25 February, 2025 07:42 AM IST | Mumbai | Anil Patel
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પોણાબે મહિનામાં FIIની સવા લાખ કરોડ રૂપિયાની નેટ વેચવાલી : રોકડાનું ટર્નઓવર સવા વર્ષના અને F&Oનું વૉલ્યુમ બે વર્ષના તળિયે : બજારમાં તેજી આવશે ત્યારે આવશે, પરંતુ એ પહેલાં ખરાબી અવશ્ય વધશે : સ્ટેટ બૅન્ક, તાતા મોટર્સ, અદાણી ગ્રીન, તાતા ઍલેક્સી સહિત ૨૮૩ જાતોમાં નવાં નીચાં બૉટમ : બ્લૅકસ્ટોનની એક્ઝિટના પગલે EPL લિમિટેડ ગગડ્યો, લૉક-ઇન પૂરો થયાની વેચવાલીમાં NTPC ગ્રીનમાં ઑલટાઇમ બૉટમ : નામમાં સેમિકન્ડક્ટર આવતાં થાણેની RRP સેમિકન્ડક્ટર સાડાદસ મહિનામાં ૨૫૬૬ ટકા વધી ગઈ
બજાર ખરાબે ચડેલું છે ત્યારે ડિસેમ્બર ક્વૉર્ટરનો GDP ગ્રોથ સપ્ટેમ્બર ક્વૉર્ટરના ૫.૪ ટકાના મુકાબલે સારો, ૬.૩થી ૬.૬ ટકા જેવો આવવાના વરતારા વહેતા થયા છે. કેટલાક કહે છે. બજાર ઓવર સોલ્ડ છે, રિલીફ રૅલી માટે તૈયાર રહો. મતલબ કે બજાર ટૂંકમાં વધવા માંડશે. એકાદ વીક પહેલાં ૧૮ ફેબ્રુઆરીએ FIIએ ૪૭૮૬ કરોડની નેટ લેવાલી કરી ત્યારેય કેટલાક ખુશખુશાલ થઈ ગયા હતા. બહુ વેચ્યું, FIIએ હવે તો લેણ કરવું જ પડશેને. ‘આયેંગે, મેરે કરન અર્જુન આયેંગે’વાળી જમાત ગમે એ માનતી હોય, પણ બજાર જરાય માનતું નથી. લગભગ રોજેરોજ ખુવારી વધી રહી છે. મિડ સપ્ટેમ્બરમાં સેન્સેક્સ ટૂંકમાં લાખેણો થવાની વાતો માંડનારા આજે શોધ્યાય જડતા નથી. બજારમાં વધતી ખરાબી સાથે વૅલ્યુ અને વૉલ્યુમ સાફ થતાં જાય છે. કૅશ માર્કેટનું ટર્નઓવર એક લાખ કરોડની નીચે, સવા વર્ષના તળિયે આવી ગયું છે. ડેરિવેટિવ્ઝ કે F&Oમાં વૉલ્યુમ બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું છે. જાન્યુઆરીમાં ૮૭,૩૭૪ કરોડની રોકડી કરનારી FIIએ ૨૧ ફેબ્રુઆરી સુધીમાં બીજા ૩૬,૯૭૭ કરોડ ઘરભેગા કર્યા છે. મતલબ કે ચાલુ કૅલેન્ડર વર્ષના પોણાબે મહિનામાં લગભગ સવા લાખ કરોડ રૂપિયાનું નેટ સેલિંગ થયું.
અમે એવું નથી કહેતા કે હવે તેજી ક્યારેય નહીં આવે. બજાર છે, તેજી-મંદીની ઘટમાળ ચાલુ રહેશે. સેન્સેક્સ એક લાખ નહીં, બે-પાંચ લાખનોય થશે. ક્યારે એની ખબર નથી. અમને હાલ એટલી જ ખબર છે કે તેજી આવશે ત્યારે આવશે, પરંતુ એ પહેલાં બજાર વધુ બગડવાનું છે. ખરાબી કે ખુવારી આગળ વધવાના છે. ઓબેસિટી સ્થૂળતાની સમસ્યા વિશે જાગૃતિ આણવા નરેન્દ્ર મોદીએ સુધા મૂર્તિ, આનંદ મહિન્દ્ર, નંદન નિલેકણી જેવી ૧૦ જાણીતી હસ્તીની નિમણૂક કરી છે એ બહુ સૂચક છે બજારને બહુ ચરબી ચડી હતી. આ વધુ પડતી ચરબી નીકળશે નહીં ત્યાં સુધી તેજી આવવાની નથી. જોકે પેલી ૧૦ હસ્તી તમને આ વાત નહીં કરે એની અમને ખબર છે.
નવું સપ્તાહ ૪ દિવસનું છે. બુધવારે મહાશિવરાત્રિની રજા છે ત્યારે સપ્તાહનો આરંભ મિની શૅર તાંડવથી થયો છે. સેન્સેક્સ સોમવારે ૮૫૭ પૉઇન્ટ ગગડી ૭૪,૪૫૪ તથા નિફ્ટી ૨૪૨ પૉઇન્ટ બગડી ૨૨,૫૫૩ બંધ થયો છે. આ સળંગ ૫મા દિવસની નરમાઈ છે. બજાર આગલા બંધથી ૪૧૮ પૉઇન્ટ નીચે, ૭૪,૮૯૩ ખૂલી ઉપરમાં ૭૪,૯૦૭ થઈ ૭૪,૩૮૭ની ઇન્ટ્રા-ડે બૉટમે ગયું હતું. નિફ્ટી નીચામાં ૨૨,૫૧૯ થયો હતો. આરંભથી અંત સુધી ખરડાયેલા રહેલા માર્કેટમાં જૂજ અપવાદ સિવાય તમામ સેક્ટોરલ લાલ થયા છે. સેન્સેક્સ અને નિફ્ટીની એક ટકા કરતાં વધુની નબળાઈ સામે આઇટી બેન્ચમાર્ક અઢી ટકા કે ૧૦૩૫ પૉઇન્ટ, ટેલિકૉમ ઇન્ડેક્સ સવાબે ટકા, ટેક્નૉલૉજી અઢી ટકા, મેટલ બેન્ચમાર્ક સવાબે ટકા નજીક સાફ થયો છે. પાવર યુટિલિટીઝ ઑઇલ-ગૅસ એનર્જી, કૅપિટલ ગુડ્સ, સ્મૉલકૅપ, બ્રૉડર માર્કેટ એકથી સવા ટકાની આસપાસ ડાઉન હતું. પીએસયુ બેન્ચમાર્ક પણ સવા ટકો ઘટ્યો છે. જોકે એના ૬૩માંથી ૫૩ શૅર માઇનસ હતા અને લગભગ આવી જ સ્થિતિ દરેક સેક્ટોરલમાં જોવાઈ છે જેમ કે બૅન્ક નિફ્ટી ૦.૭ ટકા નરમ હતો, પણ એના ૧૨માંથી ૯ શૅર અને સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૩૨ શૅર ઢીલા હતા. ઑટો બેન્ચમાર્ક ૧૮માંથી ૧૨ શૅરની બૂરાઈ વચ્ચે ૧૦૪ પૉઇન્ટ સુધર્યો છે. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૫૧માંથી ૧૨૦ શૅરના ઘટાડા સામે પોણો ટકો નરમ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅર ઘટવા છતાં કેવળ ૦.૩ ટકા ઘટ્યો છે. સાર્વત્રિક વેચવાલીને લઈ માર્કેટ બ્રેડ્થ બગડેલી હતી. NSE ખાતે વધેલા ૭૬૭ શૅર સામે ૨૧૦૮ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૪.૦૮ લાખ કરોડની ખરાબીમાં ૩૯૭.૯૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
આઇટીમાં વ્યાપક ખરાબી, ૬૩ મૂન્સ તેજીની સર્કિટે બંધ
શુક્રવારે ૭ મહિનાના મોટા કડાકા સાથે ૬ ટકા કે ૧૭૨ રૂપિયા લથડી બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બનેલો મહિન્દ્ર ગઈ કાલે દોઢ ટકા સુધરી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. ડૉ. રેડ્ડીઝ લૅબ તથા આઇશર એકાદ ટકો પ્લસ હતા. હીરો મોટોકૉર્પ અને કોટક મહિન્દ્ર બૅન્ક અડધો ટકો વધ્યા છે. ટ્રમ્પના ટૅરિફના તોફાનથી આઇટીમાં હાલત નબળી થવા માંડી છે. સેન્સેક્સમાં HCL ટેક્નૉ ૩.૩ ટકા અને નિફ્ટીમાં વિપ્રો ૩.૭ ટકા ખરડાઈ ટૉપ લૂઝર હતા. ઇન્ફોસિસ પોણાત્રણ ટકા બગડી ૧૭૬૪ના બંધમાં બજારને ૧૬૦ પૉઇન્ટ તો ટીસીએસ ત્રણ ટકા કપાઈ ૩૬૭૧ના બંધમાં ૧૦૦ પૉઇન્ટ નડી છે. ટેક મહિન્દ્ર અઢી ટકા, લાર્સન ટેક્નૉલૉજીઝ અને લાટિમ પોણાપાંચ ટકા, ક્વીક હીલ સાડાપાંચ ટકા, માસ્ટેક પોણાચાર ટકા, એમ્ફાસિસ ત્રણ ટકા, નેલ્કો તથા નેટવેબ સાડાત્રણ ટકા ડાઉન હતા. આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૪૭ શૅરના ઘટાડે ૧૦૩૫ પૉઇન્ટ કે અઢી ટકા કપાયો છે. ૬૩ મૂન્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૭૧૯ નજીક બંધ થયો છે, જ્યારે હેપીએસ્ટ માઇન્ડ સાડાછ ટકા ઊચકાઈ ૭૧૬ વટાવી ગયો છે.
મેઇન બેન્ચમાર્ક ખાતે ઘટનારી અન્ય જાતોમાં ઝોમાટો સવાત્રણ ટકા, ભારતી ઍરટેલ સવાબે ટકા, તાતા સ્ટીલ બે ટકા, લાર્સન તથા NTPC પોણાબે ટકા, ONGC સવાબે ટકા, હિન્દાલ્કો પોણાબે ટકા, JSW સ્ટીલ તથા ગ્રાસીમ દોઢ-દોઢ ટકો, કોલ ઇન્ડિયા ૧.૪ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક અને અદાણી પોર્ટ્સ સવા ટકા જેવા ડાઉન હતા.
રિલાયન્સ એક ટકાથી વધુના ઘટાડે ૧૨૧૫ નીચે રહ્યો છે. જિયો ફાઇનૅન્સ સવાબે ટકા માઇનસ હતો. HDFC બૅન્ક એક ટકા નજીકના ઘટાડે બજારને ૧૦૩ પૉઇન્ટ નડ્યો છે. ICICI બૅન્ક એક ટકો ઢીલી થઈ છે. સ્વિગી સવા ટકાના સુધારે ૩૬૫ બંધ આવ્યો છે. ઓલા ઇલેક્ટ્રિક પોણાબે ટકા ઘટી છે.
થાણેની RRP સેમિકન્ડકટર ૧૦ મહિનામાં ૧૫થી વધી ૪૦૦ રૂપિયે
ઈપીએલ લિમિટેડમાં પેરન્ટ્સ બ્લૅકસ્ટૉન તરફથી શૅરદીઠ ૨૪૦ના ભાવે ૨૪.૯ ટકા હિસ્સો નેધરલૅન્ડ્સને વેચવામાં આવતાં EPLનો શૅર નવ ટકાથી વધુ ગગડી ૨૧૬ બંધ થયો છે. અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી ફંડ કેકેઆર દ્વારા HCG અર્થાત હેલ્થકૅર ગ્લોબલ એન્ટરપ્રાઇઝનો ૫૪ ટકા હિસ્સો શૅરદીઠ ૪૫૫ના ભાવે ૩૪૬૫ કરોડમાં હસ્તગત કરાયો છે. હવે ઓપન ઑફર આવશે. HCGનો શૅર ગઈ કાલે ઉપરમાં ૫૩૫ થઈ સવાબે ટકા વધી ૫૧૧ બંધ થયો છે. NTPC ગ્રીનમાં લૉક-ઇન પિરિયડ પૂરો થતાં આવેલી વેચવાલીના પગલે ભાવ પાંચ ગણા કામકાજમાં ૯૬ના ઑલટાઇમ તળિયે જઈ પોણાસાત ટકા તૂટી ૯૮ ઉપર બંધ થયો છે.
સ્ટેટ બૅન્ક ૭૧૧ નીચે વર્ષની બૉટમ બનાવી પોણો ટકો ઘટી ૭૧૬ રહ્યો છે. ત્રીજી જૂને ભાવ ૯૧૨ની ટોચે હતો. અદાણી ગ્રુપની અદાણી ગ્રીન ૮૧૮ના ઐતિહાસિક તળિયે જઈ દોઢ ટકો ઘટી ૯૩૫ બંધ આવ્યો છે. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી એન્ટર એક ટકો, અદાણી પાવર પોણાબે ટકા, અદાણી ટોટલ સવા ટકો, NDTV બે ટકા નજીક, એસીસી સવા ટકો, અંબુજા સિમેન્ટ્સ અઢી ટકાની નજીક ડાઉન હતા. સાંધી ઇન્ડસ્ટ્રીઝ ૫૩ નીચે નવી મલ્ટિયર બૉટમ બનાવી દોઢેક ટકો ઘટી ૫૨.૮૮ રહ્યો છે. નાટકો ફાર્મા ૭૭૬ના નવા તળિયે જઈ બાઉન્સબૅકમાં ત્રણ ટકા વધી ૮૨૨ હતો. આર.ઝેડ. ઘરાનાની સ્ટાર હેલ્થ ૩૭૦ અંદર ઑલટાઇમ બૉટમ દેખાડી અઢી ટકાના ઘટાડે ૩૭૪ હતો. તાતા મોટર્સ ૬૬૬ની દોઢ વર્ષની નીચી સપાટી બનાવી પોણો ટકો ઘટી ૬૬૮ થયો છે. ૩૦ જુલાઈએ ભાવ ૧૧૭૯ના શિખરે હતો. તાતા કમ્યુનિકેશન્સ અને તાતા ઍલેક્સીમાંય નવા નીચા ભાવ જોવાયા છે.
સેમિકન્ડક્ટર્સની ઘેલછામાં આરઆરપી સેમિકન્ડક્ટર્સ ૪૦૦ નજીક ઑલટાઇમ હાઈ થઈ બે ટકાની ઉપલી સર્કિટમાં ત્યાંજ બંધ રહ્યો છે. મુંબઈના થાણે ખાતેની આ કંપનીનો શૅર બીજી એપ્રિલે ૧૫ના ઑલટાઇમ તળિયે હતો. શૅરની ફેસવૅલ્યુ ૧૦ની છે, સામે બુકવૅલ્યુ સાડાઆઠ રૂપિયા પણ નથી. હમણાં સુધી ઝીરો રેવન્યુ ધરાવતી આ કંપનીએ ગત વર્ષે ૩૮ લાખની આવક પર બે લાખની ચોખ્ખી ખોટ કરી છે. છેલ્લાં પાંચ વર્ષની કુલ ચોખ્ખી ખોટ ૨૯ લાખ રૂપિયાની છે માટે જ ફેસવૅલ્યુ કરતાં બુકવૅલ્યુ નીચી છે. આવી કંપનીનું માર્કેટકૅપ આજની તારીખે ૫૪૫ કરોડ રૂપિયાનું છે. કંપનીનું જૂનું નામ જીડી ટ્રેડિંગ ઍન્ડ એજન્સી હતું. કંપનીમાં પ્રમોટર ઇરા મિશ્રા અને સુમિતા મિશ્રા છે. તેમની પાસે ફક્ત ૧.૨૮ ટકા માલ છે, જ્યારે ૯૮.૭૨ ટકાના પબ્લિક હોલ્ડિંગમાંથી ૧૩ હાઈ નેટવર્ક ઇન્વેસ્ટર્સ પાસે ૯૩.૯ ટકા શૅર છે. કંપનીએ એનું નામ જુલાઈ ૨૦૨૪માં બદલ્યું હતું.
ક્વૉલિટી પાવરમાં નવ ટકા જેવી લિસ્ટિંગ લૉસ મળી
ન્યુક્લીઅસ ઑફિસ સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૨૩૪ના ભાવનો ૩૧૭૦ લાખનો SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૪૨ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં કામકાજ નથી. ગાંધીનગર, ગુજરાતની બિઝાસણ એક્સ્પ્લોટેક્નૉ શૅરદીઠ ૧૭૫ના ભાવનો આશરે ૬૦ કરોડનો SME ઇશ્યુ આજે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં ૮૪ ટકા પાર પડ્યું છે. પ્રીમિયમ ૪ રૂપિયા સંભળાય છે. સ્વસ્થ ફૂડટેકનો ૯૪ના ભાવનો ૧૪૯૨ લાખનો ઇશ્યુ કુલ ૭.૮ ગણા તથા એચપી ટેલિકૉમનો શૅરદીઠ ૧૦૮ના ભાવનો ૧૨ કરોડનો ઇશ્યુ ૧.૯ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમના સોદા નથી. સાંગલીની ક્વૉલિટી પાવરનો ૧૦ના શૅરદીઠ ૪૨૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ૪૩૨ ખૂલી નીચામાં ૩૮૨ બતાવી ૩૮૭ બંધ થતાં એમાં નવ ટકા જેવી લિસ્ટિંગ લૉસ મળી છે. જ્યારે SME કંપની તેજસ કાર્ગો શૅરદીઠ ૧૬૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૭૫ ખૂલી નીચલી સર્કિટમાં ૧૬૮ બંધ થઈ છે અને રૉયલઆર્ક ઇલેક્ટ્રોડ્સ શૅરદીઠ ૧૨૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૨૦ ખૂલી ૧૨૧ ઉપર બંધ થતાં એમાં સવા ટકાનો ચિલ્લર લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.
આજે ઔરંગાબાદની શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ ૧૦ના શૅરદીઠ ૪૪ના ભાવથી ૨૩૩૬ લાખ રૂપિયાનો BSE SME IPO કરવાની છે. ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ નથી. ગઈ કાલે ખરાબ બજારમાંય શ્રીરામ ન્યુઝ પ્રિન્ટ ૨૦ ટકાના ઉછાળે ૩૬.૪૦ની નવી ટૉપ બતાવી એની નજીકમાં બંધ રહી છે. ગત મહિને ૨૮ જાન્યુઆરીએ ભાવ ૧૮ રૂપિયાના વર્સ્ટ લેવલે ગયો હતો.
ચૅમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનની ભારત સામે બૂરી હારનો જશન કરાચીમાં થઈ રહ્યો હોય એમ પાકિસ્તાની શૅરબજાર ગઈ કાલે ૧૬૭૦ પૉઇન્ટની તેજીમાં ૧,૧૪,૪૭૦ બંધ થયું છે. સામે તમામ એશિયન બજાર સાધારણથી લઈ પોણો ટકો નરમ બંધ થયાં છે. જપાન રજામાં હતું. જર્મન માર્કેટ પોણો ટકો તો અન્ય યુરોપનાં બજાર નહીંવત પ્લસમાં રનિંગમાં દેખાતાં હતાં.