03 August, 2026 10:53 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
સાઉથ કોરિયા અને તાઇવાન માર્કેટની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડકટર્સ રૅલી લગભગ પૂરી થઈ છે, ગ્લોબલ રોકાણકારો હવે ત્યાં ધરાઈ ગયા હોવાથી અને ભારતીય માર્કેટનાં વૅલ્યુએશન આકર્ષક બન્યાં હોવાથી અહીં રોકાણપ્રવાહ પાછો વાળી રહ્યા છે અને હજી વાળશે એવો આશાવાદ વધ્યો છે. અહીં મોટા કે સતત ઘટાડા બાદ વૅલ્યુ-બાઇંગ આવતું રહેશે એવી ધારણા મજબૂત બની રહી છે
આપણે ગયા સપ્તાહના અંતિમ દિવસે કરેલી ચર્ચા મુજબ નવા સપ્તાહમાં વૅલ્યુ-બાઇંગ આવશે જે આવ્યું, કારણ કે આગલા સપ્તાહમાં નોંધપાત્ર કરેક્શન થયું હતું. ગયા સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટે સારી રિકવરી નોંધાવી હતી, કારણ શું હતું?
અમેરિકા-ઈરાન તનાવ હળવો થયો અને નીચા ભાવે ખરીદીનો પ્રવાહ આવ્યો હતો. બીજા દિવસે પણ રિકવરી આગળ વધી અને બુધવારે વધુ સુધારા સાથે નિફ્ટી અને સેન્સેક્સ ફરી ઊંચાઈ તરફ ગતિ કરવા લાગ્યા હતા. ગુરુવારે પણ એકંદરે રિકવરી ચાલુ રહી હતી, જ્યારે શુક્રવારે સુદ્ધા માર્કેટ પૉઝિટિવ બંધ રહ્યું જેમાં નિફ્ટી ૨૪,૩૦૦ ઉપર અને સેન્સેક્સ ૭૮,૦૦૦ ઉપર બંધ રહ્યા. આમ એકંદરે સપ્તાહ રિકવરીવાળું રહ્યું. મહત્ત્વની બાબત એ ધ્યાનમાં લેવી જોઈએ કે ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII) ફરી નેટ બાયર્સ બનવા તરફ વળ્યા છે અર્થાત ભારતીય માર્કેટમાં દરેક મોટા યા સતત ઘટાડા બાદ વૅલ્યુ-બાસંગ આવશે એમ માનીને ચાલી શકાય.
ઑગસ્ટના IPO પ્લાન
આ ઑગસ્ટ મહિનામાં આશરે ૨૦થી ૨૨ જેટલી કંપનીઓ ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) મારફત અંદાજિત ૩૫,૦૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવાનો પ્લાન ધરાવે છે. તાજેતરમાં SBI ફન્ડ મૅનેજમેન્ટના IPOને મળેલી સફળતા બાદ આ માર્કેટમાં વિશ્વાસ અને આશા વધ્યા છે. એપ્રિલ અને મે મહિના વેસ્ટ-એશિયાના સંજોગોને લીધે મંદ રહ્યા હતા, કંપનીઓને પોતાને જ માર્કેટમાં પ્રવેશવા બાબત વિશ્વાસ નહોતો, પરંતુ જૂનથી ચિત્ર બદલાયું અને પૉઝિટિવ પ્રતિભાવ મળવાનું શરૂ થતાં ઇશ્યુ આવવા લાગ્યા અને આ મહિને આશરે બે ડઝન જેટલી કંપનીઓ IPO સાથે મૂડીબજારમાં પ્રવેશે એવી શકયતા છે.
મજાની અને ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આ કતારમાં સ્ટાર્ટઅપ્સના IPO પણ સામેલ થયા છે. જોકે ઝૅપ્ટોએ પોતાનો IPO પ્લાન હાલ મુલતવી રાખ્યો હોવાના અહેવાલ છે, અેને બદલે કંપની પ્રી-IPO માર્ગે જ નોંધપાત્ર ભંડોળ ઊભું કરવાનું લક્ષ્ય રાખે છે. સ્મૉલ અૅન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ (SME)ના તાજેતરના એક IPOમાં અજીબોગરીબ બાબત જોવા મળી. પૂજા પ્રિસિશન એન્જિનિયરિંગ કંપનીના ૧૬૦ કરોડ રૂપિયાના IPO સામે લોકો તરફથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની બિડ્સ મળી અર્થાત કંપનીને જોઈતા હતા ૧૬૦ કરોડ અને લોકો ૩૦,૦૦૦ કરોડ રૂપિયા આપવા તૈયાર હતા. આને કહેવાય કમાલ લોકોના ક્રેઝની અને માર્કેટની પ્રવાહિતાની. બજારમાં પૈસો અઢળક છે, અેને રોકાણ માટે માર્ગ યા સાધનો જોઈએ છે. SME સેગમેન્ટ માટે આ એક વિક્રમ છે. BSE SME સેગમેન્ટ પર આવેલી આ ઑફર ૨૬૦ ગણી વધુ ભરાઈ હતી. અેની પ્રાઇસ બૅન્ડ ૨૮૫થી ૩૦૧ રૂપિયાની હતી. હવે લિસ્ટિંગમાં શું થશે એ જોવામાં લોકોને વિશેષ રસ રહેશે. દરમ્યાન રેગ્યુલેટર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) SME માર્કેટ માટેના નિયમોમાં ફેરફાર કરવાનું હોવાની ચર્ચા થઈ રહી છે.
સેક્ટરલ ફન્ડ્સ સામે ડાઇવર્સિફાઇડ ફન્ડ્સ
સામાન્ય રીતે સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ના કેસમાં સેક્ટરલ ફન્ડને ટાળવાનું કહેવામાં આવે છે અથવા અેમાં જોખમ યા અનિશ્ચિતતા વધુ હોવાનું કારણ આપવામાં આવે છે અને અેને બદલે ડાઇવર્સિફાઇડ પ્લાન પર ભાર મુકાય છે અથવા બૅલૅન્સ્ડ પ્લાનને મહત્ત્વ અપાય છે. આમ તો SIPને લૉન્ગ ટર્મ સંપત્તિસર્જન માટે ઉત્તમ યોજના ગણવામાં આવે છે. જોકે માર્કેટની સાઇકલ મુજબ વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડ્સના વળતર જુદાં-જુદાં ઊપજતાં હોય છે. તાજેતરનાં ૫૦૦થી વધુ ફન્ડ્સના એક અભ્યાસ મુજબ છેલ્લાં અમુક વરસમાં સેક્ટરલ ફન્ડમાં ફાર્મા-હેલ્થકૅર ફન્ડે બેસ્ટ વળતર આપ્યું છે, જ્યારે ડાઇવર્સિફાઇડ કહી શકાય એવા ફ્લેક્સી ફન્ડ, લાર્જ કૅપ્સ અને ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કિમ સમાન યોજનાઓએ સાધારણ વળતર આપ્યું છે, પણ લાંબા ગાળામાં અેની કામગીરી સાતત્યપૂર્ણ રીતે સ્થિર રહી છે અન્યથા સેક્ટરલ ફન્ડ્સમાં મોટે ભાગે ઊથલપાથલ થતી રહેતી હોય છે.
ફૉરેન ઇન્વેસ્ટર્સ પાછા ફરવાનું શરૂ
ભારતીય માર્કેટના ટ્રેન્ડ તરફ પાછા વળીએ તો લૉન્ગ ટર્મ ગ્રોથ સ્ટોરીના ગીત આપણે ગાતા રહ્યા છીએ. એટલું જ નહીં, વિદેશી ફન્ડ્સ પણ આમાં માને છે અને આપણા કરતાં તેઓ વધુ આશાવાદી છે. વિખ્યાત ગ્લોબલ ફન્ડ જેફરીઝના ઇક્વિટી હેડ ક્રિસ્ટોફર વુડસે ભારત માટે નવો આશાવાદ વ્યકત કરતાં કહ્યું છે કે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) ભારતીય માર્કેટમાં ખરીદી માટે સક્રિય થશે. તેમના મતે સેમિકન્ડક્ટર્સ સ્ટૉકસની રૅલી પૂરી થઈ રહી છે. જુલાઈથી પાછા ભારતીય માર્કેટ પર ધ્યાન વધારી રહેલા FPI હવે ભારતીય બજારમાં બહેતર વળતર મળવાની આશા સાથે રોકાણપ્રવાહ વધારશે એવું માની શકાય. ગ્લોબલ એક્સચેન્જિસ પર AI સ્ટૉક્સની રૅલી પણ રિવર્સ જઈ રહી છે. આમ હવે ભારતીય માર્કેટના વૅલ્યુએશન આકર્ષક બનતાં ફૉરેન ખરીદીનો પ્રવાહ વધશે એવી ઉમ્મીદ રાખી શકાય. કમસે કમ મોટે પાયે અને આક્રમક સેલિંગ પ્રેશર નહીં આવે સિવાય કે ગ્લોબલ સ્તરે કંઈ ન ધારેલું નેગેટિવ બને.
મહત્ત્વના આર્થિક સમાચાર - સંકેત
કેન્દ્રીય કૅબિનેટે સ્થાનિક ઉત્પાદન વધારવા ડીપ-સી ઑઇલ અૅન્ડ ગૅસ એક્સ્પ્લોરેશન માટે ૮૪,૦૦૦ કરોડ રૂપિયાના ભંડોળની મંજૂરી આપી છે.
ભારત અને દુબઈ વિવિધ ક્ષેત્રે સહયોગ સાધવા માગે છે. બન્ને દેશો સંયુક્તપણે ત્રીજા વિશ્વના દેશોમાં રોકાણ કરવાનો પ્લાન ધરાવે છે. મિનરલ્સ સેક્ટરમાં પણ તેઓ જોડાણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
આયુર્વેદિક દવાઓ સહિતની અનેકવિધ સામગ્રી બનાવવામાં વ્યસ્ત પતંજલિ ગ્રુપ હવે ઇન્શ્યુરન્સ સેક્ટરમાં પ્રવેશી રહ્યું છે. કંપની ધરમપાલ સત્યપાલ ગ્રુપ સાથે મળીને મેગ્મા જનરલ ઇન્શ્યુરન્સને ખરીદી રહ્યું છે.
સેબી પોર્ટફોલિયો મૅનેજર્સને ઓવરસીઝ માર્કેટમાં લિસ્ટેડ થવાનું બાકી હોય એવા સ્ટૉક્સમાં રોકાણ કરવાની મંજૂરી આપવાનું વિચારતું હોવાના અહેવાલ છે.
SEBI SME સેગમેન્ટમાં આવનાર IPO માટેના નિયમોમાં સુધારા કરવાનું વિચારે છે.
ક્રિપ્ટો પ્લૅટફૉર્મ્સ અેના યુઝર્સ ડેટા આવકવેરા વિભાગને જમા કરાવતા રહેશે એવા અહેવાલ છે.