18 September, 2026 10:40 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બે મહત્ત્વની ઘટના બની છે. બન્ને સમાચાર અમેરિકા ખાતેથી આવ્યા છે ને આપણા માટે એ બન્ને ખરાબ છે. અમેરિકન મધ્યસ્થ બૅન્ક દ્વારા ૨૦૨૩ પછી પ્રથમ વાર વ્યાજદરમાં વધારાનું ચક્ર ચાલુ કરાયું છે. વધતા ફુગાવાને ડામવા ફેડ રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અમેરિકાની પાછળ હવે સમગ્ર વિશ્વમાં વહેલા-મોડા વ્યાજદર વધવાના છે. બીજું, રશિયન ફ્યુઅલની આયાત બદલ ૧૦૦ ટકાની ટૅરિફ નાખવાની ટ્રમ્પને સત્તા આપતા ઠરાવને અમેરિકન સેનેટે ભારે બહુમતીથી મંજૂરી આપી છે. ભારત માટે હવે બે જ વિકલ્પ છે. અમેરિકા સામે લડી લે કાં પછી રાબેતા મુજબ કરે છે એમ ટ્રમ્પની શરણાગતિ સ્વીકારી લે. બ્રેન્ટ ક્રૂડ બે ટકા ઘટીને ૧૦૪ ડૉલરની અંદર આવ્યું છે. ફેડ રેટમાં વધારાના પગલે અમેરિકન શૅરબજાર દુભાયું છે. ડાઉ ઇન્ડેક્સ સવા ટકો કે ૬૩૧ પૉઇન્ટ બગડી ૫૧,૪૬૨ બુધવારની મોડી રાત્રે બંધ થયો છે તો નાસ્ડેક બે ટકા ડૂલ થયો હતો. વળતા દિવસે એશિયન બજાર બહુધા સાંકડી વધઘટે મિશ્ર હતાં. ગઈ કાલે થાઇલૅન્ડ સવા ટકો, તાઇવાન એકાદ ટકો અને સિંગાપોર તથા ઇન્ડોનેશિયા અડધા ટકા નજીક પ્લસ હતાં. સામે ચાઇના અને હૉન્ગકૉન્ગ અડધો ટકો તો જપાન અને સાઉથ કોરિયા નજીવા ઘટ્યાં છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા જેવું સુધારામાં હતું.
સેન્સેક્સ આગલા બંધથી ૧૫૫ પૉઇન્ટ નજીકના ઘટાડામાં ૭૪,૧૮૩ નજીક ખૂલી છેવટે ૨૨ પૉઇન્ટના ચિલ્લર ઘટાડે ૭૪,૩૧૪ તો નિફ્ટી ૫૩ પૉઇન્ટ વધી ૨૩,૨૭૦ ઉપર બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ નીચામાં ૭૪,૧૬૪ અને ઉપરમાં ૭૪,૬૭૭ થયો હતો. કસીનો સેશનના આરંભ પૂર્વે સેન્સેક્સ ૭૪,૪૧૪ તથા નિફ્ટી ૨૩,૨૯૪ હતો.
દરમ્યાન તાતા સન્સની બોર્ડ મીટિંગમાં તાતા સન્સનો IPO લાવવાનો તેમ જ તાતા સન્સના ચૅરમૅન તરીકે એન. ચંદ્રશેખરની પાંચ વર્ષ માટે ફરીથી વરણી કરવાનો ઠરાવ કરાયો છે, પરંતુ તાતા ટ્રસ્ટના વડા નોએલ તાતાએ તેમનો વીટો-પાવર વાપરી આ બન્ને ઠરાવ બ્લૉક કર્યા છે. મામલો હવે આર-પારની લડાઈનું રૂપ લે તો નવાઈ નહીં. બોર્ડના ઠરાવના પગલે ગઈ કાલે તાતા ગ્રુપના શૅર સિલેક્ટિવ ફેન્સીમાં હતા. સેન્સેક્સ ખાતે તાતા સ્ટીલ પોણાત્રણ ટકા વધી ૧૮૮ના બંધમાં બેસ્ટ ગેઇનર તો નિફ્ટી ખાતે તાતા મોટર્સ પૅસેન્જર સાડાચાર ટકાની તેજીમાં ૩૧૪ બંધ આપી સેકન્ડ બેસ્ટ ગેઇનર બની છે. તાતા કેમિકલ્સ સાડાછ ટકા, તાતા ઇન્વેસ્ટમેન્ટ સાડાપાંચ ટકા, તાતા ટેક્નૉલૉજીઝ પોણાબે ટકા, તાતા પાવર બે ટકા, તાતા ટેલી ૪ ટકા, તેજસ નેટ બે ટકા નજીક, ઇન્ડિયન હોટેલ્સ ૧.૯ ટકા, તાતા મોટર્સ ૨.૮ ટકા વધી હતી. TCS મામૂલી સુધરી છે.
નિફ્ટીમાં HDFC લાઇફ પાંચ ટકાના ઉછાળે ૫૫૭ બંધ આપી ટૉપ ગેઇનર બની છે. SBI લાઇફ ૪ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૩ ટકા, ભારત ઇલેક્ટ્રિકલ અઢી ટકા, ઇન્ડિગો ૨.૩ ટકા, એટર્નલ સવાબે ટકા, મારુતિ ૧.૬ ટકા, જિયો ફાઇનૅન્શિયલ બે ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૬ ટકા વધી હતી. સેન્સેક્સમાં HDFC બૅન્ક ૧.૩ ટકા, ટાઇટન ૧.૧ ટકા, ICICI બૅન્ક એક ટકા નરમ હતા. નિફ્ટી ખાતે ONGC ૧.૯ ટકા, ટાઇટન ૧.૪ ટકા, HDFC ૧.૨ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર અને કોલ ઇન્ડિયા એક ટકો ડાઉન હતી. રિલાયન્સ ૬૦ પૈસાની પરચૂરણ નરમાઈમાં ૧૨૪૦ રહી છે. તેગા ઇન્ડસ્ટ્રીઝ પોણાબાર ટકાના જમ્પમાં ૮ ગણા કામકાજે ૧૯૧૯ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. GNFC સવાઆઠ ટકા અને ન્યુ ઇન્ડિયા ઍશ્યૉરન્સ ૭.૧ ટકા વધી છે. ઇન્ડિયા ગ્લાયકોલ બમણા કામકાજે પોણાસાત ટકા તૂટી ૨૪૯ના બંધમાં અત્રે ટૉપ લૂઝર બની છે.
કૌરોસૉફ્ટ AI સૉલ્યુશન્સ ૧૦ના શૅરના એક રૂપિયામાં તથા ઓરિયાના પાવર ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ સ્પ્લિટ થવાની છે. કૈરોસૉફ્ટ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૮૮ નજીક જઈને ત્યાં જ તથા ઓરિયાના પાવર ઉપરમાં ૧૩૬૩ થઈ ૭.૮ ટકા ઊછળી ૧૩૪૯ બંધ આવ્યો છે. અગાઉ તાલ એન્ટરપ્રાઇઝીસ તરીકે ઓળખાતી બૅન્ગલોરની તાલ ટેક ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં બાવીસમીએ એક્સ સ્પ્લિટ થશે. ભાવ ઉપરમાં ૫૪૫૦ વટાવીને પાંચ ટકા વધી ૫૩૮૬ થયો છે.
યથાર્થ હૉસ્પિટલમાં ઍડ્વન્ટ ઇન્ટરનૅશનલ તરફથી ૩૧૫૦ કરોડમાં ૨૪.૯ ટકા હિસ્સો લેવાનું નક્કી થતાં શૅર ૧૦૮૩ની ઑલટાઇમ હાઈ બનાવી ૮.૯ ટકાની તેજીમાં ૧૦૭૦ થયો છે. યથાર્થ હૉસ્પિટલ જુલાઈ ૨૦૨૩માં ૧૦ના શૅરદીઠ ૩૦૦ના ભાવે ૬૮૭ કરોડનો ઇશ્યુ લાવી હતી. પૉલિસી બાઝાર વાળી પી.બી. ફિનટેકમાં સીઈઓ યશિષ દહિયાના રાજીનામાની હવામાં શૅર ગગડી નીચામાં ૧૭૧૯ થયો હતો. દહિયા તરફથી આ વાત તથ્તહીન ગણાવતું સ્પષ્ટીકરણ જારી થયું હતું છતાં ભાવ પોણાચાર ટકા ગગડી ૧૭૬૨ રહ્યો છે. નવી દિલ્હી ખાતે સેમિકૉન ઇન્ડિયા ૨૦૨૬ના પાંચમા મેળાવડાનું ૩ દિવસનું આયોજન કરાયું છે. નરેન્દ્ર મોદી એનો શુભારંભ કરવાના છે. આની ખુશાલી હોય એમ ગઈ કાલે સ્યર્મા એસજીએસ ટેક્નૉલૉઝીસ ૧૩,૪૯૬ બતાવી અડધો ટકો સુધરી ૧૩,૨૭૧, એવલોન ટેક્નૉલૉઝીસ ૨૩૦૦ વટાવી પોણો ટકો વધી ૨૨૨૫ રહી છે.
ઇમામી લિમિટેડમાં એકના શૅરદીઠ ૪૭૫ સુધીના ભાવથી બાયબૅક જાહેર કરાયું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૯૬ થઈ પોણાબે ટકા વધી ૩૭૬ બંધ થયો છે. ૧૦૮ ટકાના લિસ્ટિંગ ગેઇન પછી પણ તગડો જમ્પ મારતી રહીને બુધવારે ઇન્ટ્રા-ડેમાં ૧૮૨૫ નજીક ઑલટાઇમ હાઈ થયા બાદ નીચલી સર્કિટમાં ૧૭૧૨ બંધ રહેલી પુણેની ESDS સૉફ્ટવેર ગઈ કાલે પણ નીચલી સર્કિટમાં પાંચ ટકા ગગડી ૧૬૨૬ થઈ છેવટે ત્યાં જ બંધ આવી છે. બરોડાની તાજેતરમાં લિસ્ટેડ થયેલી ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરફથી જૂન ક્વૉર્ટરમાં ૩૩.૪ ટકા વધારામાં ૧૧૯ કરોડની આવક ઉપર સવાચૌદ ટકા વૃદ્ધિદરથી ૧૫૨૦ લાખ નેટ નફો દર્શાવાયો છે. શૅર ગઈ કાલે ૫૦૭ નીચે વર્સ્ટ લેવલે જઈ બાઉન્સબૅકમાં ૫૬૨ થઈ નજીવા સુધારે ૫૪૧ રહ્યો છે.
ગઈ કાલે ૯ ભરણાં એકસાથે લિસ્ટેડ થયાં છે જેમાંથી ૬ ઇશ્યુ મેઇન બોર્ડમાં હતા. રેન્ટોમોજો એકના શૅરદીઠ ૪૦૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૭૯થી શરૂ થઈ ઉપર ૧૬૦ થયા બાદ છેલ્લે ચાલતા ૮૭ના પ્રીમિયમ સામે ગુરુવારે ૪૮૦ ખૂલી ૫૩૩ બંધ થતાં ૩૨ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૧૨૫૬ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૧૫.૬ ગણો સહિત કુલ ૭૨.૯ ગણો છલકાયો હતો. મુંબઈના અંધેરી-ઈસ્ટની કરમતારા એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૨૫૪ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ગ્રેમાર્કેટમાં ૪૦થી શરૂ થઈ ઉપર ૭૫ બતાવી છેલ્લે ૪૬ના પ્રીમિયમ સામે ૩૨૦ ખૂલી ૩૫૨ બંધ રહેતાં ૩૮.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૮૭૫ કરોડનું આ ભરણું રીટેલમાં ૧૪ ગણા સહિત ટોટલ ૬૬ ગણું ભરાયું હતું. અમદાવાદી LCC પ્રોજેક્ટ્સ પાંચના શૅરદીઠ ૧૪૬ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૭થી શરૂ થઈ ૭૮ થયા બાદ છેલ્લે ચાલતા ૩૬ના પ્રીમિયમ સામે ૧૯૧ ખૂલી ૧૭૩ બંધ થતાં ૧૮.૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ૪૨૭ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૨૬.૩ ગણો અને કુલ ૪૯.૬ ગણો ભરાયો હતો. સુરતની સ્ટીમ હાઉસ ઇન્ડિયા બેના શૅરદીઠ ૮૧ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૧૮થી શરૂ થઈ ૨૪ થયા પછી છેલ્લે બોલાતા ૧૩ના પ્રીમિયમ સામે ૯૩ ખૂલી ૧૦૨ બંધ આવતાં ૨૬.૨ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ૪૧૪ કરોડનું આ ભરણું રીટેલમાં પોણાઅઢાર ગણા સહિત કુલ ૩૨ ગણું ભરાયું હતું. મનીપાલ પેમેન્ટ બેના શૅરદીઠ ૩૨૯ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૨૯થી શરૂ થઈ ઉપરમાં ૩૮ થયેલા પ્રીમિયમ પછી ૧૯ રૂપિયાના ડિસ્કાઉન્ટ બતાવી છેલ્લે ચાલતા ૬ રૂપિયા ડિસ્કાઉન્ટ સામે ૩૩૨ ખૂલી ૩૪૬ બંધ આવતાં બે ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આ ૮૦૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨.૨ ગણા સહિત કુલ ૧.૪ ગણો ભરાયો હતો. ઍસેટ રિકન્સ્ટ્રક્શન કંપની અર્થાત આર્સિલ ૧૦ના શૅરદીઠ ૧૩૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૭થી શરૂ થઈ ઉપરમાં ૩૦ અને નીચામાં ૧૪ બતાવી છેલ્લે ચાલતા ૧૨ના પ્રીમિયમ સામે ૧૩૯ ખૂલી ૧૩૭ બંધ રહેતાં દોઢ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. આ ૭૩૩ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ રીટેલમાં ૩.૪ ગણા સહિત QIBના જોરમાં કુલ ૨૦.૧ ગણો ભરાયો હતો.
SME સેગમેન્ટમાં એમટેક ઇસ્ટર્સ ૧૦ના શૅરદીઠ ૭૫ની ઇશ્યુ પ્રાઇસ તથા પાંચથી શરૂ થઈ ૧૧ થયા બાદ ચાલતા ૧૬ના પ્રીમિયમ સામે BSEમાં ૧૦૦ ખૂલી ૧૦૫ બંધ રહેતાં ૪૦ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. અમદાવાદી વિનોદ ટૅક્સવર્લ્ડ ૧૦ના શૅરદીઠ ૯૪ની ઇશ્યુ પ્રાઇસ અને ૪થી શરૂ થઈ ઉપર ૨૦ થયા બાદ તૂટી એક થઈ ગયેલા પ્રીમિયમ સામે NSEમાં ૯૪ ખૂલી ૮૯ બંધ થતાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. રાજકોટની ઇનફ્રેક્સ રીન્યુએબલ ૧૦ના શૅરદીઠ ૧૦૪ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં પહેલેથી ચાલતા ઝીરો પ્રીમિયમ સામે BSE ખાતે ૧૦૪ ખૂલી ૧૦૭ બંધ આવતાં ૨.૯ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. દરમ્યાન આગલા દિવસે ૧૯ ટકા જેવા લિસ્ટિંગ ગેઇનમાં ૭૫૧ બંધ રહેલી કાનોહર ઇલેક્ટ્રિકલ્સ ગઈ કાલે ૮૮૫નું શિખર બતાવી ૯ ટકા ઊછળી ૮૧૯ થઈ છે. મુંબઈની પ્રસોલ કેમિકલ્સ જે અડધા ટકા લિસ્ટિંગ લૉસમાં ૬૭૨ બંધ થઈ હતી એ ગઈ કાલે ૬૯૨ની ટૉપ દેખાડી એક ટકો વધીને ૬૭૮ એ ૧૮.૪ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૨૧૫ બંધ આવેલી ગ્લાસ વૉલ સિસ્ટમ્સ ગઈ કાલે ૨૫૮નું બેસ્ટ લેવલ નોંધાવી ૨૦ ટકા ઊછળી ૨૫૮ રહી છે. પ્રણવ કન્સ્ટ્રક્શન્સ ઉપરમાં ૧૧૭ બતાવીને ૪ ટકા વધી ૧૧૧ હતી. અપના લૉજિસ્ટિક્લ ૫૧.૪૫ના વર્સ્ટ લેવલ બાદ પાંચ ટકા તૂટી ત્યાં જ બંધ આવી છે.
આજે શુક્રવારે બરોડા ગુજરાતની એક્ઝિઓમ ગૅસ એન્જિનિયરિંગ પાંચના શૅરદીઠ ૫૩ની અપરબેન્ડમાં ૫૦ કરોડનો NSE SME IPO કરવાની છે. માર્કેટ મેકર્સ માટે ૩ કરોડના શૅર રિઝર્વ્ડ છે. QIB પોર્શન ૨૦ ટકા છે, રીટેલ પોર્શન ૪૦ ટકા રખાયો છે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપની પ્રાઇમ ફ્યુઅલ બ્રૅન્ડ નેમથી ૨૦ જેટલાં ઑટો LPG ફ્યુઅલ સ્ટેશન ચલાવે છે. આ ઉપરાંત તે LPG/CNGનું રીટેલિંગ બૉટલિંગ તથા બલ્ક ઇન્સ્ટૉલેશન સંબંધે ટર્નકી ધોરણે સર્વિસીસ પૂરી પાડે છે. ઔદ્યોગિક તથા કમર્શિયલ ક્ષેત્ર માટે ગૅસ સિસ્ટમ્સ નાખવાનું અને એને મેઇન્ટેન કરવાનું કામ પણ કરે છે. ગત વર્ષે ૧૨ ટકા વધારામાં ૧૦૧ કરોડ નજીકની આવક ઉપર ૨૨ ટકા વૃદ્ધિદરથી ૯૪૫ લાખ નફો કર્યો છે. દેવું ૧૬ કરોડ છે. ઇશ્યુમાંથી ૨૭૬૦ કરોડ કૅપેક્સમાં અને ૯૧૨ લાખ દેવાની પરત ચુકવણીમાં વપરાશે. ઇશ્યુ પ્રાઇસ ૧૯.૯નો પીઇ બતાવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
દરમ્યાન ગઈ કાલે જે ૪ ભરણાં ખુલ્યાં છે એમાં પ્રથમ દિવસે હાઈ પ્રોફાઇલ NSEનો એકનો શૅરદીઠ ૧૭૮૫ની અપરબેન્ડમાં ૨૨,૫૬૨ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ IPO રીટેલમાં ૪૩ ટકા સહિત કુલ ૪૨ ટકા ભરાયો છે. પ્રીમિયમ ઘટી ૧૪૮ થયું છે. ભિલવાડાની સોના સિલેક્શન ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૯૯ના ભાવનો ૧૪૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૭ ટકા સહિત કુલ ૫૦ ટકા નજીક ભરાયો છે. પ્રીમિયમ ૪ થયું છે. SME સેગમેન્ટમાં સ્પેક્ટ્રા ટેક્નૉલૉજી સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૪૩ કરોડનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૯.૩ ગણા સહિત કુલ ૫.૬ ગણો તથા અમદાવાદી ખેડિયા ઑટોકૉમ્પનો ૧૦ના શૅરદીઠ ૧૦૧ના ભાવનો ૪૬ કરોડનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૨૩ ટકા સહિત કુલ માત્ર ૨૦ ટકા ભરાયો છે. હાલ સ્પેક્ટ્રામાં ૩૦નું અને ખેડિયામાં પાંચનું પ્રીમિયમ છે.
મેઇન બોર્ડમાં બીજા દિવસના અંતે હીરો મોટર્સનો ૧૦ના શૅરદીઠ ૮૪ના ભાવનો ૧૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૩.૬ ગણો, એસ.એસ. રીટેલનો ૧૦ના શૅરદીઠ ૪૨૪ના ભાવનો ૫૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૬ ગણો તથા જિંદલ સુપ્રીમનો ૧૦ના શૅરદીઠ ૯૩ના ભાવનો ૧૨૫ કરોડનો IPO કુલ ૩૧.૫ ગણો ભરાયો છે. અત્યારે હીરોમાં ૭ રૂપિયા, એસ.એસ. રીટેલમાં ૧૩૩નું અને જિંદલમાં ૩૦નું પ્રીમિયમ ચાલે છે.
SME સેગમેન્ટમાં ૩ ભરણાં ગઈ કાલે પૂરાં થયાં છે. મુંબઈના બોરીવલીની વામા વુવન ફેબનો ૧૦ના શૅરદીઠ રીટેલમાં ૨.૮ ગણા સહિત કુલ ૨.૭ ગણો ભરાયો છે. પ્રીમિયમ તૂટી ૩ થયું છે. મુંબઈના ગોરેગામની ક્વૉન્ટો ઍગ્રોવર્લ્ડનો ૧૦ના શૅરદીઠ ૬૭ના ભાવનો ૩૧ કરોડનો BSE SME IPO રીટેલમાં ૭૭ ટકા સહિત કુલ ૧.૪ ગણો ભરાયો છે. પ્રીમિયમ ઝીરો છે. ઇન્દોરની શક્તિ પૉલિટ્રેપનો ૧૦ના શૅરદીઠ ૫૯ના ભાવનો ૨૭ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૩.૮ ગણા સહિત કુલ પોણાબાર ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ નથી.