13 May, 2026 09:15 AM IST | Mumbai | Anil Patel
ફાઇલ તસવીર
સરકારની કરકસરની અપીલથી અર્થતંત્ર માટે કપરા સમયનાં એંધાણ બજારને દેખાયાં છે. ૧૩૧૩ પૉઇન્ટની આગલા દિવસની ખરાબી પછી સેન્સેક્સ ૩૨૭ પૉઇન્ટ નરમ, ૭૫૬૮૮ ખૂલીને ગઈ કાલે વધુ ૧૪૫૬ પૉઇન્ટ ગગડી ૭૪,૫૫૯ તથા નિફ્ટી ૪૩૬ પૉઇન્ટ ગગડીને ૨૩,૩૭૯ બંધ થયો છે. માર્કેટકૅપ ૧૧.૨૮ લાખ કરોડના વધુ ધોવાણમાં ૪૫૬.૦૩ લાખ કરોડ થયું છે. શૅરઆંક ઉપરમાં ૭૫,૭૪૨ અને નીચામાં ૭૪,૪૪૯ થયો હતો. રિયલ્ટી સવાચાર ટકા, IT ૩.૭ ટકા, પાવર ૨.૬ ટકા, યુટિલિટીઝ ત્રણ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૩.૪ ટકા, કૅપિટલ ગુડ્સ ૨.૯ ટકા, બૅન્ક નિફ્ટી ૧.૬ ટકા, નિફ્ટી મીડિયા ૨.૮ ટકા, નિફ્ટી ઑટો સવાબે ટકા, નિફ્ટી ડિફેન્સ ચાર ટકા ગગડ્યો છે.
નબળાઈમાં IT ફ્રન્ટલાઇન મોખરે હતા. એ સિવાય અદાણી પોર્ટ્સ ૪.૪ ટકા, ટાઇટન ૩.૬ ટકા, ભારત ઇલેક્ટ્રિક ૩.૫ ટકા, બજાજ ફિનસર્વ ત્રણ ટકા, બજાજ ફાઇનૅન્સ ૩.૪ ટકા, અલ્ટ્રાટેક ૨.૭ ટકા, ટ્રેન્ટ ૩.૧ ટકા, એશિયન પેઇન્ટ્સ ૨.૪ ટકા, એટર્નલ ૨.૪ ટકા, ઇન્ડિગો ૨.૨ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ પોણાપાંચ ટકા, જિયો ફાઇનૅન્શિયલ ૪.૧ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ પોણાચાર ટકા, HDFC લાઇફ ૩.૪ ટકા, SBI લાઇફ ૨.૭ ટકા, ગ્રાસિમ પોણાત્રણ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર અઢી ટકા ડૂલ હતી. નિફ્ટીમાં ONGC ૪.૮ ટકા અને હિન્દાલ્કો દોઢ ટકા વધી છે. રિલાયન્સ ૧.૮ ટકા ગગડીને ૧૩૬૩ થઈ છે. HDFC ૧.૮ ટકા ગગડીને બજારને ૧૭૪ પૉઇન્ટ તથા ICICI બૅન્ક ૧.૭ ટકા ઘટીને ૧૨૮ પૉઇન્ટ નડી છે.
બ્રેન્ટ ક્રૂડ ૧૦૭ ડૉલર નજીક પહોંચ્યું છે. ડૉલર સામે રૂપિયો ૯૫.૭૫ના નવા ઑલટાઇમ તળિયે જઈ રનિંગમાં ૯૫.૫૬ હતો. બહુમતી એશિયન બજાર સીમિત ઘટાડે બંધ હતા. AIની કંપનીઓની કમાણી પર ટૅક્સની હિલચાલમાં સાઉથ કોરિયા સવાબે ટકા ડાઉન હતું. યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો નરમ જોવા મળ્યું છે.
ડિફેન્સ કંપની રસેલ ટેક્સિસની આવક ૬૧.૬ ટકા વધીને ૧૪૨ કરોડ વટાવી ગઈ છે, પણ માર્જિન સવાછ ટકા ઘટીને ૧૧.૩ ટકા રહેતાં નફો પોણાદસ ટકા વધીને સાડાસાત કરોડ રૂપિયા નોંધાયો છે. શૅર નીચામાં ૮૧૨ બતાવી ૪.૬ ટકા ગગડીને ૮૩૫ થયો છે. રિયલ્ટી કંપની અનંતરાજની આવક ૧૯.૬ ટકા વધીને ૬૪૭ કરોડ થઈ છે. નેટ નફો ૨૩.૬ ટકા વધારામાં ૧૪૭ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૪૯૯ બતાવીને ૬.૭ ટકા તૂટીને ૫૦૩ હતો. મનોરમા ઇન્ડસ્ટ્રીઝે ૬૮.૧ ટકા વધારામાં ૩૯૧ કરોડની આવક પર માત્ર ૬.૧ ટકા વૃદ્ધિદરથી ૪૨૫૦ લાખનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. શૅર નીચામાં ૧૩૬૭ થઈ સાડાબાર ટકા ખરડાઈને ૧૩૯૭ હતો.
શ્રીરામ પિસ્ટન્સ ઍન્ડ રિગ્સની આવક ૪૭ ટકા વધીને ૧૪૫૬ કરોડ થઈ છે. માર્જિન ત્રણેક ટકા ઘટીને ૧૮.૪ ટકા રહેતાં નફો ફક્ત ૬.૭ ટકા વધીને ૧૫૬ કરોડ આવ્યો છે. શૅર ઉપર ૩૬૦૦ બતાવીને ચાર ટકા ગગડીને ૩૪૨૨ હતો. જે. બી. કેમિકલ્સે નબળો દેખાવ કરતાં પોણાપાંચ ટકાના ઘટાડામાં ૯૦૪ કરોડની આવક પર ૩૦.૪ ટકાના ગાબડામાં ૧૦૧ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર નીચામાં ૨૧૨૩ થઈ સાડાત્રણ ટકા ઘટીને ૨૫૦૦ કરોડ થઈ છે, પણ નેટ નફો ૪૮.૮ ટકા ગગડીને ૨૦૭ કરોડ નોંધાયો છે. શૅર ગઈ કાલે નીચામાં ૯૨૦ થઈ પોણાછ ટકા તૂટી ૯૩૬ હતો. નુવામાં વેલ્થની આવક પોણાસોળ ટકા વધીને ૧૨૮૧ કરોડ તથા નફો ૬ ટકા વધીને ૨૬૯ કરોડ થયો છે. શૅર નીચામાં ૧૫૪૪ બતાવી સવાત્રણ ટકા ઘટીને ૧૫૪૭ બંધ રહ્યો છે.
JSW એનર્જીની ત્રિમાસિક આવક ૪૧ ટકા વધીને ૪૪૯૯ કરોડ થઈ છે, પણ નેટ નફો પોણાનવ ટકા ઘટીને ૩૭૨ કરોડ થયો છે. શૅર ગઈ કાલે નીચામાં ૫૧૨ થઈ ૭ ટકા તૂટીને ૫૧૮ બંધ હતો. ચંદ્રબાબુ નાયડુના પરિવારની હેરિટેજ ફૂડ્સની આવક સાડાદસ ટકા વધીને ૧૧૫૮ કરોડ વટાવી ગઈ છે, પરંતુ ત્રિમાસિક નફો ૩૬.૭ ટકા ઘટીને ૨૪૨૦ લાખ થયો છે. શૅર નીચામાં ૩૪૬ બતાવી ૭.૧ ટકા ગગડી ૩૫૧ રહ્યો છે. સાટિન ક્રેડિટ કૅરની આવક ૫૦ ટકા નજીકના દરે વધી ૯૨૩ કરોડ થતાં નેટ નફો અનેકગણો ૨૨ કરોડથી વધીને ૧૬૨ કરોડ નોંધાયો છે. શૅર ૧૮ ગણા કામકાજમાં ૨૪૬ના નવા શિખરે જઈ પોણાપાંચ ટકા વધીને ૨૨૫ હતો. કરોના રેમેડીઝની આવક ૨૦.૨ ટકા વધીને ૩૫૩ કરોડ તથા ચોખ્ખો નફો ૪૩.૭ ટકા વધીને ૪૫૩૦ લાખ આવ્યો છે. શૅર ૧૯૫૧ની નવી ટૉપ બનાવી સાડાછ ટકા તૂટીને ૧૬૩૬ બંધ હતો.
તાતા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સની ત્રિમાસિક આવક ૧૪ ટકા વધીને ૨૭૬૫ કરોડ થઈ છે, નેટ પ્રૉફિટ ૧૪.૭ ટકા વધીને ૬૦૦ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૬૮૧ બતાવી ચાર ટકા ગગડી ૬૩૪ હતો. JBM ઑટોની માર્ચ ક્વૉર્ટરની રેવન્યુ સાડાબાર ટકા વધીને ૧૮૫૨ કરોડ થઈ છે. નફો પોણાબાર ટકાના વૃદ્ધિદરમાં ૭૪૨૦ લાખ જોવા મળ્યો છે. શૅર ઉપરમાં ૭૧૧ થઈ ૩.૬ ટકા ઘટી ૬૫૭ થયો છે. પારાદીપ ફૉસ્ફેટ્સની આવક ૧૨.૧ ટકા વધવા છતાં નેટ નફો સાડાનવ ટકા ઘટીને ૧૫૬ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૧૩૩ થઈ ૩.૮ ટકા વધીને ૧૨૭ બંધ થયો છે.
ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૮૦માંથી ૭૪ શૅરની ખરાબીમાં ૨૭,૩૯૭ની ૩૭ મહિનાની બૉટમ બનાવીને ૩.૭ ટકા લથડીને ૨૭,૪૮૬ બંધ થયો છે. નિફ્ટી આઇટી પણ ૨૮,૧૨૭ની ૩૬ મહિનાની નીચી સપાટી નોંધાવીને પોણાચાર ટકા તૂટીને ૨૮૨૩૫ હતો. એના ૧૦માંથી ૧૦ શૅર ડૂલ થયા હતા. ફ્રન્ટલાઇનમાં ટેક મહિન્દ્ર ૪.૪ ટકા ગગડીને ૧૩૯૩ બંધ થયો છે. HCL ટેક્નૉલૉજીઝ ૧૧૪૨ની ઑગસ્ટ ૨૦૨૩ પછીની બૉટમ દેખાડી ચાર ટકા તૂટી ૧૧૪૬ થયો છે. TCS ૨૨૮૩નું લગભગ પોણાછ વર્ષનું તળિયું બનાવી ૩.૮ ટકા ખરડાઈ ૨૩૦૧ હતો, જ્યારે ઇન્ફોસિસ ૧૧૨૩ની આશરે સાડાપાંચ વર્ષની નીચી સપાટી નોંધાવી ૩.૧ ટકા તૂટી ૧૧૪૦ રહ્યો છે. આ ચાર શૅર બજારને કુલ ૨૬૪ પૉઇન્ટ નડ્યા છે. વિપ્રો સાડાત્રણ ટકાની ખરાબીમાં ૧૮૯ હતો. લાર્સન માઇન્ડ ટ્રી સવાચાર ટકા કે ૧૮૬ રૂપિયા તૂટ્યો છે.
સાસ્કેન રિઝલ્ટની તેજી આગળ વધારતાં ૧૯૫૫ના નવા શિખરે જઈ સાડાદસ ટકાની મજબૂતીમાં ૧૮૦૭ થયો છે. વૉલ્યુમ ૯૫ ગણું હતું. ઓરિયન પ્રો સૉલ્યુશન્સની આવક પોણાછ ટકા વધી છે સામે નેટ ત્રિમાસિક નફો સવાબાવીસ ટકા વધીને ૬૧૫૧ લાખ આવ્યો છે છતાં શૅર ૧૨.૮ ટકા તૂટી ૭૬૩ બંધ થયો છે. સોનાટા સૉફ્ટવેર ૮.૬ ટકા, એલાઇડ ડિજિટલ ૬.૩ ટકા, લાર્સન ટેક્નૉલૉજીઝ પાંચ ટકા, નેટવેબ સાડાછ ટકા, ઓરિયેન્ટ ટેક્નૉલૉજીઝ ૭.૭ ટકા, બિરલા સૉફ્ટ ૫.૯ ટકા, મૅપમાય ઇન્ડિયા ૬.૭ ડૂલ થઈ હતી.
સોનું વર્ષ સુધી ન ખરીદવાની નરેન્દ્ર મોદીની અપીલના પગલે આગલા દિવસની ખરાબી બાદ ગઈ કાલે કલ્યાણ જ્વેલર્સ સવાપાંચ ટકા, રાધિકા જ્વેલ ૧૧.૬ ટકા, ડી. પી. આભૂષણ ૮.૩ ટકા, RBZ જ્વેલર્સ ૫.૮ ટકા, પી. સી. જ્વેલર્સ સાડાપાંચ ટકા, ગોલ્ડિયમ ઇન્ટર ૭.૬ ટકા, P. N. ગાડગીળ જ્વેલર્સ ૬.૩ ટકા, થંગમયિલ ૭.૪ ટકા, TBZ પાંચેક ટકા, ટાઇટન ૩.૫ ટકા, એશિયન સ્ટાર ૧૧ ટકા ઝંખવાઈ હતી.
નવી દિલ્હીની હેલ્થકૅર તથા બ્યુટીકૅર પ્રોડક્ટસનું વેચાણ કરતી રીકોડ સ્ટુડિયોઝ ૧૦ના શૅરદીઠ ૧૫૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૧થી શરૂ થઈ ઉપરમાં ૪૮ થયા બાદ છેલ્લે બોલાતા ૪૨ના પ્રીમિયમ સામે ગઈ કાલે BSE ખાતે ૨૧૩ ખૂલી ૨૨૪ નજીક બંધ થતાં ૪૧.૬ ટકા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. આગલા દિવસે ૧૬ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૮૨ પર બંધ થયેલી વૅલ્યુ ૩૬૦ કમ્યુનિકેશન્સ ગઈ કાલે પાંચ ટકા તૂટીને ૭૮ બંધ થઈ છે. SME કંપની સિમ્કા ઍડ્વર્ટાઇઝિંગનો ૧૦ના શૅરદીઠ ૧૮૩ના ભાવનો ૫૮ કરોડનો NSE SME IPO ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૭૧ ગણા સહિત કુલ ૮૧ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૩૭ જેવું છે. ગઈ કાલે બે SME ભરણાં ખૂલ્યાં છે એમાં હિંમતનગરની RFBL ફ્લેક્સી પૅકનો ૧૦ના શૅરદીઠ ૫૦ની અપરબૅન્ડ સાથે ૩૫૩૩ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં એક ગણા સહિત કુલ ૧.૧ ગણો તથા નાગપુરની ગોલ્ડલાઇન ફાર્માસ્યુટિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૪૩ની અપરબૅન્ડ સાથે ૧૧૬૧ લાખનો ઇશ્યુ રીટેલમાં ૩૨.૪ ગણા સહિત કુલ ૨૨ ગણો ભરાયો છે. ગોલ્ડલાઇનમાં ૮થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૧૮ થઈ હાલમાં ૧૮ બોલાય છે.
અમદાવાદી એપ્ટસ ફાર્મા બે શૅરદીઠ ત્રણના બોનસમાં એક્સ-બોનસ થતાં ૧૮૦ની ટૉપ બતાવીને સાડાચાર ટકા વધીને ૧૭૯ થઈ છે. દેવ લૅબટેક શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનની રેકૉર્ડ ડેટ ૧૫ મે માથે છે ત્યારે નીચામાં ૧૨૪ થઈ ૧૨૪.૫૦ બંધ આવી છે.