે કુલ આવક ૧૨.૯ ટકા વધીને સવાત્રણ લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. જોકે નેટ નફો ૮.૯ ટકા ગગડીને ૨૦,૫૮૯ કરોડ નોંધાયો છે. ઑપરેટિંગ માર્જિન ૨.૪ ટકા ઘટીને ૧૫ ટકાના છેલ્લાં ૧૪ ક્વૉર્ટરના તળિયે પહોંચ્યું છે. કંપનીએ શૅરદીઠ ૬ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. ૨૦૨૫-’૨૬ના સમગ્ર વર્ષમાં કંપનીની કુલ કૉન્સોલિડેટેડ આવક ૯.૮ ટકા વધીને ૧૨.૭૬ લાખ કરોડ નજીક પહોંચી છે. નફો પોણાઅઢાર ટકા વધીને ૯૫,૭૫૪ કરોડ થયો છે. કંપનીનું કુલ દેવું ૩.૪૭ લાખ કરોડથી વધીને પોણાચાર લાખ કરોડ પર આવી ગયું છે. પરિણામ બાદ મૅક્વાયર તરફથી શૅરમાં ૧૫૭૦ રૂપિયા સિસ્ટમેટિક્સે ૧૭૦૦ રૂપિયા તથા મૉર્ગન સ્ટૅનલીએ ૧૮૦૩ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ જાળવી રાખ્યું છે. કંપની એની જિયો ટેલિકૉમ કે જિયો ડિજિટલનો મેગા ઇશ્યુ ટૂંકમાં લાવવા ધારે છે. પરિણામ પૂર્વે એકાદ ટકો ઘટીને ૧૩૩૧. NSEમાં સવા ટકો ઘટીને ૧૩૨૮ બંધ રહેલી રિલાયન્સ ગઈ કાલે ૧૩૨૭ ખૂલી નીચામાં ૧૩૧૨ થઈ છેવટે ૨.૯ ટકા વધીને ૧૩૬૬ બંધ થઈ છે. જિયો ફાઇનૅન્શિયલ ૩.૩ ટકા વધીને ૨૫૪ રહી છે.
અદાણી ગ્રુપમાં અદાણી પોર્ટ્સનાં રિઝલ્ટ ૩૦મીએ છે. શૅર ૧૬૪૯ વટાવી નવી ઑલટાઇમ હાઈ બનાવી ૨.૭ ટકા વધીને ૧૬૨૯ તથા અદાણી એન્ટરપ્રાઇઝિસ દોઢ ટકો વધીને ૨૩૨૦ રહી છે. એનાં રિઝલ્ટ પણ ૩૦મીએ છે. અદાણી પાવર ૨૨૨ની નવી લાઇફટાઇમ હાઈ દેખાડી ૨.૪ ટકા વધીને ૨૧૮, અદાણી એનર્જી ૧૪૫૩ની મલ્ટિયર ટૉપ બનાવી ૧.૭ ટકા વધી ૧૪૩૭, તો અદાણી ગ્રીન ૧૨૫૭ના શિખરે જઈ સાધારણ ઘટીને ૧૨૩૦ હતી.