17 September, 2026 11:36 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
તાતા કેમિકલ્સ અને તાતા ઇન્વેસ્ટમેન્ટમાં તાતા સન્સના સંભવિત IPOનો ઊભરો શમી ગયો : UPI ચાર્જિસના પગલે ATM કૅશ મૅનેજમેન્ટ રિલેટેડ કંપનીઓના શૅર લાઇમલાઇટમાં ઃ PNC ઇન્ફ્રાટેક ૩ વર્ષ બ્લૅક-લિસ્ટ થતાં નવા મલ્ટિયર તળિયે ઃ લિસ્ટિંગની પૂર્વસંધ્યાએ મનીપાલ પેમેન્ટ ૧૫ના ડિસ્કાઉન્ટમાં આવી ગઈ ઃ બીજા દિવસના અંતે માત્ર ૪૫ ટકા પ્રતિસાદ વચ્ચે મુંબઈની વામા વુવનફેબમાં પ્રીમિયમ ૩૦થી ઊછળીને ૭૦ થયું ઃ મારુતિ સુઝુકી ૧૩ માસના તળિયે જઈ નરમ ઃ NSEમાં પ્રીમિયમ ઘટીને છેલ્લે ૧૬૨નું
ક્રૂડ મજબૂત છે. બ્રેન્ટ ક્રૂડ ૧૦૯ ડૉલર વાટવી ૧૦૭ ડૉલરની ઉપર ચાલી રહ્યું છે. તાજેતરની નબળાઈ પછી એશિયન બજાર ગઈ કાલે મોટે ભાગે પ્લસ હતાં. સાઉથ કોરિયા ૧.૪ ટકા તો ચાઇના અને તાઇવાન પોણા ટકા નજીક વધ્યું છે. થાઇલૅન્ડ એક ટકો માઇનસ હતું. જપાન સાધારણ સુધારામાં તો ઇન્ડોનેશિયા સામાન્ય નરમ હતું. યુરોપ રનિંગમાં અડધા ટકા આસપાસ ઉપર રહ્યું છે. બિટકૉઇન ૭૫,૯૦૦ ડૉલરની આજુબાજુ રમતો હતો. ઘરઆંગણે UPI પેમેન્ટના મામલે MDRના નામે સરકારે લોકો ઉપર નવો બોજ નાખી દીધો છે. સરકાર કહે છે ૨૦૦૦ રૂપિયાથી ઓછા ટ્રાન્ઝૅક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે. વળી જે ૦.૪ ટકાનો ચાર્જ લગાવાયો છે અે મર્ચન્ટે ચૂકવવાનો છે. અેથી ગ્રાહકે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર અને અેનું હિમાયતી મીડિયા કોને બેવકૂફ બનાવે છે? ચાર્જ વેપારી ઉપર છે તો તે તેના ઘરમાંથી કે પોતાના ખિસ્સામાંથી ભરવાનો છે? તે પ્રોડક્ટ્સના ભાવ વધારી કે અન્ય કોઈ પ્રકારે આ બોજ ગ્રાહક ઉપર નાખી દેશે. બીજું, ૨૦૦૦ સુધીના પેમેન્ટ પર ચાર્જ નથી, પરંતુ આવતી કાલે એક નોટિફિકેશન જારી કરીને સરકાર અેને ચાર્જિસ પાત્ર બનાવી દેશે તો તમે શું કરી લેશો? ત્રીજુ, સરકારે ૦.૪ ટકાનો MDR ચાર્જ UPI પેમેન્ટ ઉપર નાખીને ભવિષ્યમાં મોટી કમાણી કરી લેવાનો રસ્તો કર્યો છે. સરકારે જે-જે ચાર્જિસ સેસ નાખ્યા છે અેનો ઇતિહાસ આ વાતની સાક્ષી છે. આ ૦.૪ ટકાના ક્યારે પૂરા ૪ ટકા થઈ જશે અેની ખબર પણ નહીં પડે.
અૅની વે, ૮.૨ ટકાનો જોરદાર GDP ગ્રોથ જાહેર થયો ત્યારથી મંદીના મૂડમાં આવી પાંચ માસના તળિયે પહોંચી ગયેલું શૅરબજાર ગઈ કાલે તક્નિકી સુધારામાં રહ્યું છે. સેન્સેક્સ ૨૪૫ પૉઇન્ટ પ્લસ ૭૪,૨૪૯ ખૂલી છેવટે ૩૩૩ પૉઇન્ટ નજીક વધી ૭૪,૩૩૬ તથા નિફ્ટી ૯૯ના ધક્કામાં ૨૩,૨૧૭ બંધ થયો છે. માર્કેટ નીચામાં ૭૩,૯૮૧ અને ઉપરમાં ૭૪,૫૦૬ દેખાયું હતું. માર્કેટકૅપ ૫૮,૦૦૦ કરોડ વધી ૪૭૨.૯૬ લાખ કરોડ થયું છે.
સેન્સેક્સમાં ITC અઢી ટકા વધી ૨૬૪ના બંધમાં મોખરે હતી. સ્ટેટ બૅન્ક સવાબે ટકા, અૅક્સિસ બૅન્ક બે ટકા નજીક, ટ્રેન્ટ અને મહિન્દ્ર દોઢેક ટકો, કોટક બૅન્ક સવા ટકો, ભારત ઇલેક્ટ્રિકલ ૧.૪ ટકા, ટાઇટન ૧.૩ ટકા વધી છે. નિફ્ટીમાં HDFC લાઇફ પોણાત્રણ ટકા, SBI લાઇફ ૨.૭ ટકા, સ્ટેટ બૅન્ક ૨.૪ ટકા, ITC ૨.૪ ટકા, નેસ્લે ૧.૭ ટકા, JSW સ્ટીલ ૧.૬ ટકા, અૅક્સિસ બૅન્ક દોઢ ટકો, બજાજ ઑટો દોઢ ટકા, હિન્દાલ્કો દોઢેક ટકો મજબૂત હતી. TCS અઢી ટકા ગગડી ૨૧૯૧ (નિફ્ટીમાં ૨.૮ ટકા બગડી ૨૧૮૮)ના બંધમાં ટૉપ લૂઝર બની છે. વિપ્રો ૧.૮ ટકા, ઇન્ફી દોઢેક ટકા, ટેક મહિન્દ્ર સવા ટકો, લાર્સન પોણો ટકો (નિફ્ટીમાં ૧.૧ ટકા), બજાજ ફીનસર્વ એક ટકો ઘટી છે. મારુતિ સુઝુકી ૧૨,૧૬૦ની ૧૭ માસની બૉટમ બનાવી ૦.૬ ટકા ઘટી ૧૨,૧૯૦ નજીક હતી. HDFC બૅન્ક પોણો ટકો આગળ વધી છે. રિલાયન્સ ૦.૪ ટકા સુધરી ૧૨૪૧ હતી. CSB બૅન્ક ૧૬ ગણા કામકાજે સાડાઅગિયાર ટકા ઊછળીને ૩૩૦ નજીકના બંધમાં ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ પાંચ ટકા તૂટી અત્રે ટૉપ લૂઝર હતી. પાઇન લૅબ્સ ઉપરમાં ૧૯૯ થઈ પોણાપાંચ ટકા ગગડી ૧૮૫ રહી છે. પૉલિસી બાઝાર ૧૮૪૫ થયા બાદ પાંચ ટકાના જમ્પમાં ૧૮૩૦ રહી છે. ક્વીન્ટ બૅક-ટુ-બૅક ૨૦ ટકાની તેજીમાં ૫૭.૫૨ થઈ છે.
ગઈ કાલે મેઇન બોર્ડમાં પ્રથમ દિવસે હીરો મોટર્સનો ૧૦ના શૅરદીઠ ૮૪ના ભાવનો ૧૦૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨.૩ ગણા સહિત કુલ દોઢ ગણો, કોલ્હાપુરની એસ.એસ. રીટેલનો ૧૦ના શૅરદીઠ ૪૨૪ના ભાવનો ૫૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨.૨ ગણા સહિત કુલ દોઢ ગણા જેવો તેમ જ જિંદલ સુપ્રીમનો ૧૦ના શૅરદીઠ ૯૩ના ભાવનો ૧૨૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૧ ગણા સહિત કુલ ૭ ગણો ભરાયો છે. હાલ હીરો મોટર્સમાં ૧૩નું, એસ.એસ. રીટેલમાં ૧૦૫નું અને જિંદલ સુપ્રીમમાં ૨૫નું પ્રીમિયમ ચાલે છે. જ્યારે મણિકા પ્લાસ્ટેકનો બેના શૅરદીઠ ૪૩ના ભાવનો ૧૨૫ કરોડ પ્લસનો ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં ૨૪ ગણા સહિત કુલ ત્રીસેક ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ બેનું છે.
SME સેગમેન્ટમાં બીજા દિવસના અંતે વામા વુવન ફેબનો ૧૦ના શૅરદીઠ ૩૪૧ના ભાવનો ૫૦ કરોડનો ઇશ્યુ કુલ ૪૨ ટકા, ક્વૉન્ટો અૅગ્રો વર્લ્ડનો ૧૦ના શૅરદીઠ ૬૭ના ભાવનો ૩૧ કરોડનો ઇશ્યુ કુલ ૭ ટકા તેમ જ શક્તિ પૉલિટ્રેપનો ૧૦ના શૅરદીઠ ૫૯ના ભાવનો ૨૭ કરોડનો IPO કુલ ૭૫ ટકા ભરાયો છે. અત્યારે શક્તિમાં ઝીરો, ક્વૉન્ટોમાં ઝીરો અને વામામાં ૭નું પ્રીમિયમ બોલાય છે. જ્યારે આખરી દિવસે, ગઈ કાલે સેન્ચ્યુરી બિઝનેસ મીડિયાનો ૧૦ના શૅરદીઠ ૭૪ના ભાવનો ૧૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩૮ ગણા સહિત કુલ ૫૭ ગણો તેમ જ ઇન્જેક્ટો પૉલિમર્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૫૬૧૨ લાખનો ઇશ્યુ રીટેલમાં ૧.૩ ગણા સહિત કુલ સવા ગણો ભરાઈ પૂરો થયો છે. હાલ ઇન્જેક્ટોમાં ઝીરો અને સેન્ચ્યુરીમાં ઝીરો પ્રીમિયમ છે.
દરમ્યાન ગઈ કાલે કાનોહર ઇલેક્ટ્રિકલ્સ બેના શૅરદીઠ ૬૩૨ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૨૦૦થી શરૂ થઈ નીચામાં ૧૯૦ અને ઉપર ૨૪૧ થયેલા પ્રીમિયમ બાદ છેલ્લે બોલાતા ૧૮૨ના શૅર સામે ૬૭૨ ખૂલી ૭૫૪ નજીક બંધ રહેતાં અેમાં ૧૯.૨ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. પ્રસોલ કેમિકલ્સ બેના શૅરદીઠ ૬૭૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૪થી શરૂ થઈ ઉપર ૧૬૫ થયા બાદ ઝીરો થયેલા પ્રીમિયમમાંથી છેલ્લે બોલાતા ૧૩ના ડિસ્કાઉન્ટ સામે ૬૧૧ ખૂલી ૬૭૨ બંધ થતાં અડધો ટકો લિસ્ટિંગ લૉસ ગઈ છે. ગ્લાસ વૉલ સિસ્ટમ્સ બેના શૅરદીઠ ૧૮૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ૨૦થી શરૂ થઈ ઉપર ૬૫ થઈ છેલ્લે ચાલતા ૩૯ના પ્રીમિયમ સામે ૧૯૦ ખૂલી ૨૧૫ બંધ આવતાં અેમાં ૧૮.૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.
આજે ૧૭મીએ કુલ ૯ ભરણાં લિસ્ટેડ થશે જેમાં LCC પ્રોજેક્ટ્સ, રેન્ટોમોજો, કરમતારા એન્જિનિયરિંગ, સ્ટીમ હાઉસ ઇન્ડિયા, મનીપાલ પેમેન્ટ, આર્સિલ, વિનોદ ટૅક્સવર્લ્ડ, એમટેક ઇસ્ટર્સ, ઇનફ્રેક્સ રીન્યુએબલ સામેલ છે. અત્યારે રેન્ટોમોજોમાં ૧૦૩નું, સ્ટીમ હાઉસમાં ૧૫ રૂપિયા, LCCમાં ૪૪નું, કરમતારામાં ૪૪નું, આર્સિલમાં ૯ રૂપિયા, વિનોદમાં ૧ રૂપિયો, એમટેકમાં ૧૩ રૂપિયા પ્રીમિયમ ચાલે છે. આગલા દિવસે ૪.૫ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૩૦ બંધ રહેલી પ્રણવ કન્સ્ટ્રક્શન્સ ગઈ કાલે ૧૦૪નું તળિયું બતાવી ૧૭.૪ ટકા તૂટી ૧૦૭ તેમ જ પાંચ ટકા લિસ્ટિંગ લૉસમાં ૫૭ બંધ રહેલી અપના લૉજિસ્ટિક્સ ૫૪ની નવી બૉટમ દેખાડી પાંચ ટકા તૂટી ત્યાં જ બંધ આવી છે. મનીપાલ પેમેન્ટ ગ્રેમાર્કેટ ખાતે ૧૫ રૂપિયા ડિસ્કાઉન્ટમાં આવી ગઈ છે.
ઘણાં વર્ષોથી આવું-આવું થતો અને અટવાઈ પડતો NSEનો IPO છેવટે આજે આવી રહ્યો છે. દેશનું અગ્રણી એક્સચેન્જ NSE એકના શૅરદીઠ ૧૭૮૫ની અપર બેન્ડમાં કુલ ૨૨,૫૬૨ કરોડનું ભરણું ગુરુવારે લાવી રહ્યું છે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે. NSEના કર્મચારીઓ માટે શૅરદીઠ ૧૭૦નું ડિસ્કાઉન્ટ છે. ગત વર્ષે કંપનીએ બે ટકા ઘટાડામાં ૧૮,૭૧૩ કરોડની આવક ઉપર ૧૫ ટકાની પીછેહઠમાં ૧૦,૩૦૬ કરોડ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ૩ માસમાં આવક ૫૨ બાવન કરોડ તથા નફો ૩૧૨૦ કરોડ થયો છે. ઇશ્યુ પ્રાઇસ ૩૫.૪નો પીઇ બતાવે છે. ગ્રેમાર્કેટમાં ૨૮૫થી શરૂ થયેલું પ્રીમિયમ વધી ૩૧૦ થયા બાદ સતત ઘસાતું રહી નીચામાં ૧૬૦ બતાવી હાલ ૧૬૭ આસપાસ છે. બીજી કંપની રાજસ્થાનના ભીલવાડાની સોના સિલેક્શન ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૯૯ની અપરબેન્ડમાં ૧૪૨ કરોડનો ઇશ્યુ કરવાની છે. ૨૦૨૨માં સ્થપાયેલી આ કંપની ફૅબ્રિકનું ઉત્પાદન તથા પ્રોસેસિંગ કરે છે. ગત વર્ષે ૬૪ ટકા વધારામાં ૫૧૭ કરોડ આવક ઉપર ૮૩ ટકા વૃદ્ધિદરથી ૩૪ કરોડ નેટ નફો કર્યો છે. દેવું વધતું રહીને ૨૫૮ કરોડને વટાવી ગયું છે. પ્રમોટર્સની છાપને લઈ વિવાદાસ્પદ અહેવાલ મળે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૮થી શરૂ થઈ હાલમાં ૬ ચાલે છે.
SME સેગમેન્ટમાં બૅન્ગલોર રુરલની સ્પેક્ટ્રા ટેક્નૉલૉજી સાલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૧૧૮ની અપરબેન્ડમાં ૪૩ કરોડનો NSE SME ઇશ્યુ આજે કરશે અેમાંથી પ્રમોટર્સ OFS મારફત ૪૧૧ લાખ થઈ જશે. ૨૦૦૯માં સ્થપાયેલી આ કંપની એન્જિનિયરિંગ અને ટેક્નૉલૉજીકલ સૉલ્યુશન્સ પૂરા પાડવાનું કામ કરે છે. ગત વર્ષે ૩૬ ટકા વધારામાં ૧૦૩ કરોડની આવક ઉપર ૧૩૫ ટકા વધારામાં ૧૧૫૬ લાખ નફો બતાવ્યો છે. બે વર્ષ પૂર્વે આવક ૬૬ કરોડ અને નફો બે કરોડ હતો. દેવું સતત વધી ૨૭ કરોડ નજીક પહોંચ્યું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૨૭થી શરૂ થઈ ઉપર ૪૪ થયા બાદ હાલ ૫૦ છે. અમદાવાદ નજીક સાણંદ ખાતેની ખેડૂયા ઑટોકોમ્પ ૧૦ના શૅરદીઠ ૧૦૧ની અપરબેન્ડમાં ૪૬ કરોડનો NSE SME ઇશ્યુ આજે કરશે. ૨૦૦૯માં સ્થપાયેલી આ કંપની ઑટો ઉદ્યોગ માટે પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ પ્રોડક્ટ્સ બનાવે છે. ગત વર્ષે ૩૦ ટકા વધારામાં ૧૨૦ કરોડ આવક ઉપર ૩૯ ટકાના વૃદ્ધિદરથી ૧૧૪૨ લાખ નફો કર્યો છે. દેવું ૩૫ કરોડ વટાવી ગયું છે. બે વર્ષ પૂર્વે આવક ૬૨૪૦ લાખ અને નફો ૩૩૧ લાખ તથા દેવું ૧૮૮૩ લાખ હતું. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ ૧૦થી શરૂ થયું છે.
તાતા સન્સના સંભવિત IPOની ગણતરીમાં આગલા દિવસે સવાયા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૭૩૪ બંધ થયેલી તાતા કેમિકલ્સ ગઈ કાલે ઉપરમાં ૭૮૮ થઇ અડધો ટકો બંધ આવેલી તાતા ઇન્વેસ્ટમેન્ટ નીચામાં ૬૬૭ બનાવીને સવાપાંચ ટકા ગગડી ૬૮૧ રહી છે. શાપુરજી પાલોનજી ગ્રુપની એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરમાં ૨૬૩ થયા બાદ પોણાબે ટકા ઘટી ૨૫૮ હતી. રોડ કન્સ્ટ્રક્શનમાં ખરાબ તથા તદ્દન હલકી ક્વૉલિટીનું કામકાજ કરવા બદલ PNC ઇન્ફ્રાટેકને નૅશનલ હાઇવે ઑથોરિટી તેમ જ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય તરફથી ૩ વર્ષ માટે બ્લૅક લિસ્ટમાં મૂકવામાં આવી છે. શૅર આગલા દિવસે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૪૦ના સવાછ વર્ષના તળિયે ગયા બાદ ગઈ કાલે ૧૧૬ના નવા તળિયે સવાચાર ટકા ઘટી ૧૩૪ બંધ આવી છે. ડિજિટલ સિક્યૉરિટી તથા પેપરલૅસ ટ્રાન્સફોર્મેશન સેગમેન્ટમાં પ્રવૃત્ત ઇમુદ્રા લિમિટેડને ગ્લોબલ લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર ફાઉન્ડેશન તરફથી વેલીડેશન એજન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. શૅર ૨૮ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે આગલા દિવસે ૫૯૪ નજીક બંધ થયા પછી ગઈ કાલે ઉપર ૬૭૭ થઈને સાડાઆઠ ટકા ઊછળી ૬૪૪ થયો છે. AIમાં સ્લૉ-ડાઉનની વિશ્વસ્તરે વધતી હિમાયતમાં સવાઆઠ ટકા કે ૪૧૧ની ખરાબીમાં ૪૬૧૫ બંધ થયેલી નેટવેબ ટેક્નૉલૉજીઝ ગઈ કાલે સવા ટકો ઘટી ૪૫૬૩ બંધ રહી છે. સોલર ઇન્ડસ્ટ્રીઝ તરફથી અેની સ્ટેપ ડાઉન સબસિડિયરી મારફત સાઉથ આફ્રિકાની ઓમ્નિયા હોલ્ડિંગ્સને આશરે ૧૩૫ કરોડ ડૉલર કે ૧૨,૯૫૧ કરોડમાં કૅશથી હસ્તગત કરવામાં આવી છે. અેના પગલે ગોલ્ડમૅન સાક્સ દ્વારા ૨૬,૫૫૦ની અપગ્રેડેડ ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ અપાયું છે, પરંતુ શૅર આગલા દિવસે વધવાના બદલે વૉલ્યુમ સાથે પોણાચૌદ ટકા કે ૩૦૫૭ રૂપિયાના કડાકામાં ૧૯,૨૫૦ બંધ થયો હતો. ગઈ કાલે નીચામાં ૧૮,૪૮૦ થઈ પોણાબે ટકા ઘટી ૧૮,૯૨૦ થયો છે.
સરકારે UPI ટ્રાન્ઝૅક્શનમાં ૨૦૦૦થી ઉપરની લેવડદેવડમાં ૦.૪ ટકાનો MDR ચાર્જિસ લાગુ કર્યો છે. આના પગલે Paytm ગઈ કાલે ૧૮૫૬ની મલ્ડિયર ટૉપ બનાવી સાડાત્રણ ટકા વધી ૧૭૯૨ નજીક બંધ થઈ છે. ATM રીલેટેડ કૅશ મૅનેજમેન્ટ કંપની CMS ઇન્ફો સિસ્ટમ્સ ઉપર ૨૩૯ થઈ ૪ ટકા વધી ૨૩૧ તો રેડીઅન્ટ કૅશ મૅનેજમેન્ટ ૩૯ વટાવ્યા બાદ પાંચ ટકા ઊચકાઈ ૩૮ નજીક બંધ હતી. વન મોબીક્વીક ઉપર ૨૧૪ થયા પછી દોઢ ટકો ઘટી ૧૯૯ નીચે બંધ થઈ છે. ગ્રોફેમ બિલિયન બ્રેઇન્સમાં ૨૦૦૦ કરોડની બ્લૉક ડીલ થતાં ભાવ ચારેક ટકા ગગડી ૧૯૦ નજીક ગયો છે. NSEના IPOની પૂર્વસંધ્યાએ BSE લિમિટેડ વધુ ૨.૧ ટકા બગડી ૩૨૪૦ થઈ છે.