26 February, 2026 09:09 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
એશિયન બજારોની આખલા-દોડ જારી, જપાન-તાઇવાન, સાઉથ કોરિયા, ઑસ્ટ્રેલિયા, થાઇલૅન્ડ નવા બેસ્ટ લેવલે : લંડન ફુત્સી ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ, પાકિસ્તાની બજાર મહિનામાં ૨૬,૦૦૦ પૉઇન્ટથી વધુ બગડ્યું : તાતા સ્ટીલ, JSW સ્ટીલ, બજાજ ઑટો, શ્રીરામ ફાઇનૅન્સમાં નવાં શિખર, સ્ટેટ બૅન્ક પ્રૉફિટ-બુકિંગમાં : ગ્રેમાર્કેટમાં ક્લીન મૅક્સમાં ૯ રૂપિયા ડિસ્કાઉન્ટ બોલાયું, કિયાસા રીટેલમાં ૨૬વાળું પ્રીમિયમ ઝીરો થઈ ગયું : સ્પાઇસ જેટ પોણાબાર વર્ષના તળિયે જઈને સવા ટકો વધીને બંધ, ઓલા ઇલેક્ટ્રિક પણ વરવા વર્સ્ટ લેવલે જઈને સુધારામાં : રિલાયન્સ ગગડીને ૧૪૦૦ની અંદર બંધ
એશિયન શૅરબજારોની રેકૉર્ડબ્રેક રૅલી ચાલુ રહી છે. જેપાનીઝ નિક્કેઈ ૫૮,૮૯૮ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૨.૪ ટકા કે ૧૩૫૫ પૉઇન્ટ વધી ૫૮,૬૭૬ બંધ થયો છે. તાઇવાનીઝ ટ્વેસી ઇન્ડેક્સ ૩૫,૫૨૧ની વિક્રમી સપાટી દેખાડી બે ટકા વધીને ૩૫,૪૧૩ થયો છે. સાઉથ કોરિયન કોસ્પી જોરદાર આખલા-દોડમાં ૬૧૪૫ની ઑલટાઇમ હાઈ બનાવી બે ટકા નજીકની તેજીમાં ૬૦૮૪ હતો. આ માર્કેટ માંડ બે મહિનામાં ચાલુ કૅલેન્ડર વર્ષમાં ૪.૧૨ ટકા અને એક વર્ષમાં ૧૩૦ ટકા વધી ગયું છે. એનું માર્કેટકૅપ ૩.૭૬ લાખ કરોડ ડૉલર થઈ જતાં એ ફ્રાન્સથી આગળ નીકળી ગયું છે. આ ૩.૭૬ લાખ કરોડ ડૉલરના માર્કેટકૅપમાંથી ૨.૨૩ લાખ કરોડ ડૉલરનો ઉમેરો તો છેલ્લા ૧૪ મહિનામાં જ થયો છે. થાઇલૅન્ડનો સેટ ઇન્ડેક્સ ૧૫૩૩ની ૩ જાન્યુઆરી ૧૯૯૪ પછીની સૌથી ઊંચી સપાટી હાંસલ કરીને સવા ટકો વધી ૧૫૦૯ હતો. હૉન્ગકૉન્ગ અડધો ટકો તથા ચાઇના અને ઇન્ડોનેશિયા પોણા ટકા આસપાસ પ્લસ થયા છે. સિંગાપોર નહીંવત્ નરમ હતું. ઑસ્ટ્રેલિયન શૅરબજારનો ઇન્ડેક્સ સવા ટકો વધીને ૯૧૨૮ના બેસ્ટ લેવલે પહોંચ્યો છે. પાકિસ્તાની શૅરબજાર કરેક્શનમાં છે, કરાંચી ઇન્ડેક્સ રનિંગમાં ૧૮૮૯ પૉઇન્ટ ઘટી ૧,૬૪,૩૬૯ ચાલતો હતો. ૨૬ જાન્યુઆરીના રોજ ત્યાં ૧,૯૧,૦૭૩ની ઑલટાઇમ હાઈ બની હતી. આ ધોરણે ત્યાં મહિનામાં ૨૬,૦૦૦ પૉઇન્ટથી વધુનું ગાબડું પડી ચૂક્યું છે. યુરોપ રનિંગમાં સુધારામાં હતું. લંડન ફુત્સી પોણો ટકો વધીને ૧૦,૭૬૯ ઉપર નવા શિખરે જોવાયો છે. અન્ય યુરોપિયન માર્કેટ સાધારણથી અડધા ટકા નજીક પ્લસ હતાં. બ્રૅન્ટ ક્રૂડ ૭૧ ડૉલરે ટકેલું હતું. વૈશ્વિક સોનું તાજેતરના આંચકા પચાવી ફરી વાર ૫૨૦૦ ડૉલર આસપાસ તો ચાંદી સવાત્રણ ટકા વધીને ૯૧ ડૉલર નજીક થઈ ગઈ છે. લંડન બજારમાં નિકલ વાયદો સાડાપાંચ ટકા, કૉપર વાયદો સવા બે ટકા, ઝિન્ક પોણો ટકો વધ્યો હતો.
ઘરઆંગણે આગલા દિવસના ૧૦૬૯ પૉઇન્ટના ગાબડા બાદ સેન્સેક્સ ૩૦૪ પૉઇન્ટના ગૅપ-અપ ઓપનિંગમાં ૮૨,૫૩૦ ખૂલી છેવટે ૫૦ પૉઇન્ટ સુધરી ૮૨,૨૭૬ તથા નિફ્ટી ૫૮ પૉઇન્ટ વધી ૨૫,૪૮૨ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક ઉપરમાં ૮૨,૯૫૮ થયો હતો. જોકે ૭૩૨ પૉઇન્ટનું આ બાઉન્સ બૅક છેતરામણું નીવડ્યું હતું. સેન્સેક્સ ત્યાંથી ૮૨૬ પૉઇન્ટ બગડી નીચામાં ૮૨,૧૩૨ દેખાયો હતો. નિફ્ટી ઉપરમાં ૨૫,૬૫૩ નજીક જઈ નીચામાં ૨૫,૪૨૮ દેખાયો હતો. નિફ્ટી ઉપરમાં ૨૫,૬૫૩ નજીક જઈ નીચામાં ૨૫,૪૨૮ થયો હતો. માર્કેટબ્રેડ્થ પૉઝિટિવ હતી. NSEમાં વધેલા ૧૭૦૧ શૅરની સામે ૧૪૮૦ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૭૪ લાખ કરોડ વધીને ૪૬૭.૩૮ લાખ કરોડ થયું છે. મેટલ ઇન્ડેક્સ અઢી ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૮ ટકા, હેલ્થકૅર ૧.૪ ટકા, નિફ્ટી ફાર્મા ૧.૯ ટકા વધ્યો છે. IT ઇન્ડેક્સ ૧.૪ ટકા સુધર્યો હતો.
તાતા સ્ટીલ ૨૧૬ ઉપર ઑલટાઇમ હાઈ થઈ અઢી ટકા વધીને ૨૧૫ નજીક રહી છે. બજાજ ઑટો ૧૦,૧૬૦ની ૧૬ મહિનાની ટોચે જઈ ૨.૭ ટકા વધી નિફ્ટી ખાતે ૧૦,૦૯૭ બંધ હતી. શ્રીરામ ફાઇનૅન્સ ૧૧૯૫ના નવા શિખરે જઈ ૨.૩ ટકા વધીને ૧૦૯૬ થઈ છે, કોલ ઇન્ડિયા દોઢ ટકા, ઇન્ડિગો બે ટકા, સનફાર્મા ટકા, અદાણી એન્ટર સવા બે ટકા, JSW સ્ટીલ દોઢ ટકા, હિન્દાલ્કો દોઢ ટકા, HCL ટેક્નો ૨.૮ ટકા, TCS ૨.૧ ટકા, મહિન્દ્ર ૧.૭ ટકા, ઇન્ફી એક ટકા, ICICI બૅન્ક ૧.૧ ટકા, ટેક મહિન્દ્ર ૧.૧ ટકા, સિપ્લા દોઢ ટકો વધીને રિલાયન્સ ૨.૨ ટકા ઘટી ૧૩૯૮ બંધમાં બજારને ૧૮૩ પૉઇન્ટ નડી છે. ભારતી ઍરટેલ ૧.૪ ટકા, અદાણી પોર્ટસ ૧.૭ ટકા, એટર્નલ દોઢ ટકા, ITC સવા ટકો ડાઉન હતી. ICICI બૅન્ક ૧.૧ ટકા વધી ૧૪૦૦ બંધ થતાં એનું માર્કેટકૅપ ફરીથી ૧૦ લાખ કરોડ થઈ ગયું છે. બજારને શૅર ૯૨ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે.
મહારાષ્ટ્રના લાતુરની યશતેજ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૧૧૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે માત્ર એક દિવસ પૂરતા ૧૫ના પ્રીમિયમ બાદ ઝીરો થઈ ગયેલા રેટ સામે ગઈ કાલે BSEમાં ૮૮ ખૂલી ૮૩ ઉપર બંધ થતાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. મેઇન બોર્ડની ગૌડિયમ IVF તથા SME કંપની મનીલામ ઇન્ડસ્ટ્રીઝનું લિસ્ટિંગ શુક્રવારે છે. આગલા દિવસે માંડ પોણા ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૨૧૭ ઉપર બંધ રહેલી અંધેરીની ફ્રૅક્ટલ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૨૦૭ નીચે તળિયે જઈને પાંચ ટકા તૂટી ત્યાં જ હતી. ઇન્દોરની ઇન્ફોબીન્સ ટેક્નૉલૉજીઝ એક શૅરદીઠ ૩ બોનસમાં શુક્રવારે બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૮૫૯ થઈ ૩.૪ ટકા ઘટીને ૮૦૨ થયો છે. અંધેરી ઈસ્ટની અગાઉ રજત ફાઇનૅન્સ તરીકે ઓળખાતી FYNX કૅપિટલ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં બે ટકા વધી ૭ નજીક રહી છે. એન્જલવન ૧૦ના શૅરના એક રૂપિયાના વિભાજનમાં આજે એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ઉપર ૨૫૦૪ થઈ સવા ટકો વધી ૨૪૯૧ હતો. પંજાબના લુધિયાણાની ભંડારી હોઝિયરી પાંચ શૅરદીઠ ચારના પ્રમાણમાં એકના શૅરદીઠ ૨.૫૬ના ભાવથી રાઇટ ઇશ્યુમાં એક્સ રાઇટ થતાં ગઈ કાલે દોઢ ટકા ઘટી ૩ બંધ હતી. એક રૂપિયાના શૅરની બુકવૅલ્યુ સાડાછ રૂપિયા છે.
શેફલર ઇન્ડિયાએ ત્રિમાસિક ગાળામાં ૨૭ ટકા વધારામાં ૨૭૨૪ કરોડ આવક ઉપર ૩૬ ટકા વધારામાં ૩૨૨ કરોડ નેટ નફો કરી બેના શૅરદીઠ ૩૫ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ઉપરમાં ૪૩૩૨ બતાવી ૪.૫ ટકા વધી ૪૨૬૬ હતો. એલેન્ટાસ બૅક ઇન્ડિયાની આવક સવાનવ ટકા વધી છે, નફો ૩૨.૪ ટકા વધીને ૩૯૪૦ લાખ નોંધાયો છે. ભાવ ઉપરમાં ૯૬૯૯ થઈ સવા ટકો ઘટી ૮૯૦૦ હતો. ડીઆઇસી ઇન્ડિયાની આવક પોણા છ ટકા ઘટીને ૨૩૨ કરોડ થઈ છે. નફો સવાછત્રીસ ટકા ગગડી સાડાચાર કરોડ રહ્યો છે. શૅર ઉપરમાં ૫૫૨ થઈ પોણો ટકો સુધરી ૫૪૫ હતો. આદિત્ય ઇન્ફોટેકમાં ન્યુનતમ પબ્લિક શૅરહોલ્ડિંગના નિયમને અનુસરતાં પ્રમોટર્સ તેમ જ ડિક્સન ટેક્નૉલૉજીઝે બ્લૉકડીલ મારફત ૫.૮ ટકા હોલ્ડિંગ વેચી ૧૦૦૦ કરોડ ઊભા કરવાનું નક્કી થતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૧૬૧૪ થઈ સાત ટકા ઊછળી ૧૫૭૨ બંધ હતો. કંપનીમાં હાલ પ્રમોટર્સ પાસે ૭૭.૧ ટકા માલ છે. ફાઇવ પૈસા કૅપિટલ દ્વારા રાઇટ ઇશ્યુ મારફત ૪૭૪ કરોડ રૂપિયા ઊભા કરવાનો નિર્ણય લેવાયો છે. શૅર ઉપરમાં ૩૩૪ થઈ એક ટકો ઘટી ૩૨૩ હતો. સરકારે આઇઆરએફસીમાં ગ્રીન શૂ ઑપ્શન સહિત કુલ ૪ ટકા હિસ્સો શૅરદીઠ ૧૦૪ની ફ્લોર પ્રાઇસથી વેચી ૫૪૩૦ કરોડ ઊભા કરવાની કવાયત કરતાં શૅર નીચામાં ૧૦૪ થઈ ૪.૪ ટકા ઘટી ૧૦૪ ઉપર બંધ હતો.
આજે SME સેગમેન્ટમાં મુંબઈના ઘાટકોપર વેસ્ટ ખાતેની સ્ટ્રાઇડર્સ ઇમ્પેક્સ ૧૦ના શૅરદીઠ ૩૨ની અપર બૅન્ડમાં ચાર કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૩૬ કરોડનો NSE SME ઇશ્યુ કરવાની છે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપની લાઇસન્સિંગ બ્રૅન્ડ ડેવલપમેન્ટ તથા બાળકો માટે રમકડાં અને અન્ય સામગ્રીનું વેચાણ કરે છે. કંપનીએ ગયા વર્ષે ૪૮ ટકા વધારામાં ૬૨ કરોડ નજીકની આવક ઉપર ૯૧.૬ ટકા વધારાથી ૮૪૧ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ૯ માસમાં આવક ૪૯૬૧ લાખ અને નફો ૪૦૧ લાખ કર્યો છે. પોણાબે વર્ષમાં દેવું ૫૬ ટકા વધી ૨૩ કરોડ નજીક પહોંચ્યું છે. ઇશ્યુમાંથી ૧૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં, ૧૧ કરોડ સબસિડિયરી પાછળ તથા ૩ કરોડ દેવાની ચુકવણીમાં વપરાશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર એકાદ પૈસાની છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી.
ગઈ કાલે બે ભરણાં ખૂલ્યાં છે એમાં પ્રથમ દિવસે મેઇનબોર્ડની રાજકોટની ઓમ્નિટેક એન્જિનિયરિંગનો પાંચના શૅરદીઠ ૨૨૭ના ભાવનો કુલ ૫૮૩ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૬ ટકા સહિત કુલ ૯ ટકા તથા SME કંપની યાપ ડિજિટલનો ૧૦ના શૅરદીઠ ૧૪૫ના ભાવનો ૮૦૧૧ લાખનો ઇશ્યુ રીટેલમાં ૩ ટકા સહિત કુલ ૧.૩ ગણો ભરાયો છે. ઓમ્નિટેકમાં ૪ રૂપિયા અને યાપમાં ઝીરો પ્રીમિયમ છે. પાંચ ભરણાં ગઈ કાલે પૂરાં થયાં છે. એમાં મેઇનબોર્ડની ચર્ચગેટની ક્લીન મૅક્સ એન્વિરો એનર્જીનો એકના શૅરદીઠ ૧૦૫૩ના ભાવનો ૩૧૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭ ટકા સહિત કુલ એક ગણો તથા ગોંડલની શ્રીરામ ટ્વિસ્ટેક્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૪ના ભાવનો ૧૧૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૬ ગણો સહિત કુલ ૪૪ ગણો ભરાઈ પૂરો થયો છે. ક્લીન મૅક્સમાં ૯ રૂપિયા ડિસ્કાઉન્ટ તથા શ્રીરામ ટ્વિસ્ટેક્સમાં ૧૬નું પ્રીમિયમ છે. SME કંપની એકૉર્ડ ટ્રાન્સફૉર્મનો ૧૦ના શૅરદીઠ ૪૬ના ભાવનો ૨૫૫૯ લાખનો ઇશ્યુ કુલ ૩૫૫ ગણો, મોબિલાઇસ ઍપ લૅબનો ૧૦ના શૅરદીઠ ૮૦ના ભાવનો ૨૦૧૦ લાખનો ઇશ્યુ કુલ ૧૦૦ ગણો તેમ જ કિયાસા રીટેલનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ના ભાવનો ૬૯૭૨ લાખનો ઇશ્યુ કુલ બે ગણો ભરાઈ પૂરો થયો છે. હાલ એકૉર્ડમાં ૧૬ રૂપિયા, કિયાસામાં ઝીરો અને મોબિલાઇસમાં ૧૧ રૂપિયા પ્રીમિયમ છે.
મેઇન બોર્ડમાં પુણેની PNGS રેવા ડાયમન્ડ જ્વેલરીનો ૧૦ના શૅરદીઠ ૩૮૬ના ભાવનો ૩૮૦ કરોડનો ઇશ્યુ આજે બંધ થશે. ભરણું બીજા દિવસના અંતે કુલ ૯૦ ટકા ભરાયું છે. પ્રીમિયમ એક રૂપિયો બોલાય છે.
અમેરિકન કૉમર્સ ડિપાર્ટમેન્ટ તરફથી ભારતથી આયાત થતા સોલર સેલ અને સોલર પૅનલ્સ ઉપર ૧૨૬ ટકાની કાઉન્ટર વેઇલિંગ ડ્યુટી નાખી છે. એના પગલે અત્રે સોલર શૅરોમાં માનસ બગડ્યું હતું. વારિ એનર્જીસ ૧૩ ગણા વૉલ્યુમે નીચામાં ૨૫૭૧ થઈ સાડાદસ ટકા કે ૩૧૭ રૂપિયા ગગડી ૨૭૦૮ બંધ થઈ છે. પ્રીમિયર એનર્જીસ ૧૪ ગણા કામકાજમાં નીચામાં ૬૬૭ બતાવી સવાછ ટકા બગડી ૭૨૯ હતી. વિક્રમ સોલર ૧૭૧ના ઑલટાઇમ તળિયે જઈને ૫.૫ ટકા ગગડી ૧૭૫ થઈ છે. અન્યમાં વારિ રીન્યુએબલ્સ ત્રણ ટકા, વેબસોલ એનર્જી ૬.૮ ટકા, સાત્વિક ગ્રીન એનર્જી ૩.૪ ટકા, સોલેક્સ એનર્જી ૬.૮ ટકા ડાઉન હતી. સ્પાઇસ જેટ ખરાબી આગળ વધારતાં ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૨.૮૮ની સપ્ટેમ્બર ૨૦૧૪ પછીની બૉટમ બનાવી સવા ટકા વધી ૧૪.૫૦ બંધ થઈ છે. ઓલા ઇલેક્ટ્રિક ૨૪.૮૧ની નવી સૌથી નીચી સપાટી નોંધાવી દોઢ ટકો સુધરી ૨૫.૫ હતી તો ક્વૉલિટી વૉલ્સ ૨૫.૨૫નું તળિયું દેખાડી ૧.૪ ટકા ઘટીને ૨૫.૭૫ રહી છે. મેકવાયર તરફથી હાલના લેવલથી ૩૦ ટકા નીચા ભાવ સાથે એટર્નલ અને સ્વિગીમાં બૅરિશ વ્યુ જાહેર થયો હોવાના અહેવાલ છે. ગઈ કાલે એટર્નલ દોઢ ટકો ઘટી ૨૫૦ તથા સ્વિગી બે ટકા ઘટી ૩૦૭ બંધ આવી છે.
IT ઇન્ડેક્સ તાજેતરની ખરાબીમાં જૂન ૨૦૨૩ પછીના તળિયે ગયા બાદ ગઈ કાલે ૧.૪ ટકા કે ૪૦૭ પૉઇન્ટ સુધર્યો છે. એના ૭૭માંથી ૪૦ શૅર જોકે માઇનસ હતા. આગલા દિવસના ધબડકામાં ઐતિહાસિક તળિયે ગયેલી ઇન્ફી એક ટકા, TCS ૨.૧ ટકા, વિપ્રો ૧.૧ ટકા વધી હતી. HCL ટેક્નો ૨.૮ ટકા, ટેક મહિન્દ્ર ૧.૧ ટકા સુધરી છે. લાટિમ દોઢ ટકા વધી હતી. સાઇડ શૅરમાં બ્લૉકઓક્સ, લાર્સન ટેક્નો, માસ્ટેક, KPIT ટેક્નો, કન્ટ્રોલ પ્રિન્ટ, માઇન્ડ ટેક, ઇનોવાના, પર્સિસ્ટન્ટ, સિલ્વર ટચ ટેક્નૉલૉજીઝ, ઓરેક્લ, નેટવેબ બેથી પોણા પાંચ ટકા વધ્યા હતા. સામે નિન્ટેક સિસ્ટમ્સ ૧૦ ટકા ગગડી ૨૮૫ના વર્સ્ટ લેવલે જઈ દોઢ ટકો ઘટી છે. ડેટામેટિક્સ ૨.૪ ટકા, ઇન્વેન્ચર્સ નૉલેજ ૧.૮ ટકા, ASM ટેક્નો ૪ ટકા, રામકો સિસ્ટમ્સ ૩ ટકા, સુબેક્સ ૩.૭ ટકા, હેક્સાવેર ૨.૨ ટકા, ઝગલ ૩ ટકા ડૂલ થઈ છે.
પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૪ ટકા ઘટ્યો છે. એના ૧૨માંથી ૬ શૅર નરમ હતા. સ્ટેટ બૅન્ક દોઢા વૉલ્યુમે નીચામાં ૧૧૯૭ થઈ બે ટકા ઘટી ૧૨૦૦ બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ઘટેલી જાતોમાં મોખરે હતી. યુનિયન બૅન્ક પોણો ટકો, PNB અડધો ટકો, પંજાબ સિંઘબૅન્ક એક ટકા ઘટી છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૭૪.૮૩ના શિખરે જઈ સવાત્રણ ટકા વધી ૭૪ થઈ છે. ફ્રૉડગ્રસ્ત IDFC ફર્સ્ટ બૅન્ક એક ટકો ઘટી ૭૦ હતી. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૬ શૅરની હૂંફ વચ્ચે ૪ પૉઇન્ટ નરમ રહ્યો હતો.