17 February, 2025 06:55 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
હેક્સાવેર પ્રથમ દિવસે માત્ર ૪ ટકા જ ભરાતાં પ્રીમિયમ ગગડીને બે રૂપિયે : એજેક્સ એન્જિનિયરિંગ કુલ છ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો, પ્રીમિયમ તૂટીને ૭ રૂપિયાનું : સ્વિગી તથા હોનેસા કન્ઝ્યુમર ઑલટાઇમ તળિયે જઈ સુધર્યા, ઓલા ઇલેક્ટ્રિક નવા તળિયાની શોધમાં : બાયરક્રૉપ સાયન્સ નફામાં ૬૩ ટકાના ગાબડા પાછળ ૪૧૩ તૂટી વર્ષના તળિયે : લુપિનનો નફો ૪૦ ટકા વધવા છતાં શૅરમાં નબળાઈ : રિલાયન્સ, એશિયન પેઇન્ટ્સ, તાતા મોટર્સ, જિયો ફાઇનૅન્સ સર્વિસિસ, અદાણી વિલ્મર, એલઆઇસી સહિત ૭૨૧ જાતોમાં નવા નીચા ઐતિહાસિક ભાવ જોવા મળ્યા
નરમાઈનો વક્કર જાળવી રાખતાં બજાર સતત છઠ્ઠા દિવસે ઘટ્યું છે. જોકે ઘટાડો પ્રમાણમાં ઘણો નાનો હતો એ એક મોટું આશ્વાસન કહી શકાય. બુધવારે સેન્સેક્સ ૧૦૫ પૉઇન્ટ નીચે, ૭૬,૧૮૮ ખૂલી સીધી લપસણીની ચાલમાં નીચામાં ૭૫,૩૮૮ થઈ ગયો હતો ત્યાર પછી ક્રમશ: બાઉન્સબૅકમાં વધતો રહી બીજા સત્રના મધ્ય ભાગમાં ૭૬,૪૬૦ નજીકની ઇન્ટ્રા-ડે ટૉપ બતાવી હતી. આશરે ૨૦૦૦ પૉઇન્ટની નરમાઈમાં ૭૬,૧૭૧ તો નિફ્ટી ૨૬ પૉઇન્ટની કમજોરીમાં ૨૩,૦૪૫ બંધ આવ્યો છે. રોકડું અને બ્રૉડર માર્કેટ પ્રમાણમાં વધું ઢીલું રહેતાં માર્કેટ બ્રેડ્થ બગડેલી જ રહી છે. NSEમાં વધેલા ૧૧૫૪ શૅર સામે ૧૬૮૫ જાતો ઘટી છે. બીએસઈ ખાતે કુલ ૪૦૬૬ શૅરનાં કામકાજ થયાં છે એની સામે ૭૨૧ જાતોમાં ગઈ કાલે નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. સામે કેવળ ૪૫ શૅર નવાં શિખરે ગયા હતા. એક અભ્યાસ પ્રમાણે નિફ્ટી ૫૦૦ના ૮૦ ટકાથી વધુ શૅર આજની તારીખે એની ૨૦૦ દિવસની સિમ્પલ મૂવિંગ ઍવરેજ કરતાં નીચે આવી ગયા છે. મતલબ કે પાંચમાંથી ચાર શૅરમાં મંદીતરફી બ્રેકઆઉટ આવી ચૂક્યું છે. માર્કેટનું પોત ઘણું પાતળું પડી ગયું છે. આવા સંજોગોમાં સારા સમાચાર બહુધા બેઅસર નિવડે છે. નાના અમથા નેગેટિવ સમાચારથી બજાર હચમચી જાય છે. કહાની કા સબક? લેવાની ઉતાવળ ન કરશો, બજાર હજી ઘટવાનું છે.
સેન્સેક્સ નિફ્ટીની મામૂલી નબળાઈ સામે ગઈ કાલે રિયલ્ટી બેન્ચમાર્ક અઢી ટકા ડૂલ થયો છે. હેલ્થકૅર, ઑઇલ અને ગૅસ, આઇટી, ઑટો, એનર્જી જેવા સેક્ટોરલ અડધાથી પોણો ટકો માઇનસ હતા. સામે મેટલ ઇન્ડેક્સ, નિફ્ટી ફાઇનૅન્સ સર્વિસીસ બેન્ચમાર્ક, પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો-પોણો ટકો પ્લસ હતા. આગલા દિવસે તમામ ૪૧ શૅર રેડ ઝોનમાં બંધ આપ્યા પછી ગઈ કાલે બૅન્કિંગના ૪૧માંથી બાવીસ શૅર સુધર્યા છે. યુનિયન બૅન્ક ૪ ટકાની તેજીમાં મોખરે હતી. પંજાબ સિંઘ બૅન્ક, જેકે બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, કર્ણાટકા બૅન્ક બેથી ત્રણ ટકા મજબૂત બની છે. બજારનું માર્કેટકૅપ ૧.૦૭ લાખ કરોડના ઘટાડામાં ૪૦૭.૪૬ લાખ કરોડ રહ્યું છે. એશિયા ખાતે થાઇલૅન્ડ રજામાં હતું. તાઇવાન સામાન્ય નરમ હતું. અન્ય તમામ અગ્રણી બજાર સુધર્યાં છે. હૉન્ગકૉન્ગ અઢી ટકા, ઇન્ડોનેશિયા પોણાબે ટકા, ચાઇના પોણા ટકાથી વધુ પ્લસ હતું. યુરોપ રનિંગમાં સાંકડી વધઘટે અથડાયેલું જોવાયું છે. બિટકૉઇન સીમિત સુધારે ૯૬,૨૪૮ ડૉલર દેખાતો હતો. હેક્સાવેર ટેક્નૉલૉજીઝનો એકના શૅરદીઠ ૭૦૮ની અપર બૅન્ડ સાથે ૮૭૫૦ કરોડનો મોંઘો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ પ્રથમ દિવસે ફક્ત ૪ ટકા ભરાતાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગગડીને બે રૂપિયા થઈ ગયું છે. ગ્રે માર્કેટમાં શરૂઆત ૧૯થી થઈ હતી. એજેક્સ એન્જિનિયરિંગનો એકના શૅરદીઠ ૬૨૯ની અપર બૅન્ડમાં ૧૨૬૯ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ કુલ છ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ જે એક તબક્કે ઉપરમાં ૫૮ બોલાવાયું એ ગગડી અત્યારે ૭ રૂપિયે આવી ગયું છે.
અદાણી, અંબાણી અને તાતાના જાણીતા શૅરો ઐતિહાસિક તળિયે
માર્કેટલીડર રિલાયન્સ દોઢા વૉલ્યુમે ૧૧૯૩ની સવા વર્ષની બૉટમ બનાવી દોઢ ટકાના બગાડમાં ૧૨૧૭ બંધ આપી બજારને ૧૧૦ પૉઇન્ટ નડી છે. તો એની ૪૫.૪ ટકા માલિકીની સબસિડિયરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૮૬૩ની બાવીસ માસની નીચી સપાટીએ જઈ પોણાબે ટકા ખરડાઈ ૮૯૬ રહી છે. મુકેશ અંબાણી ગ્રુપના અન્ય શૅરમાં ડેન નેટવર્ક ૩૪ની ૨૦ માસની બૉટમ બાદ સવા ટકો ઘટી ૩૫ હતી. જિયો ફાઇનૅન્સ ૨૨૩ના વર્સ્ટ લેવલે જઈ સાડાત્રણ ટકાની ખરાબીમાં ૨૨૮ રહી છે. જસ્ટ ડાયલ અડધો ટકો, લોટસ ચૉકલેટ સાધારણ, હૅથવે ભવાની સવા ટકો વધી છે. આલોક ઇન્ડસ્ટ્રીઝ વર્ષના તળિયે સાડાસોળ થઈ એક ટકો ઘટી ૧૭, સ્ટર્લિંગ વિલ્સન ૨૭૨ની ઐતિહાસિક નીચી સપાટી નોંધાવી અઢી ટકા ઘટી ૨૮૮ તથા નેટવર્ક-૧૮ દોઢ ટકાની નરમાઈમાં ૪૮ બંધ આવી છે. હૅથવે કેબલ ત્રણ ટકા તૂટી હતી.
અદાણી ગ્રુપ ખાતે અદાણી વિલ્મર ૨૩૨ની અંદર મલ્ટિયર બૉટમ બનાવી પોણાબે ટકાના ઘટાડે ૨૪૦ તથા NDTV ૧૩૩ની અંદર જાન્યુઆરી ૨૦૨૨ પછીનો નીચો ભાવ દેખાડી સવા ટકો ઘટીને ૧૩૬ હતી. જ્યારે સાંધી ઇન્ડસ્ટ્રીઝ ૫૪નું ૨૮ માસનું તળિયું બનાવી સાધારણ ઘટાડે ૫૬ હતી. અદાણી એન્ટર સવા ટકો આગળ વધી છે. અદાણી પોર્ટ્સમાં પોણા ટકાની નબળાઈ હતી. અદાણી ગ્રીન ૨.૮ ટકા કપાઈ હતી. સામે અદાણી એનર્જી ૩.૪ ટકા વધી છે. એસીસી ફ્લૅટ હતી. અદાણી પાવર અડધો ટકો સુધરી છે.
તાતા ગ્રુપ ખાતે તાતા મોટર્સ ૬૬૭ની સવા વર્ષની બૉટમ બાદ એક ટકો સુધરીને ૬૮૪, તાતા કેમિકલ્સ ૮૫૯ની ૩૧ માસની નીચી સપાટી નોંધાવી ૮૮૪ના લેવલે ફ્લૅટ, તાતા ટેક્નૉલૉજીઝ ૭૨૪ના ઑલટાઇમ તળિયે જઈ એક ટકો ઘટી ૭૩૯, તાતા કમ્યુનિકેશન્સ ૧૪૭૮ની ૧૯ મહિનાની બૉટમ બાદ સાધારણ ઘટી ૧૫૨૨, રાલિસ ઇન્ડિયા ૨૧૬ની સવા વર્ષની નીચી સપાટી નોંધાવી અડધો ટકો વધી ૨૨૮, ટીઆરએફ ૩૨૫ની વર્ષની બૉટમ બતાવી ૩૪૦ના ભાવે ફ્લૅટ રહી છે. તાતા ગ્રુપના અન્ય શૅરમાં ટીસીએસ સાધારણ ઘટ્યો છે. તાતા સ્ટીલ ૧.૭ ટકા, તાતા કન્ઝ્યુમર દોઢ ટકા, વૉલ્ટાસ અડધો ટકો વધી છે. સામે તાતા ઇન્વેસ્ટમેન્ટ પાંચ ટકા, તેજસ નેટ પોણો ટકો, તાતા ટેલી સવાબે ટકા, ટાઇટન પોણો ટકો, બનારસ હોટેલ્સ બે ટકા, ઇન્ડિયન હોટેલ્સ બે ટકા, તાતા પાવર સાધારણ ડાઉન હતા.
ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ : નફો ૧૭ કરોડ વધતાં માર્કેટકૅપ ૧૦૬૯ કરોડ વધી ગયું
સરકારની ૬૫.૨ ટકા માલિકીની ઇરકોન ઇન્ટરપ્રાઇઝનો ત્રિમાસિક નફો ૬૫ ટકા ગગડતાં શૅર ૧૬૦ નીચે ૧૪ માસના તળિયે જઈ ૫.૫ ટકા લથડી ૧૭૦ હતો. ઇન્ડિયન રેલવે કૅટરિંગ અર્થાત IRCTC દ્વારા ૩૪૧ કરોડના નફા સાથે સારાં પરિણામ રજૂ થયાં છે તો પણ શૅર ૭૨૨ની ૧૩ માસની નીચી સપાટીએ ગયો હતો. ભાવ અંતે એક ટકો સુધરી ૭૫૯ રહ્યો છે. રાઇટ્સ ૨૦૭ની સવા વર્ષની બૉટમ બાદ અડધો ટકો ઘટી ૨૧૯ હતો. ટેક્સમાકો રેલ પણ ૧૩૯ની ૧૪ માસની નીચી સપાટી નોંધાવી પોણો ટકો ઘટી ૧૦૩ રહ્યો છે. પીએસયુ ઇન્ડેક્સ નહીંવત્ ઘટ્યો છે. એના ૬૩માંથી ૩૧ શૅર નરમ હતા. એન્જિનિયર્સ ઇન્ડિયા પાંચ ટકાની મજબૂતી સાથે ૧૬૮ વટાવી ગયો છે. પરિણામ પાછળ સેઇલ ૫.૬ ટકા ઊચકાઈ ૧૦૬ હતી. MRPL, ગેઇલ, ઇન્ડિયન ઑઇલ, કૅનેરા બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, પીએનબી, બૅન્ક ઑફ બરોડા, એલઆઇસી, એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ, મિશ્ર ધાતુ નિગમ, MMTC, આરઈસી, ગુજરાત ગૅસ, ગુજરાત આલ્કલીઝ, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ ઇત્યાદી જેવા જાહેર સાહસોના શૅરોમાં ગઈ કાલે નવાં ઐતિહાસિક બૉટમ જોવાયાં છે.
સ્વિગી ૩૨૬ના ઑલટાઇમ વર્સ્ટ લેવલે જઈ બાઉન્સબૅકમાં સવાબે ટકા વધી ૩૪૧ રહી છે. ઝોમાટો નીચામાં ૨૦૬ થયા બાદ નજીવા ઘટાડે ૨૧૫ હતી. ઓલા ઇલેક્ટ્રીક ૬૩નું સૌથી નીચું બૉટમ બનાવી એક ટકો ઘટી ૬૪ હતી. મામા અર્થવાળી હોનેસા કન્ઝ્યુમર ૧૯૭નો સૌથી નીચો ભાવ દેખાડી છેવટે અઢી ટકાના બાઉન્સબૅકમાં ૨૦૬ હતી. લુપિને ૪૦ ટકાના વધારામાં ૮૪૪ કરોડનો નેટ નફો દર્શાવ્યો હોવા છતાં ભાવ નીચામાં ૨૦૦૦ થઈ બે ટકા ગગડી ૨૦૨૫ બંધ આવ્યો છે. બાયર ક્રૉપ સાયન્સ નેટ પ્રૉફિટમાં ૬૩ ટકાના ધોવાણ પાછળ ૪૩૬૫ની વર્ષની બૉટમ બતાવી સાડાઆઠ ટકા કે ૪૧૩ રૂપિયા ખરડાઈ ૪૩૭૬ હતી. ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક નફો ૫૮ કરોડથી ૩૦ ટકા વધી ૭૫ કરોડ થયો એમાં શૅર ૧૯ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૨૪ બંધ થતાં માર્કેટકૅપ ૧૦૬૮ કરોડ રૂપિયા વધીને ૬૪૨૦ કરોડ થઈ ગયું છે.
નફામાંથી ખોટમાં સરી પડેલી પ્રિન્સ પાઇપ્સ લથડી ૪ વર્ષના તળિયે
બજાજ ફીનસર્વ અઢી ટકાની મજબૂતીમાં ૧૭૯૦ બંધ આપી બન્ને બજારમાં ઝળક્યો હતો. અન્યમાં SBI લાઇફ સવાબે ટકા, HDFC લાઇફ તથા સ્ટીલ પોણાબે ટકા નજીક, શ્રીરામ ફાઇનૅન્સ, અલ્ટ્રાટેક, તાતા કન્ઝ્યુમર તથા લાર્સન દોઢ ટકાની આસપાસ, અદાણી એન્ટરપ્રાઇઝ તેમ જ કોટક બૅન્ક સવા ટકાથી વધુ પ્લસ હતા. મહિન્દ્ર સવાત્રણ ટકાની ખરાબીમાં ૨૯૮૬ બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે વર્સ્ટ પર્ફોર્મર હતો. આઇશર મોટર્સ વધુ અઢી ટકા ખરડાયો છે. ભારત ઇલેક્ટ્રિકલ સવાબે ટકા કપાયો હતો. આઇટીસી બે ટકા બગડ્યો છે. બ્રોકરેજ હાઉસના બાયના કૉલમાં આઇટીસી હોટેલ્સ બે ટકા વધી ૧૭૫ નજીક સરકી છે. પાવરગ્રીડ રિલાયન્સ ઇન્ડ્સઇન્ડ બૅન્ક દોઢ ટકાની આજુબાજુ અને હીરો મોટોકૉર્પ પોણાબે ટકા ડાઉન થયો છે. હીરો મોટોકૉર્પમાં ૩૯૫૫ની ૧૩ માસની નવી બૉટમ ઇન્ટ્રા-ડેમાં બની હતી. ઇન્ફી પોણા ટકા નજીક તો ટીસીએસ સાધારણ માઇનસ હતી.
BSE લિમિટેડ એકંદર ઢીલા બજારમાં સવાત્રણ ટકા વધી ૫૩૫૫ વટાવી ગઈ છે. MCX એક ટકાના સુધારામાં ૫૫૪૯ હતી. ગરવારે હાઇટેક ફિલ્મ્સ સાડાઅગિયાર ટકા કે ૪૧૮ના ઉછાળે ૪૦૬૯ થઈ છે. અશોક લેલૅન્ડ સારાં રિઝલ્ટ પાછળ ૭ ગણા કામકાજે પોણાઆઠ ટકાનો જમ્પ મારી ૨૨૦ નજીક પહોંચી હતી. જેનસોલ એન્જિનિયરિંગ નબળાં પરિણામમાં ૫૮૨ના વર્ષના તળિયે જઈ સાડાચૌદ ટકા કે ૧૦૨ના ધબડકામાં ૬૦૧ રહી છે. ભાવ વર્ષ પૂર્વે ૧૩૭૭ના શિખરે હતો. પ્રિન્સ પાઇપ્સની ત્રિમાસિક આવક સાડાછ ટકા ઘટી છે એમાં કંપની ૩૭૬૩ લાખના ચોખ્ખા નફામાંથી ૨૦૪૨ લાખની નેટ લોસમાં આવી ગઈ છે. શૅર આગલા દિવસની ખરાબી આગળ વધારતાં ૨૯૧ની લગભગ ચાર વર્ષની બૉટમ બતાવી સવાચૌદ ટકાના કડાકામાં ૨૯૪ નજીક બંધ હતો. ૨૬ જૂને અહીં ૭૨૧ની ટૉપ જોવા મળી હતી. કામકાજ ગઈ કાલે ૧૩ ગણું હતું.