હાર નહીં માનૂંગા મૈં

28 February, 2025 10:21 AM IST  |  Mumbai | Ruchita Shah

આજની આ પેઢીની સહનશક્તિ ઓછી થતી જાય છે ત્યારે કરીઅરમાં આવેલી આવી નિષ્ફળતાઓને પચાવવાની હિંમત તેમણે ક્યાંથી કેળવી એ વિશે તેમને જ પૂછવું પડે

પ્રતીકાત્મક તસવીર

ત્રીસીમાં પ્રવેશેલા આ એવા યુવાનોની વાતો છે જેમણે બદલાયેલા ટ્રેન્ડ સાથે સ્ટાર્ટઅપમાં તો ઝંપલાવ્યું અને એમાં નિષ્ફળતા પણ મેળવી. જ્યાં-ત્યાંથી પૈસા ભેગા કરીને ઊભી કરેલી મૂડીમાંથી સ્ટાર્ટઅપ શરૂ થાય અને એ ફેલ જાય તો થયેલો લૉસ આ એજમાં પચાવવો ૧૦૦ ટકા અઘરો હોય. જોકે તેઓ હાર્યા નહીં. એક સ્ટાર્ટઅપ નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું એમ દરેક હારમાંથી શીખીને નવું સ્ટાર્ટઅપ કર્યું અને ફરી બેઠા થયા. એક તરફ જ્યાં એવું કહેવાય છે કે આજની આ પેઢીની સહનશક્તિ ઓછી થતી જાય છે ત્યારે કરીઅરમાં આવેલી આવી નિષ્ફળતાઓને પચાવવાની હિંમત તેમણે ક્યાંથી કેળવી એ વિશે તેમને જ પૂછવું પડે

ભારતમાં સ્ટાર્ટઅપ કરતા યુવાનોની ઍવરેજ એજ ૨૭ વર્ષ છે. જોકે ભારતમાં થતાં કુલ સ્ટાર્ટઅપમાંથી નેવું ટકા સ્ટાર્ટઅપ ફેલ જાય છે એ પણ હકીકત છે. સ્ટાર્ટઅપમાં કયા ફૅક્ટર મહત્ત્વના હોય જે એમાં સફળતા અપાવડાવે એનો જવાબ સ્ટાર્ટઅપમાં નિષ્ફળ ગયા પછી ફરી-ફરી પ્રયાસો કરીને એમાં સફળ થયેલા જુવાનિયા જેટલો સરસ કોઈ નહીં આપી શકે.

રાહુલ દોબરિયા તેના પાર્ટનર અને પોતે બનાવેલા  સ્પાઇનલ ડીકમ્પ્રેશન ટેબલ સાથે

કોઈ પણ વ્યક્તિ હાર માનીને પ્રોજેક્ટને પડતો મૂકી દે એવા ઘણા દિવસો આવ્યા કારણ કે એનર્જી અને પૈસા બન્ને જઈ રહ્યાં હતાં, પણ મારા પરિવારનો ખૂબ સપોર્ટ હતો. ઘરના પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા અને એ પૈસા રિકવર થશે કે નહીં એની કોઈ નિશ્ચિતતા નહોતી. બસ, પરિવારે એટલું કહેલું કે તું મહેનત કરે છેને તો બસ, પ્રયાસ કર, સફળતા મળશે જ અને ખરેખર એવું જ થયું. - રાહુલ દોબરિયા

૧૭ લાખનું મશીન સાડાચાર લાખમાં

૨૦૨૦માં કોવિડે ઘણા યુવાનોના જીવનમાં બદલાવનો પવન ફૂંકાવ્યો. ઇલેક્ટ્રિક ઍન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ કરનારા રાહુલ દોબરિયાની લાઇફમાં પણ એક બહુ મોટો બદલાવ આવ્યો. ફિઝિયોથેરપીને લગતાં મશીન અને ડિવાઇસમાં રાહુલ કામ કરતો. જોકે કોવિડમાં કામ હળવું પડ્યું અને એ દરમ્યાન અનાયાસ જ અમેરિકાથી આવેલું કરોડરજ્જુની ટ્રીટમેન્ટ કરતું ટેબલ જેવું મશીન રાહુલે એક ડૉક્ટરના ક્લિનિકમાં જોયું. ૧૭ લાખ રૂપિયાનું મશીન પોતે બનાવવાનો નિર્ણય કર્યો અને એને સફળ કરવાની દિશામાં કરેલા રાહુલના પ્રયાસો કાબિલેદાદ છે. અત્યારે ૩૧ વર્ષના રાહુલે પોતે બનાવેલા સ્પાઇનલ ડીકમ્પ્રેશન ટેબલના ૨૦૦ પીસ ભારતભરમાં વેચી દીધા છે. તે કહે છે, ‘હું હેલ્થ ડિવાઇસનું જ સેલ્સ અને માર્કેટિંગ કરતો હતો. એમાં આ મશીન મને એકદમ જુદું લાગ્યું. મેં મારા મિત્ર સાથે ડૉક્ટરને રિક્વેસ્ટ કરી અને મશીન ખોલ્યું. મશીનના સ્પેર પાર્ટ‍્સ છૂટા પાડીને એને ફીલ કર્યું. એનું અંદરનું મેકૅનિઝમ જોયું અને પછી જાતે જ એ મશીન બનાવવું એવો નિર્ણય લીધો. એક વર્ષ સવારે સાતથી રાત્રે ૧૦ વાગ્યા સુધી એક મિત્રની મદદથી નજીવા ભાડા પર મળેલી દસ-બાય-દસની જગ્યામાં અમે મશીન બનાવવાનું કામ કરતા. પહેલી વારનો પ્રોટોટાઇપ ફેલ ગયો. બીજી વાર મશીન તો સારું બન્યું પણ સૉફ્ટવેરમાં ખામી લાગી. ત્રીજી વારમાં બધું જ પ્રૉપર લાગતાં ટ્રાયલ માટે અમે બે-ત્રણ ડૉક્ટરોને મશીન આપ્યાં પણ પછી એમાં પણ બાંધવા પડતા બેલ્ટમાં કંઈક ખૂટતું હતું. અરે ઘણી વાર તો આખી-આખી રાત સૂતા નથી. તમે સમજોને કે ચાર-પાંચ વાર ફેલ ગયા પછી છેલ્લે ૨૦૨૨માં મશીન બન્યું એ પર્ફેક્ટ લાગતું હતું. પેલાં ત્રણ મશીન અમે કેરલાના ડૉક્ટરોને મોકલ્યાં હતાં. અમને સંતોષ ત્યારે થયો જ્યારે એક જ ડૉક્ટરે બીજાં પાંચ મશીનનો રિપીટ ઑર્ડર આપ્યો.’

અહીં ઉલ્લેખનીય છે કે રાહુલ અને તેના પાર્ટનરે બનાવેલું સ્પાઇનલ કમ્પ્રેસર ટેબલ અમેરિકાથી આવેલા ૧૭ લાખ રૂપિયાના મશીન કરતાં વધુ ફીચર્સ ધરાવે છે અને એ લગભગ સાડાચાર લાખ રૂપિયામાં તેઓ વેચતા હોય છે. રાહુલ કહે છે, ‘રિસર્ચ કરતાં અમને ખબર પડેલી કે ચીનમાં પણ આવાં મશીન બને છે. અમે એની તપાસ કરી ત્યારે એનાં અમુક ફીચર્સ સમજાયાં. બીજું, ભારતીયોની જરૂરિયાત મુજબ એમાં અમુક મૉડિફિકેશન કર્યાં. કોઈ પણ વ્યક્તિ હાર માનીને પ્રોજેક્ટને પડતો મૂકી દે એવા ઘણા દિવસો આવ્યા કારણ કે એનર્જી અને પૈસા બન્ને જઈ રહ્યાં હતાં, પણ મારા પરિવારનો ખૂબ સપોર્ટ હતો. ઘરના પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા અને એ પૈસા રિકવર થશે કે નહીં એની કોઈ નિશ્ચિતતા નહોતી. બસ, પરિવારે એટલું કહેલું કે તું મહેનત કરે છેને તો બસ, પ્રયાસ કર, સફળતા મળશે જ અને ખરેખર એવું જ થયું.’

પાર્ટનર સાથે બન્યું નહીં કે ટાઇમિંગ ખોટો હતો, ગિવઅપ કરી લીધું, ફેલ થવાનો ડર, ફન્ડિંગનો ખોટો ઉપયોગ અથવા પૈસાનો અભાવ જેવાં કારણોને લીધે સ્ટાર્ટઅપનું જલદી પૅકઅપ થતું હોય છે. હું આ બધું જ અનુભવોમાંથી શીખ્યો છું. -દિશાંત સંઘવી

સ્ટ્રૉન્ગ ટીમ

૩૦ વર્ષની ઉંમરે જૉબ છોડીને ઍક્સિડન્ટ્લી ‘સિલ્વર સ્પૂન બ્રૅન્ડ સૉલ્યુશન’ નામની પબ્લિક રિલેશન્સ (PR) કંપની શરૂ કરનારાં પાર્લાનાં હીતા પરીખે ૧૦ વર્ષમાં સ્ટાર્ટઅપના અનેક ઉતારચડાવ જોયા છે. તમે જૉબ કરો અને તમે સ્ટાર્ટઅપ કરો અને એમાંય મૅચ્યોર એજમાં સ્ટાર્ટઅપ કરો તો એની કેટલીક ખાસિયતો હોય અને મર્યાદાઓ પણ હોય. હીતા કહે છે, ‘પાંચ વર્ષ એમટીવી અને બિગ FMમાં કામ કર્યા પછી મારે પોતાનું કંઈક કરવું હતું. એમાં અચાનક એક ફ્રેન્ડે વૉફલ્સ બનાવતી એક બ્રૅન્ડના PRનું કામ સજેસ્ટ કર્યું. ત્યાં સુધી મને PRનું એક્ઝૅક્ટ કામ શું હોય એ પણ ખબર નહોતી. ઇન ફૅક્ટ, એનું ગૂગલ પરથી રિસર્ચ કરીને હું ક્લાયન્ટ મીટિંગમાં ગઈ હતી. જોકે સૌથી સારું એ થયું કે એ કામને મેં ચૅલેન્જ તરીકે લીધું. નવેસરથી બધા જ કૉન્ટૅક્ટ ડેવલપ કરવાના, ઘરે બેસીને કામ કરવાનું. કોઈ ટીમ નહીં એટલે શરૂઆતમાં હું કે. સી. કૉલેજમાં જઈને સ્ટુડન્ટ્સ પ્લેસમેન્ટના ભાગરૂપે મારી ટીમ માટે લોકોને હાયર કરીને આવી હતી. અરે, કેટલા ડિલિવરેબલ્સ માટે કેટલું પેમેન્ટ લેવાનું એનો પણ કોઈ આઇડિયા નહીં. આ બધું જ હું શીખી. બધું સેવિંગ્સ અને પપ્પાની હેલ્પ લઈને પોતાની પહેલી ઑફિસ લીધી. ધીમે-ધીમે કામ વધ્યું અને બીજી ઑફિસ કરી. ધીમે-ધીમે ટીમ મોટી થતી ગઈ. આ આખી પ્રોસેસમાં બે જ વાત હું શીખી જે સ્ટાર્ટઅપ માટે મને જરૂરી લાગે છે, એ છે ક્લાયન્ટને બેસ્ટ સર્વિસ આપો અને તમારી ટીમને સાચવો. મારી જ સાથે આ ફીલ્ડમાં આવેલી મારી એક ફ્રેન્ડ એક વર્ષ પણ ટકી ન શકી કારણ કે જો તમે તમારી ટીમને વિશ્વાસમાં નથી લેતા તો એ તમારા માટે પોતાનું બેસ્ટ આપવાના પ્રયાસ ક્યારેય નહીં કરે. ધીરજ, મહેનત, ઇનૉવેટિવ આઇડિયા અને ટાઇમિંગ વગેરે મહત્ત્વનું છે પરંતુ સર્વાધિક મહત્ત્વ છે તમારી સ્ટ્રૉન્ગ ટીમનું. બીજું, ક્લાયન્ટને ક્યારેય ટેકન ફૉર ગ્રાન્ટેડ ન લો. તમને ક્લાયન્ટ મળ્યો પણ પછી ચૅલેન્જ હોય છે કે તમે તેમને ટકાવી કઈ રીતે રાખશો. એના માટે તમારું ડેડિકેશન લાગશે.’

ફેલ થાઓ, આગળ વધો

નિષ્ફળતાથી હારશો નહીં તો સફળતા તમારી પાસે આવ્યા વિના રહેશે નહીં. મહાલક્ષ્મીમાં રહેતા અને કૉમર્સમાં માસ્ટર્સ કરનારા દિશાંત સંઘવીની સ્ટોરી એવી જ છે. ૨૧ વર્ષની ઉંમરે શરૂ કરેલા પહેલા સ્ટાર્ટઅપમાં નિષ્ફળતા મળી, એ પછી વન-બાય-વન ત્રણથી ચાર સ્ટાર્ટઅપ શરૂ-બંધ કર્યાં અને એ બધામાંથી શીખીને અત્યારે એક સરસ એસ્ટૅબ્લિશ્ડ સ્ટાર્ટઅપમાં દિશાંત તેના પાર્ટનર સાથે ઠરીઠામ થયો છે. દિશાંત કહે છે, ‘૨૧ વર્ષની ઉંમરે મારા બીજા બે મારી જ ઉંમરના પાર્ટનર સાથે મળીને સ્પોર્ટ્‍સ માટે જોઈતા અન્ય રિયલ પ્લેયર ગોતી શકો, સ્પોર્ટ્‍સ માટે વેન્યુ બુક કરી શકો એવી સુવિધા આપતું ડિજિટલ પ્લૅટફૉર્મ લૉન્ચ કર્યું હતું. નામ હતું ‘પ્લે ઓ સ્પોર્ટ્‍સ’. આઇડિયા સરસ હતો, પણ ટાઇમિંગ થોડોક વહેલો હતો અને પ્લસ અમારી પાસે અનુભવ પણ નહોતો. દરેકે લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું પણ સ્ટાર્ટઅપ ચાલ્યું નહીં. જોકે છેલ્લે એક ટુર્નામેન્ટ ઑર્ગેનાઇઝ કરીને અમે અમારા કૅપિટલ મનીને રિકવર કરી લીધા. બીજી વાર ત્રણ સ્ટાર્ટઅપ કંપનીને માર્કેટિંગમાં ઍડ્વાઇઝ કરતી કંપની બનાવીને એ સ્ટાર્ટઅપ કરેલું, પરંતુ એમાં પણ કોવિડે બાજી બગાડી નાખી. એ પહેલાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅૅન્સર અને બ્રૅન્ડ્સ માટે એક ઇકોસિસ્ટમ ઊભી થાય એવું પ્લૅટફૉર્મ બનાવ્યું. એ પછી પ્લાસ્ટિકની બૉટલમાંથી ટી-શર્ટ બનાવવાની કોશિશ કરી અને એ સિવાય વચ્ચે ઇન્ફ્લુઅેન્સર્સ સાથે સંકળાયેલી વાઇલ્ડ નામની કંપની લૉન્ચ કરી. બે અઠવાડિયાં પહેલાં જે સૌથી પહેલું સ્ટાર્ટઅપ હતું એ પ્લે ઓ સ્પોર્ટ્‍સ ફરી માત્ર પિકલબૉલ માટે લૉન્ચ કર્યું છે. હવે જોઈએ શું થાય છે.’

ભૂલોમાંથી શીખ્યો

સફળતા મળ્યા પછી પણ ભૂલો થઈ શકે અને દરેક ભૂલ કંઈક શીખવવા માટે આવતી હોય છે. આ વાતનો અનુભવ રાહુલને પણ થઈ ચૂકયો છે અને આનો અનુભવ દિશાંત પોતે પણ મેળવી ચૂક્યો છે. રાહુલ કહે છે, ‘મશીન બનાવવું અઘરું ત્યારે બને જ્યારે તમે કોઈ એક થિયરીને પકડી રાખો. અમે અમારા ફિક્સ બંધારણમાંથી બહાર નહોતા નીકળ્યા ત્યાં સુધી ફાઇનલ ઇફેક્ટિવ પરિણામ નહોતું મળતું. કોઈ ફિક્સ માઇન્ડસેટ નહીં. જ્યાં જેની જરૂર લાગે એ બદલવાની ફ્લેક્સિબિલિટી ફાઉન્ડરમાં હોય તો જ સ્ટાર્ટઅપમાં સફળતા મળે.’

પહેલી વારના સ્ટાર્ટઅપમાં અમારા જ માઇન્ડમાં ક્લૅરિટી નહોતી, ફન્ડિંગની કમી હતી અને ટેક્નિકલ નૉલેજ કંઈ જ નહોતું એમ જણાવીને દિશાંત કહે છે, ‘અમારા ત્રણેય ફાઉન્ડરમાંથી એકેય ફાઉન્ડરને ITની ખબર નહોતી પડતી છતાં એમાં માથું નાખ્યું હતું. આ બધા કારણે પહેલું સ્ટાર્ટઅપ બંધ થયું. બીજામાં અમારાથી પાર્ટનર ખોટો પસંદ થઈ ગયો. તે સબ્જેક્ટ મૅટર એક્સપર્ટ હતો એટલે તે જે કહે એ સાચું માનીને અમે બ્લાઇન્ડ ફૉલોઅર બનીને કામ કરતા એ અમારી ભૂલ હતી. છેલ્લામાં જ્યારે પ્લાસ્ટિકની બૉટલમાંથી બનેલા કપડામાંથી ટી-શર્ટ બનાવતા હતા તો એમાં અમને જે ક્વૉલિટી જોઈતી હતી એ મળી જ નહીં એટલે અમે એમાં ખર્ચ કર્યો છતાં એને પડતું મૂક્યું. આ મહત્ત્વનું છે કે તમને ક્યાં અટકવું, ક્યાં બદલાવું અને ક્યાં બદલવું એ બધું જ સમજાવું જોઈએ.’

કૉમન મિસ્ટેક્સ વિશે વાત કરતાં દિશાંત કહે છે, ‘પાર્ટનર સાથે ન બન્યું, ટાઇમિંગ ખોટો હતો, જલદી ગિવઅપ કરી લીધું, ફેલ થવાનો ડર, ફન્ડિંગનો ખોટો ઉપયોગ કે પૈસાનો અભાવ જેવાં કારણોને લીધે સ્ટાર્ટઅપનું જલદી પૅકઅપ થતું હોય છે. હું આ બધું જ અનુભવોમાંથી શીખ્યો છું. તમને છોડતાં આવડવું જોઈએ અને નવું અડૅપ્ટ કરતાં આવડવું જોઈએ, એ પણ નો ટાઇમમાં. જો તમે શીખવાનું બંધ કરશો તો પણ તમે જીતવાનું બંધ કરશો એ સ્ટાર્ટઅપની બીજી મહત્ત્વની વાત છે.’

સફળ થવા માટે ધ્યાન રાખજો આનું

બિઝનેસ કોચ બસેશ ગાલા

આજે મોટા ભાગના યુવાનો સ્ટાર્ટઅપમાં ફેલ જાય છે એનાં પાંચ મુખ્ય કારણો આપતાં બિઝનેસ કોચ બસેશ ગાલા કહે છે, ‘આજના સ્ટાર્ટઅપમાંથી મહેનત અને સમય આપ્યા પછી, પૈસા લગાવ્યા પછી પણ નિષ્ફળતા હાથ લાગે છે એનાં કેટલાંક મહત્ત્વનાં કારણો છે. મેં જોયું છે કે કુલ સ્ટાર્ટઅપમાંથી ૫૦ ટકા સ્ટાર્ટઅપ બંધ કરીને પાછા ફૅમિલી બિઝનેસમાં લાગી જાય છે અને ત્રીસથી ચાલીસ ટકા યુવાનો પાછા જૉબ પર લાગી જાય છે. જો તમારે સ્ટાર્ટઅપને સફળ બનાવવું હોય તો પાંચ મુખ્ય ક્વૉલિટી હોવી જોઈએ. એક તો તમારું ફોકસ ક્લિયર હોય અને તમે ડિસિપ્લિનમાં હો, બીજા નંબરે તમારું ઑનગ્રાઉન્ડ માર્કેટ રિસર્ચ જોઈએ. પર્સનલી એક્ઝિબિશનમાં ફરીને જુઓ શું ચાલે છે; માત્ર ફેસબુક, ઇન્સ્ટા કે ગૂગલના ટ્રેન્ડ પર આધાર ન રાખો. ત્રીજા નંબરે તમારી ટીમ જોરદાર હોવી જોઈએ. તમારી કોર ટીમમાં બેસ્ટ ટૅલન્ટ અને ડેડિકેટેડ લોકો હોવા જોઈએ. કૅશફ્લોનું પ્રૉપર મૅનેજમેન્ટ મહત્ત્વનું છે. તમે સરકારની લોન, બૅન્ક લોન વગેરે લઈને કૅશ ફ્લો સુધારીને સાચી જગ્યાએ પૈસા વાપરો એ જોવું મહત્ત્વનું છે. છેલ્લે તમે જે પ્રોડક્ટ કે સર્વિસ લૉન્ચ કરી છે એ માર્કેટ-ફિટ છે કે નહીં. ડિમાન્ડ નીકળે એવા સમયે રાઇટ પ્રોડક્ટ તમને સક્સેસ અપાવશે. ત્રણ C વિશે હું હંમેશાં વાત કરતો હોઉં છું. પહેલો C એટલે કૅશ ફ્લો મૅનેજમેન્ટ, બીજો C એટલે કોર ટીમ સ્ટ્રૉન્ગ હોવી અને ત્રીજો C કસ્ટમર બિહેવિયરને સતત ચેક કરતા રહેવું. કોઈએ કલ્પના નહોતી કરી કે બ્લિન્કઇટ ડીમાર્ટ કરતાં વધારે સેલ કરશે, પણ એવું થઈ રહ્યું છે. કસ્ટમરનું બિહેવિયર બદલાઈ રહ્યું છે.’

હીતા પરીખ

તમને ખબર છે?
ભારતમાં ૯૦ ટકા સ્ટાર્ટઅપ શરૂ થયાનાં પહેલાં પાંચ વર્ષમાં જ નિષ્ફળ જાય છે. લગભગ ૨૦ ટકા સ્ટાર્ટઅપ્સ પહેલા જ વર્ષમાં નિષ્ફળતા તરફ દોરવાય છે. IT સેક્ટરમાં થયેલાં સ્ટાર્ટઅપનો ફેલ્યર રેટ હાઇએસ્ટ છે. એ પછી ટ્રાન્સપોર્ટેશન, કન્સ્ટ્રક્શન, સર્વિસ સેક્ટર, શિક્ષણ, ફાઇનૅન્સ અને રિયલ એસ્ટેટનો નંબર આવે છે.

business news gujaratis of mumbai gujarati community news ruchita shah