07 November, 2025 09:26 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન સુપ્રીમ કોર્ટ ટ્રમ્પના ટૅરિફની વિરુદ્ધ ચુકાદો આપે તો પણ એનાથી હરખાઈ જવાની જરૂર નથી, કારણ કે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે ગમે એ થાય, ટૅરિફ નહીં હટે, મારી પાસે ઘણાબધા વિકલ્પ છે. સુપ્રીમનો ચુકાદો મને નડવાનો નથી. ઍનીવે, ગુરુવારે તમામ અગ્રણી એશિયન બજાર પ્લસમાં રહ્યાં છે. હૉન્ગકૉન્ગ બે ટકા, જપાન ૧.૪ ટકા, સિંગાપોર અને થાઇલૅન્ડ સવા ટકો, ચાઇના એક ટકો, સિંગાપોર અને તાઇવાન અડધા ટકાથી વધુ મજબૂત બન્યા છે. સામે યુરોપ રનિંગમાં સાધારણથી પોણા ટકા જેવું નરમ દેખાયું છે. બુધવારે એક લાખ ડૉલરની અંદર ઊતરી ગયેલો બિટકૉઇન નીચલા મથાળેથી હળવો બાઉન્સ-બૅક દાખવી રનિંગમાં ૧,૦૩,૩૭૮ ડૉલર ચાલતો હતો. બ્રૅન્ટક્રૂડ ૬૩.૫૦ ડૉલરની અંદર આવી ગયું છે.
ઘરઆંગણે બજારે પ્રમાણમાં સાંકડી રેન્જ સાથે એકંદર ઢીલું વલણ જાળવી રાખ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૫૭ પૉઇન્ટ જેવો પ્લસ, ૮૩,૫૧૭ નજીક ખૂલીને ઝડપી ઉછાળે ૮૩,૮૪૬ વટાવ્યા પછી પાછો પડી ગયો હતો. નીચામાં ૮૩,૨૩૭ થઈ છેવટે ૧૪૮ પૉઇન્ટ ઘટી ૮૩,૩૧૧ તથા નિફ્ટી ૮૮ પૉઇન્ટની નરમાઈમાં ૨૫,૫૧૦ બંધ થયો છે. માર્કેટ બ્રેડ્થ બગડેલી હતી. NSEમાં વધેલા ૭૯૫ શૅર સામે ૨૩૦૪ કાઉન્ટર ઘટ્યાં છે. માર્કેટકૅપ ૩.૯૬ લાખ કરોડ ઘટીને ૪૬૫.૮૩ લાખ કરોડ રૂપિયા જોવાયું છે. બ્રૉડર માર્કેટ અડધા ટકાથી વધુ, મિડકૅપ સવા ટકા અને સ્મૉલકૅપ દોઢ ટકો ડૂલ થયા છે. હિન્દાલ્કોની ખરાબી પાછળ મેટલ બેન્ચમાર્ક ૧૩માંથી ૧૨ શૅરના બગાડમાં બે ટકા કે ૭૦૬ પૉઇન્ટ પીગળ્યો છે. પાવર ઇન્ડેક્સ બે ટકા તો યુટિલિટીઝ બેન્ચમાર્ક સવાબે ટકા કપાયો છે. મની-લૉન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને ઈડી તરફથી તેડું મોકલાયું હોવાના અહેવાલ વચ્ચે રિલાયન્સ ઇન્ફ્રા પાંચ ટકાની વધુ નીચલી સર્કિટે ૧૮૪ના નવા તળિયે પહોંચી છે. રિલાયન્સ પાવર નીચામાં ૩૮.૫૨ થઈ પોણો ટકો વધી ૪૧ હતી. રિયલ્ટી દોઢ ટકો, કૅપિટલ ગુડ્સ સવા ટકા, નિફ્ટી ડિફેન્સ બે ટકા ડાઉન હતો.
રેડિંગ્ટન લિમિટેડ ૨૩.૬ ટકા વધારામાં ૩૫૦ કરોડના નેટ નફા પાછળ ૫૪ ગણા કામકાજે ૧૫.૭ ટકાની તેજીમાં ૨૮૯ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. બજાજ હોલ્ડિંગ્સનાં પરિણામ ૧૧મીએ છે, શૅર ૧૧ ગણા વૉલ્યુમે ૮.૨ ટકા કે ૯૮૬ રૂપિયાના જમ્પમાં ૧૩,૦૬૧ થયો છે. સૉલરા ઍક્ટિવ ફાર્મા પરિણામ પાછળ નીચામાં ૫૪૩ બતાવી સવાઆઠ ટકા ખરડાઈ ૫૬૫ બંધમાં એ-ગ્રુપ ખાતે લૂઝર બની છે. નેટવેબ પ્રોત્સાહક પરિણામ છતાં પ્રૉફિટ-બુકિંગ આગળ વધતાં નવ ટકા કે ૩૩૧ રૂપિયા લથડી ૩૩૦૧ હતી. ઉત્કર્ષ સ્મૉલ બૅન્ક દોઢા કામકાજે ૧૪ ટકાના કડાકામાં ૧૭ થઈ છે. દિશમાન કાર્બોજેન ૬ ગણા વૉલ્યુમે ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૨૬૭ દેખાઈ છે જે રિઝલ્ટની અસર છે. વેબસોલ એનર્જી તગડા કામકાજ વચ્ચે ૧૦.૭ ટકાના જોરમાં ૧૩૩૯ થઈ છે. સ્માર્ટલિન્ક ૨૯ ગણા વૉલ્યુમે ૮.૮ ટકાની તેજીમાં ૧૪૭ બંધ આવી છે. મૉર્ગન સ્ટૅનલીએ અદાણી પાવરમાં ૧૮૫ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ આપ્યો છે. શૅર ગઈ કાલે ૩.૩ ટકા ખરડાઈ ૧૫૩ રહ્યો છે. MCX પરિણામ પહેલાં પોણો ટકો ઘટીને ૯૨૫૨ હતી.
સતત ખોટ કરતી પાઇન લૅબ્સનો ઇશ્યુ આજે, પ્રીમિયમ તૂટી ૧૨ રૂપિયા
આજે નવાં ૩ ભરણાં ખૂલશે. મેઇન બોર્ડમાં હરિયાણાના ગુરૂગાંવની પાઇન લૅબ્સ એકના શૅરદીઠ ૨૨૧ની અપરબૅન્ડમાં ૧૮૨૦ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ આશરે ૩૯૦૦ કરોડનો IPO આજે લાવશે. કંપની સતત ખોટમાં હોઈ ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા છે. ૧૯૯૮માં સ્થપાયેલી આ કંપની છે. કૉમર્સ પ્લૅટફૉર્મ ખાતે ડિજિટલ પેમેન્ટ તથા અન્ય સંબંધિત સેવા પૂરી પાડે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં એની કુલ નેટ લૉસ ૭૫૨ કરોડ વટાવી ગયેલી છે. ગયા વર્ષે આવક ૨૮ ટકા વધી ૨૩૨૭ કરોડ થઈ છે. નેટ લૉસ ૩૪૨ કરોડથી ઘટી ૧૪૫ કરોડ જેવી રહી છે. ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં ૬૫૩ કરોડની આવક ઉપર ૪૭૯ લાખ નેટ નફો કર્યો છે. દેવું સતત વધતું રહી હાલ ૮૮૯ કરોડે પહોંચ્યુ છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૧૧૫ કરોડ નજીક થશે. કંપની સતત ખોટમાં છે, પણ ચાલુ વર્ષના પ્રથમ ૩ માસની કમાણીને ઍન્યુલાઇઝડ કરીએ તો ઇશ્યુ પ્રાઇસ ૧૩૦૦નો અતિ ઊંચો પીઈ સૂચવે છે. ગ્રેમાર્કેટમાં ૬૦થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડતું રહી અત્યારે ૧૨ ચાલે છે.
SME સેગમેન્ટમાં ગુજરાતના ગોંડલની શાઇનિંગ ટૂલ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૪ના ભાવે ૧૭૧૦ લાખનો BSE SME ઇશ્યુ કરશે. ૨૦૧૩માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૩૯ ટકા વધારામાં ૧૪૭૭ લાખ આવક ઉપર ૮૬ ટકા વૃદ્ધિદરથી ૨૯૩ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં આવક ૫૪૨ લાખ તથા નફો ૧૪૭ લાખ કર્યો છે. દેવું ૮૮૯ લાખ છે. પ્રમોટરનું ભણતર ૧૦મી સુધી છે. ગુટકાના વ્યસનના કારણે ડાબું જડબું ગુમાવી ચૂક્યા છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. બીજી કંપની ગુજરાતના સાણંદ ખાતેની ક્યુરિસ લાઇફ સાયન્સ ૧૦ના શૅરદીઠ ૧૨૮ની અપરબૅન્ડમાં ૨૭૫૨ લાખનો NSE SME IPO આજે કરવાની છે. ૨૦૧૦મા સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૩૮ ટકા વધારામાં ૪૯૬૫ લાખની આવક ઉપર ૨૫ ટકા વધારામાં ૬૧૧ લાખ નેટ નફો કર્યો છે. પ્રથમ ૩ માસમાં ચાલુ વર્ષે આવક ૧૯૫૧ લાખ તથા નેટ નફો ૨૮૭ લાખ થયો છે. દેવું ૧૫૩૨ લાખ છે. લીડમૅનેજર તથા માર્કેટમેકર બન્ને નવા અને ગુજરાત ખાતેના છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૮૦૮ લાખ થશે. ગ્રેમાર્કેટમા પ્રીમિયમનાં કામકાજ ૬ રૂપિયાથી શરૂ થયા બાદ હાલ રેટ ૭.૫૦ છે.
મીરા રોડની સેફ ક્યૉર સર્વિસિસમાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ
MTR ફૂડ્સવાળી ઑર્કલા ઇન્ડિયા એકના શૅરદીઠ ૭૩૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટ ખાતે ૧૪૫થી શરૂ થઈ છેલ્લે ૬૬ બોલાતાં પ્રીમિયમ સામે ગઈ કાલે ૭૫૧ ખૂલી ૭૧૩ બંધ થતાં ૨.૩ ટકા કે ૧૬ રૂપિયા લિસ્ટિંગ લૉસ મળી છે. SME કંપની મીરા રોડની સેફક્યૉર સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૧૦૨ની ઇશ્યુ પ્રાઇસ તથા એક જ દિવસ માટે ૨૧ થયા બાદ ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૮૧.૬૦ ખૂલી ૭૭.૫૫ બંધ થતાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. સ્ટડ્સ એસેસરીઝ આજે લિસ્ટેડ થવાની છે. પ્રીમિયમ પંચાવન જેવું ચાલે છે.
મેઇન બોર્ડમાં ગ્રોવાળી બિલિયન બ્રેઇન્સ ગૅરેજ વેન્ચર્સ બેના શૅરદીઠ ૧૦૦ની અપરબૅન્ડમાં ૬૬૩૨ કરોડનો ઇશ્યુ લઈ મૂડી બજારમાં આવેલી છે. ભરણું બીજા દિવસના અંતે કુલ ૧.૭ ગણું ભરાયું છે. પ્રીમિયમ ઘટી ૧૧ જેવું છે. SME સેગમેન્ટમાં રાજકોટની શ્રીજી ગ્લોબલ FMCGનો ૧૦ના શૅરદીઠ ૧૨૫ની અપરબૅન્ડ સાથે ૮૫ કરોડનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧.૧ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમનાં કામકાજ નથી.
ક્રિકેટર ધોનીના બૅન્કિંગવાળી હોવાના પ્રચાર સાથે બૅન્ગલોરની ફિનબડ ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૧૪૨ની અપર બૅન્ડ સાથે ૭૧૬૮ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ ગઈ કાલે લાવી છે. ભરણું પ્રથમ દિવસે રીટેલમાં ૨૮ ટકા પ્રતિસાદ સાથે કુલ ૪૪ ટકા ભરાયું છે. ધોની, આશિષ કચોલિયા જેના જાણીતા નામનું બૅન્કિંગ હોવા છતાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમના સોદા નથી એ નવાઈ કહી શકાય.
પેટીએમનો નફો ૯૮ ટકા સાફ થવા છતાં શૅર ચાર ટકા મજબૂત
ઓલા ઇલેક્ટ્રિકની આવક ૪૩ ટકા ઘટીને ૬૯૦ કરોડ થઈ છે. સાથે-સાથે ચોખ્ખી ખોટ ૪૯૫ કરોડથી ઘટીને ૪૧૯ કરોડ રહી છે. શૅર બમણા કામકાજે પાંચ ટકાની નીચલી સર્કિટે ૪૭.૫૬ બતાવી ત્યાં જ બંધ હતો. પેટીએમની આવક ૨૪ ટકા વધી ૨૦૬૧ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૯૩૦ કરોડથી ૯૮ ટકા ગગડી ૨૧ કરોડ થયો છે. અગાઉના વર્ષે જે ૯૩૦ કરોડ નેટ પ્રૉફિટ થયો હતો એમાં ૧૩૪૫ કરોડના વન ટાઇમ ગેઇનનો ફાળો હતો. શૅર પાંચ ગણા કામકાજે ઉપરમાં ૧૩૩૩ થઈ ૪.૧ ટકાની મજબૂતીમાં ૧૩૨૦ થયો છે પિરામલ ફાર્મા માર્જિનમાં ૫૦ ટકાના ધોવાણ સાથે બાવીસ કરોડના નફામાંથી ૯૯ કરોડની ચોખ્ખી ખોટમાં આવી ગઈ છે. છતાં શૅર ઘટીને ૧૯૯ રહ્યો છે. સિન્જૅન ઇન્ટરપ્રાઇઝનો નફો ૩૭ ટકા ગગડી ૬૭ કરોડ થતાં શૅર ચાર ટકા બગડી ૬૨૧ હતો.
સીસીએલ પ્રોડક્ટનો નફો ૩૬ ટકા વધી ૧૦૧ કરોડ વટાવી જતાં ભાવ ૧૦૨ ગણા કામકાજે ૧૦૦૬ના શિખરે જઈને ૯.૪ ટકા ઊછળી ૯૭૧ થયો છે. મુથૂટ માઇક્રોફીનનો નફો ૫૦ ટકા ધોવાઈ ૩૦ કરોડ આવતાં શૅર પાંચ ટકા ઘટી ૧૬૦ હતો. એમટાર ટેક્નૉલૉજીઝની આવક ૨૮ ટકા વધવા છતાં નફો ૭૭ ટકા ખરડાઈ સવાચાર કરોડ થયો છે. શૅર નીચામાં ૨૨૭૭ બતાવી ૬.૮ ટકા કે ૧૭૨ રૂપિયા તૂટી ૨૩૫૫ હતો. ગોદરેજ ઍગ્રોવેટની આવક ૪.૮ ટકા વધી છે. નફો ૧૨ ટકા ઘટી ૮૪ કરોડ થયો છે. શૅર ૬૧૩ની વર્ષની બૉટમ બતાવી ૪.૬ ટકા લથડી ૬૧૯ થયો છે.
મેડી આસિસ્ટ હેલ્થકૅરના નફામાં ૬૧ ટકાનો ઘટાડો થતાં શૅર નીચામાં ૫૦૩ થઈ ૭.૬ ટકાની ખરાબીમાં ૫૧૩ હતો. એફડીસીની આવક ૮ ટકા ઘટી છે. નફો ૬૦.૬ ટકા ધોવાઈ ૨૪ કરોડ રહ્યો છે. શૅર નીચામાં ૪૦૫ થઈ ૫.૮ ટકા બગડી ૪૨૧ હતો. દિલ્હીવરીની આવક ૧૭ ટકા વધવા છતાં કંપની ૧૦ કરોડના નફામાંથી ૫૦ કરોડની ખોટમાં આવી છે. શૅર ૪૩૬ થયા બાદ નવ ટકા તૂટી ૪૪૧ રહ્યો છે.
CEOનાં રાજીનામાં, ગ્રાસિમ ગગડ્યો, એશિયન પેઇન્ટ્સ ઝળક્યો
હિન્દાલ્કોની વિદેશી સબસિડિયરી નૉવેલિસના ન્યુ યૉર્ક ખાતેના પ્લાન્ટમાં ભારે આગ લાગતાં પ્લાન્ટ બંધ કરાયો છે. ડિસેમ્બરના અંત પહેલાં કામકાજ શરૂ થવાની શક્યતા નથી. ૫૫થી ૬૫ કરોડ ડૉલરના નુકસાન કે નેગેટિવ કૅશ-ફ્લોની ધારણા રખાય છે. શૅર નીચામાં ૭૭૦ બતાવી ૫.૨ ટકા ગગડી ૭૮૮ નિફ્ટી ખાતે બંધ થયો છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે ૧૭ ટકા વધારામાં ૩૯,૦૦૦ કરોડની આવકમાં ૭૬ ટકા વૃદ્ધિદરથી ૫૫૩ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. બિરલા ઓપસના CEOએ અચાનક રાજીનામું આપી દીધું છે. શૅર નીચામાં ૨૬૯૨ થઈ ૬.૩ ટકા બગડી ૨૭૦૦ નિફ્ટી ખાતે બંધ થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝનાં પરિણામ નબળાં આવ્યાં છે. વધુમાં ૨૫,૦૦૦ કરોડનો મેગા રાઇટ ઇશ્યુ લાવવાનું નક્કી કર્યું છે. એમાં શૅર નીચામાં થઈને ૪.૩ ટકા ખરડાઈ ૨૩૧૪ બંધ રહ્યો છે. પાવરગ્રીડ પરિણામનો વસવસો જાળવી રાખતાં ૩.૨ ટકાની વધુ નરમાઈમાં ૨૭૦ બંધ આપી સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બની છે. ઍટર્નલ અઢી ટકા ઘટી ૩૦૫ રહી છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૧.૭ ટકા, NTPC સવા ટકો, તાતા સ્ટીલ ૧.૧ ટકા, બજાજ ફાઇનૅન્સ દોઢ ટકા, JSW સ્ટીલ એક ટકા, લાર્સન એક ટકો નરમ હતા. ICICI બૅન્ક સવા ટકો ઘટી ૧૩૨૦ના બંધમાં બજારને ૯૮ પૉઇન્ટ નડી છે.
ગ્રાસિમના CEOના રાજીનામાથી હરીફ એશિયન પેઇન્ટસ ગેલમાં આવી છે. શૅર ચારગણા કામકાજે ઉપરમાં ૨૬૩૦ બતાવી ૪.૮ ટકા વધી ૨૬૦૫ બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ઝળક્યો છે. એશિયન પેઇન્ટ્સનાં રિઝલ્ટ ૧૨મીએ છે. રિલાયન્સ ૧.૬ ટકા વધી ૧૪૯૬ બંધમાં બજારને ૧૩૭ પૉઇન્ટ ફળી છે. મહિન્દ્ર એક ટકા, અલ્ટ્રાટેક એક ટકા, ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિએશન એક ટકો વધી છે. સ્ટેટ બૅન્ક ૯૭૧ની નવી ઑલટાઇમ હાઈ નોંધાવી ૦.૪ ટકા વધી ૯૬૧ હતી. TCS પોણા ટકાની આગેકૂચમાં ૩૦૧૧ થઈ છે. જિયો ફાઇનૅન્સ સવા ટકો ઘટી ૨૯૮ હતી.