16 September, 2026 10:03 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બ્રેન્ટક્રૂડ ૧૦૮ ડૉલર વટાવી ગયું છે. ઇન્ટરનૅશનલ એનર્જી કન્સલ્ટન્સી ગ્રુપ FGE (ફેક્ટ્સ ગ્લોબલ એનર્જી) માને છે કે મિડલ-ઈસ્ટના રમખાણના પગલે સપ્લાયની સ્થિતિ વધુ તંગ બને તો રેટ વધીને ૧૫૦ ડૉલર થઈ જશે. મઝાની વાત એ છે કે હાલમાં ક્રૂડ ૧૧૦ ડૉલર નીચે હોવા છતાં વિશ્વબજારમાં ફિઝિકલ ક્રૂડ એટલે કે નજીકની ડિલિવરીમાં લેવું હોય તો ૧૨૫-૧૩૦ ડૉલર આપવા પડે છે. રેટ ૧૫૦ ડૉલર થશે ત્યારે ફિઝિકલ ક્રૂડના ભાવ ક્યાં જઈ અટકશે? ઘરઆંગણે ઑગસ્ટ માસમાં રીટેલ ફુગાવો જુલાઈના ૪.૪૫ ટકાથી વધીને ૪.૮૨ ટકા થયો છે, પરંતુ જથ્થાબંધ ભાવાંકની રીતે હોલસેલ ફુગાવો ૧૦ ટકા નજીક, ૯.૯૨ ટકાએ પહોંચી ગયો છે. SBIના વિશ્લેષકો કહે છે કે ચાલુ વર્ષે રિઝર્વ બૅન્ક રેપોરેટમાં તબક્કા વાર અડધા ટકાનો વધારો અવશ્ય કરશે. મતલબ કે વ્યાજદર હવે પછી ટૂંકમાં વધતા જોવાશે. જૅપનીઝ નિક્કીના નહીંવત સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર ગઈ કાલે અડધાથી દોઢ ટકો ઘટ્યાં છે. સિંગાપોર દોઢ ટકો, હૉન્ગકૉન્ગ સવા ટકો, ઇન્ડોનેશિયા તથા સાઉથ કોરિયા ૦.૯ ટકા, તાઇવાન તથા થાઇલૅન્ડ પોણો ટકો ડાઉન હતાં. યુરોપ પણ રનિંગમાં પોણાથી એક ટકો નરમ દેખાયું છે. ડૉલર સામે રૂપિયો ૯૫.૫૬ના આગલા બંધ સામે ૯૬ની નજીક જઈ રનિંગમાં ૯૫.૯૩ ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર સામા પ્રવાહે ઉપર ૧,૬૯,૯૮૮ થઈ રનિંગમાં ૧૪૬૮ પૉઇન્ટ વધી ૧,૬૯,૪૩૮ જોવાયું છે.
ઘરઆંગણે સેન્સેક્સ વિપરિત આગલા બંધથી ૫૮૮ પૉઇન્ટ મજબૂત ૭૫,૩૭૦ નજીક ખૂલી ઉપરમાં ૭૫,૪૩૬ વટાવી ગયો હતો. જોકે આ મજબૂતી ક્ષણિક નીવડી હતી. માર્કેટ લપસણીની ચાલમાં ઉપલા મથાળેથી ૧૪૪૨ પૉઇન્ટ ખરડાઈ નીચામાં ૭૩,૯૯૪ બતાવી છેવટે ૭૭૮ પૉઇન્ટ ઘટી ૭૪,૦૦૪ ગઈ કાલે બંધ થયું છે. નિફ્ટી ૨૩,૫૯૩ની નીચે ૨૩,૧૧૮ હતો. બાય ધ વે, કસીનો સેશન શરૂ થતાં પૂર્વે ગઈ કાલે સેન્સેક્સ ૭૪,૧૭૨ અને નિફ્ટી ૨૩,૧૭૨ના લેવલે હતા. કંગાળ માર્કેટબ્રેડ્થમં NSE ખાતે ગઈ કાલે વધેલા ૭૫૪ શૅર સામે ૨૮૨૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૯.૧૮ લાખ કરોડ ગગડી ૪૭૨.૪૧ લાખ કરોડ રહ્યું છે. સેન્સેક્સમાં એક ટકા અને નિફ્ટી ૧.૨ ટકાની નબળાઈ સામે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સવાચાર ટકા કે ૩૨૪૫ પૉઇન્ટ, રિયલ્ટી ચારેક ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૮ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૭ ટકા, ટેલિકૉમ ૨.૧ ટકા, મેટલ ૨.૧ ટકા, ઑટો ૨.૧ ટકા, યુટિલિટીઝ ૧.૮ ટકા, બૅન્ક નિફ્ટી દોઢેક ટકા, નિફ્ટી મીડિયા સવાબે ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૩ ટકા, નિફ્ટી કેમિકલ્સ ૩.૪ ટકા, નિફ્ટી સિમેન્ટ્સ ૨.૭ ટકા ગગડ્યો છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ નીચામાં ૯૧૩૦ બતાવી ૬ ટકાના કડાકામાં ૯૧૪૪ બંધ આવ્યો છે. એના ૧૯માંથી ૧૯ શૅર ડૂલ થયા છે. તમામ સેક્ટોરલ્સ લાલ થયાં છે. એકમાત્ર IT ઇન્ડેક્સ ઉપરમાં ૨૯,૧૬૬ થઈ છેવટે ૧.૯ ટકા વધી ૨૮,૩૪૨ બંધ આપીને અપવાદ બન્યો છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જે રીતે અને જે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે એનાથી સમગ્ર માનવ જાતને ખતરો છે. AI ભવિષ્યમાં માનવીને એના ગુલામ બનાવી દેશે એવો ડર વધવા માંડ્યો છે. AIના ક્ષેત્રે સ્લો ડાઉન કે પ્રગતિને બ્રેક મારવાની માગણી એક આંદોલનનું સ્વરૂપ લઈ રહી છે. આના કારણે ટ્રેડિશનલ AI સેક્ટર ગેલમાં આવી ગયું છે. દરમ્યાન NSEનો ઇશ્યુ ગુરુવારે ખૂલવાનો છે ત્યારે ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઉપરમાં ૩૧૦થી ગગડતું રહી હાલ ૧૭૯ થઈ ગયું છે. BSE લિમિટેડ ગઈ કાલે ઉપરમાં ૩૪૫૩ નજીક જઈ સવાબે ટકા બગડી ૩૩૧૦ બંધ થયો છે.
આજે, બુધવારે મેઇન બોર્ડમાં ૩ IPO ખૂલશે. હીરો ગ્રુપના પંકજ મુંજાલ દ્વારા પ્રમોટ કરાયેલી હીરો મોટર્સ ૧૦ના શૅરદીઠ ૮૪ની અપરબેન્ડમાં ૧૦૦૦ કરોડનો ઇશ્યુ આજે લાવશે એમાંથી OFS પેટે ૪૦૦ કરોડ પ્રમોટર્સ લઈ જશે. ૧૯૯૮માં સ્થપાયેલી આ કંપની ઇલેક્ટ્રિક તેમ જ નૉન-ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ, કાર, કમર્શિયલ વેહીકલ્સ માટે પાવર ટ્રેઇન સૉલ્યુશન્સ ઉપલબ્ધ બનાવે છે. ગત વર્ષે ૯ ટકા વધારામાં ૧૨૧૭ કરોડની આવક ઉપર ૨૬ ટકા વધારામાં ૪૧૧૭ લાખ નફો કર્યો છે. દેવું ૪૦૧ કરોડ જેવું છે. ઇશ્યુમાંથી ૧૯૦ કરોડ દેવાની પાછી ચુકવણીમાં તથા ૨૦૦ કરોડ વિસ્તરણ માટે વપરાશે. અન-લિસ્ટેડ માર્કેટમાં હીરો મોટર્સનો શૅર છેલ્લે ૩૨૫ આસપાસ હતો એ જોતાં ઇશ્યુ પ્રાઇસ ૭૦ ટકા ડિસ્કાઉન્ટ સૂચવે છે. બે વર્ષ પૂર્વે કંપનીની આવક ૧૦૮૩ કરોડ અને નફો ૧૭ કરોડ હતો. એ જોતાં ઇશ્યુ પ્રાઇસ ૭૦ ટકા ડીસ્કાઉન્ટ સૂચવે છે. ઇશ્યુ પ્રાઇસ પોસ્ટ ઇશ્યુ ઇક્વિટીના ધોરણે ૯૨.૩નો અતિ ઊંચો પીઈ બતાવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૮થી શરૂ થયા બાદ ઉપર ૨૪ થઈ હાલમાં બાવીસ ચાલે છે.
મહારાષ્ટ્રના કોલ્હાપુરની એસએસ રીટેલ ૧૦ના શૅરદીઠ ૪૨૪ની અપરબેન્ડમાં કુલ ૫૦૦ કરોડનો ઇશ્યુ આજે કરવાની છે. OFS ૧૪૦ કરોડની છે. ૨૦૧૬માં સ્થપાયેલી આ ગુજ્જુ પ્રમોટર્સની કંપની મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, મધ્ય પ્રદેશ, કર્ણાટક ખાતે મોબાઇલ ફોન, એની ઍસેસરીઝ તથા અન્ય ઇલેક્ટ્રૉનિક આઇટમોની મલ્ટિબ્રૅન્ડ રીટેલ ચેઇન ચલાવે છે. ગત વર્ષે ૪૭ ટકા વધારામાં ૨૫૫૩ કરોડની આવક ઉપર ૪૯ ટકા વધારામાં ૫૯૨૮ લાખ નફો કર્યો છે. દેવું ૧૬૦ કરોડ નજીક છે. બે વર્ષ પૂર્વ આવક ૧૨૦૮ કરોડ અને નફો ૨૬૬૫ લાખ હતો. ઇશ્યુમાંથી ૪૧૬ કરોડ પ્લસનું ભંડોળ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ઇશ્યુ પ્રાઇસ ૫૩.૨નો પીઇ બતાવે છે. મઝાની વાત એ છે કે ૫૦૦ કરોડના ઇશ્યુમાંથી OFS ૧૪૦ કરોડ બાદ કરતાં કંપનીને ૩૬૦ કરોડ મળવાના છે તો પછી ૪૧૬ કરોડ વર્કિંગ કૅપિટલ સહિત કંપની કુલ ૪૨૯ કરોડનું ભંડોળ ઇશ્યુમાંથી કેવી રીતે વાપરશે? ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૩૦થી શરૂ થયા બાદ ચગાવીને ઉપરમાં ૧૪૫ કરી દેવાયા પછી હાલમાં ૧૪૩ બોલાય છે.
ત્રીજી કંપની હરિયાણાના હિસ્સાર ખાતેની જિંદલ સુપ્રીમ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૯૩ની અપરબેન્ડમાં ૧૨૫ કરોડનું ભરણું બુધવારે કરવાની છે. એમાંથી ૨૫ કરોડ OFS પેટે પ્રમોટર્સ લઈ જશે. ૧૯૭૪માં સ્થપાયેલી આ કંપની સ્ટીલ પાઇપ્સ, ટ્યુબ્સ તેમ જ અન્ય સ્ટીલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને સપ્લાયનો ધંધો કરે છે. ગત વર્ષે ૧૨ ટકા વધારામાં ૬૭૬ કરોડ આવક ઉપર ૭ ટકા ઘટાડામાં ૨૨૫૩ લાખ નફો કર્યો પછી કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં ૧૯૧ કરોડની આવક અને ૮૨૮ લાખ નેટ નફો બતાવ્યો છે. દેવું ૯૨ કરોડ ઉપર છે. ઇશ્યુમાંથી ૭૧ કરોડ દેવાની ચુકવણીમાં વપરાશે. હરિયાણાનું હિસ્સાર પરોક્ષ રીતે જિંદલ સિટી કહેવાય છે. દેશના અગ્રણી ઔદ્યૌગિક ઘરાનામાં જેની ગણના થાય છે એ જિંદલ ગ્રુપ આટલો નાનકડો, ૧૨૫ કરોડનો ઇશ્યુ અને એ પણ મેઇન બોર્ડમાં લાવે એ નવાઈ કહેવાય. ગ્રેમાર્કેટમાં ૧૧થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૨૭ થઈને અત્યારે ૨૭ આસપાસ છે.
ગઈ કાલે મુંબઈના ગોરેગામ-વેસ્ટની પ્રણવ કન્સ્ટ્રક્શન્સ ૧૦ના શૅરદીઠ ૧૨૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૩થી શરૂ થઈ ઉપર બાવન થયા પછી છેલ્લે બોલાતા ૪૭ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૬૨ ખૂલી ૧૩૦ નીચે બંધ રહેતાં સાડાચાર ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કલકત્તાની SME કંપની અપના લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૬૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૩થી શરૂ થઈ ઉપર ૧૦ થયા બાદ ગગડી ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે BSE ખાતે ૬૦ ખૂલી ૫૭ બંધ આવતાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. આજે બુધવારે મેઇન બોર્ડમાં પ્રસોલ કેમિકલ્સ, કાનોહર ઇલેક્ટ્રિકલ્સ અને ગ્લાસવૉલ સિસ્ટમ્સનું લિસ્ટિંગ થવાનું છે. અત્યારે કાનોહરમાં ૨૦૯નું પ્રીમિયમ, પ્રસોલમાં ૧૩નું ડિસ્કાઉન્ટ અને ગ્લાસવૉલમાં ૪૧નું પ્રીમિયમ બોલાય છે. આગલા દિવસે એટલે કે શુક્રવારે મુંબઈના મલાડ-વેસ્ટની ક્વૉલિઅન્સ ઇન્ટરનૅશનલ શૅરદીઠ ૧૨૭ની ઇશ્યુ પ્રાઇસ સામે ૮૫.૯ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૨૩૬ પ્લસ બંધ રહી હતી એ ગઈ કાલે ઉપર ૨૩૦ બતાવી પાંચ ટકા તૂટીને ૨૨૪ થઈ છે.
નવી દિલ્હીની મૂળ પંકજ પીયૂષ ટ્રેડ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખાતી હાલની કૈરોસૉફ્ટ AI સૉલ્યુશન્સ ૧૦ના શૅરના એક રૂપિયામાં અને નવી દિલ્હીની ઓરિઆના પાવર ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં ૧૮મીએ એક્સ સ્પ્લિટ થવાની છે. ગઈ કાલે કૈરોસૉફ્ટ ઉપરમાં ૧૭૦ દેખાડી પાંચ ટકા વધી ત્યાં જ તથા ઓરિઆના પાવર ઉપર ૧૩૦૫ બનાવી સાડાત્રણ ટકા વધી ૧૨૭૧ બંધ થઈ છે. ઓરિઆના પાવર ઑગસ્ટ ૨૦૨૩ના આરંભે ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવે ૬૦ કરોડનો NSE SME IPO લાવી હતી. ૨૦૨૫ની ૨૭ ઑક્ટોબરે શૅર ૩૦૬૪ના બેસ્ટ લેવલે ગયો હતો. કલકત્તાની સેન્ચ્યુરી એક્સ્ટ્રુઝન્સ ૮ શૅરદીઠ ૩ના પ્રમાણમાં એકના શૅરદીઠ ૧૫ના ભાવથી ૪૫ કરોડના રાઇટ ઇશ્યુમાં ગઈ કાલે એક્સ રાઇટ થઈ છે. શૅર ઉપરમાં બાવીસ નજીક જઈને દોઢ ટકો ઘટી ૨૦ બંધ થયો છે.
ગઈ કાલે SME સેગમેન્ટમાં ત્રણ નવાં ઇશ્યુ ખુલ્યાં છે એમાંથી બે કંપની મુંબઈની છે. બોરીવલી-વેસ્ટની વામા વુવન ફેબનો ૧૦ના શૅરદીઠ ૩૪૧ની અપરબેન્ડમાં ૫૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં નહીંવત કુલ એક ટકો તથા ગોરેગામ-ઈસ્ટની ક્વૉન્ટો ઍગ્રો વર્લ્ડનો ૧૦ના શૅરદીઠ ૬૭ના ભાવનો ૩૧ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪ ટકા સહિત કુલ બે ટકા ભરાયો છે. જ્યારે ઇન્દોરની શક્તિ પૉલિટ્રેપનો ૧૦ના શૅરદીઠ ૫૯ના ભાવનો ૨૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૯ ટકા સહિત કુલ ૪૧ ટકા ભરાયો છે. હાલમાં વામા વુવન ફેબમાં ૧૦, શક્તિમાં ઝીરો અને ક્વૉન્ટોમાં ઝીરો પ્રીમિયમ છે.
અન્ય ભરણાંમાં બીજા દિવસના અંતે મેઇન બોર્ડની મણિકા પ્લાસ્ટેકનો બેના શૅરદીઠ ૪૩ના ભાવનો ૧૨૫ કરોડ પ્લસનો ઇશ્યુ કુલ આઠેક ગણો ભરાઈ ચૂક્યો છે. જ્યારે SME સેગમેન્ટમાં ઇન્જેક્ટો પૉલિમર્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૫૬ કરોડનો ઇશ્યુ કુલ ૭૪ ટકા તેમ જ સેન્ચ્યુરી બિઝનેસ મીડિયાનો ૧૦ના શૅરદીઠ ૭૪ના ભાવનો ૧૭ કરોડનો ઇશ્યુ કુલ દોઢ ગણો બીજા દિવસના અંતે ભરાયો છે. હાલ મણિકામાં ૪ રૂપિયા, ઇન્જેક્ટોમાં ઝીરો અને સેન્ચ્યુરીમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે.
કુલ પાંચ ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે પૂરાં થયા છે એમાં મેઇન બોર્ડ ખાતે વિગાલૅન્ડ ડેવલપર્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૨૧૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૦ ગણા સહિત કુલ ૧૪.૭ ગણો ભરાયો છે. પ્રીમિયમ ગગડીને ૭ ચાલે છે. SME સેગમેન્ટમાં રેક્સન ટ્રાન્સફૉર્મર્સનો શૅરદીઠ ૨૭૩ના ભાવનો ૧૫૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨૯ ગણા સહિત કુલ ૪૭ ગણો, ઓમ ગૅલૅક્સીનો પાંચના શૅરદીઠ ૯૦ના ભાવનો ૧૦૫ કરોડનો IPO રીટેલમાં ૬૨ ટકા સહિત કુલ બે ગણો, પંચત્વ ભારતનો ૧૦ના શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૨૪૫૮ લાખનો ઇશ્યુ રીટેલમાં ૨.૪ ગણા સહિત કુલ દોઢેક ગણો તથા મહારાજા ઍન્ડ સ્પીડેક્સનો શૅરદીઠ ૧૮૬ના ભાવનો ૮૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૯.૭ ગણા સહિત કુલ ૩૨.૪ ગણો ભરાયો છે. અત્યારે પંચત્વમાં ૨૧, ઓમ ગૅલૅક્સીમાં ઝીરો, મહારાજામાં ૧૮ અને રેક્સનમાં ૫૦ પ્રીમિયમ છે.
ગઈ કાલે સેન્સેક્સ ખાતે HCL ટેક્નૉલૉજી ૪ ટકા, ઇન્ફી ૩.૬ ટકા, ટેક મહિન્દ્ર ૨.૩ ટકા તો TCS ૨.૨ ટકા વધી ટૉપ ગેઇનરમાં મોખરે હતા. નિફ્ટી ખાતે ઉપરોક્ત ૪ પછી પાંચમા ક્રમે વિપ્રો ૧.૬ ટકા વધેલી હતી. HDFC બૅન્ક સવા ટકો વધી ૭૧૭ના બંધમાં બજારને ૧૧૬ પૉઇન્ટ ફળી છે. સામે ICICI બૅન્ક બે ટકા બગડતાં માર્કેટને ૧૬૪ પૉઇન્ટનો માર પડ્યો હતો. હેવી વેઇટ રિલાયન્સ ૧૨૩૬ની ૧૭ માસની બૉટમ બનાવી પોણાબે ટકા બગડી ૧૨૩૬ના બંધમાં ૧૨૫ પૉઇન્ટ નડી છે. ભારત ઇલેક્ટ્રિકલ્સ ૬ ટકાના ગાબડામાં ૩૮૧ બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર હતી. ઇન્ડિગો ૪ ટકા, ટાઇટન ૩ ટકા, બજાજ ફીનસર્વ ૩ ટકા, અદાણી પોર્ટ્સ ૩ ટકા, મહિન્દ્ર ૨.૯ ટકા, સ્ટેટ બૅન્ક પોણાત્રણ ટકા, ટ્રેન્ટ ૨.૬ ટકા, એશિયન પેઇન્ટ્સ અઢી ટકા, શ્રીરામ ફાઇનૅન્સ પોણાપાંચ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝીસ ૪.૩ ટકા, ગ્રાસિમ ૩.૪ ટકા, JSW સ્ટીલ ૨.૮ ટકા, HDFC લાઇફ ૨.૬ ટકા, અલ્ટ્રાટેક નિફ્ટીમાં પોણાત્રણ ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૪ ટકા ખરડાઈ છે. રિલાયન્સ ઉપરાંત ગઈ કાલે SBI લાઇફ ૧.૮ ટકા તથા તાતા કન્ઝ્યુમર અડધા ટકાના ઘટાડે બંધ રહી નવા ઐતિહાસિક તળિયે ગઈ છે.
લિસ્ટેડ થવાની ફરજમાંથી મુક્તિ મેળવવા તાતા સન્સે કરેલી અરજીને રિઝર્વ બૅન્કે રીજેક્ટ કરી છે. આથી એનો ઇશ્યુ આવશે અને એના લીધે વૅલ્યુ અન-લૉક્ટ થશે એવી ગણતરીમાં તાતા કેમિકલ્સ ૨૦ ટકા કે ૧૨૨ રૂપિયાની તેજીમાં ૭૩૪ વટાવી ગઈ છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ સવાદસ ટકા ઊછળી ૭૧૮ થઈ છે. શાપુરજી પાલનજી ગ્રુપ તાતા સન્સમાં ૧૮ ટકાથી વધુ હોલ્ડિંગ ધરાવે છે. ઇશ્યુ આવતાં એને પણ મોટી રોકડી થશે. એફકૉન્સ ઇન્ફ્રાનો શૅર ૧૯ ગણા વૉલ્યુમે ઉપર ૩૦૫ થઈ સાડાત્રણ ટકા વધી ૨૬૩ હતો. ફૉર્બ્સ ઍન્ડ કંપની ૧૯ ટકાની તેજીમાં ૩૭૮ થઈ છે. ગોલ્ડમૅન સાક્સે સોલર ઇન્ડસ્ટ્રીઝમાં ૨૬,૫૫૦ની અપગ્રેડ કરેલી ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ જારી કર્યો છે. શૅર ગઈ કાલે ૭ ગણા કામકાજે નીચામાં ૧૯,૧૧૫ થઈ પોણાચૌદ ટકા કે ૩૦૫૭ રૂપિયાની ખુવારીમાં ૧૯,૨૫૦ બંધ આવ્યો છે.
કન્સ્ટ્રક્શન કંપની GNG ઇન્ફ્રાટેક તકલાદી શેડ કન્સ્ટ્રક્શનના મામલે ભારે વિવાદમાં સપડાઈ છે. શૅર ગઈ કાલે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૪૦ બંધ થઈ લગભગ સવાછ વર્ષના તળિયે ગયો છે. શ્રી સિમેન્ટ ૨૧,૯૫૬ના વર્ષના તળિયે જઈ પોણાત્રણ ટકા કે ૬૩૩ની તિરાડમાં ૨૧,૯૫૬ બંધ હતો. ડિફેન્સ કંપની ડેટા પેટર્ન્સ પોણાદસ ટકા કે ૪૭૩ની ખરાબીમાં ૪૩૫૯ હતી. AIમાં સ્લો ડાઉનના વધતા પ્રેશરમાં નેટવેબ ટેક્નૉલૉઝીસ સવાઆઠ ટકા કે ૪૧૧ રૂપિયા ગગડી ૪૬૧૫ રહી છે.