✕

ક્યા સે ક્યા હો ગયા, સેક્ટર્સ અને સ્ટૉક્સ કેવાં બદલાઈ ગયાં!

12 October, 2026 10:24 AM IST  |  Mumbai | Jayesh Chitalia

સેન્સેક્સની ૩૫ વર્ષની યાત્રામાંથી મળતા સબક-સંકેત સમજવા જેવા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અહીં દર વખતે સ્ટૉકમાર્કેટના ટ્રેન્ડની વાત કરીએ છીએ, આજે સેન્સેક્સના એક અલગ પ્રકારના ટ્રેન્ડની વાત કરીએ જેમાંથી ઇકૉનૉમીનો બદલાયેલો ટ્રેન્ડ જોવા મળે છે અને આગામી સમયના સંકેત પણ સમજવા મળે છે. જૂની પેઢી માટે આ બાબત એક યાદ સમાન હશે અને નવી પેઢી માટે અભ્યાસ થઈ જશે

આજે એક સાદા સવાલથી વાતની શરૂઆત કરીએ, BSEના બેન્ચમાર્ક અને સૌથી પૉપ્યુલર ઇન્ડેક્સ સેન્સેક્સમાં કેટલા સ્ટૉક્સ છે? જગજાહેર જવાબ છે, ૩૦ સ્ટૉક્સ (સ્ક્રિપ્સ કે કંપનીઓ). તમને થઈ શકે કે અમે અચાનક આવો સવાલ કેમ પૂછ્યો, આ જવાબ જગજાહેર નથી. યસ, ૧૯૯૧ બાદ સેન્સેક્સમાં જબરદસ્ત પરિવર્તન આવતાં રહ્યાં છે અને આજે ૩૦ સ્ટૉક્સ (કંપનીઓમાં)માંથી માત્ર ૭ સ્ટૉક્સ જ એવા છે જે આ ઇન્ડેક્સમાં અકબંધ રહ્યા છે, બાકીના ૨૩ના સ્થાને નવી સફળ કંપનીઓ આવતી ગઈ છે.

એક સમય હતો (હર્ષદ મહેતાનો સમય) જ્યારે સેન્સેક્સ બેફામ કુદકા-ઉછાળા મારતો હતો ત્યારે લોકો એવું બોલતા કે ચાલોને સેન્સેક્સ જ ખરીદી લઈએ. યાદ આવ્યું? એ સમયે હજી ઇન્ડેક્સમાં સોદા શરૂ થયા નહોતા. ફ્યુચર્સ અને ઑપ્શન્સ માર્કેટ ખૂલી નહોતી. રાધર, જેને ડેરિવેટિવ્ઝ માર્કેટ કહે છે એનો સમય ભારતમાં આરંભાયો નહોતો. આજે ડેરિવેટિવ્ઝ માર્કેટ મૂળ કૅશ-ઇક્વિટી માર્કેટ કરતાં વૉલ્યુમ-ટર્નઓવરમાં અનેકગણી આગળ નીકળી ગઈ છે.

અર્થતંત્રના ઉદારીકરણનો સમય

૯૦ના અંતિમ તબક્કામાં ફૉરેન ઇન્વેસ્ટર્સની ભારતીય બજારમાં એન્ટ્રી થઈ એ સમય અર્થતંત્રના ઉદારીકરણનો આરંભકાળ હતો અને એ પછીથી સેન્સેક્સમાં કંપનીઓના (એક્ઝિટ થવાનો) બહાર નીકળવાનો પણ આરંભ થયો. અર્થતંત્રના ઉદારીકરણનાં ૩૫ વર્ષ બાદ જે રીતે ઇકૉનૉમી વિકસતી ગઈ અને માર્કેટ પણ વિકસતું ગયું, એ પછી હાલ માત્ર ૭ કંપનીઓ એવી રહી જેમણે ઇન્ડેક્સમાં સ્થાન જાળવી રાખવાની પાત્રતા જાળવી રાખી હતી, બાકીની કંપનીઓ કાં તો બિઝનેસમાંથી બહાર કે દૂર ફેંકાઈ ગઈ અથવા સેન્સેક્સમાં રહેવા માટે પાત્ર ન રહી. આ ૭ કંપનીઓ કઈ એ જાણવાની ઉત્સુકતા હોવી સહજ છે જેમાં તાતા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, તાતા મોટર્સ, હિન્દુસ્તાન યુનિલીવર, ઇન્ડિયન ટબૅકો કંપની (ITC), લાર્સન ઍન્ડ ટુબ્રો અને મહિન્દ્ર-મહિન્દ્રનો સમાવેશ થાય છે.

ગુજરા હુઆ ઝમાના

નવાઈ લાગી શકે, પરંતુ એક સમયે જેમનો જમાનો હતો એવી કેટલીક કંપનીઓ સેન્સેક્સમાંથી બહાર નીકળી ગઈ જેમાં અમુકે તો ઉઠમણું નોંધાવ્યું કે બંધ પડી ગઈ. આવી એક્ઝિટ થયેલી કંપનીઓમાં પેપર કંપની બલ્લારપુર ઇન્ડસ્ટ્રીઝ, ઑટો કંપની પ્રીમિયર ઑટો અને હિન્દુસ્તાન મોટર્સ તેમ જ ફ્યુચ્યુરા પૉલિયેસ્ટર અને ઝેનિથ સ્ટીલનો સમાવેશ થતો હતો. ૧૯૯૧માં જે કંપનીઓ સેન્સેક્સનો મહત્ત્વનો હિસ્સો હતી એ કંપનીઓ હવે સેન્સેક્સમાં નથી, એ અપેક્ષિત ગ્રોથ કરી શકી નહીં જે સેન્સેક્સનાં ધોરણોને પાત્ર હોય, પરિણામે બહાર થઈ ગઈ. હાલ મિડકૅપ સ્ટૉક્સમાં આવી ગઈ. આવી કંપનીઓમાં ACC, વૉલ્ટાસ, સેન્ચુરી ટેક્સટાઇલ્સ, બૉમ્બે ડાઇંગ, મુકુંદ, ગ્રેટ ઇન્ડિયા શિપિંગ, હિન્દાલકો, ગ્રાસિમ, નેસ્લે ઇન્ડિયા, સિમેન્સ, સિયાટ, ગ્લેક્સો, તાતા પાવર, ઇન્ડિયન હોટેલ્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓનો એક જમાનો હતો, બોલબાલા હતી. અલબત્ત, આમાંથી ઘણીખરી કંપનીઓ આજે પણ પૉપ્યુલર છે, પણ પહેલાં જેવી નહીં કેમ કે એ સેન્સેક્સનો ભાગ નથી.

સેક્ટર્સનાં ધરખમ પરિવર્તન

એક હકીકત ખાસ નોંધવી રહી કે એ ૧૯૯૧નો સમય ઉત્પાદનલક્ષી ઉદ્યોગો-કંપનીઓનો હતો, જ્યારે કે એ પછીથી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેક્ટર અને સર્વિસ સેક્ટર છવાતું ગયું. અર્થતંત્રના વિકાસમાં પણ આ સેક્ટરનો ફાળો વધતો ગયો. રિફૉર્મ્સના ગાળા બાદ વ્યક્તિગત-પારિવારિક માલિકીના બિઝનેસ ધીમે-ધીમે નામશેષ થતા ગયા અથવા તેમનું વર્ચસ્વ ગુમાવતા ગયા અને સંસ્થાકીય સપોર્ટ સાથેના સ્વતંત્ર બિઝનેસ આવતા ગયા. ઇકૉનૉમીનું ફાઇનૅન્શિયલાઇઝેશન થતું ગયું. ૧૯૯૧ના સમયમાં સેન્સેક્સની ૩૦માંથી ૨૮ કંપનીઓ  ઉત્પાદનલક્ષી કંપનીઓ હતી જે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (FMCG), ટેક્સટાઇલ્સ, કૅપિટલ ગુડ્ઝ, મેટલ્સ, માઇનિંગ, સિમેન્ટ, કેમિકલ્સ, પેપર્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા સેક્ટરની હતી. સર્વિસ સેક્ટરની માત્ર બે કંપની હતી. વધુ એક રસપ્રદ વાત એ પણ ખરી કે ૩૦માંથી ૨૦ કંપનીઓ પારિવારિક જૂથની હતી જેમ કે તાતા ગ્રુપ, મહિન્દ્ર-મહિન્દ્ર ગ્રુપ. એ સમય મલ્ટિનૅશનલ કંપનીઓનો પણ હતો જેમની સબસિડિયરીઝ ભારતમાં હતી અને સેન્સેક્સમાં પણ મજબૂત સ્થાન ધરાવતી હતી.

આજે આ બેન્ચમાર્ક ઇન્ડેક્સ બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ સર્વિસિસ અને ઇન્શ્યૉરન્સ બિઝનેસ ક્ષેત્રથી છવાયેલું છે. આ સેક્ટર્સની ૭ કંપનીઓ એવી છે જે ઇન્ડેક્સમાં ૩૮ ટકા જેટલું (વેઇટેજ) વર્ચસ્વ ધરાવે છે. આ ઉપરાંતના વર્ચસ્વવાળા સેક્ટરમાં IT સર્વિસ, ટેલિકૉમ, ઑઇલ-ગૅસ, રિટેલ, ઇન્ટરનેટ ઍગ્રીગેટર્સનો સમાવેશ થાય છે. યાદ રહે, આ સેક્ટર્સના સ્થાને યા સ્ટૉક્સના સ્થાને નવા સેક્ટર-સ્ટૉક્સ આવશે, જેમ હાલમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર્સ વગેરે છવાઈ રહ્યા છે. ગ્લોબલાઇઝેશન જે ગતિથી આગળ વધીને વિસ્તરી રહ્યું છે એને ધ્યાનમાં રાખતાં હવે પછીનાં પરિવર્તન વધુ ઝડપી અને મોટાં હશે.

આ સેન્સેક્સની ૩૫ વરસની યાત્રા જોઈએ તો માર્ચ ૧૯૯૧માં ૧૧૬૮ પૉઇન્ટ રહેલો સેન્સેક્સ ૨૦૨૬ના જુલાઈના અંતે ૭૮,૦૦૦ હતો અર્થાત એ ૬૭ ગણો વધ્યો. જોકે રોકાણકારો માટે એનું વાર્ષિક મૂડી વળતર ૧૨.૬ ટકા ગણાય. જોકે માર્કેટ કૅપિટલાઇઝેશન ૭૮૦ ગણું વધ્યું છે. માર્ચ ૧૯૯૧માં માર્કેટકૅપ ૨૦,૦૦૦ કરોડ આસપાસ હતું એ જુલાઈ ૨૦૨૬ના અંતે ૧૫૭ ટ્રિલ્યન (લાખ કરોડ) રૂપિયા પહોંચ્યું છે. છેલ્લાં બે વર્ષ પર નજર કરીએ તો ૨૦૨૪ની ૨૬ સપ્ટેમ્બરે સેન્સેક્સ ૮૫,૮૩૬ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો એ ૨૦૨૬ની ૨૯ સપ્ટેમ્બરે ૭૨,૫૨૯ના લેવલે આવી પછીના દિવસે ત્યાંથી પણ નીચે ઊતરી ગયો હતો.

ઇકૉનૉમિક રિફૉર્મ્સની પણ યાત્રા

આ ૩૫ વર્ષોમાં ધરખમ પરિવર્તન થયાં છે. લગભગ ઘણાં મહત્ત્વનાં કે ચાવીરૂપ ક્ષેત્રોમાં જાહેર-સરકારી સાહસોનું જ વર્ચસ્વ હતું. ઉદારીકરણ, આર્થિક સુધારા-ઇકૉનૉમિક રિફૉર્મ્સ બાદ સંજોગો અને ચિત્રો સતત બદલાતાં ગયાં જેનું પરિણામ આજે સૌની સામે છે. ખાનગી ક્ષેત્રના આગમન અને ફેલાવા બાદ વિવિધ ક્ષેત્રે ક્રાંતિ કહી શકાય એવી ઘટનાઓ બનતી ગઈ. આજે ભારત એક નવું ઇન્ડિયા છે જે વૈશ્વિક સ્તરે માત્ર સ્થાન જ નહીં, મહત્ત્વનું નામ ધરાવે છે.

આ ૩૫ વર્ષની સેન્સેક્સની યાત્રા માત્ર શૅરબજારની યાત્રા નથી, અર્થતંત્રની પણ યાત્રા છે જેમાંથી સમજો તો ઘણી શીખ મળી શકે છે. આગામી વર્ષોની ધારણા બની શકે છે, પરિવર્તનના સંકેતોને સમજી શકાય છે, બદલાતી બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ પૅટર્નને જોઈ શકાય છે. લાઇફ સ્ટાઇલ સાથે કૅપિટલિઝમ અને સોશ્યલિઝમના સંગમને જોઈ શકાશે. આગામી સમય માત્ર ઢગલાબંધ પડકારો, પરિવર્તનો જ નહીં, અઢળક તકો અને અવસરો પણ લઈને આવશે.

હાલના સેન્સેક્સની હાલાત પણ સમજી લો

હાલના સેન્સેક્સની હાલત પણ જોઈ લઈએ તો જિયોપૉલિટિકલનો સતત ભોગ બની રહ્યો છે. ગયા સપ્તાહમાં ઘણાં ગાબડાં બાદ થોડી રિકવરી પામી અંતે ૭૨,૪૦૦ આસપાસ બંધ રહ્યો. 
કરેક્શનનાં કારણોમાં ક્રૂડના ઊંચા ભાવ મોખરે છે. ક્રૂડના ઊંચા ભાવના કારણમાં અમેરિકા-ઈરાન તનાવ મોખરે છે. આના પરિણામમાં મોંઘવારી અને કૉર્પોરેટ કામગીરી અસર પામી રહી છે. બીજી બાજું, IPO બહુ મોટો નાણાપ્રવાહ લઈ જઈ રહ્યા છે.

અને હા, અમેરિકામાં મિડ ટર્મ પોલ-ચૂંટણી આવી રહી છે જેણે પણ ચોક્કસ અનિશ્ચિતતા ઊભી કરી છે. વિદેશી રોકાણકારો સતત નેટ સેલર્સ બન્યા છે.

મજાની વાત જુઓ, ટ્રમ્પે સામેથી ઈરાન પર હુમલા અટકાવ્યા છે, જે ટ્રમ્પ બધા દેશોને રશિયન ઑઇલ ખરીદવાની ના પાડે છે તે પોતે રશિયન ઑઇલ ખરીદવાના રશિયા સાથે કરાર કરી રહ્યા છે. ભારત સામે ટૅરિફનું દબાણ વધારી રહ્યા છે.

બાય ધ વે, આ બધાની અસરે શૅરબજાર વધુ જોરપૂર્વક ઘટે એ સહજ છે. મૂડીધોવાણ અધધધ... થઈ ગયું છે. નેગેટિવ ન્યુઝ અને નેગેટિવ સેન્ટિમેન્ટ બજાર પર ગંભીર અસર ધરાવે છે. આ સમય ગભરાટનો લાગે છે, પરંતુ યાદ રાખો, ભારતે ઘણી વાર આ પ્રકારની કટોકટીનો સામનો કર્યો છે. આવા જ સમયમાં સુધારાને વેગ આપીને વધુ મજબૂત બનવાનો નક્કર પ્રયાસ કર્યો છે. જો ધીરજ અને ક્ષમતા હોય તો સિલેક્ટિવ ખરીદીનો સમય છે. સેન્સેક્સ અને નિફ્ટી રિકવરી તરફ વળશે એવી આશા નકામી નહીં જાય. એથી જ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત ખરીદી ચાલુ રાખી બજારમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange jayesh chitalia