03 July, 2026 08:46 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
ઇન્ફોસિસ, TCS, ટેક મહિન્દ્ર અને HCL ટેક્નૉલૉજીસની મજબૂતી બજારને ૩૦૫ પૉઇન્ટ ફળીઃ વિપ્રો નવા તળિયે જઈ સુધર્યો, ઑરેકલ ઑલટાઇમ હાઈ ઃ જૂનનું વેચાણ ૪૭ ટકા વધતાં TVS મોટર જોરમાં ઃ PC જ્વેલર્સ, સ્કાય ગોલ્ડ, AET જ્વેલર્સ, RBZ જ્વેલર્સ જેવા જ્વેલરી શૅરમાં ઝમક : HDFCમાં નવા ચૅરમૅનને બજારનો ઠંડો પ્રતિસાદ, ICICI બૅન્ક મજબૂત ઃ નવી દિલ્હીની IC ઇલેક્ટ્રિકલ્સનો SME ઇશ્યુ આજે ખૂલશે
બ્રેન્ટ ક્રૂડ ઘટી ૭૧ આસપાસ આવી ગયું છે. મોડે-મોડે પણ મૉન્સૂન ઘણાખરા વિસ્તારમાં શરૂ થઈ ગયાના અહેવાલ છે. રનિંગમાં યુરોપનાં બજારોનો પૉઝિટિવ સપોર્ટ વચ્ચે એશિયન બજારોના મિશ્ર વલણની હૂંફ રહી છે. આ બધા વચ્ચે ડૉલર સામે ૯૫.૨૫ના આગલા બંધ સામે ઘટાડો ચાલુ રાખતાં ૯૫.૪૦ થઈ ગયેલા રૂપિયાની નેગેટિવ અસર દબાઈ ગઈ છે. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૬૧ પૉઇન્ટ પ્લસ, ૭૭,૦૮૩ ખૂલી છેવટે ૫૭૯ પૉઇન્ટની આગેકૂચમાં ૭૭,૫૦૨ તથા નિફ્ટી ૧૭૦ પૉઇન્ટ વધી ૨૪,૧૭૬ નજીક બંધ થયો છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલા બજારમાં શૅરઆંક નીચામાં ૭૭,૦૬૪ તથા ઉપરમાં ૭૭,૫૭૯ થયો હતો. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૨૨૬ શૅર સામે ૧૧૪૫ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૩.૩૨ લાખ કરોડના ઉમેરામાં હવે ૪૭૯.૮૦ લાખ કરોડ થયું છે.
બજારની ગુરુવારની આગેકૂચમાં IT હેવીવેઇટ્સનો સિંહફાળો હતો. સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ ૪, બેસ્ટ ગેઇનર શૅર ITના હતા. બજાજ ફીનસર્વ સવાત્રણ ટકા વધી પાંચમા ક્રમે હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૩૨૨૯ની પોણાબે વર્ષની નવી ટૉપ બનાવી ૧ ટકો વધી ૩૧૭૮ રહી છે. અદાણી પોર્ટ્સ ૧૮૮૭ની ઑલટાઇમ હાઈ નોંધાવી ૧.૯ ટકાની આગેકૂચમાં ૧૮૮૨ થઈ છે. અદાણી ગ્રીન ૧૫૬૨ની ૨૦ માસની ટોચે જઈ સવા ટકો વધી ૧૫૫૫ થઈ છે, જ્યારે રિલાયન્સ સામાન્ય ઘટાડે ૧૩૦૪ હતી. નિફ્ટી ખાતે મેક્સ હેલ્થકૅર એક ટકાથી વધુ તથા સેન્સેક્સમાં લાર્સન પોણા ટકાથી વધુની નરમાઈમાં ટૉપ લૂઝર બની હતી. ICICI બૅન્ક દોઢ ટકો વધી બજારને ૧૨૬ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. ટાઇટન પોણાબે ટકા પ્લસ હતી. PC જ્વેલર્સ નવેક ગણા કામકાજે સાડાબાર ટકા ઊછળી ૧૦ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર રહી હતી. સ્કાય ગોલ્ડ સાડાસાત ટકા ઊછળી ૫૬૯ વટાવી ગઈ છે. RBZ જ્વેલર્સ પોણાસાત ટકા તો AET જ્વેલર્સ પાંચ ટકા ઝળકી છે. ‘એ’ ગ્રુપ ખાતે ઘટવામાં કિર્લોસ્કર ન્યુમેટિક્સ પોણાસાત ટકા, મોરપૅન લૅબ સાડાચાર ટકા, બૅન્ક ઑફ બરોડા સવાચાર ટકા મુખ્ય હતા.
એશિયા ખાતે સાઉથ કોરિયા હાલક-ડોલક છે. ત્યાંનો કોસ્પી ઇન્ડેક્સ ગઈ કાલે સાડાઆઠ ટકા તૂટ્યો છે. ચાઇનીઝ માર્કેટ બે ટકા, તાઇવાન અડધો ટકો તથા જપાન બે ટકા બગડ્યું હતું. સિંગાપોર એક ટકાથી વધુ અને ઇન્ડોનેશિયા પોણા ટકાથી વધુ સુધર્યું છે. યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો ઉપર ચાલતું હતું. બિટકૉઇન બે ટકાના કરન્ટમાં ૬૧,૨૦૯ ડૉલર થયો છે. ૩૦ જૂને અેમાં ૫૭,૮૩૨ ડૉલરની મલ્ટિયર બૉટમ બની હતી.
TVS મોટર્સનું જૂન માસનું વેચાણ ૪૭ ટકા વધીને આવતાં શૅર બમણા વૉલ્યુમે પોણાચાર ટકા કે ૧૩૨ રૂપિયા ઊંચકાઈ ૩૬૨૭ વટાવી ગયો છે. ITમાં એકંદર ખરાબી વચ્ચે પણ ઑરેકલ ફાઇનૅન્શિયલ ૧૧,૨૭૯ની સર્વોચ્ચ સપાટી બનાવી સવા ટકાની આગેકૂચમાં ૧૦,૯૮૩ બંધ થઈ છે.
મુંબઈની ડિવાઇન હીરા જ્વેલર્સ બોનસ બાદમાં વિક્રમી સપાટીએ
મુંબઈના કાલબાદેવી પોસ્ટ ઑફિસ વિસ્તારની ડિવાઇન હીરા જ્વેલર્સ એક શૅરદીઠ બે શૅરના મેઇડન બોનસમાં ગઈ કાલે બોનસ બાદ થતાં ૧૨૪નું શિખર બનાવી પોણાબે ટકા વધી ૧૨૦ બંધ થઈ છે. કંપની ગયા વર્ષે મિડ-માર્ચમાં ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવથી કુલ ૩૨ કરોડનો NSE SME IPO લાવી હતી. ભરણું લગભગ ૩.૯ ગણું છલકાયું હતું. ૨૦૨૫ની ૨૪ માર્ચે લિસ્ટિંગના દિવસે શૅર ભાવોભાવ ખૂલી ડિસ્કાઉન્ટમાં, ૮૫.૫૦ બંધ રહ્યો હતો. ૨૦૨૫ની ૧ મેઅે ભાવ ૪૩ (એક્સ બોનસ પ્રમાણે ૧૪.૩૩)ના ઑલટાઇમ તળિયે ગયો હતો. કંપનીએ ગયા વર્ષે ૮૮૪ કરોડ આવક ઉપર ૭૧૩ લાખ નેટ નફો કર્યો છે. પ્રમોટર્સ પાસે ૭૨.૭ ટકા માલ છે. ભિલવાડા મધ્ય ભારત અૅગ્રો પ્રોડક્ટ્સ ૧૦ના શૅરદીઠ બે રૂપિયામાં તથા ભિલવાડા ખાતેની જ ક્રિશ્ના ફોસ્કેમ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં શુક્રવારે એક્સ-સ્પ્લિટ થવાની છે. ગઈ કાલે મધ્ય ભારત ૬૧૧ની પોણાત્રણ વર્ષની ટૉપ બતાવી ૧.૯ ટકા વધી ૬૦૪ તથા ક્રિશ્ના ફોસ્કેમ ઉપરમાં ૭૨૨ થઈ સવાબે ટકા વધી ૭૧૩ બંધ હતી. બન્ને કંપની ખાતર બિઝનેસમાં છે. NSE ખાતે જ લિસ્ટેડ છે તથા એક જ પ્રમોટર્સની છે. મધ્ય ભારત અૅગ્રો ૧૦ના શૅરદીઠ ૨૪ના ભાવે ૧૩૯૦ લાખનો SME IPO ઑગસ્ટ ૨૦૧૬માં તથા ક્રિશ્ના ફોસ્કેમ ૧૦ના શૅરદીઠ ૩૦ના ભાવથી ૨૦ કરોડનો પ્યૉર OFS SME IPO ફેબ્રુ. ૨૦૧૭માં લાવી હતી. મધ્ય ભારત અત્યાર સુધી બે વખત શૅરદીઠ એકના પ્રમાણમાં અને ક્રિશ્ના એક વખત શૅરદીઠ એકના પ્રમાણમાં બોનસ આપી ચૂકી છે. બન્ને કંપનીમાં છેલ્લે બોનસ ઑગસ્ટ-૨૦૨૩માં જાહેર થયું હતું. હાલ મધ્ય ભારત અેગ્રોની બુકવૅલ્યુ ૧૦ના શૅરદીઠ ૬૩ રૂપિયાની તથા ક્રિશ્નાની બુક વેલ્યુ૧૦ના શૅરદીઠ ૯૧ રૂપિયા નજીકની છે. બન્ને કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૪ ટકા પ્લસનું છે.
તમામ છ SME ભરણાં આખરી દિવસે પાર લાગ્યાં
અમદાવાદી નૅક પૅકેજિંગનો ૧૦ના શૅરદીઠ ૧૭૦ના ભાવથી ૪૩૯ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૬.૫ ગણો ભરાયો છે. પ્રીમિયમ સુધરીને ૨૭ થયું છે. SME સેગમેન્ટમાં ગઈ કાલે એકસાથે છ ભરણાંનો છેલ્લો દિવસ હતો. સુરતની વિનિત મોબાઇલનો ૧૦ના શૅરદીઠ ૧૫૮ના ભાવનો ૩૪ કરોડનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૨.૨ ગણા સહિત કુલ ૧.૬ ગણો ભરાયો છે. પ્રીમિયમ તૂટી ૧નું છે. નોઅેડાની ક્રિટિકલ ટેકનો શૅરદીઠ ૧૩૫ના ભાવના ૪૦ કરોડના BSE SME IPOને રીટેલમાં ૨૧૮ ગણા સહિત કુલ ૨૨૧ ગણો રિસ્પૉન્સ મળ્યો છે. પ્રીમિયમ ઘટીને ૩૪ થયું છે. ભરૂચની તેજા એન્જિનિયરિંગનો શૅરદીઠ ૨૨૦ના ભાવનો ૩૭ કરોડનો NSE SME ઇશ્ય રીટેલમાં માત્ર ૩૨ ટકા સહિત કુલ ૧.૪ ગણો ભરાયો છે. પ્રીમિયમ પહેલેથી નથી. પુણેની અથર્વા પૉલિપ્લાસ્ટનો ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવનો ૨૭ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૧૧.૩ ગણા સહિત કુલ ૧૦.૮ ગણો છલકાયો છે. પ્રીમિયમ ગગડી દોઢનું છે. દિલ્હીની સંપર્ક ઇન્ડિયા લૉજિસ્ટિક્સનો ૧૦ના શૅરદીઠ ૮૪ના ભાવનો ૨૭ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૪.૬ ગણા સહિત કુલ પાંચ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ પહેલેથી નથી. બરોડાની સિમેક્સ રિસૉર્સિઝનો ૧૦ના શૅરદીઠ ૧૪૧ના ભાવનો ૨૦ કરોડનો BSE SME IPO રીટેલમાં દોઢ ગણા સહિત કુલ ૩.૬ ગણો ભરાયો છે. પ્રીમિયમ ઝીરો છે.
ટેક્નિકલ બાઉન્સ-બૅકમાં IT ૧૧૦૨ પૉઇન્ટ પ્લસ
તાજેતરની ખુવારી બાદ IT ઇન્ડેક્સ ગઈ કાલે તગડા બાઉન્સ-બૅકમાં ૪.૪ ટકા કે ૧૧૦૨ પૉઇન્ટ વધ્યો છે. મલ્ટિયર તળિયે ગયા પછી ઇન્ફોસિસ બમણા વૉલ્યુમે ૫.૬ ટકાની તેજીમાં ૧૦૪૧ બંધ આપી સેન્સેક્સ નિફ્ટીમાં ઝળક્યો હતો. TCS ૪.૩ ટકાના ઉછાળે ૨૦૬૭ બંધ થયો છે. રિઝલ્ટ ૯મીએ છે. ટેક મહિન્દ્ર ૪.૩ ટકા તો HCL ટેક્નૉલૉજીસ ૪.૧ ટકા ઉછળી હતી. આ જ શૅર બજારને કુલ ૩૦૫ પૉઇન્ટ ફળ્યા છે. અન્ય ફ્રન્ટલાઇનમાં વિપ્રો ૧૬૮ના નવા મલ્ટિયર તળિયે જઈ સવાબે ટકા વધી ૧૭૪ તથા લાર્સન માઇન્ડ ટ્રી પોણાચાર ટકા ઊંચકાઈ ૩૬૭૯ હતી. સાઇડ શૅરમાં કન્ટ્રોલ પ્રિન્ટ ૧૩.૨ ટકા, ઝેનસાર ટેક્નૉલૉજી સવાનવ ટકા, મૅપ માય ઇન્ડિયા ૮.૭ ટકા, ઓરિયેન્ટ ટેક્નૉલૉજી ૮ ટકા, તાતા ટેક્નૉલૉજીસ સવાછ ટકા, લેટેન્ટ વ્યૂ ૫.૭ ટકા, પર્સિસ્ટન્ટ ૫.૯ ટકા, એમ્ફાસિસ પોણાછ ટકા, કોફોર્જ પાંચ ટકા મજબૂત બની છે. સાસ્કેન ઉપરમાં ૨૩૪૦ બતાવી પાંચ ટકા તૂટી ૨૧૬૦ થઈ હતી.
ઑટો ઇન્ડેક્સ વધુ ૧.૩ ટકા પ્લસ થયો છે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ ૭.૪ ટકા તો સોના કોમસ્ટાર ૭ ટકા ઝળકી હતી. અશોક લેલૅન્ડ દોઢ ટકા, હ્યુન્ડાઈ પોણાબે ટકા, આઇશર પોણાબે ટકા, મહિન્દ્ર ૧.૯ ટકા, તાતા મોટર્સ બે ટકા, TVS મોટર્સ પોણાચાર ટકા વધી છે. MRF સવાબે ટકા કે ૨૮૩૩ રૂપિયા, અપોલો ટાયર્સ સાડાપાંચ ટકા, બૉશ ૭૫૦ રૂપિયા પ્લસ હતી. તાતા મોટર્સ પૅસેન્જર તથા મારુતિ અડધા ટકા આસપાસ નરમ રહી છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૯ શૅર પ્લસમાં આપી અડધો ટકો ઘટ્યો છે. બૅન્કિંગના કુલ ૪૧માંથી ૨૫ શૅર સુધર્યા હતા. જેકે બૅન્ક સાડાપાંચ ટકા, ધનલક્ષ્મી બૅન્ક ૫.૨ ટકા, DCB બૅન્ક ૪.૬ ટકા, CSB બૅન્ક ૪ ટકા વધી મોખરે હતી.
૨૮ વર્ષ જૂની IT કંપની CSM ટેક્નૉલૉજીસનું નબળું લિસ્ટિંગ
આજે, શુક્રવારે નવી દિલ્હીની આઇટીસ ઇલેક્ટ્રિકલ્સ કંપની ૧૦ના શૅરદીઠ ૯૯ની અપરબૅન્ડમાં ૪૭૯૧ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ કરવાની છે. QIB પોર્શન ૪૯.૭૩ ટકા તથા રીટેલ પોર્શન ૩૩.૦૮ ટકા છે. ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની રેલવેને લગતાં ઇલેક્ટ્રૉનિક ઇક્વિપમેન્ટ્સ બનાવે છે તથા રેલવેને એન્જિનિયરિંગ સૉલ્યુશન્સ પૂરું પાડે છે. ગયા વર્ષે કંપનીએ ૧૭.૫ ટકા વધારામાં ૧૪૪ કરોડ જેવી આવક ઉપર ૫૦ ટકા નજીકના વૃદ્ધિદરથી ૧૪૧૦ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૩૫ ટકા વધીને ૭૫૪૨ લાખ નોંધાયું છે. ઇશ્યુમાંથી ૩૩૬૦ લાખ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કંપનીએ બૉટમ લાઇનમાં જે વધારો બતાવ્યો છે અે શંકાસ્પદ છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૧૮૨૬ લાખ થશે. ગ્રેમાર્કેટમાં ૨૮થી શરૂ થયેલું પ્રીમિયમ વધીને ૪૦ થયા બાદ હાલમાં ૪૦ બોલાય છે.
દરમ્યાન ગઈ કાલે ભૂવનેશ્વર ખાતેની CSM ટેક્નૉલૉજીસ ૧૦ના શૅરદીઠ ૧૧૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થઈ ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૧૧૩ ખૂલી ૧૦૭ બંધ રહેતાં અેમાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. ૨૮ વર્ષ જૂની આ IT કંપનીનો મેઇન બોર્ડમાં ૧૪૬ કરોડનો ઇશ્યુ કુલ ૧.૪ ગણો ભરાયો હતો. ઉત્તર પ્રદેશના ગોરખપુરની ક્રેઝી સ્નૅક્નો ૧૦ના શૅરદીઠ ૪૨ના ભાવનો ૬ કરોડની OFS સહિત કુલ ૩૧ કરોડનો BSE SME ઇશ્યુ આજે લિસ્ટેડ થશે. ભરણું માંડ સવા ગણું ભરાયું હતું. પ્રીમિયમ નથી. આગલા દિવસે ૧૭.૫ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૬૬૭ બંધ રહેલા વૉટરવેઝ લિઝર ગઈ કાલે ૭૩૪ના બેસ્ટ લેવલે જઈ ૧૦ ટકા ઊછળી ત્યાં જ રહી છે તો ૨૯ ટકા લિસ્ટિંગ ગેઇન આપનાર એઢવીટ જ્વેલ્સ પોણાબે ટકા ઘટી ૧૭૫ બંધ હતી. ૧૯ ટકા લિસ્ટિંગ લૉસ આપનાર GVL ઇન્ડસ્ટ્રીઝ તદ્દન પાંખા વૉલ્યુમે પાંચ ટકા ગગડી ૧૫૩ રહી છે.