21 January, 2026 09:52 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
૯ મહિનાના મોટા એક દિવસીય કડાકામાં માર્કેટ ૩ મહિનાની નીચી સપાટીએ : બજારમાં સાર્વત્રિક મોટા પાયે ખુવારી, સેન્સેક્સમાં એક તો નિફ્ટીમાં માત્ર બે શૅર પ્લસ, રોકડું ૮ મહિનાના તળિયે, તમામ સેક્ટોરલ રેડઝોનમાં : સંખ્યાબંધ ઇન્ડેક્સના તમામ શૅર માઇનસમાં : અદાણી ગ્રુપના બધા જ શૅર ખરડાયા, રિલાયન્સ ઑલટાઇમ હાઈ થયા પછી પખવાડિયામાં જ ત્યાંથી પોણાચૌદ ટકા કે ૨૨૧ રૂપિયા તૂટીને ૨.૯૫ લાખ કરોડ રૂપિયા ડૂલ : અવના ઇલેક્ટ્રોસિસ્ટમ્સનું ધારણા કરતાં સારું લિસ્ટિંગ : રિયલ્ટી ઇન્ડેક્સ સવાપાંચ ટકા તૂટ્યો, લોઢા ડેવલપર્સ, ગોદરેજ પ્રૉપર્ટીઝ અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝ મલ્ટિયર તળિયે : બુલિયન નવા શિખરે
ગ્રીનલૅન્ડની ક્રાઇસિસ વચ્ચે જપાન ખાતે રાજકોષીય હાલત બગડવાની આશંકામાં બૉન્ડના ભાવ તૂટ્યા છે, યીલ્ડ વિક્રમી સ્તરે પહોંચ્યું છે. કેરી ટ્રેડનાં સમીકરણ ચિંતાજનત બન્યાં છે. સોનું સર્વોચ્ચ સપાટી નોંધાવી અનુક્રમે સવા ટકો તથા ૩ ટકા ઉપર રનિંગમાં જોવાયું છે. ચાંદી વાયદો ૯૫.૩૦ની નવી વિક્રમી સપાટી દેખાડી સાત ટકા વધીને ૯૪.૮૦ ડૉલર તો હાજર ચાંદી ૯૫.૫૨ થઈને એક ટકો વધી ૯૫.૧૫ ડૉલર ચાલતી હતી. બ્રૅન્ટ ક્રૂડ ૬૩.૮૦ ડૉલરે મક્કમ હતું. બિટકૉઇન પોણાબે ટકા બગડી ૯૦,૯૦૮ ડૉલરે આવી ગયો છે. શૅરબજારો હાલકડોલક થવા માંડ્યા છે. થાઇલૅન્ડના એક ટકા તથા તાઇવાનના સાધારણ સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર ઢીલાં થયાં છે. જપાનીઝ માર્કેટ ૦.૯ ટકા નરમ હતું. અન્યત્ર ઘટાડો નહીંવત્થી સામાન્ય હતો તો ટ્રમ્પ સામે સીધી ટક્કર ઊભી થતાં યુરોપ વધુ બગડ્યું છે. ગઈ કાલે ત્યાંનાં બજાર રનિંગમાં સવાથી દોઢ ટકો માઇનસ દેખાયાં છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૮૮,૯૫૮ની નવી ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૬૫૦ પૉઇન્ટની આગેકૂચમાં ૧,૮૮,૪૧૨ ચાલતું હતું.
આપણી હાલત વધુ પતલી થઈ છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૯ પૉઇન્ટ જેવા મામૂલી ઘટાડામાં ૮૩,૨૦૭ ખૂલી છેવટે ૧૦૬૬ પૉઇન્ટની મોટી ખરાબીમાં ૮૨,૧૮૦ તથા નિફ્ટી ૩૫૩ પૉઇન્ટ ગગડીને ૨૫,૨૩૨ ગઈ કાલે બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૮૩,૨૫૪ વટાવ્યા બાદ એકધારા ઘસારામાં નીચામાં ૮૨,૦૧૦ દેખાયો હતો. નિફ્ટી ૨૫,૮૮૫ની ઇન્ટ્રા-ડે હાઈથી ૪૧૪ પૉઇન્ટ તૂટી નીચામાં ૨૫,૧૭૧ થયો હતો. માર્કેટ બ્રેડ્થ વધુ કંગાળ બનતાં NSEમાં વધેલા ૫૩૯ શૅર સામે પાંચ ગણા, ૨૬૮૮ શૅર ઘટ્યા છે, માર્કેટકૅપ ૯.૮૭ લાખ કરોડના ધોવાણમાં ૪૫૫.૮૩ લાખ કરોડની અંદર આવી ગયું છે. સમ ખાવા પૂરતો પણ એકેય ઇન્ડેક્સ સુધર્યો નથી. સેન્સેક્સ અને નિફ્ટીના ૧.૭ ટકા જેવા ઘટાડા સામે સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૮ મહિનાના તળિયે જઈને પોણાત્રણ ટકા કે ૧૩૪૪ પૉઇન્ટ, મિડકૅપ અઢી ટકા કે ૧૧૫૯ પૉઇન્ટ, બ્રૉડર માર્કેટ ૧.૮ ટકા ડૂલ થયું છે. રિયલ્ટી ઇન્ડેક્સ સવાપાંચ ટકા, નિફ્ટી ડિફેન્સ પોણાત્રણ ટકા, નિફટી ઑટો અઢી ટકા, ઑઇલ ગૅસ પોણાબે ટકા, નિફ્ટી IT બે ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૩ ટકા, BSE ઑટો ઇન્ડેક્સ ૨.૪ ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૩ ટકા સાફ થયો છે. એટલું જ નહીં, એમાં એક પણ શૅર પ્લસ થયો નથી. આ ઉપરાંત કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨.૮ ટકા તૂટ્યો છે. એનાય તમામ ૩૪ શૅર માઇનસ થયા છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧.૯ ટકા પીગળ્યો છે, એના ૧૫માંથી ફક્ત હિન્દુસ્તાન ઝિન્ક વધ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક ૧૧માંથી કેવળ બર્ગર પેઇન્ટ્સના નજીવા સુધારાને બાદ કરતાં તમામ શૅરની ખરાબીમાં પોણાત્રણ ટકા પટકાયો છે.
સેન્સેક્સના ૩૦માંથી ફક્ત HDFC બૅન્ક ૦.૪ ટકા વધીને ૯૩૧ બંધ હતો. નિફ્ટી ખાતે ૫૦માંથી HDFC ઉપરાંત તાતા કન્ઝ્યુ. ૦૪ ટકા સુધરી હતી. એટર્નલ ૪ ટકાથી વધુ ગગડી ૨૬૯ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. રિલાયન્સ દોઢ ટકા નજીકની વધુ ખુવારીમાં ૧૩૯૩ બંધ આપી બજારને ૧૧૪ પૉઇન્ટ નડી છે. જિયો ફાઇનૅન્સ સાડાત્રણ ટકા તૂટી ૨૬૫ થઈ છે. અદાણી ગ્રુપમાં ફ્લૅગશિપ અદાણી એન્ટર પોણાચાર ટકા, અદાણી પોર્ટ્સ અઢી ટકા, અદાણી પાવર ૨.૩ ટકા, અદાણી એનર્જી ૨.૧ ટકા, અદાણી ટોટલ સવાબે ટકા, અદાણી ગ્રીન ૩.૩ ટકા, એસીસી સવાબે ટકા, અંબુજા સિમેન્ટસ ૩ ટકા, સાંઘી ઇન્ડ. ૨.૪ ટકા, ઓરિએન્ટ સિમેન્ટ ૩ ટકા, પીએસપી પ્રોજેક્ટસ સાડાચાર ટકા, સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ૫.૪ ટકા અને NDTV ૪.૧ ટકા તૂટી છે. અન્ય મોટા ઘટાડામાં સનફાર્મા ૩.૭ ટકા, ઇન્ડિગો ૩.૧ ટકા, કોલ ઇન્ડિયા સાડાત્રણ ટકા, બજાજ ફાઇનૅન્સ ૩.૯ ટકા, ટ્રેન્ટ ૨.૯ ટકા, એશિયન પેઇન્ટ્સ તથા મહિન્દ્ર ૨.૮ ટકા, તાતા સ્ટીલ અઢી ટકા, અપોલો હૉસ્પિટલ ૩ ટકા, બજાજ ફિનસર્વ ૨.૯ ટકા, બજાજ ઑટો અઢી ટકા ડાઉન હતી.
ઓલા ઇલેક્ટ્રિકમાંથી CFOએ અચાનક રાજીનામું આપતાં શૅર સવાયા કામકાજે ૯ ટકા તૂટી ૩૨.૬૦ નજીક બંધ હતો. ડેટા પૅટર્ન્સ ૩ ગણા કામકાજે ૨૨૬ કે નવ ટકા ગગડી ૨૨૫૯ થઈ છે. ભારત રસાયણ ૧૬૫૧ના વર્ષના તળિયે જઈને ૧૭.૪ ટકા કે ૩૫૫ રૂપિયાના કડાકામાં ૧૬૮૪ થઈ છે.
અવના ઇલેક્ટ્રોસિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૫૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થઈ ઉપરમાં ૧૬ વટાવ્યા બાદ છેલ્લે બોલાતા સાડાદસના પ્રીમિયમ સામે ગઈ કાલે NSEમાં ૭૭.૫૦ ખૂલી ૮૦.૩૦ બંધ થતાં ૩૬ ટકા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. મેઇનબોર્ડમાં એમેજી મીડિયા લૅબ્સ તથા SME કંપની નર્મદેશ બ્રાસઇન્ડ, ઇન્ડો SMC લિમિટેડ અને GRE રિન્યુ એનર્ટેકનું લિસ્ટિંગ આજે થવાનું છે. હાલ એમેજી મીડિયામાં ૧૩, ઇન્ડો SMCમાં ૧૭ અને GRE રિન્યુમાં ૬નું પ્રીમિયમ ચાલે છે. દરમ્યાન આગલા દિવસે લગભગ ૭૭ ટકા દમદાર રિટર્ન સાથે ૪૦.૬૬ બંધ રહેલી ભારત કોકિંગ કોલ ગઈ કાલે ઉપર ૪૩.૪૬ થઈ સાધારણ વધીને ૪૦.૭૬ બંધ થઈ છે. પંજાબના મોહાલી ખાતેની IT કંપની જંજુઆ ઓવરસીઝ ૪૦ શૅરદીઠ પાંચ બોનસમાં ૨૩મીએ એક્સ બોનસ થશે. શૅર ગઈ કાલે ૨.૪ ટકા ઘટીને ૫.૮૦ બંધ હતો. ફેસવૅલ્યુ ૧૦ની છે. ભાવ ૧૫ જુલાઈએ ૧૨.૩૮ની વર્ષની ટોચે તો ૧ માર્ચ ૨૦૨૧ના રોજ ૫૨ની વિક્રમી સપાટીએ ગયો હતો. કંપની ફેબ્રુઆરી ૧૯માં ૧૦ના શૅરદીઠ ભાવોભાવ ૧૦ના ભાવથી કુલ ૧૩૦ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ લાવી હતી. ઇશ્યુ માંડ ૧.૨ ગણો ભરાયો હતો.
હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ બનાવતી યુનાઇટેડ વેન્ડરહોર્સ્ટ પાંચના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ૨૨મી એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ૩૧૩ ઉપર નવી ટૉપ બતાવી પાંચ ટકાની ખરાબીમાં ૨૮૩ બંધ થયો છે. વિદેશી નામ ધરાવતી નવી મુંબઈની આ કંપની સંપૂર્ણ પણે ઇન્ડિયન છે. એની ૬૮૯ લાખની ઇક્વિટીમાં પ્રમોટર્સ સાબરવાલ પરિવારનું હોલ્ડિંગ ૭૪.૯ ટકાનું છે. ગયા વર્ષે ૩૦ કરોડ આવક ઉપર ૪૩૬ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. દેવું ૪૨ લાખ છે. રિઝર્વ ૪૪૫૧ લાખની હોવાથી શૅરદીઠ બુકવૅલ્યુ ૪૨.૬૦ જેવી બેસે છે. ૧૯ ફેબ્રુઆરીના રોજ ભાવ ૧૦૬ના વર્ષના તળિયે હતો. ૧ ઑક્ટોબર ૨૦૧૩ના રોજ શૅર ૯૫ પૈસાના ઑલટાઇમ તળિયે ગયો હતો. ICICI પ્રુ ઍસેટ મૅનેજમેન્ટ એકના શૅરદીઠ ૧૪.૮૫ રૂપિયા કે ૧૪૮૫ ટકાના ડિવિડન્ડમાં ૨૧મીએ એક્સ ડિવિડન્ડ થશે. શૅર નીચામાં ૨૭૯૦ બતાવી ૩.૩ ટકા ઘટી ૨૮૨૫ બંધ આવ્યો છે.
ગઈ કાલે પીએસયુ બૅન્ક નિફ્ટી ૯૦૯૪ની ઑલટાઇમ હાઈ બનાવી હેવીપ્રૉફિટ બુકિંગ કામે લાગતાં નીચામાં ૮૮૪૭ થઈ ૧.૩ ટકા બગડી ૮૮૬૯ થયો છે. એના બારમાંથી બાર શૅર ડાઉન હતા. સ્ટેટ બૅન્ક ૧૦૫૨ નજીક સર્વોચ્ચ સપાટી બતાવી નજીવો ઘટી ૧૦૩૭ બંધ આવ્યો છે. સેન્ટ્રલ બૅન્ક, પંજાબ સિંઘ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, પીએનબી કૅનરા બૅન્ક જેવી જાતો બેથી પોણાચાર ટકા માઇનસ થઈ છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી એક શૅરના સુધારા વચ્ચે ૦.૮ ટકા કે ૪૮૭ પૉઇન્ટ ઘટી ૫૯,૪૦૪ થયો છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક સર્વાધિક ૪.૭ ટકા લથડી ૯૦૫ હતી. યસ બૅન્ક ૪.૬ ટકા, ફેડરલ બૅન્ક ૨.૪ ટકા, એયુ બૅન્ક બે ટકા ખરડાઈ છે. HDFC બૅન્ક ૦.૪ ટકા વધી ૯૩૧ બંધ થતાં બજારેને ૪૬ પૉઇન્ટ ફળી છે. કોટક બૅન્ક પોણા ટકા નજીક તો ICICI બૅન્ક સાધારણ ઘટી હતી. ઍક્સિસ બૅન્કનાં રિઝલ્ટ ૨૬મીએ છે. ભાવ એક ટકો ઘટીને ૧૨૯૩ રહ્યા છે.
રિયલ્ટીમાં માનસ દિવસે-દિવસે વધુ ખરાબ થવા માંડ્યું છે. એનું મૂળ કારણ એકંદર આર્થિક વિકાસના સંજોગોની નબળાઈને લઈ માગમાં અપેક્ષિત ઘટાડો છે. ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી ૧૦ શૅરની ખરાબીમાં ૫.૨ ટકા તૂટ્યો છે. નબળા રિઝલ્ટમાં ઑબેરૉય રિયલ્ટી ૧૨૭ રૂપિયા કે ૭.૭ ટકા ગગડી હતી. લોઢા ડેવલપર્સ ૯૭૧ની ૨૨ મહિનાની બૉટમ બતાવી ૬.૩ ટકા બગડી ૯૭૭, ગોદરેજ પ્રૉપર્ટીઝ ૧૬૮૪ની સવાબે વર્ષની નીચી સપાટી નોંધાવી ૫.૮ ટકાના ધબડકામાં ૧૬૯૪ તો બ્રિગેડ એન્ટર. ૭૮૨ની ૨૬ મહિનાની નીચી સપાટી દેખાડી બે ટકા ઘટી ૭૯૦ રહી છે. પ્રેસ્ટિજ એસ્ટેટ ૫.૬ ટકા, શોભા લિમિટેડ ૮.૯ ટકા એમ્બેસી ડેવલપમેન્ટ પાંચ ટકા, DLF લિમિટેડ ૪.૮ ટકા, અનંત રાજ ૪.૩ ટકા તરડાઈ છે. સાઇડ શૅરમાં RDB ઇન્ફ્રા ૧૪.૭ ટકા, અલ્પાઇન હાઉસિંગ ૬.૩ ટકા, અજમેરા રિયલ્ટી ૬.૧ ટકા, ઇમામી રિયલ્ટી ૬.૬ ટકા, હબ ટાઉન ૫.૪ ટકા, શ્રી લોટસ ડેવલપર્સ ૪.૪ ટકા ઘટી હતી.
મેટલ ઇન્ડેક્સ ૧૩માંથી ૧૨ શૅરના ઘટાડે ૧.૯ ટકા નરમ હતો. હિન્દુસ્તાન ઝિન્ક ૬૯૭ની ૧૯ મહિનાની ટૉપ બનાવી ૨.૯ ટકાની આગેકૂચમાં સામાપ્રવાહે હતી. વેદાન્તા અડધો ટકો ઘટી છે. TCS ૧.૭ ટકા, ઇન્ફી ૧.૪ ટકા, વિપ્રો અઢી ટકા, HCL ટેક્નો દોઢ ટકા, ટેક મહિન્દ્ર ૨.૩ ટકા, લાટિમ ૬.૭ ટકા સહિત ૭૭માંથી ૭૨ શૅરના બગાડમાં IT ઇન્ડેક્સ બે ટકા કે ૭૩૨ પૉઇન્ટ ગગડ્યો છે. ન્યુજેન ૧૪.૪ ટકા તૂટી ૬૨૯ હતી. ઇન્ફોબીન્સ ૭.૪ ટકા ઊછળીને ૮૬૧ બંધમાં સામા પ્રવાહે દેખાઈ છે. ૬૪ મૂન્સ ૬.૯ ટકા તૂટી ૬૧૧ થઈ છે.
આજે નવી દિલ્હીની KRM આયુર્વેદા લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૩૫ની અપરબૅન્ડમાં કુલ ૭૭૪૯ લાખનો NSE SME ઇશ્યુ કરશે. ૨૦૧૯માં સ્થપાયેલી આ કંપની દેશમાં વિવિધ સ્થળે ૬ હૉસ્પિટલ્સ તથા પાંચ ક્લિનિક ચલાવે છે. આયુર્વેદિક, હર્બલ તથા બોટોનિકલ પ્રોડક્ટસ અને મેડિસિન્સ બનાવે છે. ગયા વર્ષે ૧૩.૯ ટકા વધારામાં ૭૭ કરોડ જેવી આવક ઉપર ૨૫૫ ટકાના વૃદ્ધિદરથી ૧૨૧૦ લાખનો નફો બતાવનાર આ કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં ૪૮૬૫ લાખની આવક તેમ જ ૮૧૪ લાખ નેટનફો કરી નાખ્યો છે. દેવું ૨૫૦૭ લાખ છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં શૅરદીઠ ૭૭ના ભાવે પ્રી-ઇશ્યુ પ્લેસમેન્ટ કરનારી કંપની માંડ ૪ મહિનામાં પબ્લિક પાસે શૅરદીઠ ૧૩૫ રૂપિયા લેવા માગે છે. જુલાઈ ૨૦૨૫માં શૅરદીઠ ૯૯ બોનસ કર્યું છે. એથી પ્રમોટર્સની પડતર બહુધા માંડ ૩-૪ પૈસા છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૨૧૨૬ લાખ થશે. ગયા વર્ષની સુપર કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૩.૭નો પીઇ સૂચવે છે. કંપની કેરલા આયુર્વેદિક તરીકે લોકોમાં જાણીતી છે. એની પ્રોડક્ટ્સની એક શાખ છે એ મોટું જમા પાસું છે. ગ્રેમાર્કેટમાં ૧૫થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૨૧ બોલાય છે.
મંગળવારે બે ભરણાં ખુલ્યા છે. મેઇન બોર્ડમાં બૅન્ગલોરની મોટે ભાગે ખોટનો ટ્રેડ રેકૉર્ડ ધરાવતી શૅડોફૅક્સ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૧૨૪ની અપર બૅન્ડમાં કુલ ૧૯૦૭ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧.૨ ગણા સહિત કુલ ૫૦ ટકા ભરાયો છે. ૧૬થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટી ૪ થઈ ગયું છે. સાઉથની ડીજીલૉજિક સિસ્ટમ્સનો બેના શૅરદીઠ ૧૦૪ની અપરબૅન્ડ સાથે કુલ ૮૧ કરોડનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૩૦ ટકા સહિત કુલ ૩૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ બોલાતું નથી. અમદાવાદની ટેક્નિકલ ટેક્સટાઇલ કંપની એરિતાસ વિનાઇલનો ૧૦ના શૅરદીઠ ૪૭ની અપરબેન્ડ સાથે કુલ ૩૭૫૨ લાખનો BSE SME ઇશ્યુ એના આખરી દિવસે રીટેલમાં ૨.૯ ગણા સહિત કુલ સવાબે ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં ૯થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડી હાલ ઝીરો થઈ થયું છે.
લાર્સનની ૬૮.૫ ટકા માલિકીની લાર્સન માઇન્ડટ્રી કે લાટિમે ૧૧ ટકા ઘટાડામાં ૯૭૧ કરોડ નેટ નફો કર્યો છે. નવા લેબર કોડના પગલે કંપનીએ ૫૯૦ કરોડની વનટાઇમ પ્રોવિઝન કરી છે એના કારણે નફો વધવાને બદલે ઘટ્યો છે. બજારની ધારણા ૧૪૧૩ કરોડના નફાની હતી. શૅર ગઈ કાલે નીચામાં ૫૯૧૩ બતાવી ૬.૭ ટકા તૂટી ૫૯૭૮ થયા છે. સિઆટ લિમિટેડે લેબર કોડને લીધે ૫૮ કરોડની વનટાઇમ પ્રોવિઝન કરી હોવા છતાં ત્રિમાસિક નફો ૬૦ ટકા વધીને ૧૫૬ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૩૯૮૦ થઈ ૪.૪ ટકા ગગડી ૩૭૧૨ હતો. તાતા કૅપિટલની ત્રિમાસિક આવક સવાબાર ટકા વધીને ૭૯૭૯ કરોડ તથા નફો ૩૯ ટકા વધીને ૧૨૮૫ કરોડ આવ્યો છે. શૅર પરિણામ પહેલાં આગલા દિવસે ૩૬૫ની વિક્રમી સપાટી નોંધાવી સામાન્ય સુધારામાં ૩૬૦ નજીક બંધ રહ્યા પછી ગઈ કાલે ૩૬૮ની નવી ટૉપ બતાવી અડધો ટકો ઘટીને ૩૫૮ બંધ થયો છે. હેવેલ્સ ઇન્ડિયાએ આવકમાં સવાચૌદ ટકાના વધારા સામે ૮ ટકા વૃદ્ધિદરથી ૩૦૧ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૪૦૦ ટકાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. ભાવ ઉપરમાં ૧૪૫૫ થઈને ૭ ટકા તૂટી ૧૩૪૪ રહ્યા છે.
હિન્દુસ્તાન ઝિન્કની ત્રિમાસિક આવક ૨૮.૪ ટકા વધી છે. સામે નેટનફો ૪૭.૮ ટકા વધીને ૩૯૧૬ કરોડ નોંધાયો છે. શૅર ૬૯૭નું નવું શિખર દેખાડી ત્રણેક ટકા વધીને ૬૯૦ બંધ થયો છે. ઑબેરૉય રિયલ્ટીની આવક પોણાછ ટકા વધી છે. સામે નફો માંડ પોણો ટકો સુધરી ૬૨૩ કરોડ જોવાયો છે. શૅર નીચે ૧૫૦૬ થઈ ૭.૪ ટકા લથડી ૧૫૩૦ હતો. સાંઈ સિલ્ક કલામંદિરની આવક સવાઆઠ ટકા ઘટતાં નફો ૧૭ ટકા ગગડી ૩૮ કરોડ થયો છે. શૅર નીચામાં ૧૧૮ થઈ ૭ ટકા તૂટી ૧૧૯ રહ્યા છે. કંપની સપ્ટેમ્બર ૨૦૨૩માં બેના શૅરદીઠ ૨૨૨ના ભાવથી ૬૦૧ કરોડની OFS સહિત કુલ ૧૨૦૧ કરોડનો ઇશ્યુ લાવી હતી. આદિત્ય બિરલા ફૅશન્સમાં શૅરદીઠ ૬૫.૭૮ તથા આદિત્ય બિરલા લાઇફ સ્ટાઇલમાં શૅરદીઠ ૧૦૬.૪૦ની ફ્લોર પ્રાઇસથી બ્લૉકડીલ મારફત ૩-૩ ટકા માલ વેચવામાં આવતાં ભાવ ગઈ કાલે આદિત્ય બિરલા ફૅશનમાં ૫.૮ ટકા તૂટી ૬૮ અને આદિત્ય બિરલા લાઇફ સ્ટાઇલમાં બે ટકા ઘટીને ૧૧૩ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં આદિત્ય બિરલા ફૅશન્સ ૬૫.૮૧ના ઑલટાઇમ તળિયે તો આદિત્ય બિરલા લાઇફ સ્ટાઇલ ૧૧૦ના વર્સ્ટ લેવલે ગયો હતો.