નબળી શરૂઆત બાદ શૅરબજાર નીચલા મથાળેથી ૧૦૫૬ પૉઇન્ટ બાઉન્સ થયું

17 February, 2026 07:58 AM IST  |  Mumbai | Anil Patel

કંગાળ રિઝલ્ટમાં ઓલા ઇલે​ક્ટ્રિક ઑલ ટાઇમ તળિયે, એમ્કે ગ્લોબલ તથા કોટકની વીસના ટાર્ગેટથી વેચવાની ભલામણ : રિઝર્વ બૅન્કે ધિરાણના નિયમ આકરા બનાવતાં સ્ટૉક બ્રોકિંગ તથા માર્કેટ ઇન્ટરમીડિયેટરીઝ શૅરમાં માનસ ખરડાયું, BSE લિમિટેડ સવાસાત ટકા ડૂલ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શુક્રવારના હજારી ધબડકા સાથે નરમાઈની હૅટ-ટ્રિક બાદ શૅરબજારે નવા સપ્તાહની શરૂઆત ટેક્નિકલ સુધારા સાથે કરી છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૪૭ પૉઇન્ટ ઢીલો ૮૨,૪૮૦ ખૂલી છેવટે ૬૫૦ પૉઇન્ટના સુધારામાં ૮૩,૨૭૭ તથા નિફ્ટી ૨૧૨ પૉઇન્ટ વધીને ૨૫,૬૮૩ સોમવારે બંધ થયો છે. શૅરઆંક કમજોર ઓપનિંગ બાદ નીચામાં ૮૨,૨૭૭ની અંદર જઈ ક્રમશઃ વધતો રહી ઉપરમાં ૮૩,૩૩૩ દેખાયો હતો. માર્કેટ બ્રેડ્થ જોકે નબળી હતી. NSEમાં વધેલા ૧૩૪૩ શૅરની સામે ૧૮૨૭ કાઉન્ટર ઘટ્યાં છે. માર્કેટકૅપ ૩.૧૩ લાખ કરોડ વધીને ૪૬૮.૫૮ લાખ કરોડ થયું છે. જૂજ સેક્ટોરલ બાદ કરતાં તમામ ઇન્ડાઇસિસ પ્લસ હતાં. પાવર બેન્ચમાર્ક ૨.૪ ટકા, યુટિલિટીઝ ૨.૨ ટકા, રિયલ્ટી દોઢ ટકા નજીક, બૅન્ક નિફ્ટી સવા ટકા તથા કૅપિટલ ગુડ્સ એક ટકા આસપાસ વધ્યા છે. સામે નિફ્ટી મીડિયા ૦.૯ ટકા, ઑટો પોણો ટકો, IT ફ્લૅટ નિફ્ટી કૅપિટલ માર્કેટ ૧.૪ ટકા માઇનસ હતો.

લેવરેજિસ ટ્રેડિંગને નાથવા રિઝર્વ બૅન્ક તરફથી બ્રોકર્સ તેમ જ પ્રૉપરાઇટરી ટ્રેડર્સ માટે ધિરાણના નિયમ કડક કરવામાં આવ્યા છે જે એપ્રિલથી લાગુ પડશે. નવા ધોરણમાં કૅપિટલ માર્કેટ ઇન્ટરમિડિયેટરીઝ માટે લોનના કિસ્સામાં ૧૦૦ ટકા જામીનગીરી કે કો-લેટરલ તથા કો-લેટરલમાં શૅર હોય તો એની વૅલ્યુ બજારભાવ કરતાં ૪૦ ટકા નીચે ગણવાની જોગવાઇ છે. આના લીધે બ્રોકર્સ-ટ્રેડર્સની ધિરાણ-પાત્રતામાં ઘટાડો થશે, તેમના માટે ધિરાણની કૉસ્ટ વધશે. રિઝર્વ બૅન્કના નિયમની અસરમાં ગઈ કાલે BSE લિમિટેડનો શૅર નીચામાં ૨૭૨૬ થઈ ૭.૩ ટકા કે ૨૨૧ રૂપિયા ગગડી ૨૮૦૪ થયો છે. બ્રોકરેજ ફર્મ એન્જલવન નીચે ૨૪૪૩ થઈ ૪.૪ ટકા ખરડાઈ ૨૫૭૫, ગ્રોફેમ બિલિયન બ્રેઇન્સ નીચે ૧૬૪ બતાવી પોણાબે ટકા ઘટી ૧૭૦ શૅર ઇન્ડિયા ૩ ટકા ગગડી ૧૪૫, આનંદરાઠી શૅર ઍન્ડ સ્ટૉક બ્રોકિંગ ચારેક ટકા ઘટીને ૫૩૩, જિયૉજિત ફાઇ. સવા ત્રણ ટકા ઘટી ૬૭, MCX નીચામાં ૨૧૬૮ બતાવી નજીવો ઘટી ૨૩૪૦ બંધ થઈ છે. IT ઇન્ડેક્સ નબળાઈની નજીવો ઘટી ૨૩૪૦ બંધ થઈ છે. IT ઇન્ડેકસ નબળાઈની આગેકૂચમાં ૩૧,૨૦૩ થઈ નામપૂરતો સુધરીને ફ્લૅટ રહ્યો છે.એના ૭૭માંથી ૪૯ શૅર માઇનસ હતા. હેવીવેઇટ્સમાં ઇન્ફી ૦.૩ ટકા, ટેક મહિન્દ્ર દોઢ ટકા, વિપ્રો ૦.૪ ટકા બગડી છે. લાટિમ ૦.૩ ટકા સુધરી હતી. TCS નીચામાં ૨૬૭૧ થઈ અડધો ટકો વધીને ૨૭૦૮ રહી છે અત્રે સાઇડ શૅરમાં ઓરિએન્ટ ટેક્નૉલૉજી ૧૧.૬ ટકા મૅપ માય ઇન્ડિયા સાડાછ ટકા, ઈમુદ્રા ૪.૮ ટકા, ઝગલ ૫.૨ ટકા, નિન્ટેક સિસ્ટમ્સ ૫.૭ ટકા, ઑનવર્ડ પ્લૅટફૉર્મ ૩.૭ ટકા, ન્યુજેન સાડાત્રણ ટકા, ઝેનસાર ટેક્નો બે ટકા, ASM ટેક્નૉલૉજીઝ ૩.૩ ટકા ખરડાઈ છે.

પાવરગ્રીડ ૪ ગણા કામકાજે ઉપરમાં ૩૦૧ થઈ ૪.૫ ટકા વધીને ૩૦૦ના બંધમાં સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ ગેઇનર બની છે. HDFC બૅન્ક સવાબે ટકા વધી બજારને સર્વાધિક ૨૫૫ પૉઇન્ટ ફળી છે. ઍ​ક્સિસ બૅન્ક બે ટકા વધતાં એમાં બીજા ૬૨ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. અન્યમાં કોલ ઇન્ડિયા સવાત્રણ ટકા, મેક્સ હેલ્થકૅર ૨.૧ ટકા, અદાણી એન્ટર. સવા બે ટકા, ONGC દોઢ ટકા, NTPC ૧.૭ ટકા, એશિયન પેઇન્ટ ૧.૪ ટકા, સિપ્લા ૧.૯ ટકા મજબૂત હતી. રિલાયન્સ ૧.૨ ટકા વધીને ૧૪૩૬ હતી. ઘટાડામાં ટેક મહિન્દ્ર ૧.૪ ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૧ ટકા, ક્વૉલિટી ૧.૩ ટકા, મહિન્દ્ર ૦.૭ ટકા, બજાજ ઑટો ૦.૬ ટકા, મારુતિ સુઝુકી ૧.૧ ટકા, જિયો ફાઇનૅન્સ અડધો ટકા, આઇશર ૦.૭ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૦.૮ ટકા બગડી આગળ રહી છે.

એ-ગ્રુપમાં નાટ્કો ફાર્મા દ્વારા વેઇટ લૉસ તથા ટાઇપ ટુ ડાયાબિટીઝના ઇલાજ માટે દેશમાં સેમલગ્લુટાઇડનું જેનરિક વર્ઝન લૉન્ચ કરવાની મંજૂરી મળતાં શૅર ૫૦ ગણા વૉલ્યુમે ઉપરમાં ૯૩૨ થઈ ૭.૪ ટકાના જમ્પમાં ૮૮૨ બંધ થયો છે. એ​ન્જિનિયર્સ ઇન્ડિયા રિઝલ્ટનો કરન્ટ જાળવી રાખતાં વધુ બાર ટકા ઊંચકાઈ ૨૨૭ થઈ છે. ફર્સ્ટક્રાય ફેમ બ્રેઇનબીઝ રિઝલ્ટ પાછળ ૧૧ ટકા તૂટી ૨૪૦ના વર્સ્ટ લેવલે બંધ રહી છે. નબળા રિઝલ્ટમાં શક્તિ પમ્પ્સ પણ ૧૧.૮ ટકા લથડી ૫૬૪ હતી. 

હિન્દુસ્તાન યુનિલીવરની ક્વૉલિટી વૉલ્સ ડિસ્કવર્ડ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ગઈ

હિન્દુસ્તાન યુનિલીવરના આઇસક્રીમ બિઝનેસના ડી-મર્જરથી અસ્તિત્વમાં આવેલી નવી કંપની ક્વૉલિટી વૉલ્સનું ગઈ કાલે લિ​સ્ટિંગ થયું છે. ભાવ ૨૯.૯૦ ખૂલી ઉપરમાં ૩૧.૩૯ અને નીચામાં ૨૮.૪૧ થઈને ૨૯.૫૧ બંધ થયો છે. ફેસવૅલ્યુ એકની છે. ડી-મર્જરમાં હિન્દુસ્તાન યુનિલીવરના એક શૅરદીઠ ક્વૉલિટીનો એક શૅર અપાયો હતો. ક્વૉલિટી વૉલ્સનું માર્કેટકૅપ ગઈ કાલે ૬૯૩૩ કરોડ રૂપિયા નોંધાયું હતું. દરમ્યાન હિન્દુસ્તાન યુનિલીવરનો ભાવ ગઈ કાલે નીચા ૨૨૮૮ થઈ અડધો ટકો સુધરી ૨૩૧૯ હતો. ડીમર્જરની રેકૉર્ડડેટમાં હિન્દુસ્તાન યુનિલીવરના શૅરનો ભાવ ૪૦.૨૦ રૂપિયા નીચે રખાયો હતો જે સાદી ભાષામાં કહીએ તો આસક્રીમ બિઝનેસનું વૅલ્યુએશન કે ક્વૉલિટી વૉલ્સના શૅરની ડિસ્કવરી પ્રાઇસ હતી.

ડાબર ફેમ અર્મન ફૅમિલી દ્વારા રેલિગેર એન્ટરપ્રાઇઝિસનું ટેક ઓવર કરાયા પછી બિઝનેસનું રીસ્ટ્રક્ચરિંગ જાહેર કરાયું છે. જેના ભાગરૂપ રેલિગેર એન્ટરપ્રાઇઝિસનો બ્રોકિંગ, ઇન્વેસ્ટમેન્ટ તથા એને રિલેટેડ સર્વિસિસ બિઝનેસ રેલિગેર ફિનટેક નામની અલગ કંપનીમાં ડીમર્જ કરાશે. ડીમર્જરમાં શૅરધારકોને રેલિગેર એન્ટર.ના એક શૅરદીઠ નવી કંપની રેલિગેર ફિનટેકનો શૅર અપાશે. રેલિગેર એન્ટર. કૅર હેલ્થ ઇન્સ્યોરન્સ લિમિટેડમાં એના ૬૩.૨ ટકાના હો​લ્ડિંગ સાથે મુખ્યત્વે હવે ઇન્શ્યૉરન્સ બિઝનેસ સંભળાશે. શૅર ગઈ કાલે ઉપર ૨૪૯ બતાવી સવાપાંચ ટકા તૂટી ૨૩૧ રહ્યા છે.

મનપ્પુરમ ફાઇનૅન્સમાં ઇ​ક્વિટી તેમ જ કન્વર્ટિબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારફત ૪૧.૭ ટકા હો​લ્ડિંગ હસ્તગત કરવાની એઇન કૅપિટલની દરખાસ્તને રિઝર્વ બૅન્કની મંજૂરી મળી છે. આના પગલે કંપનીમાં શૅરદીઠ ૨૩૬ના ભાવે ઓપન ઑફર આવશે. શૅર ગઈ કાલે નીચામાં ૨૯૫ બતાવી નહીંવત્ ઘટીને ૩૦૨ બંધ થયો છે. હાલનો બજારભાવ જોતાં ૨૩૬ના ભાવની ઓપન ઑફરનો કશો મતલબ રહેતો નથી. 

IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મેઇડન બોનસ જાહેર, શૅર નરમ

ઓલા ઇલે​​ક્ટ્રિકની ત્રિમાસિક આવક ૫૫ ટકા ગગડી ૪૭૦ કરોડ થઈ છે, ચોખ્ખી ખોટ અગાઉના ૫૬૪ કરોડના મુકાબલે ઘટીને ૪૮૭ કરોડ રહી છે. જોકે અહીં મજાની વાત એ છે કે આ વેળા ચોખ્ખી ખોટ કંપનીની આવક કરતાં પણ વધી ગઈ છે. દરમ્યાન ગોવાની કન્ઝ્યુમર કોર્ટ તરફથી એક ગ્રાહકની ફરિયાદના મામલામાં હાજર થવાના આદેશની અવગણા બદલ કંપનીના CEO તેમ જ ફાઉન્ડર ભાવિશ અગરવાલ સામે બેઇલેબલ વૉરન્ટ જારી કર્યું હોવાના અહેવાલ છે. ઓલા ઇલેક્ટ્રિકનો શૅર ગઈ કાલે ૨૮.૭૩નું તળિયું બતાવી ૬.૭ ટકા તૂટી ૨૮.૩૩ બંધ થયો છે. પ્રચાર તંત્રની હાઇપમાં હાઈ પ્રોફાઇલ બનેલી આ કંપની ઑગસ્ટ ૨૦૨૪ના આરંભે ૧૦ના શૅરદીઠ ૭૬ના ભાવે ૬૪૬ કરોડની OFS સહિત કુલ ૬૧૪૬ કરોડનો ઇશ્યુ લાવી હતી. સતત ખોટ કરતી ઓલાનું ભરણું કુલ સાડાચાર ગણું ભરાયું હતું. ૨૦૨૪ની ૯ ઑગસ્ટે લિ​સ્ટિંગમાં ભાવ ૯૧.૨૦ બંધ થયો હતો જે ૧૯ ઑગસ્ટે ૧૫૭.૫૩ના બેસ્ટ લેવલે ગયો હતો. ત્યારે માર્કેટ કૅપ ૬૯,૪૮૪ કરોડ થઈ ગયું હતું. દોઢ વર્ષમાં એ ગગડી ૧૨,૭૧૬ કરોડના તળિયે પહોંચી ગયું છે. એમ્કે ગ્લોબલ તથા કોટકવાળા ૨૦ના ટાર્ગેટથી બૅરિશ છે.

ટોરન્ટ ફાર્માએ ૧૭ ટકા વધારામાં ૩૩૦૩ કરોડની આવક ઉપર ૨૬.૨ ટકા વધારામાં ૬૩૫ કરોડ નેટ નફો કરીને પાંચના શૅરદીઠ ૨૯ રૂપિયા ઇન્ટરિમ જાહેર કર્યું છે. શૅર ૪૩૨૩નું બેસ્ટ લેવલ બતાવી ૪.૪ ટકા વધી ૪૨૫૫ થયો છે. IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સાડાસાત ટકા ઘટાડામાં ૧૮૭૧ કરોડની આવક ઉપર પ્રી-એક્સેપ્શનલ આઇટમ નેટ પ્રૉફિટ ૧૪ ટકા વધારામાં ૨૫૩ કરોડ દર્શાવાયો છે. કંપનીએ શૅરદીઠ એક બોનસ જાહેર કર્યું છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૪૪ વટાવી ૩.૮ ટકા ઘટી ૪૨.૨૯ બંધ થયો છે. ફેસવૅલ્યુ એકની છે. કંપનીનું આ મેઇડન બોનસ છે.

AIની હાઇપ વચ્ચે ફ્રૅક્ટલ ઍનલિટિક્સમાં લિ​સ્ટિંગ-લૉસ મળી

મુંબઈના અંધેરી-ઈસ્ટ ખાતેની ગાર્મેન્ટ કંપની ફ્રૅક્ટલ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૧૨૬ની અપરબૅન્ડ સાથે ૪૯ કરોડનો BSE SME ઇશ્યુ ગઈ કાલે રીટેલમાં ૨૨ ટકા સહિત કુલ ૧.૭ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પાંચથી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૬ થઈ હાલમાં ઝીરો ચાલે છે. IT તથા ટેલિકૉમ પ્રોડક્ટ્સનું વેચાણ કરતી નવી દિલ્હીની મરુશિકા ટેક્નૉલૉજીનો ૧૦ના શૅરદીઠ ૧૧૭ના ભાવનો આશરે ૨૭ કરોડનો NSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૧૭ ગણા સહિત કુલ ૧૮ ગણો પ્રતિસાદ મેળવી પૂરો થયો છે. પ્રીમિયમ બે રૂપિયા શરૂ થયું છે.

મુંબઈના ગોરેગામ ઈસ્ટ ખાતેની ફ્રૅક્ટલ ઍનલિટિક્સ એકના શૅરદીઠ ૯૦૦ રૂપિયાની મારફાડ ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં છેલ્લે બોલાતા ૨૮ના ડિસ્કાઉન્ટ સામે ગઈ કાલે ૯૦૦ ખૂલી ઉપરમાં ૯૦૦ અને નીચે ૮૩૨ બતાવી ૮૪૭ બંધ થતાં એમાં ૫.૮ ટકા લિ​સ્ટિંગ લૉસ ગઈ છે. હાલમાં ઇનથિંગ કે જેની ફૅન્સી છે એના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સેક્ટરમાં પ્રવૃત્ત હોવાનો દાવો કરતી આ કંપનીની ૧૮૧૦ કરોડની ઑફર ફોર સેલ સહિત કુલ ૨૮૪૦ કરોડના ભરણામાં ગ્રેમાર્કેટ ખાતે હાઇપમાં પ્રીમિયમની શરૂઆત ૧૮૦ રૂપિયાથી થઈ હતી જે છેલ્લે-છેલ્લે ૨૮ રૂપિયાના ડિસ્કાઉન્ટમાં ફેરવાઈ ગયું હતું. QIBની મહેરબાનીમાં ભરણું કુલ પોણાત્રણ ગણું છલકાયું હતું. નવી દિલ્હીની આય ફાઇનૅન્સ બેના શૅરદીઠ ૧૨૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે મોડે-મોડે મજાક જેવા ૩૫ પૈસાના શરૂ થયેલા પ્રીમિયમ પછી બોલાતા બે રૂપિયાના ડિસ્કાઉન્ટ સામે ગઈ કાલે ૧૨૯ ખૂલી ઉપરમાં ૧૩૩ નજીક અને નીચામાં ૧૨૧ અંદર ૧૨૯ બંધ રહેતાં નજીવી લિ​સ્ટિંગ લૉસ મળી છે. કંપનીનો ૧૦૧૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૮૧ ટકા, HNIમાં પાંચ ટકા સહિત કુલ એક ગણો ભરાયો હતો. 

સરકારી ખાતર કંપની નૅશનલ ફર્ટિલાઇઝર્સ ૪ ટકા તેજીમાં

ફોર્ટિસ હેલ્થકૅરની આવક સાડાસત્તર ટકા વધીને ૨૨૬૫ કરોડ થઈ છે, પણ નફો ૨૨ ટકા જેવો ઘટી ૧૯૪ કરોડ નીચે ગયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૯૨૩ થઈ નજીવો ઘટીને ૯૧૫ રહ્યો છે. ઇઝી ટ્રિપ પ્લાર્ન્સે પોણા ટકાના વધારામાં ૧૫૨ કરોડ જેવી આવક ઉપર ૮૨.૬ ટકા ધોવાણમાં ૫૮૫ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ઉપરમાં ૭.૯૩ બતાવીને ૧૯.૮ ટકા ઊછળી ૭.૯૨ બંધ હતો. ૨૦૨૨ની ૧ નવેમ્બરે ભાવ ૩૬.૭૫ની વિક્રમી સપાટીએ હતો. ૨૦૨૫ની ૨૪ માર્ચે એમાં ૧૪ની વર્ષની ટૉપ બની હતી. ક્રિસિલની આવક ૧૮.૫ ટકા વધીને ૧૦૮૧ કરોડ વટાવી ગઈ છે. નફો સાડાસાત ટકા વધીને ૨૪૧ કરોડ થયો છે. શૅરદીઠ ૨૮નું ઇન્ટરિમ જાહેર થયું છે. ભાવ ઉપરમાં ૪૬૭૩ થઈ ૩.૪ ટકા વધીને ૪૫૯૨ હતો.

તિલકનગર ઇન્ડસ્ટ્રીઝે ૮૦ ટકા વધારામાં ૧૪૫૩ કરોડ આવક મેળવી છે, પરંતુ ૧૬૯ કરોડથી વધુની વનટાઇમ પ્રોવિઝનને લઈ કંપની ૫૪ કરોડના નફામાંથી ૧૦૫ કરોડ ખોટમાં આવી છે. શૅર નીચામાં ૪૩૧ થઈ સવા ટકો ઘટીને ૪૪૬ થયો છે. આઇનૉક્સ ગ્રીન એનર્જીએ ૩૩.૮ ટકાના વધારામાં ૮૨ કરોડ નજીકની આવક તથા છ ગણા વધારામાં ૨૪૭૦ લાખ નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે. ભાવ ઉપર ૧૭૮ વટાવી ૧૭૧ના ફ્લૅટ હતો. સરકારની ૭૪ ટકા માલિકીની ખાતર કંપની નૅશનલ ફર્ટિલાઇઝર્સે સવા સતર ટકાના વધારામાં ૬૮૭૦ કરોડની આવક ઉપર ૧૯૫ ટકાa ઉછાળામાં ૧૩૬ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ૮૭ નજીક જઈને ૪ ટકાની તેજીમાં ૮૧ થયો છે. ગુજરાત સરકારની ૭૪ ટકા માલિકીની GMDC તરફથી ૧૧.૪ ટકા ઘટાડામાં ૫૭૯ કરોડની આવક તેમ જ ૧૦ ટકા ઘટાડામાં ૧૩૩ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર ગઈ કાલે નીચામાં ૫૫૬ થઇને સવા ટકો ઘટીને ૫૬૪ રહ્યા છે. ફેસવૅલ્યુ બેની છે, બુકવૅલ્યુ ૨૧૧ ઉપર છે. છેલ્લું બોનસ જાન્યુઆરી ૨૦૦૮માં આવ્યું હતું. 

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange