બ્રૉડર માર્કેટમાં વ્યાપક નરમાઈ વચ્ચે સેન્સેક્સમાં ૯૬૪ પૉઇન્ટનો જમ્પ

18 July, 2026 08:20 AM IST  |  Mumbai | Anil Patel

રિલાયન્સ આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહીને પરિણામ પહેલાં અઢી ટકા મજબૂત : નફામાં ૯૬ ટકાનું ગાબડું પડતાં સીએટ વૉલ્યુમ સાથે ૨૭૯ રૂપિયા તૂટી : એક દિવસના વિરામ બાદ કલ્યાણ જ્વેલર્સે તેજીની ઇનિંગ્સ ફરી શરૂ કરી

ફાઇલ તસવીર

ઈરાન-અમેરિકા વચ્ચે વૉરના નામે વધતા હવાઈ હુમલાના અહેવાલોથી આ વખતે નહીં ડરવાનું બજારે નક્કી કરી લીધું લાગે છે. બ્રેન્ટ ક્રૂડ પણ ૮૬ ડૉલર આસપાસ રમે છે. મોટા ભાગનાં એશિયન બજારો શુક્રવારે ડાઉન હતાં. તાઇવાન ૨૯૫૪ પૉઇન્ટ કે ૭ ટકા નજીક તૂટ્યું છે. જૅપનીઝ નિક્કેઇ વધુ ૩૧૧૫ પૉઇન્ટ કે પાંચ ટકા નજીક ડૂલ થયો છે. હૉન્ગકૉન્ગ બે ટકા, ચાઇના ત્રણ ટકા અને સિંગાપોર અડધો ટકો માઇનસ હતું. સાઉથ કોરિયા રજામાં હતું. ઇન્ડોનેશિયન માર્કેટ એક ટકો સુધર્યું છે. યુરોપ પણ રનિંગમાં બહુધા પોણોથી એક ટકો નીચે દેખાયું છે. ડૉલર સામે રૂપિયો ૯૬.૩૬ના આગલા બંધથી સાધારણ સુધારામાં ૯૬.૨૮ ચાલતો હતો. આ બધાને અવગણીને આગળ જણાવ્યું એમ ડરવાનું છોડીને ઘરઆંગણે સેન્સેક્સ ગઈ કાલે ૯૬૪ પૉઇન્ટની મજબૂતીમાં ૭૮૧૫૧ તથા નિફ્ટી ૨૬૧ પૉઇન્ટ ઊંચકાઈને ૨૪૩૩૪ બંધ આવ્યો છે. શૅરઆંક આગલા બંધથી ૧૮૫ પૉઇન્ટ પ્લસમાં ૭૭૩૭૧ ખૂલ્યા પછી છેક સુધી પૉઝિટિવ ઝોનમાં હતો. માર્કેટ નીચામાં ૭૭૩૦૮ અને ઉપરમાં ૭૮૨૮૨ દેખાયું હતું. માર્કેટબ્રેડ્થ જોકે નોંધપાત્ર રીતે નબળી હતી. NSEમાં વધેલા ૧૩૧૪ શૅર સામે ૨૦૦૫ જાત ઘટી છે. શૅરઆંક ૯૬૪ પૉઇન્ટ કે સવા ટકો જેવો વધવા છતાં માર્કેટકૅપ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે માત્ર ૬૮૦૦૦ કરોડ વધી ૪૮૦.૮૪ લાખ કરોડ થયું છે. આનો સાદો અર્થ બે થયો છે. સેન્સેક્સ-નિફ્ટી ગણનાપાત્ર વધવા છતાં ગઈ કાલે બ્રૉડર માર્કેટ અને રોકડું સારુંએવું ખરડાયું છે.

બન્ને બજારના બહુમતી સેક્ટોરલ પ્લસ હતા. રિયલ્ટી, IT, બૅન્કેક્સ, બૅન્ક નિફ્ટી ૧.૪થી ૧.૬ ટકા વધી માર્કેટ આઉટપર્ફોર્મર બન્યા છે. બાકીના તમામ ઇન્ડાઇસિસ કાં તો નરમ અગર તો અન્ડરપર્ફોમર હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ સવા ટકો, ટેલિકૉમ દોઢ ટકો, કૅપિટલ ગુડ્સ ૧.૩ ટકા, પાવર ઇન્ડેક્સ એક ટકો નરમ હતા. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટીની ૨.૧ ટકાની મજબૂતી સામે PSU બૅન્ક નિફ્ટી માત્ર ૦.૪ ટકા સુધર્યો છે.

રિલાયન્સ અઢી ટકા પ્લસના જમ્પમાં બજારને સર્વાધિક ૧૯૧ પૉઇન્ટ ફળ્યો છે; જ્યારે HDFC બૅન્ક ૧.૪ ટકા, ICICI બૅન્ક ૧.૭ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૯ ટકા તથા કોટક મહિન્દ્ર બૅન્ક ૩.૪ ટકા વધીને બંધ થતાં બજારને કુલ મળી ૪૨૭ પૉઇન્ટનો ફાયદો થઈ ગયો હતો. બન્ને બજાર ખાતે વધેલા અન્ય શૅરમાં હિન્દુસ્તાન યુનિલિવર સવા બે ટકા, મહિન્દ્ર ૧.૯ ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૭ ટકા, સ્ટેટ બૅન્ક સવા ટકો, આઇશર બે ટકા, JSW સ્ટીલ ૧.૩ ટકા, ગ્રાસિમ સવા ટકો મુખ્ય હતા. નિફ્ટી ખાતે હિન્દાલ્કો ૧.૬ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૧ ટકા, વિપ્રો એક ટકો તો સેન્સેક્સમાં સનફાર્મા સર્વાધિક ૦.૯ ટકા માઇનસ હતો. ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૫ શૅર પ્લસ હતા.

સળંગ ૬ દિવસ વધ્યા પછી આગલા દિવસે સામાન્ય ઘટેલી કલ્યાણ જ્વેલર્સ ગઈ કાલે પાંચ ટકા ઊછળી ૫૭૫ નજીક પહોંચી છે. રિલેક્સો ફુટવેઅર્સ ૬૦ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૪૦ નજીક બંધ આપી A ગ્રુપમાં ઝળકી છે. BPO કંપની ઇકલેરેક્સ સાતગણા વૉલ્યુમે સાડાબાર ટકા કે ૨૨૧ રૂપિયા ઊછળીને ૧૮૮૦ હતી. આગલા દિવસે બજાર બંધ થવાના ટાંકણે ૧૦ જ મિનિટમાં તગડો જમ્પ મારી સાડાઅઢાર ટકા કે ૩૭૯ રૂપિયા વધી ગયેલી ગ્રાઇન્ડવેલ નૉર્ટન ગઈ કાલે સવાચૌદ ટકા કે ૩૪૩ રૂપિયા તૂટી ૨૦૮૮ના બંધમાં A ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. 

ફેડરલ બૅન્ક પરિણામના પગલે લાઇફટાઇમ હાઈ

વીવર્ક ઇન્ડિયા મૅનેજમેન્ટની આવક ૨૭.૭ ટકા વધીને ૬૮૪ કરોડ થતાં નેટલૉસ ૧૪ કરોડથી ઘટીને સવાચાર કરોડ થઈ છે. શૅર ઉપરમાં ૭૨૪ વટાવી છેવટે પોણાસાત ટકા ગગડી ૬૭૯ બંધ થયો છે. ફાઇવ પૈસા કૅપિટલ દ્વારા પોણાચૌદ ટકા વધારામાં ૮૮૩૦ લાખની આવક ઉપર નામપૂરતા વધારામાં ૧૧૬૦ લાખ નેટનફો બતાવાયો છે. ભાવ નીચામાં ૩૬૦ થઈને સાડાપાંચ ટકા બગડી ૩૬૩ બંધ આવ્યો છે. હૅથવે કેબલની આવક સાડાછ ટકા વધી ૫૬૫ કરોડ થઈ છે. નેટ નફો જોકે ૨૧ ટકા ઘટીને ૨૦૯૦ લાખ નોંધાયો છે. શૅર ૧૧ના લેવલે યથાવત્ હતો.

ઇન્ડિયન ટોનર્સ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ઉપરમાં ૫૭.૪૦ બતાવી સવાછ ટકા ગગડીને ૫૨ થઈ છે. ફેડરલ બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૨૬ ટકા વધી ૨૯૪૬ કરોડ તથા નેટ નફો ૩૭ ટકા વધી ૧૧૭૭ કરોડ આવ્યો છે. શૅર ૩૫૧ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૬.૭ ટકાની મજબૂતીમાં ૩૪૯ થયો છે. સેન્ટ્રલ બૅન્કની કુલ આવક ૧૦૩૬૦ કરોડથી સાધારણ વધી ૧૦૬૭૮ કરોડ થઈ છે, પણ નેટનફો ૧૩ ટકા વધીને ૧૩૨૪ કરોડ આવ્યો છે. ભાવ સવાયા કામકાજે પોણાત્રણ ટકા ઘટી ૩૧.૬૮ રહ્યો છે. પૉલિકેબ ઇન્ડિયાએ ૩૯ ટકા વધારામાં ૮૨૧૦ કરોડની આવક તથા ૩૨.૮ ટકા વધારામાં ૭૯૭ કરોડ નેટનફો કર્યો છે. શૅર દોઢા કામકાજે બીજા દિવસે પણ ૩.૮ ટકા કે ૩૪૯ રૂપિયા ઘટીને ૮૮૬૭ બંધ થયો છે.

નફાવૃદ્ધિમાં નવી ટોચે જઈને પીરામલ ફાઇનૅન્સ ઘટાડે બંધ

પીરામલ ફાઇનૅન્સ દ્વારા ૨૭.૫ ટકા વધારામાં ૩૪૩૦ કરોડની આવક પર ૬૬ ટકા વૃદ્ધિદરથી વિક્રમી સપાટી નોંધાવી નીચામાં ૨૦૭૫ થઈને પોણાબે ટકા ઘટીને ૨૧૪૫ બંધ રહ્યો છે. બોરોસીલ રિન્યુએબલ્સ તરફથી ૧૭ ટકાના વધારામાં ૪૦૬ કરોડની આવક પર ૧૬૭ કરોડની નેટ લૉસ સામે આ વેળા જૂન ક્વૉર્ટરમાં ૮૭ કરોડ નજીક નેટ નફો દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૬૩૨ થઈ સવા ટકો ઘટી ૬૦૪ હતો. હેરિટેજ ફૂડ્સની ત્રિમાસિક આવક પોણાઅઢાર ટકાના વધારામાં ૧૩૩૮ કરોડ થઈ છે, પણ નેટ નફો ૩૮ ટકા ગગડી ૨૫૨૦ લાખ રહ્યો છે. શૅર ૩૨૦ની અંદર જઈ એક ટકો ઘટીને ૩૩૨ થયો છે.

રિલાયન્સ જેમાં સહપ્રમોટર છે એ આલોક ઇન્ડસ્ટ્રીઝની આવક સાડાછ ટકા વધીને ૯૯૩ કરોડ થઈ છે. ચોખ્ખી ખોટ ૧૭૨ કરોડથી ઘટીને ૧૩૮ કરોડ આવી છે. ભાવ ઉપરમાં પોણાતેર વટાવી દોઢ ટકો ઘટી ૧૨.૩૨ હતો. તાતાની નેલ્કોની ત્રિમાસિક આવક સાત ટકા વધીને ૮૦ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૩૦ ટકા વધીને ૨૩૦ લાખ નોંધાયો છે. શૅર નીચામાં ૮૪૧ થઈ સામાન્ય ઘટાડે ૮૬૬ રહ્યો છે. સીએટની ત્રિમાસિક આવક ૨૨.૪ ટકાના વધારામાં ૪૩૧૮ કરોડ થઈ છે, પરંતુ કાચા માલનો ભાવવધારો તથા ફૉરેક્સ લૉસના પગલે નેટ નફો ૯૬.૪ ટકા ધોવાઈને માત્ર ૪ કરોડ થયો છે. શૅર ચારગણા વૉલ્યુમે નીચામાં ૩૪૭૩ થઈ ૭.૩ ટકા કે ૨૭૯ રૂપિયા તૂટી ૩૫૫૦ બંધ થયો છે.

અમદાવાદી ગલ્ફ લૉઇડ્સનો SME ઇશ્યુ સોમવારે

SME સેગમેન્ટમાં સોમવારે અમદાવાદની ગલ્ફ લૉઇડ્સ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવથી કુલ ૧૮૧૯ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ કરવાની છે. ઇશ્યુમાં QIB પૉર્શન નથી. રીટેલ માટે ૫૦ ટકા છે. ૨૦૧૪માં સ્થપાયેલી આ કંપની સર્વિસિસ સેક્ટરમાં છે. એ થર્ડ પાર્ટી ધોરણે ઇન્સ્પેક્શન, ઑડિટિંગ, સર્ટિફિકેશન, ટેસ્ટિંગ તેમ જ ટ્રેઇનિંગ વગેરે કામકાજ કરતી હોવાનો દાવો કરે છે. કંપનીએ ૨૦૨૪-’૨૫માં સ્ટૅન્ડ અલોન ધોરણે ૩૫૮૮ લાખની આવક પર ૪૬૭ લાખ નેટ નફો કર્યો હતો. ગયા વર્ષે કૉન્સોલિડેટેડ ધોરણે ૩૫૯૭ લાખની આવક પર ૪૩૦ લાખ નેટ નફો કર્યો છે. દેવું વધીને ૧૫૬૮ લાખ થયું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૪૯૧ લાખથી વધીને ૬૭૩ લાખ થશે. મર્ચન્ટ ઍન્કર ઇન્ટરઍક્ટિવ ફાઇ. સર્વિસિસ છે. એનો ટ્રૅક રેકૉર્ડ નબળો છે. ગ્રે માર્કેટ ખાતે ૬થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૧૧ છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતેની કૅલિબર માઇનિંગનો ૧૦ના શૅરદીઠ ૪૨૪ની અપરબૅન્ડ સાથે કુલ ૪૫૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે ગઈ કાલે રીટેલમાં ૧.૬ ગણા સહિત કુલ સવાગણો ભરાયો છે. પ્રીમિયમ વધીને ૧૧૩ થયું છે. SME કંપની સોટફીન ભારતનો ૧૦ના શૅરદીઠ ૧૮૭ના ભાવનો ૯૦ કરોડનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૭૮ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૧૮થી ઘટીને ૧૨ બોલાય છે. 

રિલાયન્સની તેજી બજારને ૧૯૧ પૉઇન્ટ ફળી

માર્કેટ લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિણામ પૂર્વે આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહી ઉપરમાં ૧૩૩૦ બતાવી અઢી ટકા વધીને ૧૩૨૬ બંધમાં બજારને ૧૯૧ પૉઇન્ટ ફળી છે. રિઝલ્ટ્સ બજાર બંધ થયા પછી મોડી સાંજે અપેક્ષિત હતાં. વિશ્લેષકોની એકંદર ધારણા ૩.૦૧ લાખ કરોડની ત્રિમાસિક આવક તથા ૨૦૪૫૧ કરોડના ચોખ્ખા નફાની હતી. દરમ્યાન કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ અડધા ટકા જેવું વધી જૂન ક્વૉર્ટરના અંતે ૫૦.૪૮ ટકા થયું છે. એની ગ્રુપ કંપની જિયો ફાઇનૅન્શિયલની ત્રિમાસિક આવક લગભગ ત્રેવડાઈને ૨૦૦૪ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૧૫૬ ટકાના વધારામાં ૮૩૦ કરોડ આવ્યો છે. શૅર પાંચેક ગણા વૉલ્યુમે ૨૫૦ નજીક જઈ ૩ ટકા વધી ૨૪૩ બંધ થયો છે.

ટેક મહિન્દ્રની આવક ૧૭.૫૦ ટકા વધીને ૧૫૭૧૨ કરોડ તથા નેટનફો ૩૧.૭ ટકા વધીને ૧૪૮૬ કરોડ આવતાં શૅર છગણા કામકાજે ઉપરમાં ૧૫૮૫ થઈ ચારેક ટકા ઊંચકાઈ ૧૫૭૦ બંધમાં સેન્સેક્સ-નિફ્ટી ખાતે વધવામાં મોખરે રહ્યો છે. સામે વિપ્રો દ્વારા ૧૦.૭ ટકા વધારામાં ૨૪૪૫૩ કરોડની આવક પર અડધા ટકા સુધારામાં ૩૩૫૬ કરોડ નેટ નફો દર્શાવાતાં ભાવ બમણા કામકાજે નીચામાં ૧૭૬ હતો. નોમુરાએ ૧૯૦ની ટાર્ગેટ પ્રાઇસથી વિપ્રોમાં બુલિશ-વ્યુ તો જેફરીઝે ૧૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ વ્યુ જારી કર્યો છે. TCS ઉપરમાં ૨૨૭૪ બતાવી ૩ ટકાની મજબૂતીમાં ૨૨૬૮ તથા ઇન્ફોસિસ દોઢ ટકા વધીને ૧૦૯૭ બંધ રહી છે. HCL ટેક્નૉલૉજીઝ ૧.૩ ટકો સુધી ૧૨૦૪ હતી. TCS, ઇન્ફી, ટેક મહિન્દ્ર તથા HCL ટેક્નૉલૉજીને કારણે બજારને 
ગઈ કાલે કુલ ૧૬૭ પૉઇન્ટનો ફાયદો થયો છે. IT બેન્ચમાર્ક ૧૨૪ ટકા વધ્યો છે. સાઇડ શેરમાં ૬૩ મૂન્સ સાડાચાર ટકા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ અઢી ટકા, એમ્ફાસિસ બે ટકા પ્લસ હતા. રામકો સિસ્ટમ્સ ૫.૪ ટકા ગગડી ૭૮૫ હતી.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange