19 September, 2026 08:00 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એશિયન બજારોના પ્રમાણમાં મજબૂત વલણ વચ્ચે ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૨૬૧ પૉઇન્ટ પ્લસ ૭૪,૫૭૫ ખૂલી છેવટે ૨૦ પૉઇન્ટ નજીકની પરચૂરણ નરમાઈમાં ૭૪,૨૯૫ નીચે ગઈ કાલે બંધ થયો છે. સામે નિફ્ટી ૭૬ પૉઇન્ટની આગેકૂચમાં ૨૩,૩૪૬ રહ્યો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ સેન્સેક્સ ત્રણ વાગ્યા સુધી પૉઝિટિવ ઝોનમાં હતો. ત્રણ વાગ્યાની આસપાસ ૭૪,૭૨૮ની ઇન્ટ્રા-ડે ટૉપ બની હતી. કસીનો સેશન શરૂ થયું અે પૂર્વે સેન્સેક્સ ૭૪,૫૬૦ હતો અે કસીનો સેશનમાં સીધો ૫૩૩ પૉઇન્ટ ડૂલ થઈ ૭૩,૨૯૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ત્યાં જ બંધ આવ્યો છે. નિફ્ટી કસીનો સેશન પૂર્વે ૨૩,૩૪૨ હતો અે નીચામાં ૨૩,૨૮૬ થઈ ૨૩,૩૪૬ બંધ થયો છે. બજારનું માર્કેટકૅપ ૩.૭૧ લાખ કરોડ વધીને ૪૭૯.૭૯ લાખ કરોડ નજીક ગયું છે. સ્ટ્રોન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૩૮૭ શૅર સામે ૧૧૫૪ જાતો નરમ હતી.
અદાણીના શૅર ગઈ કાલે ડિમાન્ડમાં હતા. અદાણી પોર્ટ્સ નિફ્ટી ખાતે પાંચેક ટકા કે ૮૬ રૂપિયા નજીકની તેજીમાં ૧૮૨૪ તો સેન્સેક્સમાં પોણાચાર ટકા કે ૬૪ રૂપિયા ઉપર ઊંચકાઈ ૧૮૦૧ના બંધમાં ટૉપ ગેઇનર બન્યો છે. નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇઝીસ ૩.૩ ટકા વધીને ૩૦૨૦ના બંધમાં સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. અદાણી ટોટલ સાડાબાર ટકાની તેજીમાં ૬૬૧ નજીકના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે સેકન્ડ બેસ્ટ ગેઇનર હતો. અદાણી પાવર બે ટકા, અદાણી એનર્જી ૨.૪ ટકા, અદાણી ગ્રીન પોણાચાર ટકા, ACC ૨.૬ ટકા, અંબુજા સિમેન્ટ્સ સવાબે ટકા વધી છે.
HDFC બૅન્ક સવાબે ટકા વધી ૭૨૯ના બંધમાં બજારને ૨૦૭ પૉઇન્ટ ફળી છે. નિફ્ટીમાં ભાવ અઢી ટકા વધી ૭૩૧ હતો. ભારતી ઍરટેલ નિફ્ટીમાં ૩.૧ ટકા વધી ૧૮૯૩ બંધ હતી. સેન્સેક્સમાં આજ શૅર બે ટકા વધી ૧૮૬૬ થયો છે. બજાજ ફાઇનૅન્સ નિફ્ટીમાં અઢી ટકા વધી ૧૦૪૦ વટાવી ગયો છે. સેન્સેક્સમાં અે એક ટકો વધી ૧૦૨૭ હતો. સેન્સેક્સમાં પાવરગ્રીડ અઢી ટકા વધી સેકન્ડ બેસ્ટ ગેઇનર બની છે. રિલાયન્સ ૧૨૩૪ નીચે નવા ઐતિહાસિક તળિયે જઈ અડધો ટકો ઘટીને ત્યાં જ રહી છે. મારુતિ સુઝુકી બે ટકા બગડી ૧૨,૧૪૫ હતી. અન્યમાં એશિયન પેઇન્ટ્સ બે ટકા, ટેક મહિન્દ્ર ૧.૮ ટકા, સનફાર્મા દોઢ ટકા, અલ્ટ્રાટેક દોઢ ટકા, કોલ ઇન્ડિયા બે ટકા બગડી હતી.
એવલોન ટેક્નૉલૉઝિસ ૨૬૨૦ના શિખરે જઈ ૧૩.૭ ટકાના જમ્પમાં ૨૫૩૬ બંધ આપી ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બની છે. સ્યર્મા SGS પણ ૧૭૬૫ની નવી ટોચે જઈ ૭ ટકાના ઉછાળે ૧૭૨૮ થઈ છે. હનીવેલ ઑટોમેશન સાડાપાંચ ટકા કે ૧૮૬૪ના તગડા ઉછાળે ૩૫,૭૫૧ વટાવી ગઈ છે. થોડા દિવસ પહેલાં લિસ્ટેડ થયેલી ઇન્ડોમીમ ૧૦૬૪ની સર્વોચ્ચ સપાટી નોંધાવી સાડાછ ટકા ઊચકાઈ ૧૦૫૮ રહી છે. ગઈ કાલે એશિયા ખાતે સાઉથ કોરિયા અઢી ટકા, તાઇવાન ૧.૯ ટકા, જપાન દોઢ ટકો, ચાઇના એક ટકો, હૉન્ગકૉન્ગ અડધો ટકો અપ હતું. યુરોપ વિપરિત ચાલમાં એકથી દોઢ ટકો રનિંગમાં માઇનસ ચાલતું હતું.
ગઈ કાલે નવાં ૪ ભરણાં લિસ્ટેડ થયાં છે. મેઇન બોર્ડ ખાતે વિગાલૅન્ડ ડેવલપર્સ ૧૦ના શૅરદીઠ ૧૪૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૮થી શરૂ થઈ ઉપરમાં ૩૩ થઈ નીચામાં પાંચ બોલાયા બાદ છેલ્લે ચાલતા ૬ના પ્રીમિયમ સામે ૧૫૧ ખૂલી ૧૪૫ બંધ થતાં ૩.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટનાં નવાં લિસ્ટેડ થયેલાં ૪ ભરણાંમાં પંચત્વ ભારત ૧૦ના શૅરદીઠ ૧૪૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ૭થી શરૂ થઈ ઉપર ૨૧ થયા બાદ ગગડી ૩ થયેલા પ્રીમિયમ સામે BSE ખાતે ૧૨૯ ખૂલીને ૧૨૨ બંધ રહેતાં ૧૨.૫ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. રેકસન ટ્રાન્સફૉર્મર્સ ૧૦ના શૅરદીઠ ૨૭૩ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ગ્રેમાર્કેટમાં ૨૫થી શરૂ થઈ ૬૧ થયા બાદ ઘટાડામાં છેલ્લે ૧૭ થયેલા પ્રીમિયમ સામે BSE ખાતે ૨૭૩ ખૂલીને ૨૮૭ બંધ આવતાં પાંચ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ઓમ ગૅલૅક્સી પાંચના શૅરદીઠ ૯૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પહેલેથી ઝીરો પ્રીમિયમ સામે BSEમાં ૯૦ ખૂલી ૯૧ બંધ થતાં ૧.૧ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મહારાજા ઍન્ડ સ્પીડેક્સ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૮૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૫થી શરૂ થઈ ૪૮ થયા બાદ છેલ્લે ચાલતા ૨૮ના પ્રીમિયમ સામે BSEમાં ૨૫૦ ખૂલી ૨૬૨ બંધ રહેતાં ૪૧ ટકા લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે.
સોમવારે ઇન્જેક્ટો પૉલિમર્સ, સેન્ચ્યુરી બિઝનેસ મીડિયા તથા મણિકા પ્લાસ્ટેક લિસ્ટિંગમાં જશે. અત્યારે મણિકામાં ૨ રૂપિયા, સેન્ચ્યુરી બિઝનેસમાં ઝીરો તથા ઇન્જેક્ટોમાં ઝીરો પ્રીમિયમ છે.
દરમ્યાન આગલા દિવસે જે ૯ IPOઓનું લિસ્ટિંગ થયું હતું અેમાં ૬ કંપનીઓ મેઇન બોર્ડની હતી. ૩૨ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૫૩૩ બંધ રહેલી રેન્ટોમોજો ગઈ કાલે ૫૮૧ની ટૉપ બનાવી ૩.૭ ટકા ગગડી ૫૧૩ બંધ આવી છે. મુંબઈની કરમતારા એન્જિનિયરિંગ ૩૮.૬ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૩૫૨ બંધ થયા પછી વળતા દિવસે ૩૭૮નું શિખર દેખાડી પોણો ટકો ઘટી ૩૪૯ થઈ છે. અમદાવાદની LCC પ્રોજેક્ટ્સ સવાઅઢાર ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ગુરુવારે ૧૭૩ બંધ હતી. ગઈ કાલે ૧૫૫ના વર્સ્ટ લેવલે જઈ ૯.૫ ટકા તૂટી ૧૫૬ બંધ આવી છે. સુરતની સ્ટીમ હાઉસ ઇન્ડિયા ૨૬.૨ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૦૨ના ક્લોઝિંગ પછી ગઈ કાલે ૧૦૬ની ટૉપ નોંધાવી ૩.૪ ટકા બગડી ૯૯ નજીક હતી. મનીપાલ પેમેન્ટ બે ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૩૪૬ બંધ રહ્યા પછી ગઈ કાલે ૩૫૦ની ટોચે જઈ નજીવા ઘટાડે ૩૪૫ થઈ છે. આર્સિલ અર્થાત ઍસેટ રિકન્સ્ટ્રક્શન કંપની દોઢ ટકાની લિસ્ટિંગ લૉસમાં આગલા દિવસે ૧૩૭ બંધ હતી. ગઈ કાલે ૧૨૪નું નવું બૉટમ બતાવી પોણો ટકો ઘટીને ૧૩૬ રહી છે. SME સેગમેન્ટમાં ૪૦ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૦૫ બંધ થયેલી એમટેક ઇસ્ટર્સ ગઈ કાલે ૧૧૦ની નવી ટોચ બનાવી પાંચ ટકા વધી ૧૦૫ તથા ઇનફ્રેક્સ રીન્યુએબલ ૨.૯ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૦૭ બંધ થયા પછી શુક્રવારે ૧૦૮ની ટોચે જઈ અડધો ટકો ઘટી ૧૦૫ બંધ આવી છે. અમદાવાદી વિનોદ ટેક્સવર્લ્ડ પાંચ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૮૯ બંધ રહ્યા પછી વળતા દિવસે ૮૫ નજીકની બૉટમ નોંધાવી પાંચ ટકા તૂટી ત્યાં જ હતી. અન્ય તાજેતરના લિસ્ટેડ શૅરમાં કાનોહર ઇલેક્ટ્રિકલ્સ ઉપર ૮૫૫ બતાવી ૩.૮ ટકા ઘટી ૭૮૮, પ્રસોલ કેમિકલ્સ ૭૩૪નું શિખર દેખાડી ૩ ટકા વધી ૭૦૦ તથા ગ્લાસ વૉલ સિસ્ટમ્સ ૩૦૪ની નવી ટૉપ નોંધાવી સાડાચાર ટકા વધી ૨૭૦ રહી છે.
સોમવારે SME સેગમેન્ટમાં ૩ નવાં ઇશ્યુ છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી ખાતેની વિવેકાનંદ કોટસ્પિન ૧૦ના શૅરદીઠ ૩૭ના ભાવથી ૨૨ કરોડનો BSE SME IPO કરવાની છે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપની કોટન પ્રોસેસિંગ કરીને યાર્ન બનાવે છે. ગત વર્ષે ૪૧ ટકા વધારામાં ૪૦૯ કરોડની આવક ઉપર ૯ ટકા ઘટાડામાં ૩૬૯ લાખ નફો કર્યો છે. દેવું ૪૫ કરોડ છે. ઇશ્યુમાંથી ૧૧ કરોડ વર્કિંગ કૅપિટલમાં અને ૫૨૭ લાખ કૅપેક્સમાં વાપરશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. અમદાવાદની FX મલ્ટિટેક ૧૦ના શૅરદીઠ ૪૫ કરોડનો BSE SME ઇશ્યુ કરવાની છે. અેમાંથી OFS પેટે ૪ કરોડ પ્રમોટર્સ લઈ જશે. QIB પોર્શન ૫૦ ટકા નજીક છે. ૨૦૦૮માં સ્થપાયેલી આ કંપની હીટિંગ, વેન્ટિલેશન તથા ઍરકન્ડિશનિંગ અને ઇન્ડસ્ટ્રીઅલ રેફ્રિજરેશનને લગતી પ્રોડક્ટ્સનું વેચાણ તેમ જ નિકાસ કરે છે. અેનું ખુદનું કોઈ મૅન્યુફૅક્ચરિંગ નથી. ગત વર્ષે ૯ ટકા વધારામાં ૧૧૨ કરોડ જેવી આવક ઉપર ૨૦ ટકાના વધારામાં ૧૧૫૪ લાખ નફો બતાવ્યો છે. દેવું ૧૮૪૨ લાખ છે. ઇશ્યુમાંથી ૧૦ કરોડ દેવાની ચુકવણીમાં, ૧૪૮૩ લાખ વર્કિંગ કૅપિટલમાં તથા ૬૨૬ લાખ સબસિડિયરી કંપની માટે મશીનરી ખરીદવામાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ બોલાતું નથી. મહારાષ્ટ્રના પુણેની રોબોકીડ્ઝ એજ્યુવેન્યર્સ ૧૦ના શૅરદીઠ ૧૦૬ના ભાવથી ૩૧ કરોડનો BSE SME ઇશ્યુ સોમવારે કરશે. QIB ૫૦ ટકા જેવું છે. ૨૦૧૪માં સ્થપાયેલી આ કંપની એજ્યુકેશન ટેક્નૉલૉઝીસ કંપની હોવાના દાવા સાથે KGથી લઈને ૧૨મી સુધીના વિદ્યાર્થીઓનો રોબોટિક્સ, AI, કોડિઠગ, ઇલેક્ટ્રૉનિક્સ, સાયન્સ ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને મેથ્સને આવરી લેતાં STEM સેગમેન્ટમાં લર્નિંગ પ્રોગ્રામ પૂરો પાડે છે. ગત વર્ષે ૫૮ ટકા વધારામાં ૯૩૭૨ લાખની આવક ઉપર ૧૦૨ ટકા વૃદ્ધિદરથી ૧૦૦૬ લાખ નફો બતાવ્યો છે. દેવું ૩૦ કરોડ નજીક પહોંચ્યું છે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ ૪૫થી શરૂ હાલ ૫૧ બોલાય છે.
બરોડા ખાતેની એક્ઝિઓમ ગૅસનો પાંચના શૅરદીઠ ૫૪ના ભાવનો ૫૧ કરોડનો NSE SME IPO ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૬૪ ટકા સહિત કુલ ૬૧ ટકા ભરાયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી. મેઇન બોર્ડ ખાતે હાઈ પ્રોફાઇલ NSEનો એકના શૅરદીઠ ૧૭૮૫ના ભાવનો ૨૨,૫૬૨ કરોડનો મેગા ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧.૦૪ ગણો તથા સોના સિલેક્શન ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૯૯ના ભાવનો ૧૪૨ કરોડનો ઇશ્યુ કુલ ૨૦ ટકા ભરાયો છે. હાલ NSEમાં પ્રીમિયમ ગગડીને ૧૧૩ તથા સોના સિલેક્શનમાં બે ચાલે છે. SME સેગમેન્ટમાં સ્પેક્ટ્રા ટેક્નૉલૉજી સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૪૩ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૯.૮ ગણો તેમ જ ખેડિયા ઑટોકોમ્પનો ૧૦ના શૅરદીઠ ૧૦૧ના ભાવનો ૪૬ કરોડનો ઇશ્યુ કુલ ૪૧ ટકા ભરાયો છે. અત્યારે ખેડિયામાં ૧૦ અને સ્પેક્ટ્રામાં ૩૦ પ્રીમિયમ છે.
મેઇન બોર્ડમાં ત્રણ ભરણાં ગઈ કાલે પૂરાં થયાં છે. હીરો મોટર્સનો ૧૦ના શૅરદીઠ ૮૪ના ભાવનો ૧૦૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૮.૬ ગણા સહિત કુલ ૭ ગણો, એસ.એસ. રીટેઇલનો ૧૦ના શૅરદીઠ ૪૨૪ના ભાવનો ૫૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩૫.૮ ગણા સહિત કુલ ૧૦૭ ગણો તથા જિંદલ સુપ્રીમનો ૧૦ના શૅરદીઠ ૯૩ના ભાવનો ૧૨૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૪૨ ગણા સહિત કુલ ૧૭૭ ગણો ભરાઈ પૂરો થયો છે. હાલ હીરોમાં ઝીરો, એસએસ રીટેલમાં ૧૪૩ અને જિંદલમાં ૩૧ પ્રીમિયમ છે.
નોએલ તાતાના વિટોના પગલે તાતા સન્સના IPOનો તેમ જ એન. ચંદ્રશેખરનની પુનઃવરણીનો તાતા સન્સનો ઠરાવ અટવાઈ ગયો છે. અેની આડઅસરમાં આગલા દિવસે લાઇમલાઇટમાં આવેલા તાતા ગ્રુપના શૅર ગઈ કાલે માયૂસ થયા છે. તાતા કેમિકલ્સ ૩ ગણા કામકાજે ૧૧.૧ ટકા તૂટી ૬૯૩ બંધ થઈ છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ નીચામાં ૬૮૨ થઈ પોણાત્રણ ટકા નજીકની નરમાઈમાં ૭૦૦ હતી. TCS સેન્સેક્સમાં ૪.૩ ટકા ખરડાઈ ૨૧૦૧ તો નિફ્ટીમાં ૩.૯ ટકાની ખરાબીમાં ૨૧૦૫ બંધ આપી ટૉપ લૂઝર બની છે. તાતા મોટર્સ પૅસેન્જર સાડાત્રણ ટકા નજીક ગગડી ૩૦૪ નીચેના બંધમાં નિફ્ટીમાં સેકન્ડ વર્સ્ટ લૂઝર હતી. તાતા ગ્રુપના અન્ય શૅરમાં ટાઇટન બે ટકા, તાતા સ્ટીલ પોણાબે ટકા, તાતા ટેલીસર્વિસીસ અઢી ટકા, તાતા ઍલેક્સી ૧.૩ ટકા, તાતા ટેક્નૉલૉઝીસ ૪.૭ ટકા, તાતા કમ્યુનિકેશન્સ પોણાબે ટકા, તેજસ નેટ સવા ટકો માઇનસ હતી. સામે નેલ્કો ૪ ટકા, તાતા કૅપિટલ ૧.૯ ટકા, ઇન્ડિયન હોટેલ્સ પોણો ટકો, તાતા મોટર્સ સવા ટકો પ્લસ હતી.
ફસાઈ તરફથી બેબી ફૂડ્સમાં ગુણવત્તાના મામલે નેસ્લે ઇન્ડિયાને સકંજામાં લેવાઈ હોવાના અહેવાલ પાછળ શૅર ત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૧૩૩૮ થઈ ૧.૪ ટકા ઘટી ૧૩૫૩ બંધ થયો છે.
મઝાની વાત એ છે કે નિફ્ટીમાં આ શૅર પૉઝિટિવ બાયસમાં ૧૩૭૨ ઉપર બંધ હતો. લેન્સકાર્ટ સૉલ્યુશન્સ બુલરન આગળ ધપાવતાં ૭૨૫ની લાઇફટાઇમ હાઈ બનાવી ચારેક ટકા ઊંચકાઈ ૭૦૬ વટાવી ગઈ છે. ઇન્શ્યૉરન્સ શૅરમાં તાજેતરની મજબૂતી બાદ HDFC લાઇફ પોણો ટકો, ન્યુ ઇન્ડિયા ઍશ્યૉરન્સ પાંચેક ટકા અને ગોડીજીટ ૬.૪ ટકા ખરડાઈ હતી. સામે જનરલ ઇન્શ્યૉરન્સ સવાત્રણ ટકા, મૅક્સ ફાઇનૅન્સ દોઢેક ટકો, SBI લાઇફ તથા LIC અડધા ટકા નજીક, ICICI પ્રુડેન્શિયલ લાઇફ સાડાત્રણ ટકા વધી હતી. પૉલિસી બાઝાર ફેમ પીબી ફીનટેક વધુ સવા ટકો ઘટી ૧૭૪૦ થઈ છે.