BSE અને NSE વચ્ચે અભૂતપૂર્વ ભાવફરક સાથે બજાર મજબૂત

04 August, 2026 10:18 AM IST  |  Mumbai | Anil Patel

સોમવારે સેન્સેક્સ ૫૪૪ પૉઇન્ટ કે ૦.૭ ટકા વધ્યો, સામે નિફ્ટી ૩૯૧ પૉઇન્ટ કે ૧.૬ ટકાની તેજીમાં બંધ. BSEના મુકાબલે ઇતિહાસમાં સંભવત: પ્રથમ વાર NSE માર્કેટકૅપમાં મોખરે રહી : હેવીવેઇટ્સ સહિત સંખ્યાબંધ ફ્રન્ટલાઇન શૅરના ભાવમાં બન્ને બજાર વચ્ચે મોટો ગાળો જોવાયો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભારતીય શૅરબજારમાં નવા સપ્તાહ તેમ જ નવા મહિનાનો આરંભ સુધર‘વા’ના અકબંધ મૂડથી થયો છે. માર્કેટ ગઈ કાલે ચોથા દિવસે પણ વધીને બંધ થયું અે માટે બજારના પંડિતો કે કથાકારો બ્રેન્ટક્રૂડના ભાવમાં થયેલા ઘટાડાને મહત્ત્વનું કારણ ગણાવે છે. બ્રેન્ટક્રૂડ પાંચેક ટકા ગગડી ૮૩.૫૦ ડૉલર આસપાસ આવી ગયું છે અે વાત સાચી છે. તેમ છતાં, ગઈ કાલે મોટા ભાગનાં અગ્રણી એશિયન બજાર ઘટ્યાં છે અેનું શું? સોમવારે સાઉથ કોરિયા ૫.૧ ટકા, જપાન ૧.૧ ટકા, ચાઇના અડધો ટકો તથા અન્યત્ર સાધારણથી નહીંવત નરમાઈ જોવા મળી છે. હૉન્ગકૉન્ગ તથા તાઇવાન અડધા ટકા જેવા સુધારામાં અપવાદ હતાં. યુરોપ ખાતે લંડન ફુત્સી રનિંગમાં ૦.૩ ટકા માઇનસ હતો. અન્ય બજાર એકથી દોઢેક ટકો ઉપર દેખાતાં હતાં. બીજું ગઈ કાલે સેન્સેક્સ ૫૪૪ પૉઇન્ટ કે ૦.૭ ટકા વધ્યો છે સામે નિફ્ટી ૩૯૧ પૉઇન્ટ કે ૧.૬ ટકા વધી ૨૪,૭૭૪ બંધ આવ્યો છે. સેન્સેક્સના મુકાબલે નિફ્ટીમાં આટલો મોટો, સવાબે ગણો વધારો મારી જિંદગીમાં અગાઉ ક્યારેય મેં જોયો નથી, ક્યાંક કશીક મોટી ગરબડ વિના આમ થવું અશક્ય છે યાર... હજી આગળ, ગઈ કાલે BSEનું માર્કેટકૅપ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૪.૫૯ લાખ કરોડ વધીને ૪૯૦.૫૫ લાખ કરોડની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. જ્યારે NSEનું માર્કેટકૅપ ૪૯૨.૧૪ લાખ કરોડ થઈ ગયું છે અે પણ નવી ટૉપ છે. હકીકતમાં NSEનું માર્કેટકૅપ હંમેશાં BSEની તુલનામાં નીચું રહે છે, પરંતુ ૩ ઑગસ્ટ ૨૦૨૬ના દિવસે ઊલટી ગંગા વહી છે. બડી ગરબડ હૈ ભાઈ...

એવી વે, સેન્સેક્સ ગઈ કાલે ૭૮૯ પૉઇન્ટના ગૅપમાં ઉપર ૭૮,૮૮૩ ખૂલી ઉપરમાં ૭૮,૮૯૫ અને નીચામાં ૭૮,૪૯૭ થઈ ૫૪૪ પૉઇન્ટની આગેકૂચમાં ૭૮,૬૩૯ બંધ થયો છે. નિફ્ટી ૨૪,૫૭૩ ખૂલી નીચામાં ૨૪,૫૧૫ અને ઉપરમાં ૨૪,૭૭૪ બતાવી ૩૯૧ પૉઇન્ટની તેજીમાં ત્યાં જ બંધ દેખાયો છે. નિફ્ટી ખાતે ગ્રાસીમ ૫.૧ ટકા ઊછળી ૩૨૬૦ની સર્વોચ્ચ સપાટીએ બંધ આપી ટૉપ ગેઇનર બન્યો છે. BSEમાં અેનો ભાવ ૨.૪ ટકા વધી ૩૧૭૫ બંધ હતો. સેન્સેક્સમાં ઇન્ડિગો સવાચાર ટકા વધી ૫૩૮૯ના બંધમાં મોખરે હતી. TCS સાડાત્રણ ટકા અને ઇન્ફી સાડાત્રણ ટકાની મજબૂતીમાં બજારને કુલ ૧૯૦ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. એટર્નલ અઢી ટકા પ્લસ થઈ છે. અૅક્સિસ બૅન્ક પોણાબે ટકા, બજાજ ફીનસર્વ પોણાબે ટકા, લાર્સન દોઢ ટકો અપ હતી. સામે નિફ્ટીમાં ટીTCS ૪.૬ ટકા, ઇન્ડિગો ૪.૪ ટકા, ઇન્ફોસિસ ૪.૨ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૪.૨ ટકા વધી હતી. હેવીવેઇટ રિલાયન્સ NSEમાં ૦.૯ ટકા વધી ૧૩૧૯ બંધ હતો. BSEમાં આ શૅર ૧૩૦૯ બંધ આવ્યો છે. લાર્સન NSEમાં ૪૦૨૫ તો BSEમાં ૪૦૦૦ બંધ રહ્યો છે. આવો મોટો ભાવફરક?

દરમ્યાન સુભાષચંદ્ર ગોએલ આણિ મંડળી સેબીના સપાટે ચડતાં ઝી એન્ટરપ્રાઇઝિસનો શૅર ૧૫ ટકા તૂટી ૯૮ રૂપિયા BSEમાં બંધ થયો છે. નિફ્ટી ખાતે સનફાર્મા બે ટકા, ભારતી અૅરટેલ અને મારુતિ એક ટકો ડાઉન હતા. નિફ્ટીમાં અપોલો હૉસ્પિટલ્સ દોઢ ટકો ઘટી ટૉપ લુઝર બની હતી. 

પ્રોપશૉપ ઇવેન્ટ્સ અને અૅડ્વાન્સ ટેક્નોફોર્જનું નબળું લિસ્ટિંગ

SME સેગમેન્ટમાં ગઈ કાલે મુંબઈના માહિમ-વેસ્ટની પ્રોપશૉપ ઇવેન્ટ્સ ૧૦ના શૅરદીઠ ૬૯ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ગ્રેમાર્કેટ ખાતે ઝીરો પ્રીમિયમ સાથે NSEમાં પંચાવન ખૂલી ૫૭ બંધ થતાં ૧૬ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. રાજકોટની અૅડ્વાન્સ ટેકનોફોર્જ ૧૦ના શૅરદીઠ ૯૫ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ગ્રેમાર્કેટમાં ૩થી શરૂ થઈ ઉપર ૯ થયા બાદ ઘટાડામાં છેલ્લે બોલાતા ૪ના પ્રીમિયમ સામે BSE ખાતે ૯૪ ખૂલી ૮૯ બંધ રહેતાં ૬ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. પુણેની પુજા પ્રિસિશનનો ૧૦ના શૅરદીઠ ૩૦૧ના ભાવનો ૧૬૦ કરોડનો BSE SME IPO આજે મંગળવારે લિસ્ટેડ થવાનો છે. પ્રીમિયમ ૨૩૫ જેવું છે.

દરમ્યાન આગલા દિવસે ૪.૯ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૨૬ ઉપર બંધ રહેલી સિલ્વર સ્ટૉર્મ પાર્ક્સ ગઈ કાલે ૧૨૦નું વર્સ્ટ લેવલ બનાવી પાંચ ટકા તૂટી ત્યાં જ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય શૅરમાં ઇન્ડો-મીમ ગઈ કાલે ઉપરમાં ૮૦૨ થઈ ૧.૧ ટકા ઘટી ૭૬૫, લોહિયા કૉર્પ ૫૪૮નું શિખર બતાવી ૩.૨ ટકા બગડીને ૫૧૮ તો એકસ્ટ્રાનેટ ટેક્નૉલૉઝીસ ૧૨૦ના નવા તળિયે જઈ ૨.૩ ટકા ઘટી ૧૨૪ બંધ થઈ છે. શ્રી બાલાજી માલા ટેક્સટાઇલ્સ ૧૧૪ની નવી બૉટમ દેખાડી પાંચ ટકા ગગડી ત્યાં જ રહી છે. શૅરદીઠ ૩૩૧ના ભાવે ૧૬૦ કરોડ પ્લસનો SME ઇશ્યુ કરનારી મિલવર્ક્‍સ ટેક્નૉલૉઝીસ નવી ટોચે ૮૧૦ થઈ પાંચ ટકા વધી ૮૧૦ હતી. SBI ફન્ડ્સ મૅનેજમેન્ટ ગઈ કાલે ઉપરમાં ૫૯૨ થઈ સામાન્ય ઘટાડે ૫૮૮ હતી. કેલિબર માઇનિંગ ઉપરમાં ૫૭૧ બતાવી ૧.૮ ટકા વધી ૫૬૭ હતી.

NSE લિસ્ટેડ નવી મુંબઈ ખાતેની ટેમ્બો ગ્લોબલ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં બુધવારે એક્સ સ્પ્લિટ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપર ૫૭૪ થઈ સવા ટકો સુધરી ૫૬૦ થયો છે. 

રેમન્ડ લાઇફસ્ટાઇલ ઑલટાઇમ તળિયે જઈ સુધારામાં બંધ

પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સે ૨૯ ટકા વધારામાં ૪૩૦૨ કરોડની આવક ઉપર પોણાચૌદ ટકા વધારામાં ૪૮૩ કરોડ નેટ નફો કર્યો છે. જોકે માર્ચ ક્વૉર્ટરના મુકાબલે નફો પોણાનવ ટકા ઘટ્યો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૫૫૬૮ થઈ એક ટકો ઘટી ૫૪૯૦ રહ્યો છે. રેમન્ડ લાઇફસ્ટાઇલની ત્રિમાસિક આવક છ ટકા વધી ૧૫૧૫ કરોડ વટાવી ગઈ છે, પરંતુ ચોખ્ખી ખોટ ૧૯૮૨ લાખથી વધીને ૨૨૫૯ લાખ પહોંચી છે. શૅર ૬૭૭ની વર્સ્ટ બૉટમ બતાવી ૨.૩ ટકા વધી ૮૨૮ હતો. મુથૂટ ફાઇનૅન્સની આવક ૩૪ ટકા વધી ૮૬૯૫ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૪૩ ટકા વધીને ૨૮૨૫ કરોડ જોવાયો છે. શૅર ઉપરમાં ૨૯૫૦ થઈ ૭.૪ ટકા તૂટી ૨૮૯૦ થયો છે.

મારુતિ સુઝુકીની આવક જૂન ક્વૉર્ટરમાં ૩૪ ટકા વધીને ૫૪,૩૪૪ કરોડ થવા છતાં નેટ પ્રૉફિટ ૯ ટકા ઘટી ૩૪૪૭ કરોડ આવ્યો છે. દરમ્યાન કંપનીનું વેચાણ ગત મહિને ૩૩.૭ ટકા વધીને કુલ ૨.૪૧ લાખ નંગ થયું છે. સ્થાનિક વેચાણ પ્રથમ વાર બે લાખ નંગની પાર ગયું છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૩,૯૦૩ થઈ એક ટકો ઘટી ૧૪,૧૦૪ બંધ રહ્યો છે. હીરો મોટોકૉર્પનું કુલ વેચાણ જુલાઈમાં ૧૯ ટકા વધી ૫.૩૩ લાખ નંગ નોંધાયું છે. નિકાસ ૧૪ ટકા ઘટી છે. પરિણામ ૬ ઑગસ્ટે આવવાના છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૫૪૬૦ થઈ પોણો ટકો સુધરી ૫૪૨૨ હતો. તાતા મોટર્સે ગત મહિને ૩૭ ટકા વૃદ્ધિદરથી કુલ ૩૯,૬૪૧ નંગ વાહનો વેચ્યાં છે. ત્રિમાસિક રિઝલ્ટ ૧૨મીએ નક્કી થયું છે. શૅર નીચામાં ૪૩૪ થઈ ૩.૬ ટકા વધી ૪૫૨ બંધ આવ્યો છે. આઇશરનું કુલ વેચાણ ગત મહિને ૩૪ ટકા વધી ૧.૧૮ લાખ નંગ થયું છે. શૅર નીચામાં ૭૮૫૦ થઈ બે ટકા વધી ૮૦૦૦ હતો. ગુજરાતની અતુલ ઑટોનું વેચાણ ગત મહિને ૪૦ ટકા વધી ૩૮૦૦ નંગ થયું છે. પરિણામ ૮ ઑગસ્ટે આવવાના છે. શૅર ગઈ કાલે ઉપલી સર્કિટે ૫૭૩ થઈ ૯.૬ ટકા વધી ૫૬૫ થયો છે. તાતા મોટર્સ પૅસેન્જર વ્હીકલ તરફથી ૫૯ ટકાના વધારામાં ગત મહિને ૬૩,૭૬૦ નંગનું વેચાણ થયું છે. ત્રિમાસિક પરિણામ ૧૩ ઑગસ્ટે છે. શૅર ઉપર ૩૫૦ને વટાવી બે ટકા વધી ૩૪૬ હતો. હ્યુન્ડાઈ મોટરનું વેચાણ ૨૫.૪ ટકા વધી ૭૫,૩૬૦ નંગ નોંધાયું છે. ભાવ ૨૨૪૮ નજીકમાં જઈ એક ટકો વધી ૨૨૦૬ થયો છે. મહિન્દ્રાનું કુલ વેચાણ ગત મહિને ૨૬ ટકા તથા નિકાસ ૪૭ ટકા વધી છે. શૅર ઉપર ૩૪૯૦ થઈ સામાન્ય ઘટાડે ૩૩૮૫ હતો. SML મહિન્દ્રાનું વેચાણ ગત મહિને ૧૨ ટકા વધ્યું છે. શૅર ઉપર ૪૭૫૯ બનાવી ૪ ટકા તૂટી ૫૪૪૩ થયો છે.

એજસ ટેક્નૉલૉજીઝ ૧૦૫ના ભાવથી આજે SME ઇશ્યુ કરશે

આજે, મંગળવારે બૅન્ગલોર અર્બનની એજસ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૧૦૫ની અપરબેન્ડમાં ૨૪ કરોડનો BSE SME IPO કરવાની છે. QIB પોર્શન ૪૯.૯ ટકા તથા રીટેલ પોર્શન ૩૫ ટકા જેવો છે. માર્કેટ મેકર્સ માટે ત્રણ કરોડના શૅર અનામત રખાયા છે. ૨૦૧૭માં સ્થપાયેલી આ કંપની રોબોટિક તથા ઇન્ટેલિજન્ટ ઑટોમેશન સેક્ટરમાં કામકાજ કરતી હોવાનો દાવો કરે છે. ગત વર્ષે ૮૮ ટકાના વધારામાં ૪૧૨૨ લાખની આવક ઉપર ૧૮૯ ટકાના વૃદ્ધિદરથી ૪૦૨ લાખ નેટ નફો બતાવી દીધો છે. દેવું વર્ષમાં જ લગભગ ત્રેવડાઈ ૧૧૯૨ લાખ થઈ ગયું છે. ઇશ્યુમાંથી ૮ કરોડ વર્કિંગ કૅપિટલમાં, પોણાછ કરોડ રૂપિયા નવા યુનિટની સ્થાપના માટે જમીનની ખરીદી તથા સિવિલ વર્ક્સમાં ૨૮૬ લાખ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં વપરાશે છેલ્લાં ૩ વર્ષની અૅવરેજ EPS ૪.૩૬ની છે. ગત વર્ષની સુપર અર્નિંગ પછી પણ ઇશ્યુ પ્રાઇસ ૨૧.૯નો પીઈ બતાવે છે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ શરૂ થયું નથી.

દરમ્યાન ગઈ કાલે મેઇન બોર્ડમાં નવી દિલ્હીની જુનિયર ગ્રીન એનર્જીનો ૧૦ના શૅરદીઠ ૨૨૫ના ભાવનો ૧૮૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૬૦ ટકા સહિત કુલ ૮.૫ ગણો તથા ફરિદાબાદની એમ.વી. ઇલેક્ટ્રૉસિસ્ટમ્સનો પાંચના શૅરદીઠ ૪૨૫ના ભાવનો ૨૯૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨૬ ગણા સહિત કુલ ૧૯ ગણો ભરાઈને પૂરો થયો છે. જુનિયર ગ્રીનમાં પ્રીમિયમ ગગડતું રહી હાલ બે રૂપિયા તથા એમ.વી. ઇલેક્ટ્રૉસિસ્ટમ્સમાં ઘટીને ૧૦૦ ચાલે છે. આ ઉપરાંત SME સેગમેન્ટમાં અમદાવાદી ધવલ પૅકેજિંગનો ૧૦ના શૅરદીઠ ૯૭ના ભાવનો ૩૬૩૬ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૪૦ ગણા સહિત કુલ ૫૧ ગણા તેમ જ ફરિદાબાદની વનએન્ડિંગ ટેક્નૉલૉઝીસનો ૧૦ના શૅરદીઠ ૯૬ના ભાવથી ૨૮ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૧.૯ ગણા સહિત કુલ ૧.૮ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ધવલ પૅકેજિંગમાં અત્યારે પાંચ રૂપિયા અને વનએન્ડિંગમાં ઝીરો પ્રીમિયમ છે.

વાપીની અનાવીલ વાયરનો ૧૦ના શૅરદીઠ ૨૭૦ની અપરબેન્ડમાં કુલ ૧૭૮ કરોડનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં પોણાચાર ગણા સહિત કુલ ૩.૩ ગણો ભરાયો છે. પ્રીમિયમ વધીને ૯૦ થયા બાદ હાલમાં ૮૦ બોલાય છે. મુંબઈના બોરીવલી-ઈસ્ટની ફ્યુઝન ક્લાસરૂમનો ૧૦ના શૅરદીઠ ૧૫૯ના ભાવનો ૩૯ કરોડનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૯૭ ટકા તથા મુંબઈના માહિમની જી.વી. ઇલેક્ટ્રિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૪૨૨૫ લાખનો BSE SME IPO કુલ ૧૯ ગણો ભરાયો છે. હાલ જી.વી. ઇલેક્ટ્રિકલ્સમાં પ્રીમિયમ ૨૬ રૂપિયા તથા ફ્યુઝન ક્લાસરૂમમાં ૪વાળું પ્રીમિયમ ગગડી ઝીરો બોલાય છે.

ITCના વૉલ્યુમ ગ્રોથથી સિગારેટ શૅરમાં માનસ સુધર્યું

સિગારેટ ઉપર ૪૦ ટકાના કન્ઝમ્પ્શન ટૅક્સ ઉપરાંત પ્રત્યેક ૧૦૦૦ નંગદીઠ ૨૦૫૦ની એક્સાઇઝ ડ્યુટી વધારી ૮૫૦૦  સરકારે કરી નાખી ત્યારે સિગારેટ કંપનીઓનો વૉલ્યુમ ગ્રોથ ખાસ્સો માર ખાશે એવી દહેશત હતી, પરંતુ ITCના પરિણામ જોતાં આ આશંકા વધુપડતી પુરવાર થઈ છે. કંપનીએ ૨૮ ટકા વધારામાં ૨૬,૯૪૩ કરોડની આવક ઉપર ૨૭.૯ ટકા ઘટાડામાં ૪૫૧૪ કરોડ નેટ નફો કર્યો છે. કંપનીનું માર્જિન પાંચ ટકા ઘટી ૨૬.૭ ટકા નોંધાયું છે. નફો ઘટ્યો છે, પરંતુ વૉલ્યુમની રીતે ગ્રોથ સારો આવ્યો છે. સરવાળે શૅર ગઈ કાલે ઉપરમાં ૨૯૨ વટાવી બે ટકા વધી ૨૮૬ બંધ થયો છે. અન્ય સિગારેટ કંપની ગૉડફ્રે ફિલિપ્સ ત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૨૭૦ બતાવી ૫.૨ ટકા કે ૧૧૧ રૂપિયા ઊંચકાઈ ૨૨૪૫ હતી. VST ઇન્ડસ્ટ્રીઝ એક ટકો ઘટી ૨૧૯ રહી છે. જ્યારે એલિટકોન ઇન્ટરનૅશનલ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં સવાસત્તર ટકા નજીક જઈ ત્યાં જ બંધ છે.

ડિવીઝ લૅબોરેટરીઝે જૂન ક્વૉર્ટરમાં ૨૭.૮ ટકા વધારામાં ૩૦૮૦ કરોડની આવક ઉપર ૬૫.૫ ટકાના તગડા વધારામાં ૯૦૨ કરોડ નેટ નફો બતાવ્યો છે. શૅર પાંચ ગણા કામકાજે ૮૪૯૫ની લાઇફટાઇમ હાઈ બનાવી સવાત્રણ ટકા કે ૨૬૬ રૂપિયાની મજબૂતીમાં ૮૩૨૩ થયો છે. બ્રોકરેજ ફર્મ JM ફાઇનૅન્શિયલ તરફથી ૯૭૯૯ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ અહીં અપાયો છે. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ ઉત્પાદક એથર એનર્જીએ ૮૮.૭ ટકા વધારામાં ૧૨૧૭ કરોડની આવક મેળવતાં નેટ લૉસ ૧૭૮ કરોડથી ઘટીને ૫૧ કરોડની આવી છે. શૅર ઉપરમાં ૧૨૮૮ બતાવી દોઢ ટકો સુધર્યો હતો. ટ્રેક્ટર્સ કંપની એસ્કોર્ટ્‍સનો ત્રિમાસિક નેટ નફો ૭૨ ટકા બગડી ૩૮૬ કરોડ નોંધાયો છે. આમ છતાં ભાવ એક ટકો સુધરી ૩૧૨૦ બંધ રહ્યો છે સામે JM ફાઇનૅન્શિયલ ૭૭ ટકાની નફાવૃદ્ધિ છતાં એક ટકો ઘટી ૧૨૧ રહી છે. બ્લુજેટ હેલ્થની આવક ૧૭.૪ ટકા ઘટી ૨૯૩ કરોડ અને નેટ નફો ૧૪ ટકા ઘટી ૭૮ કરોડ થયો છે. ભાવ ૯ ગણા કામકાજે ૬૪૭ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૫૭૮ થઈ સવાછ ટકાની ખરાબીમાં ૫૮૭ બંધ હતો. 

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange