04 November, 2025 08:52 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
નવું સપ્તાહ ૪ દિવસના કામકાજનું છે. બજાર બુધવારે રજામાં છે. બે દિવસની કમજોરીમાં ૮૩,૮૩૫ ખૂલી છેવટે ૪૦ પૉઇન્ટના નહીંવત્ સુધારે ૮૩,૯૭૮ તથા નિફ્ટી ૪૧ પૉઇન્ટ વધી ૨૫,૭૬૩ સોમવારે બંધ થયો છે. ઢીલા ઓપનિંગ બાદ શૅરઆંક નીચામાં ૮૩,૬૦૯ બતાવી ઝડપથી આગલા લેવલે આવી ત્યાંથી આખો દિવસ સપાટ ચાલ દાખવી ઉપરમાં ૮૪,૧૨૭ થયો હતો. મેઇન બેન્ચમાર્કની સપાટ ચાલ વચ્ચે સ્મૉલકૅપ મિડકૅપ અડધો-પોણો ટકો વધ્યું છે. બન્ને બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ પ્લસ હતાં. ફિનિક્સ મિલ્સ, લોઢા ડેવલપર્સ, DLFની પોણાત્રણથી સાડાચાર ટકાની મજબૂતી સાથે તમામ ૧૦ શૅરના સથવારે રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૩ ટકા ઊંચકાયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના સહારે ૮૩૭૪ની નવી ઑલટાઇમ હાઈ નોંધાવી ૧.૯ ટકાની આગેકૂચમાં ૮૩૪૧ થયો છે. બૅન્ક નિફ્ટી અડધો ટકો કે ૩૨૫ પૉઇન્ટ અપ હતો. બૅન્કિંગના ૪૧માંથી ૩૩ શૅર વધ્યા છે. ઇક્વિટાસ બૅન્ક ૬.૭ ટકા, કરુર વૈશ્ય બૅન્ક ૩.૩ ટકા, બૅન્ક ઑફ બરોડા ૪.૬ ટકા, જનાસ્મૉલ બૅન્ક ૨.૮ ટકા, સિટી યુનિયન ૨.૮ ટકા વધીને મોખરે હતી. સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, ફેડરલ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક, PNB, RBL બૅન્ક જેવી જાતોમાં નવા ઊંચા ભાવ જોવાયા છે. કૅપિટલ સ્મૉલ બૅન્ક અઢી ટકા, આઇડીબીઆઇ બૅન્ક બે ટકા તથા એયુ બૅન્ક એક ટકા નરમ હતી. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅરની આગેકૂચમાં ૨૮,૯૯૨ની વર્ષની ટૉપ બનાવી એક ટકો વધી ૨૮,૯૧૫ હતો. એનર્જી બેન્ચમાર્ક ૦.૬ ટકા વધ્યો છે. અહીં ડૉલ્ફિન ઑફશૉરની આવક ૪૭ ટકા અને નેટ નફો ૨૧ ટકા વધીને આવતાં શૅર ૧૦૧ ગણા જંગી વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૩૯ વટાવી ગયો છે. ભારત પેટ્રો, હિન્દુ. પેટ્રો અને ઇન્ડિયન ઑઇલ નવી ઐતિહાસિક ટોચે બંધ રહી છે. ટેલિકૉમ બેન્ચમાર્ક ૧૮માંથી ૧૬ શૅરના સહારે ૨.૯ ટકા રણક્યો છે. અહીં વોડાફોન ૯.૩ ટકા, HDCL ૫.૭ ટકા, ઇન્ડ્સ ટાવર સવાપાંચ ટકા, સ્ટરલાઇટ ટેક્નૉ. ૩.૫ ટકા મજબૂત હતી. ભારતી ઍરટેલ પરિણામ પહેલાં એકાદ ટકો વધી ૨૦૭૪ હતી. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧.૧ ટકા પ્લસ હતો. અહીં ૧૧૯માંથી ૩૫ શૅર નરમ હતા. વૉઆર્ટ ૨૨ કરોડની નેટ લૉસમાંથી ૭૮ કરોડ રૂપિયાના ચોખ્ખા નફામાં આવતાં ભાવ ૧૭ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૪૩૪ થઈ સાડાદસ ટકા કે ૧૩૩ની તેજીમાં ૧૪૧૫ બંધ થયો છે. ઑર્કિડ ફાર્મા છ ટકા, જ્યુબિલન્ટ ફાર્મા સાડાછ ટકા તથા સોલરા ઍક્ટિવ સવાપાંચ ટકા ઝળકી હતી. FMCG, આઇટી, યુટિલિટીઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક નહીંવત્ નરમ હતા. પાવર ઇન્ડેક્સ ફ્લૅટ હતો.
સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૭૯૮ શૅરની સામે ૧૩૧૩ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૨૫ લાખ કરોડ રૂપિયા વધીને ૪૭૨.૭૧ લાખ કરોડ રૂપિયા થયું છે. ભારત અર્થમૂવર ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થથાં નજીવા સુધારે ૨૨૦૫ બંધ થઈ છે. ઑરેકલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ શૅરદીઠ ૧૩૦ના ઇન્ટરિમમાં એક્સ-ડિવિડન્ડ થતાં એકાદ ટકા કે ૮૯ રૂપિયા ઘટી ૮૪૨૫ રહી છે. થંગમયિલ જ્વેલરીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૪૫ ટકાના વધારામાં ૧૭૦૫ કરોડની આવક ઉપર અગાઉની ૧૭૪૫ લાખની નેટ લૉસ સામે ૫૮૧૫ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. ઑક્ટોબરમાં ૧૦૩૨ કરોડનું વેચાણ થયું હોવાની જાણ કરી છે. આની અસરમાં શૅર ૧૬ ગણા કામકાજે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૪૩૪ રૂપિયા ઊછળીને ૨૬૦૩ની વિક્રમી સપાટીએ બંધ થયો છે.
ઝેનસાર ટેક્નૉલૉજીઝ તથા નેટવેબ ટેક્નૉલૉજીઝનો નફો ઓછો પડતાં શૅર ગગડ્યા
સ્ટ્રાઇડ ફાર્મા પરિણામનું જોર જાળવી રાખતાં બૅક-ટુ-બૅક નવા શિખરમાં ૧૦૨૫ થઈ પાંચ ટકાની આગેકૂચમાં ૮૭૨ બંધ આવી છે. નોસિલનો નફો ૭૧ ટકા ગગડી બાર કરોડ થતાં ભાવ નીચામાં ૧૭૪ થઈ સવાબે ટકા ખરડાઈ ૧૮૧ હતો. ભારત પેટ્રોલિયમ ૧૬૯ ટકાના વધારામાં ૬૧૯૧ કરોડના નફા પાછળ ૩૬૯ની નવી ટૉપ બનાવી ત્રણ ટકા વધી ૩૬૭ થયો છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટસે આવકમાં સવાચાર ટકા વધારા સામે સાડાછ ટકાના ઘટાડામાં ૪૫૯ કરોડ નેટ નફા સાથે નબળાં રિઝલ્ટ આવ્યાં છે. શૅર છ ગણા કામકાજે ઉપરમાં ૧૧૮૬ થઈ ૫.૪ ટકા વધીને ૧૧૭૮ બંધ રહ્યો છે.
તાતા કેમિકલ્સે આવકમાં ૩ ટકાના ઘટાડા સામે ૬૦ ટકાના ગાબડામાં ૭૭ કરોડ ચોખ્ખો નફો બતાવ્યો છે. ભાવ નીચામાં ૮૫૮ થઈ ૧.૭ ટકા ઘટી ૮૭૫ હતો. જેકે સિમેન્ટ્સનો નેટ નફો ૨૭ ટકા વધીને ૧૬૦ કરોડ થયો છે, પરંતુ શૅર નીચામાં ૫૮૬૦ બતાવી પાંચ ટકા કે ૩૧૭ રૂપિયા ગગડી ૫૮૯૭ હતો. SBFC ફાઇનૅન્સનો ત્રિમાસિક નફો ૩૦ ટકા વધી ૧૦૯ કરોડ થતાં શૅર ગણા કામકાજે ૧૨૩ની નવી ટોચે જઈ ૩.૮ ટકા વધીને ૧૧૮ થયો છે. મહિન્દ્ર લાઇફસ્પેસ ૧૪ કરોડની નેટ લૉસમાંથી ૪૮ કરોડના નફામાં આવી છે. શૅર ઉપરમાં ૪૧૨ થઈ પાંચ ટકા ઊંચકાઈ ૪૦૫ થયો છે.
ઝેનસાર ટેક્નૉલૉજીઝનો ૧૭ ટકા વધારામાં ૧૮૨ કરોડ નફો ઓછો પડતાં શૅર પાંચ ગણા કામકાજમાં નીચામાં ૭૪૬ થઈ સવાપાંચ ટકા ખરડાઈ ૭૫૬ રહ્યો છે. તો નેટવેબ ટેક્નૉલૉજીઝ પણ ૨૦ ટકાના વધારામાં ૩૧ કરોડના ચોખ્ખા નફા પાછળ ખરડાઈ ૩૫૫૨ થઈ છ ટકા કે ૨૪૧ રૂપિયા લથડી ૩૭૯૮ બંધ હતી. આર. આર. કેબલનો નફો ૧૩૫ ટકા ઊછળી ૧૧૬ કરોડને વટાવી ગયો છે. શૅર ઉપરમાં ૧૫૨૩ વટાવી છેવટે ૧.૮ ટકા ગગડી ૧૩૮૫ બંધ આવ્યો છે.
રાજકોટની શ્રીજી ગ્લોબલ FMCG ૧૨૫ રૂપિયાના ભાવે આજે SME ઇશ્યુ કરશે
આજે કુલ બે ભરણાં ખૂલવાનાં છે. મેઇનબોર્ડમાં ફિનટેક કંપની બિલિયન બ્રેઇન્સ ગૅરેજ વેન્ચર્સ બેના શૅરદીઠ ૧૦૦ની અપરબૅન્ડમાં ૫૨૭૨ કરોડની OFS સહિત કુલ ૬૬૩૨ કરોડનો ઇશ્યુ કરશે. ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૧૫ નજીક ચાલે છે. SME સેગમેન્ટમાં રાજકોટની શ્રીજી ગ્લોબલ FMCG ૧૦ના શૅરદીઠ ૧૨૫ની અપરબૅન્ડમાં ૮૫ કરોડનો BSE SME IPO કરવાની છે. કંપની શેઠજી બ્રૅન્ડથી આખા તેમ જ દળેલા મરી મસાલા, કઠોળ તેમ જ વિવિધ પ્રકારના લોટ બનાવીને વેચે છે. કંપનીએ ગયા વર્ષે ૧૧ ટકા વધારામાં ૬૫૧ કરોડની આવક ઉપર ૧૨૨ ટકા વૃદ્ધિદરથી ૧૨૧૫ લાખ નેટ નફો બતાવી દીધો છે. ચાલુ વર્ષના પ્રથમ ૩ માસમાં તો ૨૫૧ કરોડની આવક અને ૯૨૦ લાખનો ચોખ્ખો નફો કરી નાખ્યો છે. દેવું ૩૦ કરોડ જેવું છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર સરેરાશ સવાચાર રૂપિયા જેવી છે. છેલ્લા સવા વર્ષના આવક-નફાના આંકડા હજમ થાય એવા નથી. આમ છતાં છેલ્લાં ૩ વર્ષની ઍવરેજ EPS સવાપાંચ રૂપિયા આસપાસ બેસે છે. ઇશ્યુ પ્રાઇસ વધુ પડતી લાગે છે. ગ્રેમાર્કેટમાં કામકાજ નથી.
દરમ્યાન હેલ્મેટ કંપની સ્ટડ્સ એક્સેસરીઝનો પાંચના શૅરદીઠ ૫૮૫ની અપરબૅન્ડ સાથે ૪૫૫ કરોડ પ્લસનો પ્યૉર ઑફરફોર સેલ ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે કુલ ૭૩ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૬૩ જેવું બોલાય છે. લેન્સકાર્ટ સોલ્યુશન્સનો બેના શૅરદીઠ ૪૦૨ની અપર બૅન્ડવાળો કુલ ૭૨૭૮ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ બે ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ હાલ ૬૪ ચાલે છે. SME કંપની જ્યેશ લૉજિસ્ટિક્સ શૅરદીઠ ૧૨૨ની ઇશ્યુ પ્રાઇસ અને ૯ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૨૦ ખૂલી ૧૧૮ નજીક બંધ થતાં એમાં ૩.૪ ટકા કે શૅરદીઠ ૪.૨૦ રૂપિયાની લિસ્ટિંગ લૉસ ગઈ છે.
બ્રોકરેજના બુલિશ વ્યુ વચ્ચે મારુતિ ૫૪૬ રૂપિયા ગગડી ટૉપ લૂઝર
મારુતિ સુઝુકીનાં પરિણામો આવી ગયાં, ઑક્ટોબરનું વેચાણ ૭ ટકા વધ્યું છે. બ્રોકરેજ હાઉસ જેપી મૉર્ગન દ્વારા ૧૭,૫૦૦ તથા CLSA તરફથી ૧૭,૭૪૩ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થયો છે. જોકે શૅર ૩ ગણા કામકાજે નીચામાં ૧૫,૫૩૧ બતાવી ૩.૪ ટકા કે ૫૪૬ રૂપિયા તૂટી ૧૫,૬૪૬ ગઈ કાલે બંધ થયો છે. તાતા મોટર્સનું ગયા માસનું વેચાણ ૨૬ ટકા વધ્યું છે. શૅર પોણાબે ટકા વધી ૪૧૭ હતો. મહિન્દ્રનું વેચાણ ૩૧ ટકા વધીને આવતાં ભાવ ઉપરમાં ૩૫૮૯ થઈ અંતે પોણાબે ટકા વધીને ૩૫૪૬ હતો. હ્યુન્દાઇ મોટરનું સ્થાનિક વેચાણ સવાત્રણ ટકા ઘટ્યું છે, નિકાસ ૧૧ ટકા વધી છે. શૅર ઉપરમાં ૨૪૬૭ નજીક જઈને અડધો ટકો ઘટી ૨૪૨૮ રહ્યો છે. ટૂ-વ્હીલર્સમાં ટીવીએસ મોટરનું વેચાણ ૧૧ ટકા વધ્યું છે. શૅર નજીવો ઘટી ૩૫૧૧ હતો. આઇશરનું ટૂ-વ્હીલર્સનું વેચાણ ૧૩ ટકા વધ્યું છે. શૅર ૭૦૦૮ના બંધમાં ફ્લૅટ રહ્યો હતો. અશોક લેલૅન્ડનું વેચાણ ૧૬ ટકા વધતાં ભાવ ઉપરમાં ૧૪૩ થઈ એક ટકો ઘટીને ૧૪૦ રહ્યો છે. બજાજ ઑટોનું સ્થાનિક વેચાણ ૩ ટકા અને નિકાસ ૧૬ ટકા વધતાં ભાવ ઉપરમાં ૮૯૫૬ વટાવ્યા પછી સામાન્ય સુધારે ૮૯૨૪ બંધ થયો છે.
શ્રીરામ ફાઇનૅન્સની આવક ૧૮ ટકા વધી ૧૦૦૮૯ કરોડ થઈ છે. નફો ૮ ટકા વધી ૨૩૧૪ કરોડ આવ્યો છે. એમાં શૅર ૮૦૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૬.૪ ટકા ઊંચકાઈને ૭૯૬ બંધ આપી નિફ્ટીમાં ઝળક્યો છે. સેન્સેક્સ ખાતે મહિન્દ્ર પોણાબે ટકા વધીને મોખરે હતી. સ્ટેટ બૅન્કનાં રિઝલ્ટ આજે છે. શૅર ૯૫૩ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૧.૪ ટકા વધીને ૯૫૦ થયો છે. ટાઇટનની આવક ૨૦ ટકા વધી છે, નેટ નફો બાવન ટકા વધીને ૧૦૯૧ કરોડ થયો છે. શૅર અડધા ટકાના ઘટાડામાં ૩૭૨૮ બંધ હતો. તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૧૧ ટકા વધારામાં ૪૦૪ કરોડના નફામાં ૧૨૦૩ના બેસ્ટ લેવલે જઈને પોણાત્રણ ટકા વધી નિફ્ટી ખાતે ૧૧૯૭ બંધ રહી છે. અપોલો હૉસ્પિટલ ૧.૯ ટકા વધી હતી. ઍટર્નલ દોઢ ટકા, સનફાર્મા પોણો ટકા તથા ભારતી ઍરટેલ એક ટકો પ્લસ હતી. સામે આઇટીસી દોઢ ટકા, ટીસીએસ ૧.૪ ટકા, લાર્સન સવા ટકા ઘટી છે.
બૅન્ક ઑફ બરોડાના નફામાં ઘટાડો છતાં ભાવ ૧૭ મહિનાના શિખરે
અનિલ અંબાણીની ગ્રુપ કંપનીઓમાં ફન્ડ ડાયવર્ઝન તથા મનીલૉન્ડરિંગના મામલે ચાલી રહેતી તપાસના ભાગરૂપ ED તરફથી અનિલ અંબાણી ગ્રુપની આશરે ૩૦૮૪ કરોડની પ્રૉપર્ટીઝ ટાંચમાં લેવામાં આવી છે. એમાં અનિલ અંબાણી ફૅમિલીનું પાલી હિલ, બાંદરા ખાતેની રેસિડેન્શિયલ પ્રૉપર્ટી પણ સામેલ છે. કાર્બા પોસ્ટ તરફથી તાજેતરમાં અનિલ અંબાણી ગ્રુપ સામે ૪૧,૯૦૦ કરોડ રૂપિયાના ભંડોળની ગોલમાલ કરવાનો સનસનીભર્યો સિલસિલાવાર આક્ષેપ કરાયો છે. ગઈ કાલે અનિલ ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રા નીચામાં ૨૦૩ થઈ પાંચ ટકા તૂટી ત્યાં જ તથા રિલાયન્સ પાવર નીચામાં ૪૩ બતાવી ૫.૪ ટકા તૂટી ૪૪ નજીક બંધ હતી.
બૅન્ક ઑફ બરોડાએ સવાઆઠ ટકા ઘટાડામાં ૪૮૦૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે, પરંતુ પ્રોવિઝનિંગ તેમ જ NPAમાં ઘટાડાથી બ્રોકરેજહાઉસ બુલિશ છે. ઇન્વેસ્ટેક તરફથી ૩૨૫ રૂપિયા તથા સિટીવાળાએ ૩૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી લેવાની સલાહ આપી છે. શૅર ગઈ કાલે ચાર ગણા કામકાજે ૨૯૩ની ૧૭ માસની ટૉપ બનાવી ૪.૬ ટકા ઊંચકાઈ ૨૯૧ બંધ થયો છે. પતંજલિ ફૂડ્સનો નફો ૬૭ ટકા વધીને ૫૧૭ કરોડ નજીક પહોંચ્યો છે. શૅર ઉપરમાં ૬૧૦ નજીક જઈ પ્રૉફિટ બુકિંગમાં ૧૦ ગણા કામકાજે નીચામાં ૫૬૫ બનાવી ૩.૯ ટકા બગડી ૫૭૯ થયો છે.
સરકારની ૭૩.૫ ટકા માલિકીની ડ્રેજિંગ કૉર્પોરેશને ૧૭,૬૪૫ કરોડ રૂપિયાના ૧૬ જેટલા MoU કર્યા હોવાના અહેવાલમાં શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૮૮૯ નજીક જઈ ત્યાં જ બંધ થયો છે. પરિણામની તેજીમાં તગડા ઉછાળાની ઇનિંગ આગળ વધારતાં નવીન ફ્લોરિન ૬૦૯૮ની નવી ઑલટાઇમ હાઈ દેખાડી સાડાત્રણ ટકા કે ૨૦૫ રૂપિયા વધી ૫૯૦૧ થઈ છે. MCXનાં પરિણામ ગુરુવારે છે. શૅર ગઈ કાલે વૉલ્યુમે ૯૬૨૩ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ત્રણ ટકા કે ૨૭૯ રૂપિયા વધી ૯૫૨૭ બંધ આવ્યો છે.