12 April, 2025 07:17 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પાવરગ્રિડની નહીંવત્ નરમાઈ બાદ કરતાં સેન્સેક્સ નિફ્ટીના તમામ શૅર વધ્યાઃ રોકડા અને બ્રૉડર માર્કેટમાં મજબૂતી સાથે સેન્સેક્સનો હજારી ઉછાળો : બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ : ડાઉ ફ્યુચર રનિંગમાં બે ટકા વધેલો રહેતાં અમેરિકાનો મંગળવાર સારો જવાની આશા : BSE લિમિટેડમાં ૩૬૫ રૂપિયાની તેજી : વિજયા ડાયગ્નોસ્ટિક સવાચૌદ ટકાના જમ્પમાં ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ પર્ફોર્મર
સોમવારની રાત્રે અમેરિકન ડાઉ ૩૪૯ પૉઇન્ટના સામાન્ય ઘટાડે ૩૭,૯૬૫ બંધ થયો, પરંતુ ઇન્ટ્રા-ડે ઊથલપાથલ ઘણી મોટી હતી. આંક નીચામાં ૩૬,૬૧૨ની અંદર ગયો હતો જે ૧૬ મહિનાનું બૉટમ છે અને ત્યાંથી ૨૯૯૫ પૉઇન્ટ ઊછળી ઉપરમાં ૩૯,૨૦૭ વટાવી ગયો હતો. આ તગડો જમ્પ ટૅરિફ પ્લાન મોકૂફ રહેવાની જોરદાર હવાને આભારી હતો, જેને પાછળથી વાઇટ હાઉસે રદિયો આપ્યો હતો. આમ છતાં હોમ ફૅક્ટર ક્યાંક ને ક્યાંક કામ કરી ગયું હતું. સરવાળે માર્કેટ મામૂલી ઘટાડે બંધ રહેવામાં સફળ થયું હતું. દરમ્યાન ટ્રમ્પના ખાસ દોસ્તાર ઈલૉન મસ્ક તરફથી ટૅરિફના મામલે જીદ છોડી દેવાની ટ્રમ્પને સલાહ અપાઈ હોવાના અહેવાલ વહેતા થયા છે. એક અન્ય મહત્ત્વના સમાચારમાં ટ્રમ્પના ૩૪ ટકાના રેસિપ્રોકલ ટૅરિફ સામે ચાઇનાએ પણ અમેરિકન આયાત ઉપર એટલી જ ડ્યુટી જાહેર કરી દીધી છે. આનાથી ગિન્નાયેલા ટ્રમ્પે ચાઇના આ પગલું પરત નહીં લે તો સીધી ૫૦ ટકાની નવી ડ્યુટી ૨૪ કલાકમાં લાદવાની ચીનને ધમકી આપી છે. સામે ચાઇનાએ રોકડું પરખાવ્યું છે, જે થાય એ કરી લો.
હવે શું થાય છે એ જોવું રહ્યું. દરમ્યાન યુરોપિયન યુનિયન પણ ટ્રમ્પના ટૅરિફ સામે વળતાં પગલાં લેવા સક્રિય બન્યું છે. ગોલ્ડમૅન સાક્સે બેર માર્કેટની પૂરી શક્યતા દર્શાવી છે. બ્લૅક રૉક દ્વારા અમેરિકન બજારને ડાઉનગ્રેડ કરાયું છે.
તાજેતરની ભારે ખુવારી પછી ટેક્નિકલ કરેક્શન ફૅક્ટરમાં એશિયન બજાર બહુધા સુધર્યાં છે. જૅપનીઝ નિક્કી પોણાછ ટકા, ચાઇના દોઢ ટકા, સાઉથ કોરિયા સાધારણ, હૉન્ગકૉન્ગ દોઢ ટકો પ્લસ હતાં. સામે ઇન્ડોનેશિયા સાડાઆઠ ટકા, તાઇવાન સવાચાર ટકા, થાઇલૅન્ડ પોણાપાંચ ટકા અને સિંગાપોર બે ટકા બગડ્યું છે. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં સવા ટકો કે ૧૩૬૧ પૉઇન્ટ સુધરી ૧,૧૬,૨૭૧ દેખાયું છે. યુરોપ પણ રનિંગમાં પોણાથી દોઢ ટકો બાઉન્સ થયું હતું. બ્રેન્ટ ક્રૂડ ૬૪ ડૉલર તો નાયમેક્સ ક્રૂડ ૬૧ ડૉલર નજીક મક્કમ હતું. સોનું હાજરમાં પોણો ટકો, ગોલ્ડ વાયદો દોઢ ટકા તથા કૉમેક્સ સિલ્વર પોણાબે ટકા મજબૂત હતા. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ઉપરમાં ૮૦,૬૨૨ થઈ રનિંગમાં નહીંવત્ ઘટાડે ૭૮,૯૫૭ ડૉલર ચાલતો હતો. ડાઉ ઇન્ડેક્સ ફ્યુચરમાં ૭૪૫ પૉઇન્ટ કે બે ટકા ઉપર હતો. આ વલણ ટકી રહે તો મંગળવારે અમેરિકન બજાર ત્રણ દિવસ બાદ સુધારામાં જોવાશે.
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૮૭૫ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૭૪,૦૧૪ ખૂલી છેવટે ૧૦૮૯ પૉઇન્ટ વધી ૭૪,૨૨૮ તથા નિફ્ટી ૩૭૪ પૉઇન્ટ ઊંચકાઈ ૨૨,૫૩૬ બંધ થયો છે. સેન્સેક્સ નીચામાં ૭૩,૪૨૫ અને ઉપરમાં ૭૪,૮૫૯ થયો હતો. પાવર ગ્રિડની નજીવી નરમાઈ બાદ કરતાં અત્રે બાકીના ૨૯ શૅર પ્લસ હતા. નિફ્ટી ખાતે ૫૦માંથી ૪૯ શૅર વધ્યા છે. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૩૯૧ શૅર સામે ૪૯૯ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૭.૪૭ લાખ કરોડ વધી હવે ૩૯૬.૬૭ લાખ કરોડ નજીક પહોંચ્યું છે. ગઈ કાલની રૅલી એક પ્રકારની ટેક્નિકલ રિલીફ છે. એને ટકાઉ માનવાની ઉતાવળ કરવી નહીં.
ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ તમામ ૪૧ બૅન્કો વધીને બંધ
સેન્સેક્સ દોઢ ટકા અને નિફ્ટી પોણાબે ટકા નજીક વધ્યા છે. એની સામે રોકડું અને બ્રૉડર માર્કેટ પોણાબે ટકાથી વધુ પ્લસ હતું. નૅસ્ડૅક નહીંવત્ સુધરીને આવતાં આઇટી ઇન્ડેક્સ ૫૬૭ પૉઇન્ટ કે પોણાબે ટકા વધ્યો છે. એના ૫૪ શૅર પ્લસ હતા. જેનેસિસ પોણાનવ ટકા, ડીલિન્ક સાડાસાત ટકા તથા ડેટામૅટિક્સ પોણાસાત ટકાની તેજીમાં હતો. બે દિવસની બૂરાઈ પછી મેટલ બેન્ચમાર્ક સવા ટકો સુધર્યો છે. એના તમામ શૅર ગ્રીન ઝોનમાં હતા. ઇન્ડ્સ ટાવર, આઇટીઆઇ તથા રેલટેલમાં પોણાચાર-ચાર ટકાની તેજી સાથે ૧૫માંથી ૧૪ શૅરના સથવારે ટેલિકૉમ ઇન્ડેક્સ સવાબે ટકા રણક્યો હતો. હેલ્થકૅર બેન્ચમાર્ક ૧૦૫થી ૯૨ શૅર પ્લસમાં આપી બે ટકા જેવો ઊંચકાયો છે. વિજયા ડાયગ્નોસ્ટિક્સ સવાચૌદ ટકાના ઉછાળે ૧૦૨૧ નજીક સરકી છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૦માંથી ૨૫ શૅરના સહારે ૨.૧ ટકા કે ૧૨૨૦ પૉઇન્ટ વધ્યો છે. એમાં લાર્સનનું પ્રદાન ૬૦૧ પૉઇન્ટ હતું.
બૅન્ક નિફ્ટી બારમાંથી બાર શૅરના સુધારે દોઢ ટકો કે ૬૫૧ પૉઇન્ટ તો PSU બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરની મજબૂતીમાં અઢી ટકા બાઉન્સ થયો છે. આગલા દિવસે બૅન્કિંગના તમામ ૪૧ શૅર લાલ થયા હતા. ગઈ કાલે અત્રે બધા જ ૪૧ શૅર વધીને બંધ થયા છે. જનસ્મૉલ બૅન્ક પોણાનવ ટકા, ઉજ્જીવન બૅન્ક પોણાસાત ટકા મજબૂત હતી. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૫૭માંથી ૧૪૪ શૅરના સુધારે પોણાબે ટકા વધ્યો છે. મફીન ગ્રીન ફાઇનૅન્સ નવ ટકા નજીક, ચોલા મંડલમ ફાઇનૅન્સ પોણાનવ ટકા, ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ સાડાઆઠ ટકા ઊછળી હતી. BSE લિમિટેડ પોણાસાત ટકા કે ૩૫૬ના જમ્પમાં ૫૫૩૮ વટાવી ગઈ છે.
અદાણીના તમામ ૧૧ શૅર વધ્યા, તાતા સ્ટીલ સામાન્ય સુધર્યો
રિલાયન્સની જિયો ફાઇનૅન્સ સવાપાંચ ટકાની તેજીમાં ૨૨૫ બંધ આપી નિફ્ટીમાં ઝળકી છે. શ્રીરામ ફાઇનૅન્સ સાડાચાર ટકા, સિપ્લા અને ભારત ઇલેક્ટ્રિક સાડાત્રણ ટકા અપ હતા. સેન્સેક્સમાં ટાઇટન સવાત્રણ ટકા ઊંચકાઈને મોખરે હતી. બજાજ ફાઇનૅન્સ સવાત્રણ ટકા, સ્ટેટ બૅન્ક ત્રણ ટકા, લાર્સન ત્રણ ટકા નજીક, બજાજ ફીનસર્વ તથા ઍક્સિસ બૅન્ક પોણાત્રણ ટકા મજબૂત હતા. રિલાયન્સ ૧.૪ ટકા સુધરી ૧૧૮૨ વટાવી ગઈ છે. ઇન્ફોસિસ સવાબે ટકાના બાઉન્સબૅકમાં ૧૪૨૯ બંધ આપી બજારને સર્વાધિક ૯૭ પૉઇન્ટ ફળી છે. HCL ટેક્નૉ બે ટકા, ટેક મહિન્દ્ર બે ટકા, ટીસીએસ અડધો ટકો, વિપ્રો પોણાબે ટકા પ્લસ હતા.
ટ્રેન્ટ આગલા દિવસના ધબડકા બાદ અડધો ટકો સુધર્યો છે. હિન્દાલ્કો એક ટકા અને તાતા સ્ટીલ અડધા ટકા નજીક અપ હતો. અદાણી એન્ટરપ્રાઇઝ સવાત્રણ ટકા, અદાણી ટોટલ ૩.૩ ટકા, અદાણી વિલ્મર સાવબે ટકા, NDTV એક ટકો, એસીસી સવાબે ટકા, અંબુજા સિમેન્ટ્સ અઢી ટકા, સાંધી ઇન્ડ દોઢ ટકો, અદાણી પાવર અડધો ટકો સુધર્યો છે. ભારતી ઍરટેલ, એશિયન પેઇન્ટ્સ, તાતા કન્ઝ્યુમર, JSW સ્ટીલ, બજાજ ઑટો, ઝોમાટો, HDFC લાઇફ, ONGC, ગ્રાસિમ, આઇશર સવાત્રણ ટકા અપ હતી. HDFC બૅન્ક, ICICI બૅન્ક, કોટક બૅન્ક અડધાથી એક ટકો પ્લસ હતા. તાતા મોટર્સ દોઢ ટકો, હીરો મોટોકૉર્પ સવા ટકો તથા મારુતિ સુઝુકી એક ટકા નજીક સુધરી હતી. ભારત પેટ્રોલિયમ ૪ ટકા તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાડાચાર ટકા મજબૂત બની છે. ઇન્ડિયન ઑઇલ બે ટકા વધી ૧૩૧ હતી.