17 April, 2026 09:07 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મધ્ય-ઢપૂર્વમાં પ્રવાહી પરિસ્થિતિ વચ્ચે યુદ્ધનો અંત નજીકમાં હોવાની વારતા ઘુંટાતી જાય છે. બ્રેન્ટક્રૂડ પોણાબે ટકા વધી ૯૬.૬૦ ડૉલરે આવી ગયું છે. સોનું અડધો ટકો વધી હાજરમાં ૪૮૧૬ ડૉલર તથા વાયદામાં ૪૮૪૬ ડૉલર રહ્યું છે. ચાંદી એક ટકા નજીક ઊંચકાઈ ૮૦ ડૉલર વટાવી ગઈ છે. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાકમાં ઉપરમાં ૭૫,૨૦૦ ડૉલર પાર થઈ રનિંગમાં ૭૪,૭૪૫ ડૉલર ચાલતો હતો. બહુમતી એશિયન બજાર ગુરુવારે સુધારામાં હતાં. જૅપનીઝ નિક્કી ૫૯,૬૫૯ની ઑલટાઇમ હાઈ બનાવી અઢી ટકા કે ૧૪૪૪ પૉઇન્ટ્સની મજબૂતીમાં ૫૯,૫૭૮ થયું છે. મતલબ કે જૅપનીઝ શૅરબજારે વૉરનો સમગ્ર ખાડો પૂરી નાખ્યો છે. તાઇવાન પણ ૩૭,૧૩૫ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી સવા ટકા જેવા સુધારામાં ૩૭,૧૩૨ બંધ રહેતાં એનું માર્કેટકૅપ ૪.૧૪ લાખ કરોડ ડૉલર થઈ ગયું છે. બ્રિટન ૪.૦૯ લાખ કરોડના માર્કેટકૅપ સાથે પાછળ પડી ગયું છે. સાઉથ કોરિયા સવાબે ટકા, હૉન્ગકૉન્ગ બે ટકા તથા ચાઇના પોણો ટકો પ્લસ હતાં. થાઇલૅન્ડ પોણો ટકો અને ઇન્ડોનેશિયા તથા સિંગાપોર નહીંવત્ નરમ થયાં છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધો ટકો સુધારો દર્શાવતું હતું. પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧,૭૦,૮૯૯ બતાવી રનિંગમાં ૧૧૭૮ પૉઇન્ટ્સ વધી ૧,૬૯,૫૯૮ ચાલતું હતું. ડૉલર સામે રૂપિયો ૧૨ પૈસા સુધરી ૯૨.૨૮ હતો.
ઘરઆંગણે સારી શરૂઆતમાં સેન્સેક્સ આગલા બંધથી ૫૬૫ પૉઇન્ટ્સ પ્લસ, ૭૮,૬૭૭ ખૂલી છેવટે ૧૨૨ પૉઇન્ટ્સની નરમાઈમાં ૭૭,૯૮૯ તથા નિફ્ટી ૩૪ પૉઇન્ટ્સની પીછેહઠમાં ૨૪,૧૯૭ બંધ થયા છે. બજાર ઉપરમાં ૭૮,૭૩૦ થયા બાદ ત્યાંથી ૧૦૫૫ પૉઇન્ટ્સ ખરડાઈ નીચામાં ૭૭,૬૭૫ થયું હતું. માર્કેટ બ્રેડથ મજબૂત રહેતાં NSEમાં વધેલા ૨૧૪૭ શૅર સામે ૧૦૮૯ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૩૦ લાખ કરોડ વધી ૪૬૦.૮૫ લાખ કરોડ જોવાયું છે. સેન્સેક્સ નિફ્ટીની નજીવી પીછેહઠ સામે મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા, આઇટી એક ટકો, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧.૬ ટકા વધ્યો છે. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી, એનર્જી, ઑઇલ-ગૅસ, ઑટો, ટેલિકૉમ જેવા સેક્ટોરલ નહીંવતથી સામાન્ય નરમ હતા.
મેટલ ઇન્ડેક્સ ૧૩માંથી ૧૦ શૅરના સથવારે ૪૨,૨૩૩ની ઑલટાઇમ હાઈ બતાવી દોઢ ટકો વધી ૪૧,૯૪૯ બંધ હતો. નિફ્ટી મેટલ પણ ૧૫માંથી ૧૩ શૅર પ્લસમાં આપી ૧૨,૮૧૬ના બેસ્ટ લેવલે જઈ દોઢ ટકો વધી ૧૨,૭૪૦ હતો. હિન્દાલ્કો ૧૦૪૯ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૨.૮ ટકા વધી ૧૦૪૦ બંધમાં નિફ્ટી ખાતે ઝળક્યો છે. વેદાન્ત ૭૮૮ નજીકની વિક્રમી સપાટી સર કરી સવાબે ટકા વધી ૩૮૩ રહેતાં એનું માર્કેટકૅપ ૩.૦૬ લાખ કરોડ થઈ ગયું છે. નાલ્કો ૪૩૭ની સૌથી ઊંચી સપાટીએ જઈ ૨.૪ ટકા વધી ૪૩૪ હતી. હિન્દુસ્તાન ઝિન્ક બે ટકા, સેઇલ ૨.૮ ટકા, તાતા સ્ટીલ ૦.૯ ટકા પ્લસ હતા. ઇન્ડસ્ટ્રિયલ મિનરલ્સ સેક્ટરમાં GMDC ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૭૪૭ના બેસ્ટ લેવલે જઈ ત્યાં જ બંધ હતી. આશાપુરા માઇનકેમ ૧૩.૫ ટકા ઊછળી ૬૧૫, ઓડિસા મિનરલ્સ ૧૪.૬ ટકાના જમ્પમાં ૪૩૫૬, ટ્વેન્ટી માઇક્રોન્સ ૭.૯ ટકા વધી ૧૮૨, MOIL ૫.૬ ટકા વધી ૩૨૬ બંધ થઈ છે. કુદ્રમુખ આયર્નઓર અર્થાત KIOCL ૪૧૪ નજીક જઈને ૭.૭ ટકા ઊંચકાઈ ૩૯૫ થઈ છે. વેલસ્પન કૉર્પ ૧૦૮૦ના શિખરે જઈ ૨.૨ ટકા વધી ૧૦૭૫ હતી. NMDC નહીંવત ઘટી ૮૭ રહી છે.
તાતા ગ્રુપની ૫૩.૫ ટકા માલિકીની સબસિડિયરી તેજસનેટ વર્ક્સ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં ૮૨.૬ ટકાના ઘટાડામાં ૩૩૩ કરોડની આવક ઉપર અગાઉની ૭૨ કરોડ સામે ૨૧૧ કરોડની નેટલૉસ દર્શાવાઈ છે. શૅર નીચામાં ૪૨૩ થઈ ચારેક ટકા ઘટી ૪૩૨ બંધ થયો છે. ભાવ વર્ષ પૂર્વે ૨૨ એપ્રિલ ૯૧૪ની ટોચે હતો. ICICI લૉમ્બાર્ડ દ્વારા સવાસાત ટકાના વધારામાં ૫૪૭ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૭નું ઇન્ટરિમ જાહેર થયું છે. ભાવ નીચામાં ૧૮૪૩ બતાવી ૧.૪ ટકા વધી ૧૮૮૫ હતો. HDFCની ૭૪.૨ ટકા માલિકીની HDB ફાઇનૅન્શિયલ સર્વિસીસનો ત્રિમાસિક નેટ નફો ૪૧.૪ ટકા વધી ૭૫૧ કરોડ તથા આવક ૧૩ ટકા વધી ૪૦૮૧ કરોડ થઇ છે. કંપનીએ શૅરદીઠ બે રૂપિયા આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૭૨૪ થઈ સાડાછ ટકા વધી ૬૮૭ હતો. કંપની ગત વર્ષે જૂનમાં ૧૦ના શૅરદીઠ ૭૪૦ના ભાવે કુલ ૧૨૫૦૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. ભાવ ત્રીજી જુલાઈએ ૮૯૧ના બેસ્ટ લેવલે ગયા બાદ તાજેતરમાં ૩૦ માર્ચે ૫૫૭ના ઑલટાઇમ તળિયે ગયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સે અગાઉના ૧૨૪૯ લાખ સામે ૮૪૩ લાખની આવક ઉપર ૩૨૨ લાખનો ફ્લૅટ નેટ નફો કરી શૅરદીઠ સાડાત્રણ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર નીચે ૭૯૫ થઈ ૧.૮ ટકા ઘટી ૭૯૬ બંધ થયો છે. લોટસ ચૉકલેટ દ્વારા ૯ ટકાના ઘટાડામાં ૧૩૮ લાખની આવક ઉપર ૧૪૪ લાખના નેટ પ્રૉફિટ સામે ૪૪૭ લાખની ચોખ્ખી ખોટ દર્શાવાઈ છે. શૅર નીચામાં ૭૧૨ થઈ સવાચાર ટકા તૂટી ૭૫૬ બંધ થયો છે. બૉમ્બે વાયર રૉપ્સની માર્ચ ક્વૉર્ટરની આવક ૪ લાખ નજીકથી વધીને ૧૩.૮૬ લાખ થઈ છે. ચોખ્ખી ખોટ ૬૫.૫ લાખથી ઘટીને સાડાચાર લાખ રહી છે. શૅર ઉપર ૫૩ થઈ ૪.૫ ટકા તૂટી ૪૯ બંધ હતો. ફેસવૅલ્યુ એકની છે. SPEL સેમી-કન્ટકટર્સે ૨૩૧ લાખ સામે ૧૧૭ લાખની આવક ઉપર ૪૮૨ લાખની સામે ૬૫૬ લાખની નેટ ત્રિમાસિક ખોટ કરી છે. શૅર નીચામાં ૧૫૭ બતાવી બે ટકા ઘટી ૧૫૯ થયો છે.
નિફ્ટી ખાતે હિન્દાલ્કો તથા અદાણી એન્ટરપ્રાઇઝીસ ૨.૮ ટકા ઊંચકાઈ વધવામાં મોખરે હતી. સેન્સેક્સમાં ટ્રેન્ટ ૨.૮ ટકા વધી ૪૦૮૯ થઈ છે. એટર્નલ અઢી ટકા, અદાણી પોર્ટ્સ સવાબે ટકા, ભારત ઇલેક્ટ્રિક પોણાબે ટકા, લાર્સન એક ટકો વધી છે. HDFC, ICICI બૅન્ક તથા યસ બૅન્કનાં રિઝલ્ટ શનિવારે છે. HDFC બૅન્ક પોણાબે ટકા ગગડી ૭૯૫ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની ૧૮૩ પૉઇન્ટ્સ નડી છે. ICICI બૅન્ક નહીંવત્, કોટક બૅન્ક પોણો ટકો, સ્ટેટ બૅન્ક ૦.૪ ટકા, ઍક્સિસ બૅન્ક ૦.૪ ટકા નરમ હતી. રિલાયન્સ ૮૦ પૈસાના પરચૂરણ ઘટાડે ૧૩૪૫ તો જિયો ફાઇનૅન્શિયલ અડધો ટકો ઘટી ૨૪૧ રહી છે. ONGC પોણાબે ટકા નજીકની નબળાઈમાં ૨૮૩ અને HDFC લાઇફ દોઢેક ટકો ઘટી ૬૩૧ બંધ થઈ છે. જ્યારે ટાઇટન દોઢ ટકો, મહિન્દ્ર એક ટકો, અપોલો હૉસ્પિટલ ૧.૨ ટકા, ગ્રાસીમ ૦.૯ ટકા માઇનસ હતા.
અદાણી ગ્રુપની અદાણી પાવર ૧૯૪ની નવી ઑલટાઇમ હાઈ બનાવી સવાપાંચ ટકાની આગેકૂચમાં ૧૯૩ વટાવી ગઈ છે. અદાણી એનર્જી પણ ૧૨૨૯ની નવી મલ્ટિયર ટૉપ દેખાડી ૪.૪ ટકા વધી ૧૨૨૨ થઈ છે. અદાણી ગ્રીન, અદાણી ટોટલ, NDTV બે-બે ટકા પ્લસ હતા. આઇટીમાં ઇન્ફોસિસ એક ટકો વધીને ૧૩૧૯ તો ટીસીએસ ૦.૯ ટકા વધી ૨૬૭૭ થઈ છે. HCL ટેક્નૉલૉજીઝ ૧૪૫૧ના લેવલે ફ્લૅટ અને ટેક મહિન્દ્ર અડધો ટકો સુધરી ૧૪૯૧ બંધ હતી. લાટિમ બે ટકા વધી છે. વિપ્રો પરિણામ પૂર્વે બમણાં કામકાજે ઉપરમાં ૨૧૩ અને નીચામાં ૨૦૮ થઈ નજીવા સુધારે ૨૧૦ બંધ રહી છે. બ્લુમબર્ગની એકંદર ધારણા ૨૪,૨૫૨ કરોડની આવક તથા ૩૪૨૬ કરોડના નેટ નફાની છે. બાયબૅકની સાઇઝ ૧૬,૦૦૦ કરોડ પ્લસની હશે, એમ મનાય છે.
આજે શુક્રવારે રાજકોટની મેહુલ ટેલિકૉમ ૧૦ના શૅરદીઠ ૯૮ની અપરબેન્ડમાં કુલ ૨૮ કરોડ રૂપિયાનો BSE SME ઇશ્યુ કરવાની છે. ઇશ્યુમાં QIB પોર્શન ૪૯.૯ ટકા તથા રિટેલ પોર્શન ૩૫.૦૮ ટકા છે. માર્કેટમેકર માટે એક કરોડ રૂપિયાના શૅરની ફાળવણી થશે. ૨૦૨૩માં સ્થપાયેલી આ કંપની મલ્ટિ-બ્રૅન્ડના મોબાઇલ તથા અન્ય ઇલેક્ટ્રૉનિક પ્રોડક્ટ વેચવાનું કામ કરે છે. આવકમાં ૯૭ ટકા પ્લસનો ફાળો મોબાઇલનો છે. કંપનીએ ગયા વર્ષે ૧૩ ટકા વધારામાં ૧૨૧ કરોડની આવક ઉપર ૧૭૬ ટકાના વૃદ્ધિદરથી ૬૦૪ લાખનો નેટ નફો બતાવી દીધો છે. ચાલુ વર્ષે પ્રથમ ૯ મહિનામાં આવક ૧૫૨ કરોડની અને ચોખ્ખો નફો ૭૦૭ લાખ દર્શાવ્યો છે. દેવું ગયા વર્ષાન્તે માત્ર ૭ લાખ હતું એ છેલ્લા ૯ મહિનામાં વધી ૩૭૨ લાખ થઈ ગયું છે. ૨૮ કરોડના ભરણામાંથી કંપની લગભગ ૨૩ કરોડ રૂપિયા વર્કિંગ કૅપિટલમાં વાપરવાની છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૭૬૨ લાખથી વધીને ૧૦૪૫ લાખ થશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા ૧૬ પૈસાની છે. કંપનીએ છેલ્લાં પોણાબે વર્ષમાં આવક તેમ જ ખાસ કરીને નફામાં જે જબ્બર વધારો બતાવ્યો છે એ હજમ થાય એવો નથી. ગ્રેમાર્કેટમાં કોઈ પ્રીમિયમ નથી. મેઇન બોર્ડમાં અમદાવાદની ઓમ પાવર ટ્રાન્સમીશન આજે લિસ્ટેડ થવાની છે. ગ્રેમાર્કેટમાં હાલ પ્રીમિયમ એક ચાલે છે. દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલી લખનઉની સેફ્ટી કન્ટ્રોલ્સ ઍન્ડ ડિવાઇસિસ ગઈ કાલે ઉપરમાં ૮૩ વટાવી એકાદ ટકો વધીને ૮૧ બંધ થયો છે. જયપુરની એમિઆક ટેક્નૉલૉજીઝ ૧૧૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નજીવી વધી ૧૦૮ થયો છે. નવી મુંબઈની વિવિડ ઇલેક્ટ્રોમેક ૩ ટકા વધી ૬૪૫ હતો. પાવરીકા લિમિટેડ ૪૩૮ની ઑલટાઇમ હાઈ બનાવી દોઢેક ટકો વધી ૪૨૮ તથા સાંઈ પૅરન્ટલ્સ ૪૭૫ની નવી ટોચે જઈ ૮.૫ ટકા વધી ૪૭૫ હતી. અમીરચંદ જગદીશકુમાર એક્સપોર્ટ્સ એક ટકો સુધરી ૧૨૬ રહ્યો છે.
સળંગ ૪ દિવસથી રોજેરોજ નવી ઑલટાઇમ હાઈ બનાવતી BSE લિમિટેડ ગઈ કાલે પણ ૩૪૬૦ની નવી વિક્રમી સપાટી હાંસલ કરી ૧.૭ ટકા વધી ૩૪૪૭ રહી છે. MCX પણ સર્વોચ્ચ સપાટીની હૅટ-ટ્રિકમાં ૨૯૦૩ વટાવી અડધો ટકો સુધરી ૨૮૬૫ હતી. એસ.જી. ફીનસર્વ દ્વારા ૯૪ ટકાના વધારામાં ૧૦૫ કરોડ પ્લસની આવક ઉપર ૭૮ ટકાના વૃદ્ધિદરથી ૪૨૪૭ લાખ નેટ નફો દર્શાવાતાં શૅર ૧૭ ગણા કામકાજે ૫૩૩ની સર્વોચ્ચ સપાટી બનાવી ૧૦.૮ ટકા ઊછળી ૫૧૪ બંધ થયો છે. ઍપ્ટસ વૅલ્યુ હાઉસિંગનાં રિઝલ્ટ છેક ૬ મેના રોજ છે, શૅર ૨૪૮ થઈ ૭.૫ ટકા વધી ત્યાં જ રહ્યા છે. રાણે હોલ્ડિંગ્સ ૪.૯ ટકા, રૅપ્કો હૉમ સાડાત્રણ ટકા, પૉલિસીબાઝાર ૫.૬ ટકા મજબૂત હતી. એન્જલવન પરિણામ પૂર્વે ઉપરમાં ૩૦૧ થઈ પોણાબે ટકા ઘટીને ૨૯૨ રહી છે.
ઘરઆંગણે પૅસેન્જર કારની બજારમાં મારુતિનો માર્કેટશૅર ગત વર્ષાન્તે ૩૯.૨૬ ટકાના ૧૩ વર્ષના તળિયે આવી ગયો હોવાના અહેવાલ વચ્ચે ભાવ સાધારણ સુધરીને ૧૩,૩૩૦ બંધ થયો છે. એનાં રિઝલ્ટ ૨૮મીએ આવશે. સામે હ્યુન્ડાઈ મોટર્સ ઉપરમાં ૧૮૬૮ થઇ ચાર ટકા ઊંચકાઈ ૧૮૫૪ હતી. HDFC ઍસેટ મૅનેજમેન્ટની આવક ૧૬.૫ ટકા વધી ૧૦૫૦ કરોડ તથા નેટ નફો અઢી ટકા ઘટી ૬૨૩ કરોડ થયો છે. શૅરદીઠ ૫૪ રૂપિયાનું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૭૨૫ વટાવી નજીવો ઘટી ૨૬૫૯ બંધ હતો.
સોનાટા સૉફ્ટવેર ૧૬ ગણા વૉલ્યુમે ૨૯૧ વટાવી દસ ટકાની તેજીમાં ૨૭૯ થઈ છે. ફર્સ્ટસૉર્સ સૉલ્યુશન્સ ૨૨ ગણા કામકાજે ૨૫૫ નજીક જઈ ૧૦.૮ ટકા ઊછળીને ૨૪૪ થઈ છે. શિપિંગ કૉર્પોરેશન ૨૯૪ની નવી ટૉપ હાંસલ કરી ૧૪.૨ ટકાની મજબૂતીમાં ૨૮૯ હતી. મહિન્દ્ર લાઇફ સ્પેસનાં પરિણામ ૨૮મીએ છે. શૅર નીચામાં ૩૨૩ થઈ ૪.૪ ટકા ગગડી ૩૨૮ થયો છે. બૅકટર્સ ફૂડ ૫.૪ ટકા તૂટી ૧૮૯ થઈ છે. ૬૩ મૂન્સ આગલા દિવસની આઠ ટકાની તેજી જાળવી રાખતાં ૫.૭ ટકાની આગેકૂચમાં ૬૫૦ થઈ છે.