ટ્રમ્પે ઈરાન સાથેનું સીઝફાયર ફોક કર્યું, શૅરબજારો ફસડાયાં

09 July, 2026 10:26 AM IST  |  Mumbai | Anil Patel

રિલીફ રૅલીના સુધારા પર પાણી ફેરવતાં બજાર ૧૬૭૭ પૉઇન્ટ ડૂલ, રોકાણકારોને આશરે ૯ લાખ કરોડનો ફટકો : જે.કે. બૅન્ક નવા શિખરે જઈ વધી, બાકીના ૪૦ બૅન્ક-શૅર લાલ થયા : MRFમાં ૫૮૫૬ રૂપિયા તો મારુતિમાં ૫૯૮ રૂપિયાનું ધોવાણ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

નવા છમકલા પછી ગલ્ફમાં પ્રસ્થાપિત થયેલી ઉપરછલ્લી શાંતિનો માહોલ ડહોળાયો છે. અમેરિકા અને ઈરાન તરફથી એકબીજાને જોઈ લેવાની નવી ધમકીઓ શરૂ થઈ ગઈ છે. ૭૧ ડૉલરે આવી ગયેલું ક્રૂડ નવું કરન્ટ પકડીને ૭૯ ડૉલર નજીક પહોંચ્યું છે. અમેરિકાએ ઈરાનિયન ઑઇલના વેચાણ પર ૬૦ દિવસ માટે રદ કરેલા અંકુશને પાછો ખેંચી લીધો છે. હોર્મુઝ ખાડી ફરી બંધ થાય તો નવાઈ નહીં. બહુમતી એશિયન બજારો બુધવારે ઘટ્યાં છે. સાઉથ કોરિયન કોસ્પી ૫.૪ ટકા ગગડી ૭૨૪૭ બંધ હતો. નીચામાં ત્યાં ૭૧૮૬નું લેવલ દેખાયું હતું, જે તાજેતરમાં ૧૯ જૂને બનેલી ૯૩૮૫ની ઑલટાઇમ હાઈના મુકાબલે સવાત્રેવીસ ટકાથી વધુનું ગાબડું બતાવે છે. મતલબ કે હવે સાઉથ કોરિયા બેર-માર્કેટનો કેસ બની ગયું છે. જપાન દોઢ ટકા, ઇન્ડોનેશિયા બે ટકા, ન્યુ ઝીલૅન્ડ પોણો ટકો, થાઇલૅન્ડ પોણાબે ટકા નરમ હતું. સિંગાપોર ૫૪૧૫ની નવી લાઇફટાઇમ હાઈ બનાવી અડધો ટકો વધી ૫૩૬૯ થયું છે. હૉન્ગકૉન્ગ ૨.૭ ટકા મજબૂત હતું તો તાઇવાન અડધો ટકો સુધર્યું છે. ચાઇના અડધો ટકો ડાઉન હતું. યુરોપ રનિંગમાં પોણાબેથી અઢી ટકા ખરાબ જણાયું છે. બિટકૉઇન સવાબે ટકા ઘટી ૬૧,૯૩૬ ડૉલર ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૪૩૫૦ પૉઇન્ટ તૂટીને ૧૮૧૯૦૪ હતું. ડૉલર સામે રૂપિયો ૯૪.૯૭ના આગલા બંધ સામે નીચામાં ૯૫.૬૨ થઈ ૯૫.૫૬ આસપાસ રહ્યો છે.

ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૩૬૪ પૉઇન્ટ નરમ ૭૭૮૧૬ ખૂલી છેવટે ૧૬૭૭ પૉઇન્ટ લથડી ૭૬૫૦૩ તથા નિફ્ટી ૫૧૭ પૉઇન્ટ તૂટી ૨૩૮૮૨ બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૭૭૮૫૧ અને નીચામાં ૭૬૨૫૯ જોવાયો છે. કંગાળ માર્કેટબ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૬૯૯ શૅરની સામે ૨૬૩૩ જાતો માઇનસ હતી. માર્કેટકૅપ ૮.૯૭ લાખ કરોડ ગગડી ૪૭૧.૨૩ લાખ કરોડ નોંધાયું છે. બન્ને બજારના તમામ સેક્ટરલ ખરડાયા હતા. FMCG, એનર્જી, ઑઇલ-ગૅસ, નિફ્ટી મીડિયા, ઑટો જેવા બેન્ચમાર્ક પોણાબેથી અઢી ટકા ઘટ્યા છે. રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૯ ટકા ડૂલ થયો છે. બૅન્ક નિફ્ટી ૧૪૫૦ પૉઇન્ટ ગગડ્યો હતો. PSU બૅન્ક-નિફ્ટી ૨.૮ ટકા તૂટ્યો છે. IT ઇન્ડેક્સ ૩૯૫ પૉઇન્ટ કે દોઢ ટકા ડાઉન હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૪૦ શૅર લાલ થયા છે. બંધન બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, સાઉથ ઇન્ડિયા બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક, RBL બૅન્ક, કૅપિટલ સ્મૉલ બૅન્ક ૪ ટકાથી માંડી ૮.૫ ટકા ગગડી હતી. એકમાત્ર જે. કે. બૅન્ક ૧૭૧ના શિખરે જઈ દોઢ ટકો વધી ૧૬૬ના બંધમાં સામા પ્રવાહે હતી. ઑટો બેન્ચમાર્ક ૨૧માંથી ૧૮ શૅરની ખરાબીમાં સવાબે ટકા કપાયો છે. અશોક લેલૅન્ડ ૪.૯ ટકા તૂટીને મોખરે હતી. MRF સવાચાર ટકા કે ૫૮૫૬ રૂપિયા લથડી છે. મારુતિમાં ૪.૧ ટકા કે ૫૯૮નું ધોવાણ થયું હતું. હ્યુન્દાઇ, તાતા મોટર્સ પૅસેન્જર, મહિન્દ્ર ૩ ટકા આસપાસ ખરડાઈ હતી. ક્રૂડના વધારાના પગલે ઑઇલ ઇન્ડિયા પોણાબે ટકા તથા ONGC એક ટકો પ્લસ હતી. ભારત પેટ્રોલિયમ સવાત્રણ ટકા, ઇન્ડિયન ઑઇલ સાડાત્રણ ટકા, હિન્દુ પેટ્રોલિયમ સાડાચાર ટકા, ગેઇલ પોણાત્રણ ટકા ગગડી છે. ચેન્નઈ પેટ્રો બે ટકા તથા MRPL સવા ટકા નજીક વધી હતી. રિલાયન્સ ૨.૪ ટકાની ખરાબીમાં ૧૨૭૬નો બંધ આપીને બજારને ૧૭૬ પૉઇન્ટ નડી છે.

સેન્સેક્સના ૩૦માંથી ૩૦, નિફ્ટીના ૫૦માંથી ૪૬ શૅર ડાઉન

ગઈ કાલે નિફ્ટીના ૫૦માંથી ૪૬ તથા સેન્સેક્સના ૩૦માંથી ૩૦ શૅર રેડ ઝોનમાં ગયા છે. નિફ્ટી ખાતે ONGC ૧.૨ ટકા, બજાજ ઑટો અડધો ટકો તથા હિન્દાલ્કો નજીવો પ્લસ હતો. કોલ ઇન્ડિયા માત્ર ૧૦ પૈસા પ્લસ હતી. જિયો ફાઇનૅન્શિયલ ૫.૪ ટકા લથડી ૨૩૦ અંદરના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બની છે. સેન્સેક્સમાં ઇન્ડિગો પાંચ ટકા કે ૨૭૧ના કડાકામાં ૫૧૨૫ બંધ થઈ વર્સ્ટ પર્ફોર્મર બની છે. સ્પાઇસ જેટ ૩ ટકા ઘટી સવાઅગિયાર નજીક રહી હતી. વધુ ખરાબ થયેલાં અન્ય કાઉન્ટર્સમાં મારુતિ સુઝુકી ૪.૧ ટકા, હિન્દુ. યુનિલિવર ૩.૪ ટકા, બજાજ ફાઇનૅન્સ તથા કોટક બૅન્ક ૩ ટકા, મહિન્દ્રા ૨.૯ ટકા, ITC અને ભારત ઇલે. પોણાત્રણ ટકા, શ્રીરામ ફાઇનન્સ ૪.૯ ટકા, તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૩.૧ ટકા, મૅક્સ હેલ્થકૅર ૩ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૩ ટકાની નજીક, HDFC લાઇફ ૨.૯ ટકા ડૂલ થઈ છે.

HDFC બૅન્ક સવાબે ટકા બગડી ૮૧૦ના બંધમાં બજારને ૨૪૨ પૉઇન્ટ તથા ICICI બૅન્ક ૨.૪ ટકા ગગડી ૧૩૮૧ના બંધમાં ૨૦૨ પૉઇન્ટ નડી છે. લાર્સન તેમ જ અલ્ટ્રાટેક અઢી ટકા જેવા ડાઉન હતા. પરિણામની પૂર્વસંધ્યાએ ITC પોણાબે ટકાની ખરાબીમાં ૨૦૫૮ બંધ આવી છે. જેનાં પરિણામો ૧૩મીએ છે એ HCL ટેક્નૉલૉજીઝ બે ટકા ઘટીને ૧૧૪૫ હતી. ટેક મહિન્દ્ર ૧.૪ ટકા તથા ઇન્ફોસિસ નજીવી નરમ રહી છે. વિપ્રો પણ ૪૦ પૈસા જેવો નહીંવત્ ઘટ્યો છે. એનાં રિઝલ્ટ્સ ૧૬મીએ છે. લાટિમ કે લાર્સન માઇન્ડ ટ્રી પોણાબે ટકા માઇનસ થઈ છે. સાઇડ IT શૅરમાં ઇન્ફોબીન્સ સાડાઆઠ ટકા, ૬૩ મૂન્સ ૬.૪ ટકા, ડિજિટાઇડ સવાછ ટકા, જેનેસિસ સાડાપાંચ ટકા, કોફોર્જ પોણાપાંચ ટકા ડૂલ થઈ છે.

થંગમિયલ જ્વેલરી ખરાબ બજારે પણ ૬૯૫૭ની ઑલટાઇમ હાઈ બનાવી સાતેક ટકા કે ૪૪૧ની તેજીમાં ૬૮૧૭ બંધ આપી A ગ્રુપમાં ઝળકી હતી. સિટી ગ્રુપના બુલિશ વ્યુ પાછળ કલ્યાણ જ્વેલર્સ ૧૬ ગણા ભારે વૉલ્યુમે સાડાપાંચ ટકા ઊંચકાઈ ૩૭૪ વટાવી ગઈ છે. અન્ય ગોલ્ડ શૅરોમાં ડી. પી. આભૂષણ સાડાચૌદ ટકા કે ૧૩૯ રૂપિયાના ઉછાળે ૧૦૮૯ થઈ છે. ગોલ્ડિયમ ઇન્ટર માથે બોનસ વચ્ચે ૪.૬ ટકા વધુ ખરડાઈ ૪૩૦ હતી. TBZ ૨.૪ ટકા વધી ૨૦૩, સેન્કો ગોલ્ડ ૧.૭ ટકા વધી ૩૩૩, સ્કાય ગોલ્ડ ૦.૯ ટકા સુધરી ૫૮૦ હતી. રેનેસાં ગ્લોબલ ૪ ટકા તૂટી છે. એથર એનર્જી ૧૪૨૫ના બેસ્ટ લેવલે જઈ પોણાસાત ટકા વધી ૧૪૧૬ થઈ છે પણ ઓલા ઇલેક્ટ્રિક સવાત્રણ ટકા બગડી ૪૧ હતી. એજીસ લૉજિસ્ટિક્સ ૧૦ ટકા તૂટી નીચલી સર્કિટમાં ૧૨૪૪ બંધ આપી A ગ્રુપમાં ટૉપ લૂઝર હતી.

લેસર પાવરનો ૭૪૨ કરોડનો ઇશ્યુ આજે ખૂલશે

જે ગુરુવારે મેઇનબોર્ડમાં કલકત્તાની લેસર પાવર ઍન્ડ ઇન્ફ્રા પાંચના શૅરદીઠ ૨૧૪ની અપરબૅન્ડમાં કુલ ૭૪૨ કરોડનો ઇશ્યુ કરવાની છે. એમાંથી ઑફર ફૉર સેલ પેટે ૨૦૦ કરોડ પ્રમોટર્સ ગોયલ પરિવારના ઘરમાં જશે. ઇશ્યુમાં QIB પૉર્શન ૫૦ ટકા તથા રીટેલ પૉર્શન ૩૫ ટકા છે. ૧૯૮૮માં સ્થપાયેલી કંપની પાવર ઉદ્યોગ માટે પાવર કેબલ્સ, કન્ડક્ટર્સ તથા અન્ય ઉપકરણો બનાવે છે. ગયા વર્ષે કંપનીની આવક ૯ ટકા ઘટીને ૨૩૪૮ કરોડ થઈ છે, પણ ચોખ્ખો નફો ૪૨ ટકા વધીને ૧૫૧ કરોડને વટાવી ગયો છે. બે વર્ષ પહેલાં ૨૦૨૩-’૨૪માં આવક ૧૭૬૪ કરોડ અને નફો માત્ર ૪૦ કરોડ હતાં. દેવું બે વર્ષમાં ૩૯૪ કરોડથી તગડા વધારામાં ૮૨૮ કરોડ વટાવી ગયું છે. ઇશ્યુમાંથી ૪૯૦ કરોડ દેવાની પરત ચુકવણીમાં વપરાશે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૭૦૧૮ લાખ થશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર લગભગ શૂન્યથી માંડીને ૧૦ પૈસાની છે. ગ્રેમાર્કેટમાં ૨૮થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડીને હાલ ૧૪ ચાલે છે.

SME સેગમેન્ટમાં ગુજરાતના સુરેન્દ્રનગરમાં ઇન્ડસ્ટ્રિયલ ઉપયોગમાં લેવાતા કૅટલિસ્ટ્સ, સિરૅમિક બૉલ્સ તથા ઍબ્સૉર્બન્ટ્સ બનાવતી દેવસન કૅટલિસ્ટ ૧૦ના શૅરદીઠ ૧૧૮ની અપરબૅન્ડમાં કુલ ૪૨ કરોડનો BSE SME IPO કરશે. એમાંથી OFS પેટે ૩ કરોડ પ્રમોટર્સ ઘરભેગા કરશે. ઇશ્યુમાં QIB પૉર્શન ૪૯.૭૫ ટકા તથા રીટેલ પૉર્શન ૩૫.૨ ટકા છે. કંપનીએ ગયા વર્ષે ૬ ટકા વધારામાં ૫૬૮૪ લાખની આવક પર ૬૩ ટકા વૃદ્ધિદરથી ૧૨૫૨ લાખ નફો બતાવ્યો છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર શૂન્યથી માંડી ૨૪ પૈસા છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૩૫૯ લાખ થશે. પ્રીમિયમ ૧૯થી શરૂ થઈ ઉપરમાં ૪૬ થયા બાદ હાલ ૪૪ છે. લુધિયાણાની હૅપી સ્ટીલ્સ ૧૦ના શૅરદીઠ ૬૬ની અપરબૅન્ડમાં કુલ ૨૫ કરોડનો NSE SME IPO આજે કરશે. ગયા વર્ષે ૧૭ ટકા વધારામાં ૯૬૫૭ લાખની આવક પર ૨૦૩ ટકા વધારામાં ૭૧૦ લાખ નફો બતાવી દીધો છે. દેવું ૩૪૨૧ લાખથી વધીને ૪૭૧૮ લાખ થયું છે. ઇશ્યુમાં QIB પૉર્શન ૫૦ ટકા, રીટેલ પૉર્શન ૩૫ ટકાનો છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૪૨૯ લાખ થશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. 

અમદાવાદી નેક પૅકેજિંગમાં સાડાસાત ટકાનો લિસ્ટિંગ ગેઇન

વિલે પાર્લે-વેસ્ટની કુસુમગર લિમિટેડનો એકના શૅરદીઠ ૪૧૯ની અપરબૅન્ડ સાથે ૬૫૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૩.૬ ગણા સહિત કુલ ૩.૫ ગણો ભરાયો છે. પ્રીમિયમ હાલ ૧૫૬ જેવું બોલાય છે. નવી દિલ્હીની આઇસી ઇલેક્ટ્રિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૯૯ના ભાવનો કુલ ૪૮ કરોડનો NSE SME ઇશ્યુ મંગળવારે છેલ્લા દિવસે કુલ ૪૨૦ ગણો છલકાઈને પૂરો થયા પછી એમાં પ્રીમિયમ ગ્રે માર્કેટ ખાતે ઘટીને ૪૦ થયું છે.

અમદાવાદી નેટ પૅકેજિંગ ૧૦ના શૅરદીઠ ૧૭૦ની ઇશ્યુ-પ્રાઇસ તથા ગ્રે માર્કેટમાં ૧૨થી શરૂ થઈ ઉપર ૨૮ થયા બાદ છેલ્લે સાડાઆઠ બોલાતાં પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૮૬ ખૂલી ૧૮૩ બંધ થતાં સાડાસાત ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ૫૯ કરોડની OFS સહિત કુલ ૮૭ ગણો ભરાયો હતો. આગલા દિવસે લગભગ ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૪૩૯ નજીક બંધ રહેલી ભરૂચની તેજા એન્જિનિયરિંગ ગઈ કાલે ઉપલી સર્કિટે ૪૬૧ની નવી ટૉપ બનાવી ત્યાં જ બંધ થઈ છે. સુરતની વિનીત મોબાઇલ પોણાઅગિયાર ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૪૭ના બંધ પછી વધુ પાંચ ટકા ગગડી ૧૪૦ નીચે જઈને ત્યાં જ તથા બરોડાની સિમેક્સ રિસોર્સ ૨૪ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૦૭ના બંધ બાદ ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૦૨ નીચે જઈને ત્યાં જ બંધ થઈ છે. પુણેની અથર્વ પૉલિપ્લાસ્ટ ૨૦.૮ ટકાના લિસ્ટિંગ ગેઇનને આગળ વધારતાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૭૬ની ટૉપ બનાવી ત્યાં હતી. ક્રેટિકલટેક ૩૫ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૮૨ના બંધ બાદ ગઈ કાલે પાંચ ટકા ગગડી ૧૭૩ના નવા બૉટમ બાદ ત્યાં જ રહી છે. સંપર્ક ઇન્ડિયા લૉજિસ્ટિક ૧૧.૩ ટકાના લિસ્ટિંગ ગેઇન બાદ ગઈ કાલે ૯૮ નજીક નવી ટોચે જઈ અઢી ટકા ઘટી ૯૧ હતી.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange