વૈશ્વિક શિપિંગ કન્ટેનરના દરમાં મોટો કડાકો

29 November, 2022 04:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વનો બેન્ચમાર્ક ડ્રેવરીઝ વર્લ્ડ કન્ટેનર ઇન્ડેક્સ એક વર્ષમાં ૭૪ ટકા તૂટ્યો : કન્ટેનરનાં ભાડાં ઘટતાં વિશ્વમાં મંદીના વધતા સંકેત

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વૈશ્વિક બજારમાં આર્થિક મંદીના ભણકારા વાગી રહ્યા છે. કોરોનાકાળથી વિશ્વમાં શિપિંગ કન્ટેનરનાં ભાડાંમાં મોટો વધારો થયો હતો, જેમાં હવે વળતાં પાણી થયાં છે અને ગયા વર્ષની તુલનાએ કન્ટેનરનાં ભાડાંમાં ૭૪ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

વિશ્વબજાર માટે બેન્ચમાર્ક ગણાતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સનો એક ભાગ એવો ડ્રેવરીઝ વર્લ્ડ કન્ટેનર ઇન્ડેક્સ વીતેલા સપ્તાહમાં સાત ટકા ઘટ્યો છે અને સતત ૩૯માં સપ્તાહે એમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઇન્ડેક્સ ગયા વર્ષની તુલનાએ અત્યાર સુધીમાં ૭૪ ટકા ઘટી ગયો છે.

૪૦ ફુટ લાંબા કન્ટેનરનો બેન્ચમાર્ક દર સપ્ટેમ્બર ૨૦૨૧માં વધીને ૧૦,૩૭૭ ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો, જે ઘટીને ગયા સપ્તાહે ૨૪૦૪ ડૉલર પ્રતિ ટનની સપાટી પર પહોંચ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષના સરેરાશ દર ૩૭૬૮ ડૉલર હતા, જેની તુલનાએ પણ આ દર ૩૬ ટકા નીચો છે છતાં કોરોનાકાળ પહેલાં આ દર ઘટીને ૧૪૨૦ ડૉલર હતો, એની તુલનાએ દર ૮૨ ટકા વધારે ઊંચા રહ્યા છે.

વિશ્વમાં અનેક રૂના કન્ટેનરના દરમાં ઘટાડો થયો છે, જેમાં શાંઘાઈ-રોટરડમનો દર ૧૮ ટકા અથવા તો ૪૯૫ ડૉલર પ્રતિ ટન ઘટીને ૨૧૯૨ ડૉલર થયા છે, જ્યારે શાંઘાઈ-જેનોઆનાં રેડી કન્ટેનરના દર પાંચ ટકા ઘટીને ૩૨૨૧ ડૉલર રહ્યા છે. શાંઘાઈ-ન્યુ યૉર્કના દર ચાર ટકા ઘટીને ૪૮૪૬ ડૉલર પ્રતિ ૪૦ ફુટ લાંબા કન્ટેનરના દર થયા છે. આમ અનેક રૂટના દરો સપ્તાહ દરમ્યાન ઘટ્યા છે.

business news