23 July, 2026 01:29 PM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
પરિણામની પૂર્વસંધ્યાએ ઇન્ફોસિસમાં નબળાઈ જારી રહી ઃ રિઝલ્ટની હૂંફમાં નેસ્લે નવા બેસ્ટ લેવલ સાથે મજબૂત ઃ HALના ૧૩૦૦ કરોડના ટેન્ડરમાં પ્રિફર્ડ બ્રિડર તરીકે બહાર આવતાં ડેટા પૅટર્ન્સમાં ૫૩૬ રૂપિયાની તેજી ઃ લગભગ ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇન આપનાર મિલવર્ક્સ ટેક્નૉલૉજીઝ તેજીની સર્કિટ સાથે નવા શિખરે ઃ SBI ફન્ડ્સ લિસ્ટિંગના વળતા દિવસે નવા તળિયે ઃ નફામાં નબળાઈ રહેતાં મેડપ્લસ સવા વર્ષની નીચી સપાટી બનાવી ૧૦૦ રૂપિયા ગગડી
અમેરિકા સાથેના યુદ્ધમાં યમન તરફથી ઈરાનની તરફેણમાં નવો મોરચો શરૂ કરવામાં આવતાં બ્રેન્ટ ક્રૂડ નવા કરન્ટમાં ૯૫ ડૉલર વટાવી ગયું છે. સોના-ચાંદીમાં એક-સવા ટકાનો વધુ સુધારો થયો છે. એશિયન બજાર હળવી વધઘટમાં મિશ્ર બંધ રહ્યાં છે. તાઇવાન અને સિંગાપોર સવા ટકો તો સાઉથ કોરિયા પોણો ટકો પ્લસ થયું છે. સામે હૉન્ગકૉન્ગ એક ટકો અને થાઇલૅન્ડ પોણો ટકો નરમ હતું. યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો સુધારામાં હતું. બિટકૉઇન એક ટકાની પીછેહઠમાં ૬૫,૮૩૮ ડૉલર દેખાયો છે. ડૉલર સામે રૂપિયો ૯૬.૨૫ના આગલા બંધ સામે ઘટીને ૯૬.૫૮ વટાવી રનિંગમાં ૯૬.૫૪ ચાલતો હતો.
સેન્સેક્સ આગલા બંધથી ૮૫ પૉઇન્ટ ઢીલો, ૭૭,૩૮૫ ખૂલી છેવટે ૭૧૫ પૉઇન્ટની વધુ નરમાઈમાં ૭૬,૭૫૫ તથા નિફ્ટી ૧૯૧ પૉઇન્ટ ઘટી ૨૩,૯૯૬ બંધ થયો છે. આરંભથી અંત સુધી રેડ ઝોનમાં રહેલા બજારમાં શૅરઆંક ઉપરમાં ૭૭,૩૮૫ અને નીચામાં ૭૬,૬૪૧ દેખાયો હતો. ખાસ્સી ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૦૬૮ શૅર સામે ૨૨૩૨ જાતો માઇનસ હતી. માર્કેટકૅપ ૪.૨૫ લાખ કરોડ રૂપિયા ઘટી ૪૮૦.૦૫ લાખ કરોડ રહ્યું છે. બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ લાલ થયાં છે. FMCG ઇન્ડેક્સ ૦.૪ ટકા સુધરી અપવાદ હતો. ઑટો બેન્ચમાર્ક ફ્લૅટ બંધ રહ્યો છે. નિફ્ટી તથા સેન્સેક્સની ૦.૮થી ૦.૯ ટકા જેવી નરમાઈ સામે રિયલ્ટી ઇન્ડેક્સ અઢી ટકા, બૅન્ક નિફ્ટી સવા ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણાબે ટકા, હેલ્થકૅર-ફાર્મા ૧.૪ ટકા, આઇટી ઇન્ડેક્સ દોઢ ટકા, નિફ્ટી મીડિયા ૨.૭ ટકા, ઑઇલ અૅન્ડ ગૅસ એકાદ ટકા ડૂલ થયો છે.
ICICI બૅન્ક દોઢ ટકા ઘટી બજારને ૧૩૩ પૉઇન્ટ તો HDFC ૧.૧ ટકાની નબળાઈમાં ૧૦૭ પૉઇન્ટ નડી છે. અૅક્સિસ બૅન્ક દોઢેક ટકા તથા સ્ટેટ બૅન્ક ૧.૮ ટકા ઘટતાં અેમાં બીજા કુલ ૧૦૬ પૉઇન્ટનો ઉમેરો થયો છે. રિલાયન્સ નબળા વલણમાં વધુ ૧.૧ ટકા બગડી ૧૨૮૮ બંધ થઈ બજારને ૮૪ પૉઇન્ટ ભારે પડી છે. ઇન્ડિગો ૩.૭ ટકા ગગડી ૫૧૧૫ બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લુઝર હતી. જિયો ફાઇનૅન્શિયલ ૨.૨ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૯ ટકા, અલ્ટ્રાટેક પોણાબે ટકા નરમ હતી. પરિણામની પૂર્વસંધ્યાએ ઇન્ફોસિસ બે ટકા જેવી ખરાબીમાં ૧૦૫૩ નજીક રહી છે. ટેક મહિન્દ્રા સવા ટકો, TCS અડધો ટકો, વિપ્રો તથા HCL ટેકનો નહીંવત્ ઘટી છે.
નિફ્ટી ખાતે બજાજ ઑટો ૧૧,૦૩૧ની ૧૯ માસની ટૉપ બતાવી પોણાછ ટકા કે ૫૯૫ની તેજીમાં ૧૦,૯૯૮ બંધ રહી છે. નેસ્લે ૨.૯ ટકા તો તાતા કન્ઝ્યુમર સવા ટકો પ્લસ હતી. સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનિલીવર પોણો ટકો, NTPC અને પાવર ગ્રીડ અડધો ટકો, ટાઇટન સાધારણ સુધરી હતી. હિન્દુસ્તાન અૅરોનોટિક્સ તરફથી જારી થયેલા ૧૩૦૦ કરોડના ટેન્ડરમાં ડેટા પૅટર્ન્સ પ્રિફર્ડ બ્રિડર તરીકે બહાર આવતાં નબળા બજારમાંય અેનો શૅર નવ ગણા વૉલ્યુમે ૪૮૦૦ થઈ ૧૨.૭ ટકા કે ૫૩૬ની તેજીમાં ૪૭૭૮ બંધ આપીને ‘એ’ ગ્રુપમાં ઝળક્યો છે. પરિણામની તેજી જાળવી રાખતાં બ્લુસ્ટોન જ્વેલરી ૮૭૨ના શિખરે જઈ ૮.૭ ટકા વધી ૭૭૬ થઈ છે.
સોટફીન ભારતનો SME ઇશ્યુ આજે લિસ્ટેડ થશે
SME સેગમેન્ટમાં કલકત્તાની સોટફીન ભારતનો ૧૦ના શૅરદીઠ ૧૮૭ની ઇશ્યુ પ્રાઇસવાળો ૯૦ કરોડનો BSE SME ઇશ્યુ આજે લિસ્ટિંગમાં જશે. પ્રીમિયમ હાલ ૩ રૂપિયા છે. આગલા દિવસે સવાછ ટકાનો લિસ્ટિંગ ગેઇન સાથે ૬૧૦ નજીક બંધ રહેલી SBI ફન્ડ્સ મૅનેજમેન્ટ ગઈ કાલે ૫૮૨નું બૉટમ બતાવી ચાર ટકા ગગડી ૫૮૫ થઈ છે. અમદાવાદી અલ્પાઇન ટેક્સવર્લ્ડ પાંચ ટકાની લિસ્ટિંગ લોસમાં ૧૦૦ની અંદર બંધ થયા બાદ ગઈ કાલે ૯૫ નીચેના તળિયે જઈ પાંચ ટકા તૂટી ત્યાં જ હતી. તો SME કંપની મિલવર્ક્સ ટેક્નૉલૉજીઝ લગભગ ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇન સાથે ૬૬૦ ઉપર બંધ રહ્યા પછી વળતા દિવસે ૬૯૩ની નવી ટૉપ બનાવી પાંચ ટકા વધી ત્યાં જ બંધ થઈ છે.
ચાલુ SME ભરણાંમાં ગઈ કાલે અમદાવાદી ગલ્ફ લૉઇડ્સ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૧૮૧૯ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૧૯ ગણા સહિત કુલ ૧૧ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. રાજકોટની મેટાલિક ટેકનોફોર્જનો ૧૦ના શૅરદીઠ ૭૭ના ભાવનો કુલ ૫૦ કરોડનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ એક ગણો ભરાયો છે. જ્યારે કલકત્તાની શ્રી બાલાજી માલા ટેક્સટાઇલ્સનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૧૯ કરોડનો BSE SME IPO પ્રથમ દિવસે રીટેલમાં પાંચ ગણા સહિત કુલ ત્રણ ગણો ભરાયો છે. હાલ શ્રી બાલાજીમાં ૧૫ રૂપિયા, ગલ્ફ લૉઇડ્સમાં એક રૂપિયો તથા મેટાલિકમાં ઝીરો ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ બોલાય છે.
પ્રોત્સાહક પરિણામ વચ્ચે બંધન બૅન્ક ૧૭ ટકા ડૂલ થઈ
બંધન બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ જૂન ક્વૉર્ટરમાં છ ટકા વધી ૨૯૨૦ કરોડ તથા નેટ નફો ૩૫ ટકા વધી ૫૦૨ કરોડ નજીક આવ્યો છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૭૦ બતાવી ૧૬.૯ ટકા તૂટી ૧૭૩ હતો. અદાણી ટોટલની ત્રિમાસિક આવક ૨૭.૩ ટકા વધી ૧૯૨૦ કરોડ થઈ છે, પરંતુ નફો સવાચૌદ ટકા ઘટી ૧૪૨ કરોડ અંદર ઊતરી ગયો છે. શૅર આગલા દિવસના બે ટકા જેવા ઘટાડા બાદ ગઈ કાલે અઢી ટકા ઘટી ૬૮૨ હતો. નેસ્લે ઇન્ડિયાએ જૂન ક્વૉર્ટરમાં ૨૫.૪ ટકા વધારામાં ૬૩૬૩ કરોડની વેચાણ આવક ઉપર ૪૮ ટકા વૃદ્ધિદરથી ૯૫૯ કરોડ નજીકનો ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર ગઈ કાલે ૧૫૧૦નું નવું શિખર નોંધાવી ૨.૭ ટકા વધી ૧૪૯૨ હતો.
કોલ ઇન્ડિયાની સબસિડિયરી ભારત કોકિંગ કોલ તરફથી સાડાત્રણ ટકા ઘટાડામાં ૩૫૮૭ કરોડની આવક ઉપર અગાઉના ૧૭૭ કરોડના નેટ નફા સામે આ વખતે ૬૮ કરોડની ચોખ્ખી ખોટ દર્શાવાઈ છે. શૅર અઢી ગણા કામકાજે નીચામાં ૩૪.૪૧ થઈ ૮.૯ ટકા ખરડાઈ ૩૫ નજીક હતો. પ્રિન્ટિંગ પબ્લિશિંગ કંપની MPS લિમિટેડ દ્વારા ૨૭.૩ ટકા વધારામાં ૧૧૯ કરોડની આવક ઉપર ૫૯ ટકા વધારામાં ૪૩૬૦ લાખ નેટ નફો હાંસલ કરાયો છે. ભાવ ૬૦ ગણા જંગી વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૫૬૮ની વર્ષની ટૉપ બનાવી ૪૨૮ રૂપિયા ઊછળી ત્યાં જ બંધ રહ્યો છે. ૧૦ના શૅરની બુક વૅલ્યુ ૩૪૯ જેવી છે. છેલ્લે બોનસ જુલાઈ-૨૦૦૧માં આવ્યું હતું. મેડપ્લસ હેલ્થ સર્વિસીસે ૨૧.૮ ટકા વધારામાં ૧૮૭૯ કરોડની આવક ઉપર ૨૧.૭ ટકા ઘટાડામાં ૨૧૬૭ લાખ નેટ પ્રૉફિટ કરતાં ભાવ ૬૫૪ની સવા વર્ષની નીચી સપાટી બતાવી સાડાબાર ટકા કે ૧૦૦ રૂપિયા બગડીને ૬૯૫ બંધ આવ્યો છે. ૩ જાન્યુઆરી ૨૦૨૨માં ભાવ ૧૩૪૩ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. ૨૧ મે ૨૦૨૬ના રોજ વર્ષની ટૉપ ૧૦૨૦ બની હતી.
ટ્રમ્પની ૨૦૦ ટકા ટૅરિફની હિલચાલમાં ફાર્મા શૅર ખરડાયા
ટ્રમ્પ તરફથી જેનરિક ડ્રગ્સની આયાત ઉપર ૨૦૦ ટકા ટૅરિફ નાખવાની હિલચાલ શરૂ થતાં ઘરઆંગણે ફાર્મા શૅરમાં માનસ બગડ્યું છે. ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ ૧.૩ ટકા તથા નિફ્ટી ફાર્મા ૧.૪ ટકા ડાઉન થયો છે. ફ્રન્ટલાઇન ફાર્મા શૅરમાં સનફાર્મા એક ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા, સિપ્લા એક ટકો, લુપિન ૪.૨ ટકા, ગ્લેન્ડ ફાર્મા ૨.૯ ટકા, અરબિંદો ફાર્મા બે ટકા, ગ્લેનમાર્ક ફાર્મા દોઢ ટકા, સ્પાર્ક ૪.૭ ટકા, ઝાયડ્સ લાઇફ સવા ટકો ડાઉન થઈ છે. બજાજ હેલ્થકૅર સાડાત્રણ ગણા કામકાજે નીચામાં ૩૨૦ બતાવી ૧૨.૭ ટકાના કડાકામાં ૩૨૩ હતી. યુનીકેમ લૅબ દસેક ટકા, માર્કસન્સ ફાર્મા ૭.૭ ટકા, સુવેન લાઇફ સવાછ ટકા, પેનેસેખા બાયો ૫.૫ ટકા, મોરપેન લૅબ સવાછ ટકા, ઇન્ડોકો રેમેડિઝ પાંચ ટકા, કૅપ્લીન પૉઇન્ટ ૪.૫ ટકા ગગડી છે. નેફ્રોકૅર હેલ્થ સર્વિસીસ ઉપર ૬૭૮ થઈ ૮.૬ ટકાની મજબૂતીમાં ૬૭૯ બંધ હતી. ડિવીઝ લૅબ ઉપરમાં ૭૩૯૬ બતાવી પોણા ટકાના સુધારામાં ૭૩૮૭ રહી છે.
તાતા કમ્યુનિકેશન્સની આવક ૧૦ ટકા વધીને ૬૫૮૩ કરોડ થઈ છે પણ નફો ૨૯ ટકા ગગડી ૧૩૪ કરોડ નોંધાયો છે. શૅર નીચામાં ૧૬૮૧ અંદર જઈ સવા ટકો ઘટી ૧૭૯૬ હતો. ખાનગી ક્ષેત્રની CSB બૅન્કની આવક ૧૨૮૬ કરોડથી વધીને ૧૫૧૬ કરોડ વટાવી ગઈ છે. ચોખ્ખો નફો ૨૭ ટકા વધી ૧૫૦ કરોડ જોવાયો છે. ભાવ પાંચ ગણા કામકાજે ૩૭૨ ખૂલી નીચામાં ૩૪૦ બતાવી ૮.૯ ટકા ખરડાઈ ૩૪૫ હતો. ભારત પેટ્રોલિયમે જૂન ક્વૉર્ટરમાં ૧૭ ટકા વધારામાં ૧.૫૧ લાખ કરોડની આવક ઉપર ૬૧૨૪ કરોડના ચોખ્ખા નફા સામે ૩૯૬૨ કરોડ નેટ લોસ કરી છે. શૅર નીચામાં ૩૦૯ થઈ દોઢ ટકા ઘટી ૩૧૪ બંધ થયો છે.
આજે એકસાથે કુલ ૫૦૭૯ કરોડના ત્રણ મેઇન બોર્ડ ઇશ્યુ ખૂલશે
આજે, ગુરુવારે મેઇન બોર્ડમાં એકસાથે ૩ ભરણાં ખૂલશે. બૅન્ગલોર અર્બન ખાતેની ઇન્ડો-MIM લિમિટેડ એકના શૅરદીઠ ૪૮૫ની અપર બૅન્ડમાં કુલ ૩૮૧૧ કરોડનું ભરણું કરવાની છે. અેમાંથી OFS પેટે ૩૩૧૧ કરોડ બહુધા પ્રમોટર્સના ઘરમાં જવાના છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા, રીટેલ માટે ૩૫ ટકા છે. ૧૯૯૬માં સ્થપાયેલી આ કંપની મેટલ ઇન્જેક્શન મોલ્ડિંગ એટલે કે MIM ટેક્નૉલૉજીના ઉપયોગથી પ્રિસીઝન એન્જિનિયરિંગ કમ્પોનન્ટ્સના ઉત્પાદનમાં વૈશ્વિક ખેલાડી હોવાનો દાવો કરે છે. કંપનીએ ગયા વર્ષે ૨૮ ટકા વધારામાં ૪૩૨૧ કરોડની આવક ઉપર ૨૬ ટકા વધારામાં ૫૩૩ કરોડ નેટ નફો કર્યો છે. બે વર્ષે પૂર્વે આવક ૨૯૦૦ કરોડ અને નફો ૨૮૪ કરોડ હતો. દેવું ૧૦૯૦ કરોડ છે. ઇશ્યુમાંથી ૪૦૦ કરોડ દેવું ચૂકવવામાં વપરાશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર લગભગ ઝીરોથી માંડીને પોણાત્રણ રૂપિયા આસપાસની છે. ત્રણ વર્ષની અૅવરેજ EPS ૯.૪૪ છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ આશરે ૪૫નો અતિ ઊંચો પીઇ સૂચવે છે. ગ્રેમાર્કેટમાં ૧૬૮થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૨૧૩ થઈ હાલ ૧૯૨ જેવું છે.
બીજી કંપની કાનપુરની લોહિયા કૉર્પ એકના શૅરદીઠ ૪૨૫ની અપર બૅન્ડમાં ૧૧૦૧ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ આજે લાવશે. ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા તથા રીટેલ પોર્શન ૧૦ ટકા છે. ૨૦૨૩માં સ્થપાયેલી આ કંપની પણ ટેક્નિકલ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રી માટે મશીનરી તેમ જ ઇક્વિપમેન્ટ્સના ઉત્પાદનમાં ગ્લોબલ પ્લેયર હોવાનો દાવો કરે છે. કંપનીએ ગયા વર્ષે પચીસ ટકા વધારામાં ૧૭૩૮ કરોડની આવક ઉપર ૬૪ ટકા વધારામાં ૧૯૩ કરોડ નેટ નફો બતાવ્યો છે. દેવું ૧૫૩ કરોડ જેવું છે. કંપનીની ઑર્ડરબુક ૧૩૫૮ કરોડ છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર મોટે ભાગે શૂન્યથી માંડી ૯૧ પૈસાની છે. ઇક્વિટી ૧૦૫૭ લાખની છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૨૦થી શરૂ થયા બાદ ઉપરમાં ૫૬ થઈ હાલ ૩૦ ચાલે છે.
ત્રીજી કંપની ભોપાલની એક્સ્ટ્રાનેટ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૧૨૭ની અપર બૅન્ડમાં કુલ ૧૬૭ કરોડનો પબ્લિક ઇશ્યુ કરવાની છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા તથા રીટેલ પોર્શન ૩૫ ટકા છે. ૨૦૦૨માં સ્થપાયેલી આ કંપની ઇન્ટિગ્રેટેડ IT સૉલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે કામકાજ કરે છે. ગયા વર્ષે ૩૨ ટકા વધારામાં ૩૬૬ કરોડની આવક ઉપર ૩૬ ટકા વૃદ્ધિદરથી ૪૦૭૩ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. દેવું ૩૯૨૪ લાખથી વધી વર્ષમાં ૮૫૪૫ લાખ થઈ ગયું છે. ઇશ્યુમાંથી ૧૦૨ કરોડ વર્કિંગ કૅપિટલમાં તથા ૨૨ કરોડ દેવાની ચુકવણીમાં વપરાશે. કંપનીની ઑર્ડર બુક હાલ ૩૫૭ કરોડની છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા ૨૯થી ૪૪ પૈસાની છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૫૨૨૯ લાખ થશે. ગ્રેમાર્કેટમાં ૨૫થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૨૬ થઈ હાલ ૨૦ જેવું છે.