16 July, 2026 09:34 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મલ્ટિનૅશનલ ટેક્નૉલૉજી કંપની IBM તરફથી જૂન ક્વૉર્ટરમાં રેવન્યુ માત્ર એક જ ટકો વધી ૧૭૨૦ કરોડ ડૉલર થઈ હોવાની જાહેરાત કરવામાં આવતાં મંગળવારની રાતે ન્યુ યૉર્ક શૅરબજારમાં ભાવ ઊંધે કાંધ થયો હતો. શૅર ૨૯૦ ડૉલર પ્લસના આગલા બંધ સામે ૨૨૬ ડૉલર ખૂલી નીચામાં ૨૧૩ ડૉલર થઈ સવાપચીસ ટકાના ધબડકામાં ૨૧૭ બંધ રહેલાં અેનું માર્કેટકૅપ એક જ દિવસમાં ૭૦ અબજ ડૉલર સાફ થઈ ગયું હતું. બ્લુમબર્ગના કહેવા પ્રમાણે IBMના શૅરના ભાવમાં છેલ્લાં ૫૮ વર્ષનો આ મોટો કડાકો છે. બાય ધ વે, ભારત ખાતે પણ IBMના લગભગ ૧.૩૦ લાખ કર્મચારી કામ કરે છે, જ્યારે અેના કુલ કર્મચારીની સંખ્યા ૨.૬૮ લાખ કહેવાય છે. મતલબ કે IBMની હાલત ખરાબ થાય અે આપણા માટે માઠા સમાચાર છે. IBMની ખરાબી પાછળ અમેરિકન બજારમાં તમામ ભારતીય કંપનીઓના ADRના ભાવ ગગડી ગયા હતા. ઇન્ફોસિસનો ADR ચારેક ટકા તો વિપ્રોનો ADR સવાત્રણ ટકા ઘટીને બંધ થયો હતો. આ ધોરણે આપણે ત્યાં બુધવારે ITમાં નોંધપાત્ર નરમાઈ સાથે સમગ્ર બજાર એકંદર ઢીલુ રહેવાની દહેશત જાગી હતી, પરંતુ અે ખોટી ઠરી છે. ગઈ કાલે સેન્સેક્સ ૧૩૦ પૉઇન્ટ સુધી ૭૭,૧૮૫ તથા નિફ્ટી ૨૬ પૉઇન્ટ વધી ૨૪,૦૭૮ બંધ થયો છે. IT બેન્ચમાર્ક અડધો ટકો કે ૧૭૫ પૉઇન્ટ જ નરમ થયો છે.
સેન્સેક્સ આગલા બંધથી ૧૩૮ પૉઇન્ટ પ્લસ ૭૭,૧૯૩ નજીક ખુલ્યો હતો. ત્યાંથી ઊંચકાઈ ઉપરમાં ૭૭,૬૪૬ વટાવી ગયો હતો. એકાદ વાગ્યા સુધી સ્ટ્રૉન્ગ રહેલું બજાર પછી સીધું ગગડ્યું હતું જેમાં સેન્સેક્સ નીચામાં ૭૬,૮૮૩ની અંદર આવી ગયો હતો. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ હતી. NSEમાં વધેલા ૧૮૪૫ શૅર સામે ૧૪૪૪ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૧.૯૩ લાખ કરોડ વધીને ૪૮૧.૪૧ લાખ કરોડ થયું છે. એટર્નલ ત્રણ ટકા વધી ૨૯૫ના બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની છે. અલ્ટ્રાટેક પોણાત્રણ ટકા, સ્ટેટ બૅન્ક દોઢ ટકો, બજાજ ફાઇનૅન્સ દોઢ ટકો, ઇન્ડિગો એક ટકો, HDFC લાઇફ અઢી ટકા, શ્રીરામ ફાઇનૅન્સ બે ટકા, આઇશર પોણાબે ટકા પ્લસ હતી. પાવર ગ્રીડ તથા હિન્દાલ્કો બે ટકા નજીકની નરમાઈમાં ટૉપ લુઝર બની છે. લાર્સન ૧.૭ ટકા, JSW સ્ટીલ ૧.૭ ટકા, તાતા સ્ટીલ દોઢ ટકો ડાઉન હતા.
પરિણામની પૂર્વસંધ્યાએ ટેક મહિન્દ્રા એક ટકો તો વિપ્રો દોઢ ટકા નજીક નરમ થયો છે. ઇન્ફોસિસ ૧.૪ ટકા ઘટી ૧૦૭૬ તો TCS અડધો ટકો ઘટી ૨૧૮૯ હતી. HCL ટેક્નૉલૉજી પૉઝિટિવ બાયસમાં ફ્લૅટ રહી છે. રિલાયન્સ સાથે પરિણામ વચ્ચે માંડ સાડાચાર રૂપિયા સુધરી ૧૨૯૫ થઈ છે. રિઝલ્ટની પૂર્વસંધ્યાએ જિયો ફાઇનૅન્શિયલ નજીવી સુધરી ૨૩૬ રહી છે.
નુવોકો વિસ્ટા સવાદસ ટકા વધીને ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. ગેબ્રિયલ ઇન્ડિયા સાડાઆઠ ટકા, એજીસ લૉજિસ્ટિક્સ સવાઆઠ ટકા, એથર એનર્જી આઠેક ટકા, ટાઇમ ટેકનો પ્લાસ્ટ પોણાઆઠ ટકા ઊંચકાઇ હતી. પતંજલિ ફૂડ્સ ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર બની છે. ટિપ્સ મ્યુઝીક ૬ ટકા, HCG ૫.૭ ટકા, તાતા અૅલેક્સી ૪.૯ ટકા, એવલોન ૪ ટકા ડૂલ થઈ છે. ચાઇનાના નજીવા ઘટાડા સિવાય તમામ અગ્રણી એશિયન બજાર ગઈ કાલે વધ્યાં હતાં. યુરોપ રનિંગમાં સામાન્યથી અડધા ટકા આસપાસ નરમ હતું. ડૉલર સામે રૂપિયો ૯૬.૨૧ના આગલા બંધ સામે નીચામાં ૯૬.૨૮ થઈ રનિંગમાં ૯૬.૨૬ ચાલતો હતો.
પતંજલિ ફૂડ્સનાં પરિણામની તારીખ હજી નક્કી નથી થઈ, પરંતુ શૅર ગઈ કાલે ૧૯ ગણા ભારે કામકાજમાં ૩૨૮ની છ વર્ષની બૉટમ બનાવી ૧૪.૬ ટકા તૂટી ૩૪૮ બંધ થયો છે. લાર્સનની IT સબસિડિયરી લાર્સન ટેક્નૉલૉજીઝ દ્વારા ૧૧.૫ ટકા વધારામાં ૨૯૪૦ કરોડની આવક ઉપર ૧૨.૯ ટકાના વૃદ્ધિદરથી ૩૫૭ કરોડ નેટ નફો બતાવાયો છે. ધારણાથી સારાં પરિણામ પાછળ ભાવ ૮ ગણા કામકાજે ઉપરમાં ૩૬૦૦ થઈ સાડાછ ટકા કે ૨૧૨ રૂપિયા ઊંચકાઈ ૩૫૦૪ થયો છે.
જ્વેલરી કંપની TBZ આગલા દિવસની પોણાસોળ ટકાની તેજી બાદ ગઈ કાલે બમણા કામકાજે ૨૭૫ની ૧૯ માસની નવી ટોચે જઈ પોણો ટકો સુધરીને ૨૬૨ રહી છે. કલ્યાણ જ્વેલર્સ બુલરન આગળ ધપાવતાં ઉપરમાં ૫૫૧ વટાવી ૩.૫ ટકા વધી ૫૪૮ હતી. થંગમયિલ જ્વેલરી પણ ૬૬૯૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અઢી ટકા વધી ૬૬૦૦ હતી. ICICI-પ્રુ લાઇફની નેટ પ્રીમિયમની ત્રિમાસિક આવક ૧૪.૭ ટકા વધી ૯૭૪૯ કરોડ થઈ છે. નેટ નફો ૨૮ ટકા વધી ૩૮૬ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૫૩૧ વટાવી ૪ ટકા વધી ૫૨૫ હતો. નોવોકો વિસ્ટા કૉર્પોરેશન પરિણામનો કરન્ટ જાળવી રાખતાં ગઈ કાલે પણ ૧૭ ગણા કામકાજે ઉપરમાં ૩૯૮ થઈ સવાદસ ટકા ઊછળીને ૩૭૬ થઈ છે.
હેલ્થકૅર ઇન્ડેક્સ ૫૦,૬૨૭ની લાઇફ ટાઇમ હાઈ બનાવી ૨૬૦ પૉઇન્ટ વધી ૫૦,૪૬૧ રહ્યો છે. ફ્રન્ટલાઇનમાં સનફાર્મા ૧૯૬૨ ઉપર સર્વોચ્ચ સપાટી નોંધાવી પોણો ટકો વધી ૧૯૫૪ રહી છે. અપોલો હૉસ્પિટલ્સ ૯૦૦૯ની વિક્રમી સપાટી દેખાડી સાધારણ સુધારે ૮૯૩૪ હતી. ડૉ. રેડ્ડીઝ લૅબ સવા ટકો નરમ હતી. ડિવીઝ લૅબ ૭૩૨૫ની નવી ઑલટાઇમ હાઈ હાંસલ કરી ૧.૪ ટકા વધી ૭૨૮૪ બંધ થઈ છે. મેક્સ હેલ્થકૅર દોઢ ટકા સુધરી છે. સિપ્લા ૧૪૩૮ના લેવલે ફ્લૅટ હતી. સાઇડ શૅરમાં RPG લાઇફ ૮.૫ ટકા, થ્રી-બી બ્લૅકબાયો સાત ટકા, બજાજ હેલ્થકૅર ૫.૨ ટકા, જ્યુબિલન્ટ ફાર્મોવા ૫.૫ ટકા, ઑર્ચિડ ફાર્મા ૪.૬ ટકા, પૉલિમેડીક્યોર ત્રણ ટકા મજબૂત હતા. બાયોકૉન આગલા દિવસના ઉછાળા બાદ અડધો ટકો ઢીલી પડી છે. ઝાયડ્સ લાઇફ દોઢા કામકાજે પોણાબે ટકા વધી ૧૧૫૪ હતી.
એબીબી, હિટાચી એનર્જી, જીઈવર્નોવા, અપાર ઇન્ડસ્ટ્રીઝ, થર્મેક્સ, હનિવેલ ઑટોમેશન, ભેલ સિમેન્સ એનર્જી, જ્યોતિ સીએનસી જેવી જાતો ત્રણથી પોણાપાંચ ટકા વધીને આવતાં કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક સવા ટકો કે ૯૯૫ પૉઇન્ટ વધ્યો છે.
મેટલ ઇન્ડેક્સ ૧.૧ ટકા ડાઉન હતો. અત્રે ૧૨માંથી આઠ શૅર માઇનસ હતા. હિન્દાલ્કો બે ટકા, તાતા સ્ટીલ ૧.૭ ટકા, JSW સ્ટીલ દોઢ ટકા, સેઇલ સવા ટકો ઘટી મોખરે હતી. લોઇડ્સ મેટલ્સ ૨.૨ ટકા વધી ૧૮૬૪ થઈ છે. નાલ્કો એકાદ ટકાની નરમાઈમાં ૩૬૧ હતી.
તાતા અૅલેક્સી દ્વારા સાડાચૌદ ટકા વધારામાં ૧૦૨૧ કરોડની આવક ઉપર સવાઅઢાર ટકાના વધારામાં ૧૭૦ કરોડ ચોખ્ખો નફો બતાવાયો છે. પરિણામ ધારણાં કરતાં નબળાં હોવાથી ડી-રેટિંગ શરૂ થયું છે. મોતીલાલ ઓસવાલ દ્વારા ૩૧૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની ભલામણ આવી છે. શૅર ગઈ કાલે OSEમાં ૩૪૭૪ની ૬૨ માસની બૉટમ બનાવી ૪.૯ ટકા કે ૧૭૯ રૂપિયા ગગડી ૩૫૨૧ થયો છે. આદિત્ય બિરલા મનીની આવક ૧૬ ટકા વધી ૧૩૦૮ કરોડ થઈ છે. ભાવ ત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૧૪૧ બતાવી ૮.૭ ટકા ખરડાઈને ૧૪૩ રહ્યો છે. તાતા ગ્રુપની બનારસ હોટેલ્સની ત્રિમાસિક આવક ૩૫.૫ ટકા વધી ૩૩૮૯ લાખ થઈ છે, નેટ નફો પોણાનવ ટકા વધીને સવાઆઠ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૧૦,૪૬૦ વટાવી છેવટે એક ટકો ઘટી ૧૦,૨૩૯ બંધ આવ્યો છે.
ધામપુર બાયો-ઑર્ગેનિક્સે અગાઉના ૭૫૨ કરોડ સામે આ વેળા જૂન ક્વૉર્ટરમાં ૯૨૦ કરોડ નજીકની આવક ઉપર ૨૨ કરોડની નેટ લોસ સામે ૬૪ કરોડના વન-ટાઇમ ગેઇનના સહારે ૩૬૭૯ લાખ નેટ નફો દર્શાવ્યો છે. શૅર બમણા કામકાજે ઉપરમાં ૧૨૦ વટાવી ૪.૮ ટકા ઘટીને ૧૧૨ થયો છે. મુકેશ અંબાણી ગ્રુપની ડેન નેટવર્ક્સે અડધા ટકાના વધારામાં ૨૪૩ કરોડ જેવી આવક ઉપર ૩૨.૩ ટકાના ઘટાડામાં ૩૬૭૧ લાખ ચોખ્ખો નફો કર્યો છે. શૅર અઢી ગણા કામકાજમાં નીચામાં ૨૮.૭૭ થઈ ૪.૫ ટકા બગડીને ૨૮.૯૨ બંધ થયો છે.
મુંબઈના વિલે પાર્લે-વેસ્ટની કુસુમગર લિમિટેડ એકના શૅરદીઠ ૪૧૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૩૫થી શરૂ થઈ ઉપરમાં ૧૭૧ થયા બાદ છેલ્લે બોલાતાં ૧૬૧ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૫૭૪ ખૂલી ૬૦૪ બંધ રહેતાં ૪૪.૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ૬૫૦ કરોડનો આ પ્યૉર OFS ઇશ્યુ રીટેલમાં ૨૮ ગણા સહિત કુલ ૧૩૬ ગણો છલકાયો હતો. આજે ગુરુવારે મેઇન બોર્ડમાં લેસર પાવર તથા SME કંપની દેવસન કેટાલિસ્ટ અને હૅપી સ્ટીલ્સ લિસ્ટિંગમાં જવાની છે. અત્યારે લેસર પાવરમાં ૪૩ રૂપિયા, દેવસનમાં ૪૯ રૂપિયા તથા હેપ્પીસ્ટીલ્સમાં ૧૦ રૂપિયા પ્રીમિયમ ચાલે છે.
દરમ્યાન એક શૅરદીઠ બે બોનસ શૅરમાં એક્સ બોનસની પૂર્વસંધ્યાએ ફ્રેદુન ફાર્મા નીચામાં ૨૭૮૯ બતાવી એક ટકો ઘટી ૨૮૨૬ બંધ થઈ છે. બ્રોકરેજ કંપની ગ્રોફેમ બિલ્યન બ્રેઇન્સ તરફથી ૬૩ ટકા વધારામાં ૧૫૪૯ કરોડની આવક ઉપર ૯૪ ટકા વૃદ્ધિદરથી ૭૩૫ કરોડ નેટ પ્રૉફિટ હાંસલ કરાયો છે. શૅર પાંચ ગણા કામકાજે ઉપરમાં ૨૧૯ વટાવી ૬.૨ ટકા વધીને ૨૧૬ બંધ થયો છે. આનંદરાઠી શૅર અૅન્ડ સ્ટૉક બ્રોકર્સે જૂન ક્વૉર્ટરમાં બાવીસ ટકા વધારામાં ૨૪૬ કરોડની આવક મેળવી છે. નફો બે ટકા વધીને ૨૩૪૦ લાખ થયો છે. જો કે એક્સેપ્શનલ આઇટમની અસર બાદ કરીએ તો નફો ૭૧ ટકા વધીને ૩૯૧૦ લાખ આવે છે. શૅર ગઈ કાલે બમણા વૉલ્યુમે નીચામાં ૫૪૪ થઈ ચાર ટકા તૂટી ૫૫૬ બંધ થયો છે.
આજે, ગુરુવારે SME સેગમેન્ટમાં કલકત્તા ખાતેની સોટફીન ભારત ૧૦ના શૅરદીઠ ૧૮૭ની અપર બૅન્ડમાં કુલ ૯૦ કરોડ રૂપિયાનો BSE SME ઇશ્યુ કરવાની છે. કંપની મશીનાઇઝ્ડ તથા ઑટોમૅટેડ પાર્કિંગ સૉલ્યુશન્સ સર્વિસિસ પૂરી પાડે છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા અને રીટેલ પોર્શન ૩૫ ટકા છે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપનીએ ગત વર્ષે ૨૬ ટકા વધારામાં ૧૧૮ કરોડની આવક ઉપર ૫૪ ટકા વૃદ્ધિદરથી ૧૭૩૭ લાખ નેટ નફો બતાવ્યો છે. દેવું બેવડાઈને ૨૪૦૧ લાખે પહોંચ્યું છે. ઇશ્યુમાંથી ૪૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં તથા ૨૦ કરોડ નવી મૅન્યુફૅક્ચરિંગ ક્ષમતા ઊભી કરવામાં ખર્ચાશે. ઑફર ડોક્યુમેન્ટ્સમાં પ્રમોટર્સની શૅરદીઠ પડતર કેટલી છે અે જણાવાયું નથી. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૧૮૧૬ લાખની થશે. ઇશ્યુ બાદ કંપનીમાં હાલનું પ્રમોટર્સ હોલ્ડિંગ ૪૧.૫ ટકા છે અેમાં વધુ ઘટાડો થશે. ગ્રેમાર્કેટમાં ૧૭થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ વધી ૨૨ ચાલે છે.
દરમ્યાન ચાલુ ભરણામાં બીજા દિવસના અંતે SBI ફન્ડ્સ મૅનેજમેન્ટનો એકના શૅરદીઠ ૫૭૪ના ભાવનો ૯૮૧૩ કરોડનો ઇશ્યુ કુલ ત્રણેક ગણો, અમદાવાદી અલ્પાઇન ટેક્સવર્ડનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૧૨૬ કરોડનો IPO કુલ ૯૦ ટકા જેવો તથા SME કંપની મિલવર્ક્સ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૩૩૧ના ભાવનો ૧૬૦ કરોડનો ઇશ્યુ કુલ ૪૫ ગણો ભરાઈ ગયો છે. હાલ SBI ફન્ડ્સમાં ૯૨, અલ્પાઇનમાં ૯ તથા મિલવર્ક્સમાં ૩૦૦ પ્રીમીયમ બોલાય છે.