02 June, 2026 09:01 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ડીલ અને શાંતિ-સમજૂતીનું ગાજર લટકતું રાખીને અમેરિકા તરફથી ઈરાન ઉપર નાના-મોટા હુમલા જારી છે. મામલો ક્યારે કેવો રંગ પકડશે એની કોઈને ખબર પડતી નથી. ૯૦ ડૉલરે પહોંચેલું બ્રેન્ટ ક્રૂડ ત્રણેક ટકા વધી હાલ ૯૪ ડૉલર નજીક પહોંચી ગયું છે. મિડ-મેમાં ૮૨,૦૦૦ ડૉલર થયેલો બિટકૉઇન ઘસાતો રહી અત્યારે ૭૨,૭૨૭ ડૉલર ચાલે છે. સોનું ૪૫૦૦ ડૉલર નીચે ગયું છે. અમેરિકન શૅરબજારનો ડાઉ ઇન્ડેક્સ શુક્રવારની રાત્રે ૫૧,૦૯૪ની ઑલટાઇમ હાઈ બનાવી પોણા ટકાના સુધારે ૫૧,૦૩૨ બંધ થયો છે. નાસ્ડેક પણ ૨૭,૦૯૫નું બેસ્ટ લેવલે હાંસલ કરી નજીવા સુધારે ૨૬,૯૭૨ રહ્યો હતો. એના પગલે એશિયન બજારો સોમવારે એકંદર મૂડમાં હતાં. નવા વિક્રમી શિખરની આગેકૂચ સામે સાઉથ કોરિયા સાડાત્રણ ટકા, તાઇવાન સવા ટકો, જપાન એક ટકો વધીને ગઈ કાલે બંધ થયાં છે. ઇન્ડોનેશિયા, સિંગાપોર તથા થાઇલૅન્ડ રજામાં હતાં. હૉન્ગકૉન્ગ ૦.૯ ટકા પ્લસ તો ચાઇના નહીંવત નરમ હતું. યુરોપ રનિંગમાં લગભગ ફ્લૅટ વલણમાં દેખાયું છે. ડૉલર સામે રૂપિયો ૯૫.૦૪ના આગલા બંધ સામે વધીને ૯૪.૭૨ થઈ ૯૫ આસપાસ રહ્યો છે.
ઘરઆંગણે શરૂઆત સારી હતી. સેન્સેક્સ આગલા બંધથી ૪૨૭ પૉઇન્ટ્સ પ્લસ, ૭૫,૨૦૩ ખૂલી છેવટે ૫૦૮ પૉઇન્ટ્સ ઘટી ૭૪,૨૬૭ તથા નિફ્ટી ૧૬૫ પૉઇન્ટ્સની નરમાઈમાં ૨૩,૨૮૨ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ ઉપરમાં સેન્સેક્સ ૭૫,૨૮૨ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ ઉપરમાં સેન્સેક્સ ૭૫,૩૬૮ તથા નીચામાં ૭૪,૨૦૪ થયો હતો. માર્કેટ બ્રેડ્થ નબળી હતી. NSEમાં વધેલા ૯૨૪ શૅરની સામે ૨૦૯૧ જાતો ઘટી છે. બજારના મોટા ભાગના ઇન્ડેક્સ માઇનસ હતા. આઇટી ઇન્ડેક્સ ૨.૪ ટકા કે ૬૭૩ પૉઇન્ટ્સ વધી સામા પ્રવાહે હતો. ટેલિકૉમ બેન્ચમાર્ક નવા શિખરે જઈ નજીવો ઘટ્યો છે. પાવર ઇન્ડેક્સ ૨.૯ ટકા, ઑટો ૧.૬ ટકા, યુટિલિટીઝ ૨.૧ ટકા, રિયલ્ટી બે ટકા, કૅપિટલ ગુડ્સ બે ટકા, FMCG બે ટકા, ફાઇનૅન્સ સવા ટકો, બૅન્ક નિફ્ટી ૧.૧ ટકા, PSU બૅન્ક નિફ્ટી ૧.૯ ટકા ડાઉન થઈ છે. મેટલ ઇન્ડેક્સ ૦.૯ ટકા વધ્યો હતો.
ઇન્ફોસિસ પોણાચાર ટકા વધી ૧૨૦૩ બંધમાં બજારને ૧૨૭ પૉઇન્ટ્સ ફળી છે. ટીસીએસ બે ટકા મજબૂત બની છે. ટેક મહિન્દ્રા ૩.૮ ટકા ઊંચકાઈ ૧૫૩૯ બંધમાં બન્ને બજારમાં ઝળકી હતી. કોલ ઇન્ડિયા સવાત્રણ ટકા, HCL ટેકનો ૦.૯ ટકા, ઇન્ડિગો એક ટકો, JSW સ્ટીલ ૧.૭ ટકા તથા તાતા સ્ટીલ પોણો ટકો વધી છે. હિન્દાલ્કો સવા ટકો વધી ૧૧૪૧ થઈ છે. ઘટવામાં NTPC ૨.૨ ટકા, કોટક બૅન્ક બે ટકા, હિન્દુસ્તાન યુનિલીવર પોણાત્રણ ટકા, તાતા કન્ઝ્યુમર ૩.૧ ટકા, મહિન્દ્ર ૨.૧ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ અઢી ટકા, અલ્ટ્રાટેક પોણાબે ટકાની નબળાઈ સાથે મોખરે હતા. ITC ૨૭૮ની લગભગ ૪ વર્ષની નવી બૉટમ બનાવી અઢી ટકા ગગડી ૨૮૦ રહી છે. મેક્સ હેલ્થકૅર પોણાત્રણ ટકા બગડી ૯૩૮ હતી. રિલાયન્સ ઉપરમાં ૧૩૩૫ થઈ ૧૩૨૦ના લેવલે યથાવત રહી છે. જિયો ફાઇનૅન્સ ૧.૭ ટકા ડાઉન હતી. બજારનું માર્કેટકૅપ ૨.૨૩ લાખ કરોડ ઘટીને ગઈ કાલે ૪૬૨.૭૫ લાખ કરોડ થયું છે.
હૅપીએસ્ટ માઇન્ડ્સની આવક ૧૧ ટકા જેવી વધીને ૬૦૪ કરોડ થઈ છે, ચોખ્ખો નફો ૮૦ ટકા નજીકના ઉછાળામાં ૬૧૧૭ લાખ નોંધાયો છે. શૅર ગઈ કાલે ઉપર ૩૮૮ થઈ ૧.૬ ટકા વધીને ૩૭૯ બંધ હતો. આઇનોક્સ ગ્રીન એનર્જીની આવક ૪૦ ટકાના વધારામાં ૧૧૯ કરોડ વટાવી ગઈ છે, ચોખ્ખો નફો ૩૪૦ ટકાના ઉછાળામાં ૨૮૩૫ લાખ થયો છે. શૅર ઉપરમાં ૧૭૪ બતાવી દોઢ ટકો ઘટીને ૧૭૦ બંધ થયો છે. લિન્ડે ઇન્ડિયા તરફથી પોણાબે ટકાના વધારામાં ૬૦૦ કરોડની આવક ઉપર ૩૫.૫ ટકાના ઘટાડે ૭૭.૪૦ લાખ નેટ નફો મેળવી શૅરદીઠ આઠનું ડિવિડન્ડ જાહેર થયું છે. ભાવ ગઈ કાલે નીચામાં ૬૮૦૦ થઈ ૪.૧ ટકા ગગડી ૬૯૦૬ રહ્યો છે.
ઝાયડ્સ લાઇફ સાયન્સિસમાં એકના શૅરદીઠ ૧૧૫૦ના ભાવે બાયબૅક પ્રાઇસ વધારીને ૧૨૬૦ કરાઈ છે. બાયબૅક ૪ જૂનથી શરૂ થશે. શૅર ગઈ કાલે ઉપર ૧૧૦૯ થઈ એકાદ ટકા સુધરી ૧૦૮૭ બંધ થયો છે. તિલકનગર ઇન્ડસ્ટ્રીઝની આવક ૩૮૪ કરોડ સામે બમણાથીય વધુ વધીને ૯૫૦ કરોડ થઈ છે, પરંતુ ડિફર્ડ કોસ્ટના ઍડ્જસ્ટમેન્ટને લઈ કંપની ૭૭૩૫ લાખના નફામાંથી ૧૪૯૧ લાખની ત્રિમાસિક ખોટમાં આવી ગઈ છે. શૅર નીચામાં ૪૨૫ થઈ પોણાપાંચ ટકા ખરડાઈ ૪૩૪ બંધ થયો છે. રુબીકૉન રિસર્ચની આવક ૪૩ ટકા વધી ૫૧૪ કરોડ તથા નેટ પ્રૉફિટ ૩૬ કરોડ સામે ૭૭ કરોડ નજીક આવતાં ભાવ ૧૨૦૫ના બેસ્ટ લેવલે જઈ સવાસોળ ટકાની તેજીમાં ૧૧૬૭ બંધ રહ્યો છે. PTC ઇન્ડસ્ટ્રીઝે ૮૭ ટકા વધારામાં ૨૨૫ કરોડ આવક ઉપર ૧૪૩ ટકા વૃદ્ધિદરથી ૬૦ કરોડ ચોખ્ખો નફો કરતાં ભાવ ૧૯,૧૯૦ થઈ ૧૫ ટકા કે ૨૪૩૩ રૂપિયાના ઉછાળે ૧૮,૪૮૯ બંધ આવ્યો છે. MR મણિવેલી ફૂડ્સ શૅરદીઠ બાવનની ઇશ્યુ પ્રાઇસ સામે ૪૨.૫૫ ખૂલી ૪૦.૬૫ બંધ થતાં ૨૧.૮ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે.
પતંજલિ ફૂડ્સની ત્રિમાસિક આવક સવાસત્તર ટકા વધી ૧૧,૧૫૬ કરોડ થઈ છે, નેટ નફો ૪૬ ટકા વધી ૫૨૪ કરોડ નોંધાયો છે. ગ્રોસ માર્જિન જોકે દોઢેક ટકો ઘટી ચાર ટકા રહ્યું છે. શૅર ઉપરમાં ૪૬૧ બતાવી દોઢ ટકો ઘટી ૪૫૦ બંધ થયો છે. અહલુવાલિયા કૉન્ટ્રૅક્ટસની આવક પોણાનવ ટકા વધી ૧૩૨૨ કરોડ થઈ છે, નફો દોઢ ટકાના ઘટાડામાં ૮૨ કરોડ આવ્યો છે. ભાવ ઉપર ૭૯૬ થઈ ૩.૩ ટકા ઘટીને ૭૬૧ હતો. ફીએમ ઇન્ડસ્ટ્રમે સાડાસતર ટકા વધારામાં ૭૫૧ કરોડની આવક ઉપર ૨૦.૭ ટકાના વૃદ્ધિદરથી ૭૧ કરોડ નફો કરી શૅરદીઠ ૪૦નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ઉપર ૨૨૯૯ બતાવી દોઢ ટકા ઘટીને ૨૨૧૦ થયો છે. જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝે પોણાદસ ટકા વધારામાં ૧૭૪૫ કરોડની આવક મેળવી છે, પરંતુ ચોખ્ખો નફો ૭૧.૭ ટકા ગગડી ૨૧૪૦ લાખ થયો છે. શૅર ઉપરમાં ૭૫ થઈ સામાન્ય સુધારામાં ૭૨ બંધ આવ્યો છે.
જ્યુપિટર વૅગન્સની માર્ચ ક્વૉર્ટરની આવક ૨૫.૩ ટકા ઘટી ૭૮૦ કરોડ થઈ છે, નેટ નફો ૭૨ ટકાના ધોવાણમાં ૨૮૮૦ લાખ નોંધાયો છે. ભાવ નીચામાં ૨૭૨ બતાવી છ ટકા તૂટી ૨૭૪ થયો છે. ગુજરાત ગૅસની ત્રિમાસિક આવક ૯.૨ ટકા ઘટી ૬૦૬૧ કરોડ નજીક ગઈ છે. નેટ પ્રૉફિટ ૧૩૬ કરોડ થયો છે, અગાઉના માર્ચમાં કંપનીએ કોન્સોલિડેશન ધોરણે ૮૦ કરોડની નેટ લૉસ કરી હતી. શૅરદીઠ ૮.૯૦ કે ૪૪૫ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ઉપરમાં ૪૦૩ થઈ એક ટકો ઘટી ૩૯૮ હતો. MMTCની આવક ૩૨ ટકા ઘટી ૩૦ કરોડ થઈ છે. ૯૬ કરોડના વન-ટાઇમ ગેઇનમાં નફો સવાબે કરોડથી ઊછળી ૧૨૬ કરોડ નોંધાયો છે. શૅર ઉપર ૬૫.૫૦ થઈ બે ટકા ઘટીને ૬૩ બંધ થયો છે.
અગાઉ DB રિયલ્ટી તરીકે ઓળખાતી વેલોર એસ્ટેટની આવક ૮૩.૮ ટકા ગગડી ૮૭ કરોડ નીચે ગઈ છે. કંપનીની નેટ લૉસ ૨૪૦ લાખથી વધીને ૫૮૩૦ લાખે પહોંચી છે. શૅર નીચામાં ૧૧૪ થઈ સવાચાર ટકા ગગડી ૧૧૫ બંધ થયો છે. ટેસ્ટીબાઇટ ઇટેબલ્સની આવક ૧૨ ટકા ઘટીને ૧૧૮ કરોડ તથા ચોખ્ખો નફો ત્રણ ટકા ઘટી ૬ કરોડ આવ્યો છે. ભાવ નીચે ૭૨૧૧ થઈ સવાપાંચ ટકા તૂટી ૭૨૧૫ થયો છે. આઇટી કંપની જેનેસિસ ઇન્ટરનૅશનલે ૧૦.૭ ટકા વધારામાં ૧૦૪ કરોડની આવક ઉપર ૩૪.૭ ટકાના ઘટાડામાં ૧૨૪૦ લાખ ચોખ્ખો નફો બતાવ્યો છે. શૅર ઉપરમાં ૨૬૯ થઈને અઢી ટકા ઘટી ૨૫૫ રહ્યો છે. ઇન્ડિયન રીન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી અર્થાત ઇરેડા લિમિટેડની આવક ૧૩.૯ ટકા વધી ૨૧૮૧ કરોડ થઈ છે, નેટ પ્રૉફિટ પોણાબે ટકા ઘટીને ૩૯૨ કરોડ નોંધાયો છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૨૫ થઈ ૫.૯ ટકા ગગડી ૧૨૬ રહ્યો છે.
એશિયન પેઇન્ટ્સની માર્ચ ક્વૉર્ટરની આવક ૧૦.૮ ટકા વધીને ૯૨૨૮ કરોડ થઈ છે, ચોખ્ખો નફો ૬૯ ટકાના વધારામાં ૧૧૭૨ કરોડ નોંધાયો છે. શૅરદીઠ ૨૩નું આખરી ડિવિડન્ડ જાહેર કરાયું છે. ભાવ ગઈ કાલે ઉપર ૨૭૭૮ થઈ દોઢ ટકો ઘટી ૨૬૩૧ બંધ આવ્યો છે. ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશને નહીંવત વધારામાં ૨૨,૪૩૮ કરોડની ત્રિમાસિક આવક ઉપર ૩૦૬૮ કરોડના નેટ પ્રૉફિટ સામે આ વખતે ૨૫૩૬ કરોડની તગડી ખોટ કરી છે. ૨૦૨૫/૨૬ના સમગ્ર વર્ષમાં કંપની ૭૨૫૮ કરોડના નફામાંથી ૨૩૯૩ કરોડની નેટ લૉસમાં રહી છે. શૅર ગઈ કાલે ઉપર ૪૬૩૩ થઈ એક ટકો વધી ૪૪૫૧ બંધ થયો છે. ૧૮ ઑગસ્ટે શૅર ૬૨૨૫ના બેસ્ટ લેવલે ગયો હતો.
મેઇનબોર્ડમાં એક મહિનાથીય વધુ સમયથી ચાલતો IPOનો દુકાળ બુધવારે પૂરો થશે. હરિયાણાના ફરીદાબાદ ખાતેની CMR ગ્રીન ટેક્નૉલૉજીસ બેના શૅરદીઠ ૧૯૨ની અપરબૅન્ડમાં ૬૩૧ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ત્રીજી જૂને કરવાની છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા તથા રિટેલ પોર્શન ૩૫ ટકા છે. ૨૦૦૬માં સ્થપાયેલી આ કંપની નૉન-ફેરસ મેટલમાં રિસાઇક્લિંગ કરે છે. મુખ્યત્વે ઍલ્યુમિનિયમ તથા ઝિન્ક ડાઈ કાસ્કીંગ એલોયઝ બનાવે છે. ૨૦૨૪/૨૫ના વર્ષે ૧૪ ટકા વધારામાં ૬૬૯૭ કરોડ નજીકની આવક ઉપર કંપનીએ ૧૫૫ કરોડ નેટ નફો કર્યો છે. અગાઉના વર્ષે ૮૩૮ કરોડની ભારે નેટ લૉસ કરી હતી. ગત વર્ષના પ્રથમ ૯ માસમાં આવક ૬૨૯૧ કરોડ તથા નફો ૧૬૨ કરોડ થયો છે. દેવું છેલ્લાં પોણાબે વર્ષમાં ૪૯૮ કરોડથી જબ્બર વધી ૧૩૦૩ કરોડ વટાવી ગયું છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર નહીંવતથી લઈ શૅરદીઠ આઠ પૈસાની છે. ઑફર ફૉર સેલમાંથી મોટું ભંડોળ તેમના ઘરમાં જવાનું છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ ૨૪થી શરૂ થયા બાદ ઉપરમાં ૭૮ થઈ હાલ ત્યાં જ ચાલે છે.
દરમ્યાન ગઈ કાલે SME સેગમેન્ટમાં પ્રથમ દિવસે હૈદરાબાદની મેરીટ્રોનિક્સ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૧૪૯ની અપરબૅન્ડ સાથે ૭૦ કરોડનો BSE SME ઇશ્યુ રિટેલમાં બાવીસ ગણા સહિત કુલ ૧૫ ગણો ભરાયો છે. રાજકોટની લિઓટેક ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૩૨૧ની મારફાડ ઇશ્યુ પ્રાઇસ સાથે કુલ ૩૬ કરોડનો BSE SME ઇશ્યુ અકળ કારણસર મોકૂફ રહ્યો છે. મુંબઈના નરીમાન પૉઇન્ટ્સની ઓરીએટ ટ્રેડનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૨૭ કરોડનો BSE SME IPO આજે બંધ થવાનો છે. એ અત્યાર સુધીમાં કુલ ૭૫ ટકા ભરાયો છે. એમાં પ્રીમિયમ યથાવત, હાલ ૧૩નું છે. મેરીટ્રોનિક્સમાં પ્રીમિયમ સહેજ ઘટી ૮૭ થયું છે.