બૅન્ક શૅરોને બાકાત રાખી બનેલો નિફ્ટી ફાઇનૅન્સ ઇન્ડેક્સ સૌથી વધુ વધ્યો

18 March, 2025 09:59 AM IST  |  Mumbai | Kanu J Dave

તાતા મોટર્સે વ્યાપારી વાહનોના ભાવ બે ટકા વધારવાની સાનુકૂળ અસર, ડૉ. રેડ્ડીઝ લૅબ નિફ્ટીમાં ટૉપ ગેઇનર, ટ્રેન્ટ અઢી ટકા અપ, આઇપીઓ ઇન્ડેક્સ વર્સ્ટ પર્ફોર્મર, ક્રૂડના ભાવ વધતાં બીપીસીએલ-આઇઓસી ડાઉન

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બજારોની મજબૂતાઈ વચ્ચે નિફ્ટી ગુરુવારના 22,397ના બંધ સામે 22,353 ખૂલી એને જ દિવસનું લો રાખી વધીને 22,577 થયા બાદ છેલ્લે અડધો ટકો વધી 22,508 રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 33 શૅરો વધ્યા હતા. ડૉ. રેડ્ડીઝ ચાર ટકા વધી 1151 રહ્યો હતો. પુરોગામી સપ્તાહનો હાઈ 22,677 છે, એ ક્રૉસ કરે તો તેજીને વેગ મળશે એવું સમીક્ષકોનું માનવું છે. સેન્સેક્સ પણ 341 પૉઇન્ટ્સના ગેઇને 74,169 બંધ હતો. તાતા મોટર્સે એપ્રિલ ૨૦૨૫થી કમર્શિયલ વાહનોના ભાવ બે ટકા વધારવાની જાહેરાત કરી હતી. શૅરનો ભાવ પોણો ટકો વધીને 660 રહ્યો હતો. બ્રોકરેજ ફર્મ એચએસબીસીએ તાતા મોટર્સને અપગ્રેડ કરીને હોલ્ડથી બાય કર્યો, પણ ટાર્ગેટ ઘટાડીને 930થી 840 રૂપિયા કર્યું છે. ક્રૂડ તેલના ભાવો વધવાના પગલે બીપીસીએલ અને આઇઓસીના ભાવ 1.13 ટકા અને 1.25 ટકા ઘટીને અનુક્રમે 261 રૂપિયા અને 124 રૂપિયા બંધ હતા. જોકે એચપીસીએલમાં નવા ચૅરમૅન એમડીની નિમણૂકના સમાચારે સવા રૂપિયો સુધરી સવાત્રણસો બંધ હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક ઇન્ટ્રા ડેમાં વધીને 709 રૂપિયા જેવો થયો પણ અંતે ઓપનિંગ આસપાસ જ 677 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. આરબીઆઇએ આ બૅન્કના રેશિયો વિશે કરેલી સ્પષ્ટતા બાવજૂદ શૅર શૉર્ટ ટર્મ એએસએમ-1 પ્રકારના સર્વેલન્સ હેઠળ હોવાથી સાવધાની જોવાતી હતી. નિફ્ટીના ટ્રેન્ટ 2.54 ટકા વધી 5150 રૂપિયા, બજાજ ફિનસર્વ પોણાચાર ટકા સુધરી 1875 રૂપિયા, એસબીઆઇ લાઇફ 3.89 ટકાના ગેઇને 1439 રૂપિયા બંધ હતા. ટ્રેન્ટમાં કેટલીક ઍનલિસ્ટ મીટની સાનુકૂળ અસર જોવાતી હતી. બૅન્ક નિફ્ટી અને નિફ્ટી ફાઇનૅશ્યલ સર્વિસિસ અનુક્રમે 0.61 ટકા અને 1.03 ટકાના દૈનિક સુધારા સાથે  48,354 અને 23,529ના સ્તરે બંધ  રહ્યા હતા. બીએસઈનો બૅન્કેક્સ 0.71 ટકા પ્લસ થઈ 55,706ના સ્તરે વિરમ્યો હતો. 

માર્કેટ કૅપિટલાઇઝેશન 400 લાખ કરોડથી નીચે

એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 390.25 લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 389.07 લાખ કરોડ રૂપિયા હતું. નિફટીના 50માંથી 33, નિફ્ટી નેક્સ્ટના 50માંથી 38, મિડકૅપ સિલેક્ટના 25માંથી 19, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 19, બૅન્ક નિફ્ટીના 12માંથી 7, સેન્સેક્સના 30માંથી 20 અને બૅન્કેક્સના 10માંથી 7 શૅરો વધીને બંધ રહ્યા હતા. એનએસઈના 2982 ટ્રેડેડ શૅરોમાંથી 1781 તથા બીએસઈના 4239 ટ્રેડેડ શૅરોમાંથી 2563 માઇનસમાં બંધ થયા હતા. એનએસઈ ખાતે 29 અને બીએસઈમાં 101 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 433 અને 489 શૅરો બાવન વીક લો પર હતા. એનએસઈના 74 શૅરો ઉપલી સર્કિટે અને 209 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.

પ્યૉર ફાઇનૅન્સ પ્લેની બોલબાલા

બૅન્કો સિવાયનો ફાઇનૅન્શ્યલ સર્વિસિસ ઇન્ડેક્સ સૌથી વધુ 1.58 ટકા વધ્યો હતો. 24,648.65વાળા આ ઇન્ડેક્સના 30માંથી 27 શૅરો વધ્યા હતા. એનો ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ પોણાછ ટકા વધી 162 રૂપિયા બંધ હતો. મુથૂટ ફાઇનૅન્સ સાડાચાર ટકા પ્લસ થઈ 2294 રૂપિયા, એસબીઆઇ લાઇફ અને બજાજ ફિનસર્વ બન્ને પોણાચાર ટકા વધી અનુક્રમે 1439 રૂપિયા અને 1875 રૂપિયા, કેનફિના હોમ્સ તથા સુંદરમ ફાઇનૅન્સ બન્ને સાડાત્રણ ટકાના ગેઇને અનુક્રમે 623 રૂપિયા અને 4789 રૂપિયા તો એમસીએક્સ સવાત્રણ ટકા સુધરી 4965 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. મુથૂટમાં લોનના પ્રોત્સાહક ગ્રોથ અને સોનાના ભાવમાં સુધારાની સારી અસર જોવાતી હતી. ફ્રન્ટલાઇન ઇન્ડેક્સોની સરખામણીએ અન્ય ઇન્ડેક્સોનો દેખાવ એટલો સારો નહોતો અને એનો પુરાવો ઍડ્વાન્સિંગ કરતાં ડિક્લાઇનિંગ શૅરોની વધુ સંખ્યામાં મળતો હતો. મિડકૅપમાં એલટીઆઇ માઇન્ડ ટ્રી અઢી ટકા ઘટી 4359 રૂપિયા બંધ હતો. કંપનીના એક મોટા ગ્રાહકે આઇટી ખર્ચમાં કાપ મૂક્યાની હતી.

ટ્રમ્પનું ટૅરિફ શસ્ત્ર ટીસીએસ અને ઇન્ફોસિસને બહુ અસર નહીં કરે : મૂડીઝ

દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાઈ કંપનીઓ પર યુએસ ટૅરિફ નીતિઓથી ઉદ્ભવતાં વિવિધ જોખમોની ચેતવણી મૂડીઝે આપી છે. મજબૂત નફાકારકતાના લીધે ટીસીએસ અને ઇન્ફોસિસ વધતા ખર્ચને પહોંચી વળવા માટે સારી સ્થિતિમાં છે. ભારતીય આઇટી જાયન્ટ્સ તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) અને ઇન્ફોસિસ અસરને સહન કરવાની સ્થિતિમાં છે.
વિપરિત અસર ઘટાડવા માટે ટીસીએસ, ઇન્ફોસિસ અને હેક્સાવેર ટેક્નૉલૉજીઝ જેવી કંપનીઓએ ધીમે-ધીમે યુએસમાં ઑનશૉર ભરતીમાં વધારો કર્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ઇન્ફોસિસ 0.64 ટકા સુધરી 1590 રૂપિયા તો ટીસીએસ 0.32 ટકા ઘટી 3499 રૂપિયા બંધ હતો.

લૉક-ઇન-પિરિયડ પૂરો થતાં આઇપીઓ ઇન્ડેક્સના શૅરોમાં વેચવાલીનો મારો

સૌથી વધુ 0.79 ટકાનો ઘટાડો આઇપીઓ ઇન્ડેક્સમાં નોંધાયો હતો. આ ઇન્ડેક્સના માત્ર 32 શૅરો જ વધ્યા એની સામે 86 ડાઉન હતા. એમાં મોટા ભાગની જાતોમાં વેચવા માટેનો લૉક-ઇન-પિરિયડ પૂરો થયા બાદ વેચવાની છૂટ મળતાં મોટા રોકાણકારોનાં પોટલાં છૂટ્યાંનું દબાણ હતું. આઇકેએસ ઇન્વેન્ચર્સ નૉલેજ સૉલ્યુશન્સ 12 ટકાના ગાબડે 1452 રૂપિયા થઈ ગયો હતો. ૨૦૨૪ની ૧૯ ડિસેમ્બરે લિસ્ટિંગ થયા પછી વધીને 2189 રૂપિયા અને ઘટીને 1407 રૂપિયા થયો હતો. મોબીક્વિક પણ સાડાઆઠ ટકા તૂટી 247 રૂપિયાના લેવલે આવી ગયો હતો. 18 ડિસેમ્બરે લિસ્ટિંગ થયેલા આ શૅરની શૅરદીઠ કમાણી છેલ્લાં ચાર ટ્રેઇલિંગ ક્વૉર્ટરમાં શૂન્ય રહી હોવાની ચેતવણી એનએસઈના વેબસાઇટ પર દેખાય છે. લિસ્ટિંગ પછીનો લોએસ્ટ ભાવ 231 રૂપિયા હતો. સ્ટેલીઅન, ઓલા ઇલેક્ટ્રિક, ઇન્ડોફાર્મ ઇક્વિપમેન્ટ, કેઆરએન, ક્વૉલિટી પાવર, ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક અને ઈપેક ડ્યુરેબલ પાંચથી સાડાઆઠ ટકા ઘટ્યા હતા. ઓલા ઇલેક્ટ્રિક તો સવાસાત ટકા તૂટી 46.86 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. બાવન સપ્તાહનો નવો નીચો ભાવ 46.40 રૂપિયા સોમવારે જોવા મળ્યો હતો. રજિસ્ટ્રેશન એજન્સી રોસમેર્ટાએ કંપની પર પેમેન્ટ ડીફૉલ્ટનો આક્ષેપ કર્યો હોવાની વાયકા હતી. કોરોમંડલ દ્વારા એક્વિઝિશનના પગલે એનએસીએલ ઇન્ડસ્ટ્રીઝ વીસ ટકાની ઉપલી સર્કિટે 110.85 રૂપિયા બંધ હતો. કોરોમંડલ પણ પોણાછ ટકા વધી 1900 રૂપિયા બંધ હતો.

મિડકૅપ સિલેક્ટના ટૉપ પાંચ ગેઇનર્સમાં વૉલ્ટાસ 4.06 ટકા વધી 1459 રૂપિયા, ભારત ફોર્જ 3.78 ટકા વધી 1078 રૂપિયા, એસઆરએફ અઢી ટકા સુધરી 3023 રૂપિયા, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ સવાબે ટકા સુધરી 3370 રૂપિયા અને અરબિંદો ફાર્મા બે ટકાના ગેઇને 1115 રૂપિયા  બંધ હતા.  મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.64 ટકા વધી 10,893ના સ્તરે વિરમ્યો હતો. સામે પક્ષે એયુ બૅન્ક 2.15 ટકા ઘટી 492 રૂપિયા અને 1.87 ટકા ઘટી ડિક્સન ટેક 13,075 રૂપિયા બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ 50ના વરુણ બેવરેજિસ 4.02 ટકા વધી 507 રૂપિયા, ગોદરેજ કન્ઝ્યુમર ત્રણ ટકાના ગેઇને 1056 રૂપિયા અને બજાજ હોલ્ડિંગ 2.90 ટકા સુધરી 11,648 રૂપિયાના લેવલે પહોંચ્યા હતા.

FIIની નેટ વેચવાલી, પણ DIIનો હાથ ઉપર

સોમવારે FIIની 4488 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. DIIની 6000 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી. પરિણામે કૅશ સેગમેન્ટમાં ઓવરઑલ 1512 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી.

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex