✕

ક્રૂડ ઘટીને ૧૦૦ ડૉલરની અંદર આવ્યું, બજાર બગડીને ૩૧ મહિનાના તળિયે ગયું

02 October, 2026 11:20 AM IST  |  Mumbai | Anil Patel

રુણવાલ એન્ટરપ્રાઇઝિસ માથે લિસ્ટિંગ વચ્ચે ગ્રેમાર્કેટમાં ડિસ્કાઉન્ટમાં બોલાયો: નિફ્ટી વીકલી ધોરણે સતત આઠમા સપ્તાહે ડાઉન, પચીસ વર્ષની પ્રથમ ઘટના

પ્રતીકાત્મક તસવીર

સેન્સેક્સ ૧૧૮૭ પૉઇન્ટ ખરડાઈને નીચામાં ૭૧,૨૯૩ની અંદર ગયો, ૨૦૨૪ની ૧૪ ફેબ્રુઆરી પછીનું બૉટમ બન્યું ઃ સેન્સેક્સ નિફ્ટી ખાતે રિલાયન્સ, ITC, મારુતિ સુઝુકી, હિન્દુસ્તાન યુનિલીવર, જિયો ફાઇનૅન્શિયલ, NTPC, ONGC, મહિન્દ્ર, ભારતી ઍરટેલ, ભારત ઇલેક્ટ્રૉનિક્સ, તાતા કન્ઝ્યુમર, મૅક્સ હેલ્થકૅર જેવા ડઝન શૅર નવા ઐતિહાસિક તળિયે ગયાઃ પૉલિસી બાઝાર ૬ દિવસમાં ૧૮૯૦થી તૂટીને ૯૬૫ની ૩૧ માસની નીચી સપાટીએ ઃ રુણવાલ એન્ટરપ્રાઇઝિસ માથે લિસ્ટિંગ વચ્ચે ગ્રેમાર્કેટમાં ડિસ્કાઉન્ટમાં બોલાયો ઃ નિફ્ટી વીકલી ધોરણે સતત આઠમા સપ્તાહે ડાઉન, પચીસ વર્ષની પ્રથમ ઘટના

વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ જે ૨૫ સપ્ટેમ્બરે ૧૦૭ ડૉલર નજીક હતું એ ધીમા ઘટાડાની ચાલમાં ૯૬ ડૉલરની અંદર જઈ હાલ ૧૦૦ ડૉલર નીચે ચાલે છે. આ જ ગાળામાં આપણો સેન્સેક્સ જે પચીસમીએ ૭૩,૮૯૫ હતો એ બગડતો રહીને ગઈ કાલે ૭૧,૯૧૦ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં તો શૅરઆંક નીચામાં ૭૧,૨૯૩ની અંદર ગયો હતો જે ૨૦૨૪ની ૧૪ ફેબ્રુઆરી પછીના ૩૧ માસની બૉટમ છે. ચાલુ વર્ષે જપાન, સાઉથ કોરિયા, તાઇવાન, સિંગાપોર, અમેરિકા, બ્રિટન, જર્મની, ચાઇના, હૉન્ગકૉન્ગ, ઇવન પાકિસ્તાન સુધ્ધાંનાં શૅરબજાર નવા ઐતિહાસિક શિખર સર કરીને સારા એવા પૉઝિટિવ રીટર્નમાં ચાલી રહ્યા છે ત્યારે આપણો સેન્સેક્સ અત્યારે ૧૫.૬ ટકા તથા નિફ્ટી સવાચૌદ ટકાના નેગેટિવ રીટર્નમાં ચાલે છે. મઝાની વાત એ છે કે આમ છતાં આપણી સરકાર અને સરકારની ઠોઠ ફાઇનૅન્સ મિનિસ્ટર કહે છે, ઇન્ડિયન ઇકૉનૉમી તો ઘણી સધ્ધર છે, બહાર બધે હાલત ખરાબ છે એથી બજાર ઘટે છે. ગજબનો આત્મવિશ્વાસ (કે આત્મ-શ્ળાઘા?) છે આ લોકોમાં.
સેન્સેક્સ આગલા બંધથી ૨૮૭ પૉઇન્ટ નરમ, ૭૨,૧૯૩ ખૂલી છેવટે ૫૭૦ પૉઇન્ટના ઘટાડે ૭૧,૯૧૦ તથા નિફ્ટી ૧૯૮ પૉઇન્ટ બગડી ૨૨,૪૨૨ નીચે ગઈ કાલે બંધ થયો છે. નબળા ઓપનિંગ બાદ બજાર શરૂઆતમાં ક્રમશઃ સુધરતું રહી ઉપરમાં ૭૨,૫૭૩ થયું હતું. આગલા બંધથી ૯૩ પૉઇન્ટનો આ સુધારો ક્ષણિક નીવડ્યો હતો. માર્કેટ ઝડપી ઘસાતું રહી નીચામાં ૭૧,૨૯૩ની અંદર જોવાયું હતું. બજાર ગાંધી જયંતી નિમિત્તે શુક્રવારે રજામાં છે. આ સાથે સેન્સેક્સ સતત ૪ દિવસની નરમાઈમાં કુલ ૧૯૮૫ પૉઇન્ટ તથા નિફ્ટી સળંગ છ દિવસના ઘટાડામાં કુલ ૧૦૨૫ પૉઇન્ટ ડૂલ થયો છે. બજારનું માર્કેટકૅપ ગઈ કાલે ૪.૯૦ લાખ કરોડ ઘટીને ૪૬૬.૯૬ લાખ કરોડ રહ્યું છે. કંગાળ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૦૨૨ શૅરની સામે ૨૫૭૨ શૅર માઇનસ થયા છે. વીકલી ધોરણે નિફ્ટી સતત આઠમા સપ્તાહમાં ઘટ્યો છે જે પચીસ વર્ષની પ્રથમ ઘટના છે. નિફ્ટી એની ૨૦૦ સપ્તાહની મૂવિંગ ઍવરેજ નીચે બંધ રહ્યો છે, એ પણ કોવિડ પછીની પ્રથમ બીના છે.
ગઈ કાલે સિંગાપોરની નજીવી નરમાઈ બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર પ્લસ હતાં. જપાન સવાત્રણ ટકા કે ૨૨૦૧ પૉઇન્ટ ઊછળી ૬૮,૯૫૫ બંધ હતું. સાઉથ કોરિયા બે ટકા નજીક, તાઇવાન ૦.૯ ટકા, થાઇલૅન્ડ તથા હૉન્ગકૉન્ગ સાધારણ સુધર્યાં છે. ચાઇના રજામાં હતું. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી એક ટકો અને ફ્રાન્સ પોણો ટકો માઇનસ દેખાયું છે. અન્યત્ર નજીવી વધઘટ હતી. ડૉલર સામે રૂપિયો ૯૫.૮૩ના આગલા બંધ સામે નીચામાં ૯૬.૩૫ બતાવી ૪૭ પૈસાની નબળાઈમાં ૯૬.૩૦ રહ્યો છે. મતલબ કે FCNR (B) થાપણોની ઉધારીના સિંદૂરથી રૂપિયાના ચહેરા ઉપર જે ચમક આવી હતી એ હવે ગાયબ થવા માંડી છે. રૂપિયો ગગડવાનો છે.

રૂપા સ્ક્રીનમાં ૮૦ ટકા અને મની વ્યુમાં ૫૬ ટકા લિસ્ટિંગ ગેઇન
ગઈ કાલે કુલ ૪ IPO લિસ્ટેડ થયા છે. મેઇન બોર્ડમાં બૅન્ગલોર અર્બનની મની વ્યુ લિમિટેડ એકના શૅરદીઠ ૩૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પાંચથી શરૂ થઈ ઉપર ૧૫ થયા બાદ છેલ્લે ચાલતા ૧૪ના પ્રીમિયમ સામે ૫૫ ખૂલીને ૫૩ બંધ રહેતાં એમાં ૫૬ ટકા લિસ્ટિંગ ગેઇન તથા બૅન્ગલોર અર્બન ખાતેની જ એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૪૦૫ની ઇશ્યુ પ્રાઇસ અને ૫૫થી શરૂ થઈ ઉપરમાં ૬૪ અને નીચામાં ૨૮ થયા પછી છેલ્લે બોલાતા ૩૮ના પ્રીમિયમ સામે ૪૬૨ એમાં મળ્યો છે. SME સેગમેન્ટમાં ઇન્દોરની પેશ્વા વ્હીટ શૅરદીઠ ૧૦૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે BSEમાં ૧૦૦ ખૂલી ૯૫ બંધ થતાં ૫.૯ ટકા લિસ્ટિંગ લૉસ અને અમદાવાદી રૂપા સ્ક્રીન શૅરદીઠ ૬૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૪થી શરૂ થઈ ઝીરો થયા પછી ઊછળી ૩૮ ઉપર પહોંચેલા પ્રીમિયમ સામે BSEમાં ૧૨૧ ખૂલી ૧૧૫ બંધ રહેતાં ૮૦.૫ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. શુક્રવારે બજાર રજામાં છે. સોમવારે રુણવાલ એન્ટરપ્રાઇ‌ઝિસ, જર્મન ગ્રીન સ્ટીલ, ઓરિયેન્ટ કેબલ્સ, સ્નેપડીલવાળી એઇસ વેક્ટર, સાંઈ ઊર્જા, ઇન્ડો વેન્ચર્સ, હિમાલયન સોલર, દુદાણી રીટેલ તથા બેન્ચમાર્ક ઇન્ફોટેક-એમ કુલ આઠ ભરણાં લિસ્ટેડ થશે. હાલ ઓરિયેન્ટ કેબલ્સમાં ૯૪, જર્મન ગ્રીન સ્ટીલમાં ૧૩, બેન્ચમાર્કમાં બાવીસ પ્રીમિયમ છે. રણવલમાં પાંચનું ડિસ્કાઉન્ટ અને એઇસ વેક્ટરમાં ૭૦ પૈસા પ્રીમિયમ ચાલે છે. 
દરમ્યાન આગલા દિવસે જે ૯ IPO લિસ્ટેડ થયાં હતાં એમાં ૮૫.૩ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૨૪૮ બંધ થયેલી એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૨૬૦ની ટૉપ દેખાડી પાંચ ટકા ગગડી ૨૩૬, સાડાતેર ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૨૧૦ બંધ આવેલી સ્વસ્તિકા ઇન્ફ્રા ૨૨૦ના શિખરે જઈને પાંચ ટકા વધી ૨૨૦, સાડાઅગિયાર ટકાથી વધુની લિસ્ટિંગ લૉસમાં ૩૨૦ બંધ રહેલી એલિવેટ કેમ્પાસિસ ઉપરમાં ૩૫૩ બતાવી ૬.૮ ટકા વધી ૩૪૫ તો સવાએક્વીસ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૨૯૫ બંધ થયેલી આર્મી ઇન્ફોટેક ૨૫૮નું નવું બૉટમ નોંધાવી ૭.૩ ટકા તૂટીને ૨૭૪ થઈ છે. SME સેગમેન્ટમાં નામપૂરતો લિસ્ટિંગ ગેઇન સાથે ૭૯ નજીક બંધ આવેલી કોર ઇન્ટિગ્રા કન્સલ્ટિંગ ઉપર ૭૯ નજીક જઈ સાધારણ ઘટાડે ૭૮, ૮.૯ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૨૪ બંધ થયેલી પૂજા લૉજિસ્ટિક્સ ૧૧૮નું નવું તળિયું બતાવી દોઢ ટકો ઘટી ૧૨૨, સાડાપાંચ ટકા લિસ્ટિંગ લૉસમાં ૫૧ બંધ રહેલી લિક્વિડ ડિજિટલ ૪૮નું બૉટમ બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ, નજીવા લિસ્ટિંગ ગેઇનમાં ૧૨૬ બંધ થયેલી એસ.કે. ઓફ્ફસેટ ૧૨૦નું વર્સ્ટ લેવલ બનાવી પાંચ ટકા તૂટી ૧૨૦ તથા એકાદ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૮૯ બંધ રહેનારી યુનિટેક ફાઇબર્સ ૯૫નું શિખર દેખાડી પાંચ ટકા ઊછળી ૯૫ બંધ ગઈ કાલે રહી છે.

આર.કે. ફૅશન ઍક્સેસરીઝનો SME ઇશ્યુ સોમવારે ખૂલશે
સોમવારે SME સેગમેન્ટમાં કલકત્તાની આર.કે. ફૅશન ઍક્સેસરીઝ ૧૦ના શૅરદીઠ ૮૨ની અપર બેન્ડમાં ૩૫ કરોડનો NSE SME IPO કરવાની છે. ૨૦૧૦માં સ્થપાયેલી આ કંપની કૉન્ટ્રૅક્ટ મૅન્યુફૅક્ચરિંગ મારફત ઇમિટેશન જ્વેલરી તથા બ્રૅન્ડેડ કૉસ્મેટિક્સ બનાવડાવીને એનું વેચાણ કરે છે. ગત વર્ષે ૭૭ ટકા વધારામાં ૩૧૫૪ લાખ આવક ઉપર ૨૧૫ ટકા વૃદ્ધિદરથી ૬૨૯ લાખ નફો બતાવ્યો છે. દેવું ૧૭૦ લાખનું છે. બે વર્ષ પહેલાં આવક ૧૪૪૬ લાખ અને નફો ૯૫ લાખ હતો. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હજી શરૂ થયું નથી.
દરમ્યાન ચાલુ ભરણામાંથી જે ૧૦ IPO બુધવારે એકસાથે ખૂલ્યાં હતાં એમાં બીજા દિવસના અંતે મેઇન બોર્ડમાં નિત્યાસ જેમ્સનો પાંચના શૅરદીઠ ૭૫ના ભાવનો ૧૦૮ કરોડનો ઇશ્યુ કુલ ૫૪ ટકા તથા વિશાલ નિર્મિતિનો ૧૦ના શૅરદીઠ ૨૨૦ના ભાવનો ૧૭૮ કરોડનો ઇશ્યુ કુલ ૫૭ ટકા ગઈ કાલે ભરાઈ ગયો છે. હાલ વિશાલમાં ૨૭ અને નિત્યાસમાં ૩નું પ્રીમિયમ ચાલે છે. SME સેગમેન્ટની એકમે ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૯૬ના ભાવનો ૧૨૨ કરોડનો ઇશ્યુ કુલ ૧.૯ ગણો, પેરામાઉન્ટ સિન્ટેક્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ના ભાવનો ૮૨ કરોડનો IPO કુલ ૧.૩ ગણો, ડોવ સૉફ્ટનો ૧૦ના શૅરદીઠ ૧૧૧ના ભાવનો ૭૩ કરોડનો ઇશ્યુ કુલ ૮૫ ટકા, TNA સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૩૮ કરોડનો ઇશ્યુ કુલ પોણાબે ગણો, ઓમારા વેન્ચર્સનો ૧૦ના શૅરદીઠ ૩૧૧ના ભાવનો ૪૨ કરોડનો ઇશ્યુ કુલ ૭૦ ટકા, SJP અલ્ટ્રા સોનિક્સનો ૧૦ના શૅરદીઠ ૬૭ના ભાવનો ૨૩ કરોડનો ઇશ્યુ કુલ ૪૮ ટકા, ઇવેન્શન્સ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૩૮ કરોડનો ઇશ્યુ કુલ પોણાબે ગણો તથા સોલફેજ સ્માર્ટ ઇલેક્ટ્રૉનિક્સનો ૧૦ના શૅરદીઠ ૫૫ના ભાવનો ૨૨ કરોડનો IPO કુલ ૧.૬ ગણો બીજા દિવસના અંતે ભરાયો છે. હાલ એકમે ઇન્ડિયામાં પચીસનું, TNA સૉલ્યુશન્સમાં ૬નું અને બાકીમાં ઝીરો પ્રીમિયમ છે. 
ગઈ કાલે ત્રણ SME ભરણાં પૂરાં થયાં છે. વેન્સ ઇલેક્ટ્રો એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૩૪ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૬૬૦ ગણા સહિત કુલ ૬૧૬ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ ઘટી ૭૦ ચાલે છે. પાપડમલજી ઍગ્રો ફૂડ્સનો શૅરદીઠ ૭૨ના ભાવનો ૨૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧.૬ ગણા સહિત કુલ ૨.૬ ગણો તેમ જ બ્લૅક ઓપેલ કન્સલ્ટન્ટ્સનો શૅરદીઠ ૧૯૭ના ભાવનો ૫૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૫૬ ગણા સહિત કુલ ૭૨ ગણો ભરાઈ પૂરો થયો છે. બ્લૅક ઓપેલમાં ૩૦ અને પાપડમલજીમાં ઝીરો પ્રીમિયમ છે. પ્રથમ ટ્રાયલે ફ્લૉપ જતાં જેની મુદત લંબાવાઈ હતી એ ગ્રીન એશિયા ઇમ્પેક્સનો ૧૦ના શૅરદીઠ ૮૯ના ભાવનો ૫૯ કરોડનો NSE SME IPO એના આખરી દિવસના અંતે રીટેલમાં ૫૫ ટકા સહિત કુલ ૧.૧ ગણો ભરાયો છે. મંગળવારે ખૂલેલો એવરેસ્ટ IMS ટેક્નૉલૉઝિસનો શૅરદીઠ ૮૫ના ભાવનો ૪૮ કરોડનો BSE SME ઇશ્યુ બૅન્ક સ્ટ્રાઇકની આડમાં પાંચમીએ બંધ કરવાનું નક્કી થયેલું છે. આ જ કારણને આગળ ધરી સિલ્વાસાની શ્રી TNB પૉલિમર્સે પણ તેનો ૧૦ના શૅરદીઠ ૫૩ના ભાવનો ૩૨ કરોડનો BSE SME ઇશ્યુ પાંચમી એ બંધ કરવાની જાહેરાત કરી છે. આ ભરણું અત્યાર સુધીમાં રીટેલમાં ૭૦ ટકા સહિત કુલ ૯૦ ટકા ભરાયું છે. હાલ એવરેસ્ટ IMSમાં ૮નું પ્રીમિયમ છે. 

બજાજ ઑટો ૮૨૯ તો મારુતિ સુઝુકી ૫૪૯ રૂપિયા ડૂલ થઈ 
સેન્સેક્સ નિફ્ટી ખાતે ગઈ કાલે ડઝન શૅરમાં નવા ઐતિહાસિક બૉટમ બન્યાં છે. રિલાયન્સ ૧૧૬૧ની ૩૫ માસની નીચી સપાટી નોંધાવી પોણાબે ટકા ખરડાઈ ૧૧૬૬ થઈ છે. જિયો ફાઇનૅન્શિયલ ૨૦૮ની ૧૯ માસની બૉટમ દેખાડી બે ટકા બગડી ૨૧૨ રહી છે. હિન્દુસ્તાન યુનિલીવર ૧૮૨૮ની ૮૮ મહિનાની વર્સ્ટ સપાટી બનાવી સવાબે ટકા ખરડાઈ ૧૮૪૧ હતી. ITC ૨૫૫ નીચે માર્ચ-૨૦૨૨ પછીનું બૉટમ બતાવી અઢી ટકા ગગડી ૨૫૭ બંધ આવી છે. આ ઉપરાંત ONGC, ભારત ઇલેક્ટ્રૉનિક્સ, NTPC, મારુતિ સુઝુકી, ભારતી ઍરટેલ, મૅક્સ હેલ્થકૅર, મહિન્દ્ર જેવા શૅરમાંય નવા નીચા ભાવ નોંધાયા છે. 
ઇન્ફોસિસ ૪ ટકા ઊછળી ૧૦૩૫ના બંધમાં સેન્સેક્સ-નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બની છે. TCS ૧.૪ ટકા, HCL ટેક્નૉલૉઝિસ ૧.૪ ટકા, વિપ્રો પોણા ટકા નજીક તો ટેક મહિન્દ્ર ૦.૪ ટકા પ્લસ હતી. ગઈ કાલે અપવાદરૂપ વધેલા સેક્ટોરલ્સમાં IT બેન્ચમાર્ક પોણાબે ટકા વધી મોખરે હતો. મારુતિ સુઝુકી ૧૧,૩૦૪ની પોણાબે વર્ષની બૉટમ બનાવી ૪.૬ ટકા કે ૫૪૯ રૂપિયા તૂટીને ૧૧,૪૦૦ના બંધમાં સેન્સેક્સમાં તો બજાજ ઑટો ૭.૬ ટકા કે ૮૨૯ રૂપિયાની ખુવારીમાં ૧૦,૦૪૫ બંધ આપીને નિફ્ટીમાં ટૉપ લુઝર બન્યો છે. BSEનો ઑટો ઇન્ડેક્સ ૩.૧ ટકા કે ૧૭૯૭ પૉઇન્ટ તૂટ્યો છે. અપોલો ટાયર્સ સાધારણ સુધર્યો હતો. બાકીના ૨૦ શૅર ઘટ્યા છે. મહિન્દ્ર સવાત્રણ ટકા, તાતા સ્ટીલ ૩ ટકા, અદાણી પોર્ટ્સ પોણાત્રણ ટકા, પાવરગ્રીડ સવાબે ટકા, શ્રીરામ ફાઇનૅન્સ પોણાચાર ટકા, ગ્રાદિમ સવાત્રણ ટકા, આઇશર સવાત્રણ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૩ ટકા, NTPC ૨.૪ ટકા ઘટાડે સેન્સેક્સ નિફ્ટીમાં મોખરે હતી. 
પૉલિસી બાઝારવાળી પીબી ફિનટેક ૯૬૫ની ૩૧ માસની બૉટમ બનાવી ૭.૭ ટકા લથડી ૯૮૩ બંધ થઈ છે. ૬ દિવસમાં આ શૅર ૧૮૯૦થી તૂટી ૯૬૫ થયો છે. ચેન્નઈ પેટ્રોલિયમ સવાછ ટકા લપસી ૧૩૪૬ હતી. પવઈ ખાતેની એસેટ્સના વેચાણના અહેવાલે MTNL ૧૯ ગણા કામકાજે ઉપરમાં ૨૭ થઈ સવાસાત ટકા વધીને પચીસ નજીક ગઈ છે.

business news nifty sensex share market stock market national stock exchange bombay stock exchange