25 March, 2026 09:29 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ટ્રમ્પ અલગ વર્ચ્યુઅલ રિયલિટીમાં જીવે છે. છેલ્લા એક સપ્તાહથી આ માણસ વૉરને લઈ જબરું ફારસ કરી રહ્યો છે. ઈરાનના પાવર પ્લાન્ટ ઉડાવી દેવા આપેલું અલ્ટીમેટમ પૂરું થાય એ પહેલાં જ પાંચ દિવસના યુદ્ધવિરામ જેવું ગતકડું તેણે જાહેર કર્યું છે અને એ પણ ઈરાન સાથે ફળદાયી વાટાઘાટનો હવાલો આપીને. મીડિયાએ પણ આ વાતને મોઢામોઢ ઉપાડી લઈ જબરી પ્રસિદ્ધિ આપી છે, ખરેખર સીઝફાયર થઈ ગયું હોય એવી રીતે અમુક પ્રસારમાધ્યમો ગેલમાં આવી ગયાં છે. સામે પક્ષે ઈરાન આ વાતનો તદ્દન ઇનકાર કરે છે. એનું કહેવું છે કે ટ્રમ્પ જૂઠાણાં ચલાવે છે, કોઈ વાતચીત અમે હાથ નથી ધરી. એ તો એમ કહે છે કે સૌથી પહેલાં અમારી શરત અમેરિકા પૂરી કરે. અમેરિકા સમગ્ર ગલ્ફ વિસ્તારમાંથી એનો બેઝ હટાવી લે, અમને યુદ્ધમાં થયેલા નુકસાન પેટે ૧૦૦ અબજ ડૉલર ચૂકવે અને તમામ વેસ્ટર્ન શિપ હોર્મુઝ ખાડીમાંથી પસાર થવા બદલ ૨૦ લાખ ડૉલરની ફી આપે - પછી યુદ્ધવિરામની વાત. આ લખાઈ રહ્યું છે ત્યારે રૉઇટર્સનો અહેવાલ જણાવે છે કે ઇઝરાયલ ઉપર ઈરાને અસંખ્ય મિસાઇલ્સના સંખ્યાબંધ રાઉન્ડનો મારો શરૂ કર્યો છે.
બ્લુમબર્ગ પણ કહે છે, ઈરાન સ્ટ્રાઇક્સ ગલ્ફ કન્ટ્રીઝ બેઝ... ઑપ્ટિમિઝમ ફેડસ... ઍની વે, સીઝફાયરનાં ટ્રપ્પનાં ગાણાંમાં અમેરિકન ડાઉ ઇન્ડેક્સ સોમવારની મોડી રાત્રે ૧.૪ ટકા કે ૬૩૧ પૉઇન્ટ વધીને બંધ આવ્યા પછી લગભગ તમામ અગ્રણી એશિયન બજાર પણ મંગળવારે સુધારામાં હતી. હૉન્ગકૉન્ગ તથા સાઉથ કોરિયા ૨.૭ ટકા, થાઇલૅન્ડ અને ચાઇના સવા ટકો, જપાન એક ટકો તથા સિંગાપોર ૦.૭ ટકા પ્લસ થયું છે. તાઇવાન નહીંવત્ નરમ હતું. ઇન્ડોનેશિયા રજામાં છે. કરાચી શૅરબજાર રનિંગમાં ૯૯૧ પૉઇન્ટ વધીને ૧૫,૩૩,૭૩૨ દેખાયું છે. યુરોપ જોકે રનિંગમાં સાંકડી વધઘટે મિશ્ર વલણમાં હતું. બ્રેન્ટક્રૂડ ૯૬ ડૉલર નીચેના આગલા બંધ સામે ઉપરમાં ૧૦૦ ડૉલર વટાવી બે ટકા વધી ૯૮ ડૉલર નજીક ચાલતું હતું. ૧૧ દિવસની સતત નરમાઈમાં ડૉલર સામે ૯૪ ડૉલરના વર્સ્ટ લેવલે ગયેલો રૂપિયો ગઈ કાલે સુધારામાં ૯૩.૬૪ થઈ ૯૩.૮૩ ચાલતો હતો.
સેન્સેક્સ આગલા દિવસના ૧૮૩૭ પૉઇન્ટના ધબડકા બાદ ગઈ કાલે ૫૧૬ પૉઇન્ટ પ્લસ, ૭૪,૨૧૨ ખૂલી છેવટે ૧૩૭૨ પૉઇન્ટ વધી ૭૪,૦૬૮ તથા નિફ્ટી ૪૦૦ પૉઇન્ટના બાઉન્સબૅકમાં ૨૨,૯૧૨ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં શૅર આંક નીચામાં ૭૩,૦૮૪ તથા ઉપરમાં ૭૪,૪૮૯ થયો હતો. મજબૂત માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૪૮૩ શૅરની સામે ૮૦૯ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૭.૫૭ લાખ કરોડ વધીને ૪૨૨.૭૮ લાખ કરોડ થયું છે. સેન્સેક્સ નિફ્ટીના ૧.૯ ટકા સુધારા સામે ઑઇલ-ગૅસ પોણાબે ટકા, મેટલ પોણાબે ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અઢી ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૯ ટકા, ઑટો સવાબે ટકા, પાવર પોણો ટકો, યુટિલિટીઝ ૦.૭ ટકા, ટેલિકૉમ બે ટકા, આઇટી ૧.૭ ટકા, હેલ્થકૅર સવા ટકા, FMCG ૧.૪ ટકા, ફાઇનૅન્સ ૨.૩ ટકા વધ્યા છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૪ શૅરના સથવારે ૨.૩ ટકા કે ૧૧૬૮ પૉઇન્ટ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅર પ્લસમાં આપી દોઢ ટકા વધ્યો છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૭ શૅરના સુધારે સવાબે ટકા વધ્યો છે.
HDFC બૅન્ક તાજેતરની ખુવારી બાદ ગઈ કાલે ૭૭૨ વટાવીને ૨.૯ ટકા વધી ૮૬૫ બંધમાં બજારને ૨૭૫ પૉઇન્ટ ફળી છે. ICICI બૅન્ક ૨.૪ ટકા વધી ૧૨૫૨ થતાં એમાં બીજા ૧૭૬ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. કોટક બૅન્ક ત્રણ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૮ ટકા પ્લસ તો સ્ટેટ બૅન્ક નહીંવત નરમ બંધ હતી. ૪૧માંથી ૬ બૅન્ક ઘટી છે. ફીનો પેમેન્ટ બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર તથા CEO રિશી ગુપ્તાની ફેબ્રુઆરીની આખરમાં થયેલી ધરપકડને ગેઇમિંગ તથા બેટિંગ જેવી સટ્ટાકીય પ્રવૃત્તિમાં બૅન્કની સંડોવણી હોવાની શંકા સાથે સાંકળી લેતાં અહેવાલોના પગલે ફીનો પેમેન્ટ બૅન્ક પાંચ ગણા કામકાજે ૨૦ ટકાના કડાકામાં ૧૧૨ નીચે ઑલટાઇમ હાઈ થઈ ત્યાં જ બંધ રહી છે. બૅન્કે ઉક્ત અહેવાલોને સ્પષ્ટ રદિયો આપ્યો હોવા છતાં એની અસર વર્તાઈ નથી. તામિલનાડુ બૅન્ક ૪.૮ ટકા, CSB બૅન્ક ચાર ટકા, કરૂર વૈશ્ય ૪.૩ ટકા, DCB બૅન્ક ૪.૭ ટકા, જના સ્મૉલ બૅન્ક પાંચ ટકા મજબૂત હતી.
લાર્સન સરેરાશ કરતાં ૪૫ ટકા વૉલ્યુમે ૩૫૪૮ વટાવી ૫.૨ ટકા ઊંચકાઈ ૩૫૧૫ બંધ થતાં બજારને ૧૭૧ પૉઇન્ટ લાભ થયો છે. ઇન્ડિગો ૫.૨ ટકા કે ૨૦૪ રૂપિયાની ઉડાનમાં ૪૧૫૧ થઈ છે. એટર્નલ ૪.૯ ટકા, બજાજ ફાઇનૅન્સ ૪.૭ ટકા, એશિયન પેઇન્ટ્સ ૪.૫ ટકા, અલ્ટ્રાટેક ૪.૨ ટકા કે ૪૩૦ રૂપિયા. અપોલો હૉસ્પિટલ્સ ચાર ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૩.૪ ટકા, તાતા કન્ઝ્યુમર ૨.૯ ટકા, અદાણી પોર્ટ્સ ૩.૧ ટકા, ભારત ઇલેક્ટ્રિકલ ૨.૩ ટકા મજબૂત હતી. આઇટી ફ્રન્ટલાઇન શૅરમાં TCS ૦.૭ ટકા, HCL ટેક્નૉલૉજીઝ એક ટકા, ઇન્ફોસિસ દોઢ ટકા, ટેક મહિન્દ્ર ૩.૫ ટકા, વિપ્રો પોણો ટકો અને લાટિમ ૨.૪ ટકા પ્લસ હતા. રિલાયન્સ સામાન્ય સુધરી ૧૪૧૧ તો જીઓ ફાઇનૅન્સ ત્રણ ટકાની આગેકૂચમાં ૨૩૩ થઈ છે. અદાણી એન્ટરપ્રાઇસીસ ૧૮૧૪નું ૩૪ માસનું નવું બૉટમ બનાવી પોણો ટકો ઘટી ૧૮૧૯ હતી. કોલ ઇન્ડિયા ૨.૯ ટકા બગડી ૪૪૨ બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બની છે. સેન્સેક્સમાં પાવરગ્રિડ પોણો ટકો ડાઉન હતી. મહિન્દ્ર અઢી ટકા, મારુતિ સવા ટકા, આઇશર ૨.૮ ટકા, બજાજ ઑટો ૧.૪ ટકા અને તાતા મોટર્સ પૅસેન્જર બે ટકા વધી હતી.
તાતા સ્ટીલ બે ટકા, હિન્દાલ્કો ૧.૪ ટકા, JSW સ્ટીલ બે ટકા પ્લસ થઈ છે. BLS ઇન્ટરનૅશનલ ૧૭.૮ ટકાની તેજીમાં એ-ગ્રુપ ખાતે ઝળકી છે. JSW હોલ્ડિંગ્સ ૧૦૪૭ રૂપિયા તૂટી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે.
નવી મુંબઈની ક્લીચ ડ્રગ્સ શૅરદીઠ એક બોનસમાં ગઈ કાલે બોનસ બાદ થતાં ઉપરમાં ૧૬૦થી ત્રણ ટકા ગગડી ૧૫૩ હતી. ટાઇમ્સ ગ્રીન એનર્જી શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થયો છે, પરંતુ બજારમાં કોઈ કામકાજ નહોતું. અગાઉ યુનીમોડ ઓવરસીઝ તરીકે ઓળખાતી દિલ્હીની મેનબ્રો ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં આજે એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ઉપર ૯૪૯ બતાવી ૧.૮ ટકા વધી ૯૨૪ હતો. વીટુ રીટેલ પણ આજે ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થશે. શૅર ઉપર ૧૯૩૮ થઈ ૪.૭ ટકા વધી ૧૯૧૯ હતો. મુંબઈના હોર્નિમાન સર્કલ ખાતે પોદાર ચેમ્બર્સની રીગલ એન્ટરટેઇનમેન્ટ ૧૦ શૅરદીઠ ૧૯ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૪ના ભાવથી રાઇટમાં બુધવાર એક્સ રાઇટ થશે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૩૪.૭૪ થઈ પાંચ ટકા વધી ત્યાં જ બંધ થયો છે.
બ્રોકરેજ ફર્મ CLSA તરફથી ONGCમાં ૩૧૫ની ટાર્ગેટ પ્રાઇસ વધારીને ૪૦૫ કરવાની સાથે બાયનું રેટિંગ જારી થયું છે. મૉર્ગન સ્ટેનલીએ ૨૯૯ની ટાર્ગેટ પ્રાઇસ વધારી ૩૬૩ની કરી અત્રે બુલિશ વ્યુ આપ્યો છે. ONGCનો શૅર ગઈ કાલે ઉપર ૨૭૩ વટાવી એક ટકો વધી ૨૬૮ બંધ રહ્યો છે. ઑઇલ ઇન્ડિયામાં મૉર્ગન સ્ટેનલીએ ૪૫૫ની ટાર્ગેટ પ્રાઇસ વધારી ૫૬૩ કરી બાયનો કૉલ આપ્યો છે. શૅર ઉપરમાં ૪૮૫ થઈ અઢી ટકા વધી ૪૭૭ હતો. ગોલ્ડમૅન સાક્સ દ્વારા આઇટીસીની ટાર્ગેટ પ્રાઇસ ૩૮૫થી ઘટાડીને ૩૩૦ કરવામાં આવી છે. શૅર ગઈ કાલે ૨૮૯ નીચે ૪૫ માસના તળિયે જઈ નહીંવત વધી ૨૯૧ થયો છે. MCX દોઢા કામકાજે ૧૦૪ રૂપિયા કે સાડાચાર ટકાની તેજીમાં ૨૪૨૬ બંધ આવી છે. BSE લિમિટેડ સવાત્રણ ટકા ઊંચકાઈ ૨૮૦૬ નજીક ગઈ છે. NSDL સવાબે ટકા વધી ૮૫૯ બંધ હતી. ઑલા ઇલેક્ટ્રિક સારા બજારમાં નરમાઈ આગળ વધારી પોણો ટકો ઘટી ૨૩.૨૦ થઈ છે. આલ્કલી એમાઇન્સ ૧૪ ટકા કે ૧૭૫ રૂપિયા ઊછળી ૧૪૧૪ તો એથર ઇન્ડસ્ટ્રીઝ ૧૩ ટકા કે ૧૪૨ રૂપિયાના જમ્પમાં ૧૨૨૫ના શિખરે બંધ રહી છે.
આજે બુધવારે SME સેગમેન્ટમાં નવી મુંબઈની ૧૯૯૦માં સ્થપાયેલી વિવિડ ઇલેક્ટ્રોમેક ૧૦ના શૅરદીઠ ૫૫૫ રૂપિયાના મારફાડ ભાવથી કુલ ૧૩૧ કરોડનો NSE SME IPO લાવવાની છે. તેમાંથી ૨૬ કરોડ રૂપિયા ઑફર ફૉર સેલ પેટે પ્રમોટર્સના ઘરમાં જશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા ઝીરોથી ફક્ત છ પૈસા તો નહીંવત્ પોર્શનમાં ૧૮ પૈસાની છે. કંપની પાવર ડિસ્ટ્રિબ્યુશન અને લીડ મૅનેજમેન્ટ માટે જરૂરી લૉ-વૉલ્ટેજ તથા મિડિયમ વૉલ્ટેજ ઇલેક્ટ્રિકલ પૅનલ્સ અને ઑટોમેશન સિસ્ટમ્સ બનાવે છે. ઇશ્યુમાં માર્કેટ મેકર માટે પાંચ ટકા, QIB માટે ૪૭.૪ ટકા તથા રીટેલ પૉર્શન ૩૩.૨ ટકા છે. ગત વર્ષે કંપનીએ ૭૪ ટકા વધારામાં ૧૫૬ કરોડ નજીકની આવક ઉપર ૩૭૩ ટકાના ગજબ વૃદ્ધિદરથી ૨૦૨૪ લાખ નેટ નફો બતાવી દીધો છે. ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં આવક ૭૧ કરોડ નજીક તથા નેટ નફો ૯૪૪ લાખ દર્શાવ્યો છે. દેવું છેલ્લા છ માસમાં ૨૭૪ ટકા વધી ૧૪૧૭ લાખ થઈ ગયું છે. મઝાની વાત એ છે કે વર્ષ ૨૦૨૧-૨૨ તથા વર્ષ ૨૦૨૨-૨૩માં કંપનીનું ઑપરેટિંગ માર્જિન અનુક્રમે બે ટકા અને ત્રણ ટકા હતું તે વધીને વર્ષ ૨૦૨૩-૨૪માં ૯ ટકા તથા ગત વર્ષે સીધું ૧૮ ટકા થઈ ગયું છે. ઇશ્યુ આવવાનો હોય એટલે આવું જાદુ થતું હશે? ઇશ્યુ બાદ હાલની ૭ કરોડની ઇક્વિટી વધી ૮૮૯ લાખ થશે. ઇશ્યુમાંથી આશરે ૪૪ કરોડ નવા મૅન્યુફૅક્ચરિંગ એકમની સ્થાપના પાછળ, ૯૩૦ લાખ દેવાની ચુકવણીમાં તથા ૩૬ કરોડ રૂપિયા વર્કિંગ કૅપિટલમાં વપરાશે. છેલ્લા વર્ષના બમ્પર નફાને લઈ ઇશ્યુ પ્રાઇસ ગત વર્ષની કમાણી પ્રમાણે ૨૬.૧નો પીઈ બતાવે છે. પિઅર ગ્રુપમાં વર્ષે ૧૩૨ કરોડની આવક અને ૧૨૪૨ લાખ નફો કરતી શિવાલિક પાવર કન્ટ્રોલ હાલ ૧૫ના પીઈથી ૬૯માં મળે છે. તો ૭૬૭ કરોડની આવક ઉપર ૩૮ કરોડ નફો કરતી મરીન ઇલેક્ટ્રિકલ્સ ૪૨ના પીઈથી ૧૬૧ ચાલે છે. ગ્રેમાર્કેટ ખાતે વિવિડ ઇલેક્ટ્રોમેકમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
અમદાવાદી GSP ક્રૉપ સાયન્સિસ ૧૦ના શૅરદીઠ ૩૨૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં બેના પ્રીમિયમ સામે ગઈ કાલે ૩૩૨ ખૂલી ૩૫૬ બંધ થતાં ૧૧.૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આગલા દિવસે ૨૮.૨ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૩૭૩ની અંદર બંધ થયેલી ઇનોવિઝન ગઈ કાલે ૩૧૨ના તળિયે જઈ ૪.૨ ટકા તૂટી ૩૫૭ રહી છે. સરકારી કંપની સેન્ટ્રલ માઇન્સ પ્લાનિંગનો બેના શૅરદીઠ ૧૭૨ના ભાવનો ૧૮૪૨ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ગઈ કાલે રીટેલમાં ૩૫ ટકા સહિત કુલ એકાદ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ઝીરો ચાલે છે. શૅરદીઠ ૮ના ડિસ્કાઉન્ટવાળો કર્મચારી ક્વોટો ૨૦ ટકા ભરાયો છે. દવાઓ વેચતી અમદાવાદી સ્પેશ્યાલિટી મેડિસિન્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૪ના ભાવનો ૨૯ કરોડનો BSE SME ઇશ્યુ ગઈ કાલે રીટેલમાં ૮૩ ટકા સહિત કુલ સવાબે ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ નથી.
ગઈ કાલે એકસાથે ૪ નવાં ભરણાં ખૂલ્યાં છે. એમાં મેઇન બોર્ડ ખાતેના ત્રણમાંનો મુંબઈના નરીમાન પૉઇન્ટની ડીઝલ જનરેટિંગ સેટ બનાવતી પાવરિકા લિમિટેડનો પાંચના શૅરદીઠ ૩૯૫ના ભાવનો ૧૧૦૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં બે ટકા સહિત કુલ એક ટકો ભરાયો છે. હૈદરાબાદી સાંઈ પેરન્ટલ્સનો પાંચના શૅરદીઠ ૩૯૨ના ભાવનો ૪૦૯ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩ ટકા સહિત કુલ પાંચ ટકા તથા નવી દિલ્હીની રાઇસ કંપની અમીરચંદ જગદીશ કુમાર એક્સપોર્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૨૧૨ના ભાવનો ૪૪૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩૮ ટકા સહિત કુલ સવા ગણો ભરાયો છે. હાલ પાવરિકામાં પાંચ રૂપિયા તથા અમીરચંદમાં ૨૦ રૂપિયા પ્રીમિયમ બોલાય છે.
અંધેરી-ઈસ્ટની હાઇનેસ માઇક્રો ઇલેક્ટ્રૉનિક્સનો ૧૨૦ના ભાવનો ૨૨ કરોડનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧.૭ ગણા સહિત કુલ ૧.૩ ગણો ભરાયો છે. તો ટિપ્કો એન્જિનિયરિંગનો શૅરદીઠ ૮૯ના ભાવનો ૬૦૫૫ લાખનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૩૦ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટ ખાતે હાલ હાઇનેસમાં પ્રીમિયમ ૨૦ રૂપિયા ચાલે છે. નોવસ લોયલ્ટીનો SME ઇશ્યુ બુધવારે લિસ્ટેડ થવાનો છે.