ઑટો, બૅન્કિંગ અને ફાઇનૅન્સની બૂરાઈ પાછળ બજાર વધુ ડાઉન

13 March, 2026 07:42 AM IST  |  Mumbai | Anil Patel

HDFC બૅન્કમાં ૧૪ મહિનાની નવી બૉટમ, HDB ફાઇનૅન્સ ઑલટાઇમ તળિયે : અદાણી ટોટલમાં સરકારી ગૅસ સપ્લાયની ગૅરન્ટીની તેજી આગળ વધી : ઇન્ડક્શન કુકર્સની ડિમાન્ડ થીમ કામે લાગતાં ટીટીકે પ્રેસ્ટિજની આગેકૂચ : FII છેલ્લા ૯ મહિનાથી સતત નેટ-સેલર

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

બ્રેન્ટક્રૂડ નવા સ્પાઇકમાં ૯૨ના આગલા બંધથી ઊછળીને ગઈ કાલે ઉપરમાં ૧૦૧ વટાવી રનિંગમાં સાડાચાર ટકા વધીને ૯૭ ડૉલર નજીક આવી ગયું છે. વોરન વ્યાપ વધવાની સાથે ખુવારી વધી રહી છે. ટ્રમ્પની ઊંઘ હરામ થવા માંડી છે. ગુરુવારે એશિયા ખાતે થાઇલૅન્ડ દોઢ ટકો પ્લસ હતું. બાકીનાં બજાર ઘટ્યાં છે. જેમાં જપાન તથા તાઇવાન દોઢ-દોઢ ટકો, હૉન્ગકૉન્ગ અને સાઉથ કોરિયા અડધા ટકા આસપાસ ડાઉન હતા. યુરોપ રનિંગમાં નહીંવત્થી સાધારણ ઢીલું હતું. બિટકૉઇન નેગેટિવ બાયસમાં ૭૦,૦૧૯ ડૉલર ચાલતો હતો. ડૉલર સામે રૂપિયો ૯૨.૩૭ના વરવા લેવલે જોવાયો છે. સરકાર એની આવડત પ્રમાણે ભાષણબાજીથી ગૅસની સપ્લાયની સ્થિતિ થાળે પાડવામાં વ્યસ્ત છે. વેપારધંધાની હાલત ખરાબ થઈ રહી છે. લોકોના રસોડે રમખાણની હાલત આવીને ઊભી છે એ અલગ વાત છે. FII વિશ્વની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમીના આંકડાથી અંજાયા વગર એકધારી વેચવાલ છે. ચાલુ મહિને ૧૧ માર્ચ સુધી કામકાજના ૭ જ દિવસમાં તેણે ૩૯,૧૧૭ કરોડની રોકડી  કરી છે. જુલાઈ ૨૦૨૫થી લઈને અત્યાર સુધી દર મહિને એ નેટ-સેલર રહી છે.

સેન્સેક્સ આગલા બંધથી ૪૯૪ પૉઇન્ટની નરમાઈમાં ૭૬,૩૭૦ નીચે ખૂલી છેવટે ૮૨૯ પૉઇન્ટ વધુ બગડી ૭૬,૦૩૪ તથા નિફ્ટી ૨૨૮ પૉઇન્ટ ખરડાઈ ૨૩,૬૩૯ ગઈ કાલે બંધ થયો છે. નબળા ઓપનિંગ બાદ ક્રમશઃ સુધી શૅરઆંક ઉપર ૭૬,૬૮૨ નજીક ગયા પછી નીચામાં ૭૫,૮૭૧ દેખાયો હતો. નિફ્ટી નીચામાં ૨૩,૫૫૬ થયો હતો. બગડી રહેલી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૨૩૮ શૅર સામે ૧૯૬૬ કાઉન્ટર ઘટ્યાં છે. માર્કેટકૅપ ૧.૮૪ લાખ કરોડ ઘટી ૪૪૦.૦૬ લાખ કરોડ રહ્યું છે એ થોડીક નવાઈ કહી શકાય. સેન્સેક્સ-નિફ્ટીના એકાદ ટકાના ઘટાડા સામે FMCG ઇન્ડેક્સ ૧.૬ ટકા, ઑટો ઇન્ડેક્સ ૩ ટકા નજીક, રિયલ્ટી દોઢ ટકો, બૅન્ક નિફ્ટી ૧.૧ ટકા નરમ હતા. સામે પાવર ઇન્ડેક્સ અઢી ટકા, યુટિલિટીઝ સવાત્રણ ટકા, એનર્જી ઇન્ડેક્સ એક ટકા સુધર્યો છે.

કોલ ઇન્ડિયા ૪૭૪ની ૧૭ મહિનાની ટૉપ બનાવીને સવાપાંચ ટકા વધીને ૪૭૦ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બની છે. સેન્સેક્સ ખાતે NTPC ૩૯૨ની નવી ટોચે જઈને પોણાત્રણ ટકા વધીને ૩૯૦ વટાવી બેસ્ટ ગેઇનર બની છે. અન્યમાં પાવરગ્રીડ દોઢ ટકા, ટેક મહિન્દ્ર એક ટકો, HCL ટેક્નો પોણો ટકો, જિયો ફાઇનૅન્સ દોઢ ટકો, અદાણી એન્ટરપ્રાઇઝ ૧.૪ ટકા, હિન્દાલ્કો ૧.૧ ટકા વધી હતી. રિલાયન્સ નામપૂરતા સુધારામાં ૧૩૯૨ નજીક રહી છે. બન્ને બજાર ખાતે મહિન્દ્ર, આઇશર અને મારુતિ ખરાબીમાં મોખરે હતી. બજાજ ફાઇનૅન્સ સવાત્રણ ટકા, લાર્સન ૩ ટકા, અલ્ટ્રાટેક ૨.૯ ટકા, ટ્રેન્ટ અઢી ટકા, ઇન્ડિગો સવાબે ટકા, તાતા મોટર્સ પૅસેન્જર સવાત્રણ ટકા, ગ્રાસિમ સવાબે ટકા ડૂલ થઈ છે. ઑટો શૅરમાં ખરાબી વચ્ચે સીએટ ટાયર્સ અઢી ગણા કામકાજે ઉપરમાં ૩૯૦૦ થઈ સાડાસાત ટકા ઊછળીને ૩૮૧૯ વટાવી ગઈ છે. MRF દોઢ ટકા કે ૧૯૬૫ રૂપિયા વધી હતી. પિરામલ ફાર્મા સાડાછ ટકા તૂટી ૧૪૫ના બંધમાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર હતી. તેજસનેટ ૬.૪ ટકા, લુમેક્સ ઑટો ટેકનો પોણાછ ટકા, ચોલામંડલમ ફાઇનૅન્સ સવાપાંચ ટકા ખરડાઈ છે. એલ્ડેકો હાઉસિંગ માત્ર ૩ શૅરના કામકાજમાં ૧૧ ટકા તૂટી ૮૦૪ની અંદર બંધ આવી છે.

ખાનગી બૅન્કોમાં નરમાઈ, સરકારી બૅન્કો ધીમા સુધારામાં

ખાનગી અને સરકારી બૅન્કો સામસામા રાહે હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરની હૂંફમાં ફ્લૅટ રહ્યો છે. સામે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૮ શૅરની નરમાઈમાં ૧.૬ ટકા માઇનસ થયો છે. ખાનગી બૅન્કોમાં ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૫.૩ ટકા ગગડી ૮૩૧ બંધમાં ટૉપ લૂઝર હતી. કરૂર વૈશ્ય બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, બંધન બૅન્ક, IDFC ફર્સ્ટ બૅન્ક, CSB બૅન્ક દોઢથી ૩ ટકા ઘટી છે. ICICI બૅન્ક વધુ ૨.૨ ટકા બગડી ૧૨૬૬ બંધમાં બજારને ૧૭૧ પૉઇન્ટ નડી હતી. કોટક બૅન્ક ૨.૧ ટકા તથા ઍ​ક્સિસ બૅન્ક બે ટકા ડાઉન થઈ છે. HDFC બૅન્ક ૮૨૦ની ૧૪ મહિનાની નવી બૉટમ બતાવી નજીવા ઘટાડામાં ૮૩૨ રહી છે. BSEમાં ૧૨માંથી ૮ સરકારી બૅન્કો વધી છે. આઇઓબી એક ટકા, પીએનબી અડધો ટકો, યુનિયન બૅન્ક ૧ ટકા સુધરી મોખરે હતી. સ્ટેટ બૅન્ક અડધો ટકો વધુ ઘટી છે. ઇન્ડિયન બૅન્ક એક ટકો નરમ હતી. સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કિંગમાં નવમાંથી નવ શૅર ઘટ્યા છે. સૂર્યોદય બૅન્ક સવાપાંચ ટકા, જના સ્મૉલ બૅન્ક ૩.૮ ટકા, કૅપિટલ સ્મૉલ બૅન્ક ૩.૫ ટકા, ઇક્વિટાસ સવાબે ટકા, એયુ બૅન્ક પોણાબે ટકા ડાઉન થઈ છે. ખાનગી બૅન્કોમાં DCB બૅન્ક દોઢ ટકા, જેકે બૅન્ક ૧.૭ ટકા તથા તામિલનાડુ બૅન્ક સવા ટકો આગળ વધી હતી.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૮૪માંથી ૧૨૯ શૅરની નરમાઈ સાથે એક ટકા ઘટ્યો છે. બજાજ ફાઇનૅન્સ ૩.૩ ટકા ખરડાઈ ૮૬૩ હતી. બજાજ હોલ્ડિંગ્સ ૯૭૫૬ની વર્ષની બૉટમ બતાવી ૩૭૭ રૂપિયા કે ૩.૭ ટકા બગડી ૯૭૯૬ હતી. HDB ફાઇનૅન્સ ૬૪૦ના ઑલટાઇમ તળિયે જઈ એક ટકો ઘટીને ૬૫૦, તાતા કૅપિટલ સાધારણ ઘટી ૩૧૮, પેટીએમ પોણાબે ટકા ઘટી ૧૦૦૮ હતી. જિયો ફાઇનૅન્શિયલ દોઢ ટકાની આગેકૂચમાં ૨૪૨ થઈ છે. બ્રોકરેજ શૅરમાં ઍન્જલ વન અઢી ટકા, શૅર ઇન્ડિયા ૧.૪ ટકા, ફાઇવ પૈસા કૅપિટલ અડધો ટકા, આદિત્ય બિરલા મની ૨.૨ ટકા, દામ કૅપિટલ દોઢ ટકા, SME ગ્લોબલ એક ટકો, રેલિગેર ૪.૩ ટકા, IIFL કૅપિટલ બે ટકા ઘટી છે. ગ્રો ફેમ બિલિયન બ્રેઇન્સ ૨.૪ ટકા વધીને ૧૫૮ થઈ છે.

નવી દિલ્હીની ઇનોવિઝનનો ઇશ્યુ સાવ ફ્લૉપ ગયો

રાજસ્થાનના ભીલવાડા ખાતેની એલ્ફિન ઍગ્રો ઇન્ડિયા પાંચના શૅરદીઠ ૪૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પહેલેથી ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે BSE ખાતે ૪૭.૩૦ ખૂલી ૪૭.૬૦ બંધ થતાં સવા ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. શ્રીનિવાસ પ્રધાન કન્સ્ટ્રક્શન્સનો SME IPO આજે લિસ્ટેડ થવાનો છે. આગલા દિવસે શૅરદીઠ ૧૦૦ રૂપિયા કે સાડાસાત ટકા નજીકના લિસ્ટિંગ ગેઇનમાં ૧૪૫૨ બંધ રહેલી પુણેની સેડમેક મેક્ટ્રૉનિક્સ ગઈ કાલે ૧૪૧૫ની નીચી સપાટી બનાવી પોણો ટકો ઘટી ૧૪૪૦ હતી.

SME કંપની ઍપ્સિસ ઍરોકૉમને ડિફેન્સની થીમ ફળી છે. ૧૦ના શૅરદીઠ ૧૧૦ની અપરબૅન્ડ સાથે ૩૬ કરોડનો આ NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૫.૫ ગણો ભરાઈ ચૂક્યો છે. નવથી શરૂ થયેલું પ્રીમિયમ ઊછળીને ૨૩ થયા બાદ હાલમાં ૧૮ ચાલે છે. મેઇન બોર્ડમાં નવી દિલ્હીની ઇનોવિઝન લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૫૪૮ની અપરબૅન્ડ સાથે ૩૨૩ કરોડનો ઇશ્યુ ગઈ કાલે એના છેલ્લા દિવસના અંતે રીટેલમાં ૨૯ ટકા સહિત કુલ ૩૩ ટકા જ ભરાયો છે. ઇશ્યુમાં QIB પોર્શન માત્ર એક ટકા હતો. જ્યારે રીટેલ પોર્શન ૬૫ ટકા તથા HNI પોર્શન ૩૪ ટકા રખાયો હતો. પ્રીમિયમ શરૂઆતથી ઝીરો હતું. બીજા દિવસના અંત સુધીમાં ભરણું કુલ માત્ર ૧૨ ટકા જ ભરાયું હતું. ત્યાં એકાએક પ્રીમિયમ ૫૯ શરૂ થઈ ૬૬ થઈ ગયું હતું. નબળા રિસ્પૉન્સ વચ્ચે આવું પ્રીમિયમ ખરેખર શંકાસ્પદ કહી શકાય. ગઈ કાલે છેલ્લે પ્રીમિયમ ઝીરો બોલાતું હતું. ઇશ્યુ એના છેલ્લા દિવસે ફક્ત ૩૩ ટકા ભરાયો છે એટલે હવે આ ફ્લૉપ ભરણાને રદ કરાય છે કે પછી એની મુદત લંબાવાય છે એ જોવું રહ્યું. ઇશ્યુમાં QIB પોર્શન એક જ ટકો છે એ જોતાં બહુધા ભરણું રદ કરાય એવી શક્યતા વધુ દેખાય છે.

ઑટો ઇન્ડેક્સ ૬ મહિનાના તળિયે, તાતા મોટર્સ પૅસેન્જર વર્સ્ટ લેવલે

ફ્રન્ટિયર સ્પ્રિન્ગ્સ એક શૅરદીઠ બે બોનસ તેમ જ IT કંપની ઇક્લેરેકસ સર્વિસિસ શૅરદીઠ એક બોનસમાં આજે બોનસ બાદ થવાની છે. ફ્ર​ન્ટિયરનો શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે ૪૬૧૦ ખૂલ્યા બાદ નીચામાં ૪૪૧૦ અને ઉપરમાં ૪૬૪૦ થઈ સાધારણ ઘટીને ૪૫૯૦ બંધ થયો છે. જ્યારે ઇક્લેરેક્સ નીચામાં ૩૦૩૧ તથા ઉપરમાં ૩૨૦૩ થઈ સવા ટકો વધી ૩૧૫૩ હતી. હિન્દુસ્તાન અર્બન ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટની પૂર્વસંધ્યાએ બે ટકા ઘટી ૨૨૪૩ રહી છે. ગુજરાતના વેરાવળની મારુતિ ૧૦ના ભાવથી ભાવોભાવ રાઇટમાં એક્સ રાઇટ થતાં ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૬.૬૦ થઈ ત્યાં જ બંધ હતી. મુંબઈના અંધેરી ઈસ્ટની સુપ્રા પેસિફિક ફાઇનૅન્સ સર્વિસિસ ૪૯ શૅરદીઠ ૩૨ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૨૩ના ભાવથી રાઇટમાં રાઇટ બાદ થતાં ઉપરમાં ૨૫.૨૦ બતાવી ૩ ટકા વધીને પચીસ થઈ છે. વર્ટેક્સ સિક્યૉરિટીઝ શૅરદીઠ એકના પ્રમાણમાં બેના શૅરદીઠ બેના ભાવથી રાઇટમાં એક્સ રાઇટ થતાં ઉપરમાં ૩.૪૫ થઈ ૪.૩ ટકા ગગડી ૨.૮૭ હતી.

ગૅસની સપ્લાય ચિંતાનું કારણ બનતાં ઑટો શૅરમાં ઘટાડો આગળ વધ્યો છે. ઑટો મોબાઇલ તેમ જ કૉમ્પોનન્ટ્સ ઉત્પાદનમાં વિવિધ તબક્કે ગૅસની સતત જરૂરિયાત પડે છે. ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે ૨.૯ ટકા કે ૧૬૭૬ પૉઇન્ટ ઘટ્યો છે. નિફ્ટી ઑટો ૧૫માંથી ૧૫ શૅરની ખરાબીમાં ૨૫,૦૪૬ની છ મહિનાની બૉટમ બનાવી ૩.૨ ટકા ગગડી ૨૫૦૯૮ રહ્યો છે. આગલા દિવસના પાંચ ટકાના ધબડકા બાદ TVS મોટર્સ નીચામાં ૩૪૦૫ થઈ ૫.૩ ટકા તૂટી ૩૪૧૧ હતી. સેન્સેક્સ નિફ્ટીમાં મહિન્દ્રા૪.૨ ટકા, આઇશર ૩.૯ ટકા કે ૨૮૧ રૂપિયા અને મારુતિ ૩.૬ ટકા કે ૪૮૬ રૂપિયા લથડી ઘટાડામાં મોખરે હતી. અશોક લેલૅન્ડ ૩.૬ ટકા ડૂલ થઈ છે. તાતા મોટર્સ પૅસેન્જર ૩૨૩ના વર્સ્ટ લેવલે જઈને ૩.૨ ટકા ખરડાઈ ૩૨૪ હતી. હીરો મોટોકૉર્પ ૩.૨ ટકા, હ્યુન્દાઇ મોટર્સ ૧.૪ ટકા, બજાજ ઑટો પોણાબે ટકા ડાઉન હતી.

પાવર યુટિલિટી શૅરો ડિમાન્ડમાં, કોલ ઇન્ડિયા નવા બેસ્ટ લેવલે

ગૅસની ગરબડ સોલર પાવર, વિન્ડ પાવર, રિન્યુએબલ એનર્જી, ઇન્ડક્શન કુકર્સ કંપનીઓને ફળી છે. NTPC ગ્રીન ૨૧ ગણા કામકાજે ઉપરમાં ૧૦૩ થઈ ૧૨.૬ ટકા ઊછળીને ૯૭.૬૧ બંધમાં એ-ગ્રુપમાં ઝળકી છે. કેપીઆઇ ગ્રીન ૪૩૨ વટાવી સાડાઆઠ ટકાની તેજીમાં ૩૯૪ થઈ છે. સુઝલોન એનર્જી ૪૩.૫૩ થઈ બે ટકા વધીને ૪૨.૪૬ હતી. આઇનૉક્સ વિન્ડ ૧.૮ ટકા, સ્કિપર લિમિટેડ ૩.૪ ટકા, ભેલ ૪.૭ ટકા, સિમેન્સ દોઢ ટકા, JSW એનર્જી ૬.૩ ટકા, અદાણી પાવર ૭.૪ ટકા, તાતા પાવર ૪.૪ ટકા, ટોરન્ટ પાવર ૪.૩ ટકા, રિલાયન્સ પાવર ૩.૬ ટકા મજબૂત હતી. કોલ ઇન્ડિયા ૪૭૩ના શિખરે જઈને ૫.૩ ટકાના જમ્પમાં ૪૭૦ થઈ છે. ભારત કોકિંગ કોલ સાડાત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૬.૬૦ બતાવી ૭.૨ ટકા ઊછળીને ૩૫.૮૦ રહી છે.

ઇન્ડક્શન કુકર્સ બનાવતી ટીટીકે પ્રેસ્ટિજ પોણાઅગિયાર ટકાની આગલા દિવસની તેજી આગળ વધારતાં ભારે વૉલ્યુમ સાથે ૬૧૧ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૮.૩ ટકાની આગેકૂચમાં ૫૮૦ થઈ છે. બટરફલાય ગાંધીમતી પોણાતેર ટકાની બુધવારની તેજી પછી ગઈ કાલે ઉપરમાં ૭૬૭ થઈ અડધો ટકો સુધરી ૭૦૦ તો સ્ટોવક્રાફ્ટ ઉપરમાં ૬૦૯ બતાવી પ્રૉફિટ બુકિંગમાં ૬.૯ ટકા ઘટીને ૫૦૭ હતી. એલપીજી તેમ જ પીએનજીની સપ્લાયમાં ઘરગથ્થુ ગ્રાહકોને અગ્રતા આપવા સરકારે નિર્ણય કર્યો છે એના ભાગરૂપ ગૅસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને ગૅસની સપ્લાય અગ્રતાના ધોરણે આપવા ફરમાન કર્યું છે. સરકારના ગૅસ-સપ્લાય રેગ્યુલેશન ઑર્ડરથી અદાણી ગ્રુપની અદાણી ટોટલ જબરા જોરમાં આવી છે. શૅર આગલા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં બંધ થયા પછી ગઈ કાલે ૬૫૦ની ઇન્ટ્રા-ડે હાઈ દેખાડી સાડાછ ટકા ઊછળી ૬૦૭ હતો. ગુજરાત ગૅસ અડધો ટકો નરમ, મહાનગર ગૅસ અડધો ટકો પ્લસ હતી. આઇઆરએમ એનર્જી ૧.૭ ટકા ડાઉન તો જીએસપીએલ અઢી ટકા અને ઇન્દ્રપ્રસ્થ ગૅસ અડધો ટકો નરમ રહી છે. પાવર ઇન્ડેક્સ ગઈ કાલે અઢી ટકા વધીને બંધ હતો. યુટિલિટીઝ ૩.૩ ટકા પ્લસ હતો.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange